Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : What kind of love does Trupti need even though she lives in the world of glamour?

Chitralok : ગ્લેમરની દુનિયામાં રહીને પણ તૃપ્તીને કેવો પ્રેમ જોઈએ છે? અભિનેત્રીએ વ્યક્ત કરી ઈચ્છા

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : ગ્લેમરની દુનિયામાં રહીને પણ તૃપ્તીને કેવો પ્રેમ જોઈએ છે? અભિનેત્રીએ વ્યક્ત કરી ઈચ્છા
સોર્સ : gstv
પ્રેમ તો બધાને થાય છે, પણ ખરો પ્રેમ તમામના નસીબમાં નથી હોતો. આવું જ કંઈક માનવું છે બોલીવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી તૃપ્તિ ડિમરીનું, જેણે પોતાની કારકિર્દીની શરૂઆત ઝનૂની પ્રેમકહાની ધરાવતી ફિલ્મ 'લૈલા મજનૂ'થી કરી હતી. આ ફિલ્મમાં તેના પાત્રનું ઊંડાણ અને ભાવનાત્મક તીવ્રતાએ દર્શકોને આકર્ષિત કર્યા હતા. ત્યાર પછી 'ધડક ટુ' જેવી રોમેન્ટિક ફિલ્મમાં તે નજર આવી. 'એનિમલ' ફિલ્મે તેને નેશનલ હાર્ટથ્રોબ બનાવી દીધી અને છેલ્લા કેટલાક સમયથી એ ઈન્ટેન્સ લવ સ્ટોરી 'ઓ રોમિયો'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માટે દર્શકોએ મિશ્ર અભિપ્રાય આપ્યો છે. જોકે તૃપ્તિના પર્ફોર્મન્સથી બધા સંતુષ્ટ છે. રસપ્રદ બાબત છે કે પડદા પર ઝનૂની પ્રેમ નિભાવનાર તૃપ્તિ અસલ જીવનમાં ખરા પ્રેમમાં જ વિશ્વાસ રાખે છે, દેખાડા અથવા અતિ-નાટકીય પ્રેમમાં નહીં.
App Store
 
તાજેતરમાં એક મુલાકાત દરમ્યાન તૃપ્તિએ સ્પષ્ટતા કરી કે 'પ્રત્યેક વ્યક્તિનો પ્રેમ તરફનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. હું સાચુકલા, જેન્યુઇન પ્રેમમાં વિશ્વાસ રાખું છું. ઝનૂનભર્યો પ્રેમ મને સમજાતો નથી. હા, ખરા પ્રેમ પર મને પૂરો ભરોસો છે.'
 
તૃપ્તિનું આ નિવેદન તેની સાદગી અને પરિપકવતા દર્શાવે છે. આજના યુગમાં પ્રેમમાં દગાબાજીની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોવા છતાં ખરા પ્રેમ બાબતે તૃપ્તિ આશાવાદી છે. તેના મતે ભલે દુનિયા બદલાઈ ગઈ હોય, પણ ખરો પ્રેમ આજે પણ અસ્તિત્ત્વ ધરાવે છે. કદાચ આ જ વિશ્વાસ તેના અભિનયમાં પણ છલકાય છે.
 
વેલેન્ટાઈન્સ ડે પર રજૂ થયેલી તેની ફિલ્મ 'ઓ રોમિયો'માં પણ તેણે ફરી પોતાના રોમેન્ટિક અંદાજને દર્શકો સમક્ષ રજૂ કર્યો. જોકે તૃપ્તિ પોતે આ વેલેન્ટાઈન્સ  ડે બાબતે વધુ ઉત્સાહિત નહોતી. તૃપ્તિ કહે છે કે તેણે ક્યારેય વેલેન્ટાઈન્સ ડે પર ખાસ કોઈ ઉજવણી નથી કરી.  આ વખતે જોકે તેણે પોતાની ફિલ્મની રિલીઝને કારણે આ દિવસની ઉજવણી કરી હતી. તેના મતે પ્રેમની ઉજવણી કોઈ એક દિવસની મોહતાજ નથી હોતી, આ તો એક નિરંતર રહેતી ભાવના છે.
 
બોક્સ ઓફિસની સફળતા વિશે તૃપ્તિનો દ્રષ્ટિકોણ અત્યંત સંતુલિત છે. એ કહે છે, 'ફિલ્મની પોતાની કિસ્મત અને સફર હોય છે. જો કોઈ ફિલ્મ વ્યાવસાયિક રૂપે સફળ ન થાય, તો તેનો અર્થ એવો નથી કે તે સારી નહોતી. દસ વર્ષ પછી કોઈને બોક્સ ઓફિસના આંકડા યાદ નથી રહેતા, પણ સેટ પર વિતાવેલી પળો, શીખેલી નવી વાતો અને બનેલા સંબંધો યાદ રહે છે.' .
 
ઓનલાઈન ટ્રોલિંગના વિષય પર પણ તૃપ્તિએ પ્રમાણિકતાથી પોતાની લાગણી વ્યક્ત કરે છે. તેણે સ્વીકાર કર્યું કે, 'હું ઘણીવાર નકારાત્મક ટિપ્પણીઓની અવગણના કરું છે, પણ આખરે હું પણ એક માણસ છું. ક્યારેક મને ખરાબ લાગે છે અને ક્યારેક હું રડી પણ પડું છું. જો કે કોઈ મારા કામની આલોચના કરે તો  એટલી તકલીફ નથી થતી, પણ વ્યક્તિગત ટિપ્પણીઓ મનેે ચોટ પહોંચાડે છે... પણ હવે મેં મારી જાતને મજબૂત બનાવી છે. હું  સરળતાથી તૂટી જાઉં તેમાંની નથી.'
 
કારકિર્દીના પ્રારંભિક સમયમાં તૃપ્તિએ ત્રણ વર્ષમાં માત્ર ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે લાંબો સમય સુધી ઓડિશન આપતી રહી અને સંઘર્ષ કરતી રહી. પણ તેણે  પોતાને ક્યારેય અસફળ ન માની. તૃપ્તિ કહે છે, 'તે સમયે પણ હું ખુશ હતી, કારણ કે પ્રત્યેક ઓડિશન એક નવો અનુભવ હતો. દરેક ઓડિશનમાંથી હું કશુંક નવું શીખતી હતી.'
 
'એનિમલ'ની સફળતા પછી તેની પાસે ફિલ્મોની ઓફર્સનો વરસાદ વરસ્યો. 'બેડ ન્યુઝ', 'વિક્કી કા વો વાલા વીડિયો' અને 'ભૂલભુલૈયા ૩' જેવી ફિલ્મોમાં દેખાયા  પછી તૃપ્તિ હવે 'સ્પિરિટ' અને 'મા બહન' જેવી મોટા બજેટની ફિલ્મોમાં નજરે પડશે. 
 
તૃપ્તિ ડિમરીની જીવન સફર એ વાતની સાબિતી છે કે ખરો પ્રેમ માત્ર સંબંધોમાં જ નહીં, પણ પોતાના કામ પ્રત્યેના  સમર્પણમાં પણ હોય છે. ઝનૂની પાત્ર નિભાવનારી આ અભિનેત્રી અસલ જીવનમાં સાદગી, સરળતા અને ધૈર્યને મહત્વ આપે છે. 
 
બહોત અચ્છે, તૃપ્તિ.