Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Various names of Lord Krishna and their meanings

Dharmlok: ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ નામો અને તેના અર્થ

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ નામો અને તેના અર્થ
સોર્સ : GSTV

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી 

App Store

મહાભારતના ઉદ્યોગ પર્વમાં યાન સંધિ પર્વ છે. આ ઉદ્યોગ પર્વના યાન સંધિ પર્વમાં અધ્યાય ૭૦માં ભગવાન શ્રીકૃષ્ણના નામનો મહિમા સંજયે વર્ણવ્યો છે. ધૃતરાષ્ટ્રે સંજયને પ્રશ્ન કર્યો કે, ભગવાન શ્રીકૃષ્ણના નામોનો ગૂઢાર્થ મારે જાણવાની ઈચ્છા છે. માટે હે સંજ્ય આપ ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા મને વર્ણવો. 

ત્યારે સંજયે કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પ્રકાશિત છે. જેમનું સ્વરૂપ તેજોમય છે. જે સૂર્ય-ચંન્દ્રને તેજ આપવાવાળા છે. આખું જગત એમનામાં સમાયેલું છે. માટે એમનું નામ વાસુદેવ છે. તેઓ સમગ્ર જગતમાં વ્યાપક છે એટલે એમનું નામ વિષ્ણુ છે. જેમના નેત્રો કમળ જેવા છે, જેમના હૃદયને પણ કમળની ઉપમા આપી છે માટે તેમનું નામ પુંડરીકાક્ષ છે. મધુ નામના દૈત્યનો નાશ કર્યો તેથી તે મધુસુદન કહેવાય છે. પૃથ્વિ આદિ તત્ત્વો તેમનાથી લય પામે છે એટલે એમનું નામ મધુહા કહેવાય છે. જે માયાને દૂર કરવાવાળા છે. એક બીજો અર્થ છે કે તેઓ માયાના પતિ છે. માટે તેઓ માધવ કહેવાય છે. કૃષ શબ્દ એ સત્તા વાચક છે અને ણ એ નિવૃત્તિ વાચક છે. કૃષ્ણ એ બન્ને નામો સત્તા અને આનંદ વાચક છે. માટે તે કૃષ્ણ કહેવાયા છે. દુષ્ટ લોકોને મારવાવાળા છે માટે તે જનાર્દન કહેવાય છે.સત્વ તેમનાથી દૂર થતું નથી માટે તે સાત્વત કહેવાય છે.વેદનું તો રક્ષણ ખરુંજ પણ ધર્મનું પણ રક્ષણ કરવાવાળા છે માટે વૃષભેક્ષણ કહેવાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાની ઈચ્છાથી અવતાર લેવાવાળા છે માટે અજ કહેવાય છે. પરમાત્મા શ્રીકૃષ્ણ ઈન્દ્રિયોમાં પ્રકાશ સ્વરૂપે છે અને કામ-ક્રોધ આદિ દુર્ગુણોનું દમન કરવાવાળા છે માટે દામોદર કહેવાય છે. જે ઈન્દ્રિયોના સ્વામિ છે, જેમનું નામ સ્મરણ કરવાથી હર્ષ થાય છે માટે તે ઋષિકેશ કહેવાય છે. ભગવાન પોતાના બાહુઓ વડે સ્વર્ગ તથા પૃથ્વિને ધારણ કરવાવાળા છે માટે તે મહાબાહુ કહેવાય છે. તેમને કોઈ દિવસ સંસારની મોહ-માયા સ્પર્શ કરતી નથી માટે તે અધોક્ષજ કહેવાય છે. નરોના જે આશ્રય છે તેનો બીજો અર્થ તેવો પણ છે કે જે જળમાં નિવાસ કરવાવાળા છે માટે તેમને નારાયણ કહેવાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરવાવાળા છે માટે તેમને પુરુષ કહેવાય છે અને પુરુષોમાં તેઓ ઉત્તમ છે માટે તેમને પુરુષોત્તમ કહેવાય છે. ભગવાન આ શ્રૃષ્ટિના અભિન્નનિમિત્તોપાદાન કારણ છે માટે તેમને સર્વ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણમાં સત્ય રહેલું છે અને સત્ય શ્રીકૃષ્ણમાં છે માટે તેમને સત્ય કહેવાય છે. એ સર્વને જીતનારા છે માટે તે જિષ્ણુ કહેવાય છે. જેમના ગુણો વર્ણવી શકાતા નથી માટે તેમને અનંત કહેવાય છે. ગો એટલે ઈન્દ્રિયોના પ્રકાશક હોવાથી ગોવિંદ કહેવાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ યદુ વંશમાં પ્રગટયાં છે માટે તેમનું નામ યાદવ છે. હે મહારાજ ! જે નિર્ગુણ છે પણ ભક્તજનો માટે થઈને સગુણ થયાં છે. હે મહારાજ ધૃતરાષ્ટ્ર ! તમારો પુત્ર દૂર્યોધન એ તો કુરુકુળના નાશનું મૂળ છે. હજી પણ સમય છે પાંડવોને એમનો અધિકાર સોંપે અને ભગવાન શ્રીકૃષ્ણને શરણે જાય. મહાભારતનો આ પ્રસંગ અને ભગવાન શ્રીકૃષ્ણના નામો આપણને એ કહેવા માંગે છે કે કોઈપણ પરિસ્થિતિમાં જીવ જ્યારે ભગવાનનો આશ્રય કરે ત્યારે તેના સંપૂર્ણ ભરણ-પોષણની જવાબદારી ભગવાન સંભાળે છે.