Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Two hours of infatuation and a lifetime of regret

Sahiyar : બે ઘડીનો મોહ અને આખી જિંદગીનો પસ્તાવો: લગ્નજીવન બહાર શોધવા જતા પ્રેમની વરવી વાસ્તવિકતા

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : બે ઘડીનો મોહ અને આખી જિંદગીનો પસ્તાવો: લગ્નજીવન બહાર શોધવા જતા પ્રેમની વરવી વાસ્તવિકતા
સોર્સ : gstv

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

App Store

સંબંધો અંગેની વિવિધ જટિલતાઓ વિશે સમયાંતરે લોકો સાથે વાતો થતી હોય છે. તેમાં એક વ્યક્તિ સાથે વાત થઈ અને તેનો જે પ્રશ્ન હતો અને તેની જે સમસ્યા હતી તે સાંભળ્યા પછી એમ થયું કે, આવી સમસ્યાઓ તો ઘણા લોકોને થતી હોય છે પણ તે ચર્ચાતી નથી. આપણા સમાજમાં સંબંધો વિશે વાત કરવી ટેબુ જેવું છે પણ સંબંધીઓ વિશે બેફામ વાતો કરી શકાય છે. ખરે આ વિશે તો ગમે ત્યારે અને ગમે તેટલી ચર્ચા કરી શકાય છે પણ પેલા ભાઈએ જે વાત કરી તે થોડી રસપ્રદ હતી. 

વેદાંત નામનો આ યુવાન દિવ્યા નામની એક પરિણિત યુવતીના પ્રેમમાં છે. તેનું માનવું છે કે, દિવ્યા પણ તેને ખૂબ જ પ્રેમ કરે છે. આ બંને જણા પાડોશી છે. દિવ્યા અને વેદાંતનું ઘર બિલકુલ એકબીજાને અડીને આવેલું છે. તેમના ઘર વચ્ચે કોમન દીવાલ છે. તેઓ અવારનવાર પાછળના ચોકમાં કે આગળ વરંડામાં એકબીજા સાથે વાતો કરતા હોય છે. દિવ્યાના લગ્ન જેની સાથે થયા છે તે મનોજ પાડોશી હોવા ઉપરાંત વેદાંતના મોટાભાઈનો બાળપણનો મિત્ર છે. આમ તેમની વચ્ચે માત્ર બે વર્ષનો જ તફાવત છે છતાં તે મોટાભાઈનો મિત્ર છે. 

દિવ્યા અને વેદાંત વચ્ચે જે વાતો થતી અને જે લાગણીઓનો સેતુ રચાયો તેની પાછળ એક વિચિત્ર કહી શકાય તેવી બાબત હતી. દિવ્યાની ફરિયાદ એવી છે કે, મનોજ તેને ખૂબ જ સારી રીતે રાખે છે, પ્રેમ કરે છે અને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે પણ તે એક સ્ત્રીના મનને સમજી શકતો નથી. દિવ્યા પોતાના દિલની વાત વેદાંત સાથે કરે છે. વેદાંત એવું કહે છે કે, અમે હવે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છીએ. હું દિવ્યાને અને તેની લાગણીઓને સારી રીતે સમજી શકું છું. તેની ઘણી બધી વાતો મને હવે તો કહ્યા વગર પણ સમજાઈ જાય છે. તેના મૂડ સ્વિંગ્સને પણ હું સમજી શકું છું. મારી લાગણીઓને પણ તે સારી રીતે સમજે છે અને જવાબ આપે છે. 

પાડોશી હોવાના કારણે અમે એકબીજા સાથે થોડીઘણી વાતો કરી શકીએ છીએ પણ વધુ સમય એકબીજા સાથે પસાર કરી શકીએ તેમ નથી. અમે વોટ્સએપ દ્વારા અને વીડિયો કોલની મદદથી કનેક્ટેડ રહીએ છીએ. દિવ્યા પોતાના પતિ સાથેના અણબનાવ કે અધુરપનો મારી સામે એકરાર કરે છે અને હું તેને શાંત્વના આપું છું અને સમજાવું છું. મને તેની ઘણી ચિંતા થાય છે. બીજી તરફ એવો પણ વિચાર આવે છે કે, મારા કારણે તેના સાંસારિક જીવનમાં સમસ્યા ન થાય. આ સમસ્યાનો ઉકેલ લાવવો કેવી રીતે. ઘણી વખત એવું પણ થાય છે કે, અમે હું દિવ્યાને છૂટાછેડા લેવા મનાવી લઉં અને પછી અમે બંને લગ્ન કરીને ક્યાંક બીજે સેટલ થઈ જઈએ. 

દિવ્યા અને વેદાંતની વાત પરથી એક બાબત બહુ જ સહજતાથી સમજાય એવી છે કે, નવપરણિત સ્ત્રી અને યુવાવસ્થાએ પહોંચેલા પુરુષ વચ્ચે જે સહજ વાતચીત હોય કે લાગણીઓની આપલે થતી હોય તેમાં ઘણી વખત બંનેમાંથી કોઈ એક પક્ષે આ વાતને પ્રેમ માની લેવામાં આવે છે. યુવાનીના ઉંબરે પહોંચેલી વ્યક્તિઓની આસપાસમાં કે ઘર પરિવારમાં કોઈ નવપરણિત યુગલ હોય તો ભાભી પ્રત્યે યુવાનને ખેંચાણ કે આકર્ષણ હોય તે સ્વાભાવિક છે. મીઠી-મીઠી વાતો કરવી, એકબીજા સાથે દ્વિઅર્થી મજાક કરવી કે પછી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની વાતો થવી. આ બધી વાતો ઘણી વખત અકારણ આકર્ષણ ઊભું કરતી હોય છે. માત્ર કુંવારી વ્યક્તિ સાથે જ નહીં, પરિણિત સ્ત્રી કે પુરુષ સાથે પણ એવું થતું હોય છે. ઘણી વખત સાળી-બનેવી વચ્ચે પણ આવી ટીખળ અને વાતો ચાલતી હોય છે તેમાં ગેરસમજ ઊભી થતી હોય છે. 

આ ઘટનામાં જોઈએ તો દિવ્યા એવું માને છે કે, તેનો પતિ તેને ખુશ રાખે છે પણ તેના મનની ઈચ્છાઓને સારી રીતે જાણી કે સમજી શકતો નથી. વેદાંત પાસે તે આવડત સારી છે. તેના કારણે વેદાંત અને દિવ્યા એકબીજાને પસંદ કરે છે અથવા તો વેદાંતના મતે એકબીજાને પ્રેમ કરે છે. આ પ્રેમ માત્ર પ્રેમ છે કે શારીરિક આકર્ષણ તે પણ જાણવું જરૂરી છે. ઘણી વખત સ્ત્રીની માગણી સંતોષાતી હોય પણ લાગણી ન સંતોષાતી હોય તો તેનો પણ અભાવ લાગતો હોય છે. આવા સંજોગોમાં લગ્નેતર સંબંધો બંધાવા બહુ સામાન્ય છે. પુરુષની પ્રકૃતિ જ છે કે, પોતાની પત્ની રડે તો કંકાસ લાગે અને પારકી સ્ત્રી રડે તો પ્રેમ ઉભરાય.

સમજવા જેવી બાબત એ છે કે, વાત અહીં સ્વભાવ કરતા પરિસ્થિતિની વધારે કરવાની છે. વેદાંત એક તરફ દિવ્યાના ઈમોશનલ સ્ટેટને નોર્મલ કરવા પ્રયાસ કરે છે અને બીજી તરફ તેનું લગ્નજીવન પણ ન તૂટે તેની ચિંતા કરે છે. આવી બે ધારે ચાલવાની વૃત્તિ વધારે જોખમી હોય છે. વેદાંત ખરેખર દિવ્યાને સુખી જોવા ઈચ્છતો હોય તો મર્યાદામાં રહીને દિવ્યાને સમજાવી દે કે તારો પતિ જેવો પણ છે તારો છે. તારે અને તારા પતિએ એકબીજાની ઈમોશનલ નીડ્સ પણ પૂરી કરવા અંગે વિચાર કરવો જોઈએ. ક્યારેય તમારે બંનેએ ખુલીને તેના વિશે વાત કરવી જોઈએ. તેનાથી તદ્દન ભિન્ન વાત કરીએ તો દિવ્યા અને વેદાંત પોતાના સંબંધ અંગે મક્કમ હોય તો તેમણે પોતાના ઘરમાં આ વિશે વાત કરવી જોઈએ. દિવ્યા અને મનોજે છૂટા થવા અંગે વિચારવું જોઈએ અને ત્યારબાદ વેદાંત અને દિવ્યાએ લગ્ન કરવા અંગે વિચાર કરવો જોઈએ. 

એક વાત છે તેનાથી સમાજની રચાયેલી સિસ્ટમ તૂટી જશે. એક વ્યક્તિ માત્ર લાગણીઓમાં અધૂરપના કારણે લગ્નજીવન તોડીને અન્ય વ્યક્તિ સાથે ફરી લગ્ન કરે તે કેટલું ગ્રાહ્ય છે કે નહીં તે સમજવું જોઈએ. દિવ્યા માત્ર લાગણીઓ માટે થઈને મનોજથી ખુશ કે સંતુષ્ટ ન હોય તો ભવિષ્યમાં તેની બદલાતી લાગણીઓ અને માગણીઓ કદાચ વેદાંત માટે પણ સમસ્યા બની શકે છે. અહીંયા દિવ્યાના ચારિત્ર કરતા તેના મેન્ટલ સ્ટેટની વાત વધારે મહત્ત્વની છે. જે વ્યક્તિ પોતાના લાગણીઓ વિશે સ્પષ્ટ ન હોય અને ખાસ કરીને લગ્ન કર્યા બાદ તેને પોતાના પતિથી જ અસંતોષ હોય તો કોઈપણ સંબંધમાં આગળ વધવા અંગે વિચાર કરવો જોઈએ. 

સ્ત્રી જો ખરેખર એમ માનતી હોય કે પુરુષ મારા મનની વાત જાણી જાય તો તે ખરેખર તો અપેક્ષાઓનો માઉન્ટ એવરેસ્ટ સર કરવા સમાન છે. દરેક પુરુષ પોતાની સ્ત્રીની તમામ ઈચ્છાઓ આપોઆપ જાણી જાય એ શક્ય જ નથી અને તેવું સ્ત્રી પાસે પણ નથી. બીજી તરફ પુરુષ કોઈ જાદુગર નથી કે તમારો હાથ પકડે, તમારી સાથે જીવન જીવે એટલે તમારી જિંદગીની તમામ બાબતોને જાણી જાય. બિચારો નોકરી કરતો, ઘર ચલાવતો, સંસાર વસાવવા મથામણ કરતો એક પુરુષ છે જેની પાસે લાગણીવેડા કરવા કરતા બીજા ઘણા મોટા કામ છે. મારો પતિ મને સમજતો નથી એના રોદણા રોવા હું બીજા પુરુષ પાસે જાઉં તેનાથી મોટી મુર્ખતા બીજી કઈ હોઈ શકે. પરપુરુષ કે જે કદાચ આકર્ષણના જોરે અથવા તો એકતરફી પ્રેમના જોરે કે પછી માત્ર શારીરિક જરૂરિયાતો માટે થઈને એક સ્ત્રીના સંસારને સુખી કરવા મથતો હોય તે પણ કેટલા અંશે ગ્રાહ્ય છે. પતિ અને પત્ની વચ્ચે યોગ્ય રેપો ક્રિયેટ થયો નથી તો ત્રીજી વ્યક્તિ તે કરવામાં મદદ કરે એ કેવી રીતે શક્ય બને. તમે સલાહ આપી શકો પણ સુખી તો ન જ કરી શકો.

સુખ અને શાંતિ વ્યક્તિની ભાવનાગત બાબત છે. તમે સલાહ કે માર્ગદર્શન પૂરા પાડી શકો પણ તેનો અમલ કરવો કે નહીં તે તો જેતે વ્યક્તિ ઉપર નિર્ભર છે. સુખ કોઈ વસ્તુ કે વ્યક્તિગત બાબત નથી. પોતાની પાસે જે હોય તેમાં સુખી થતાં આવડવું જોઈએ તેવું ઘણી વ્યક્તિને સમજાવવું અઘરું છે. સામાન્ય રીતે આપણે કોઈના જીવનમાં કેટલો રસ લેવો અને કેટલો નહીં તે આપણા ઉપર નિર્ભર હોય છે. આવી સ્થિતિમાં સૌથી સરળ ઉપાય એટલો જ છે કે, તે સ્ત્રીને સમજાવીને તેની પરિસ્થિતિ ઉપર છોડી દેવી જોઈએ. જો એક સ્ત્રી પોતાના પતિ સાથે એડજસ્ટ ન કરી શકતી હોય તો શક્ય છે કે, પ્રેમ સંબંધમાં પણ સમયજતાં આ સ્થિતિનું ફરિથી નિર્માણ થઈ શકે છે. લગ્નેતર સંબંધોમાં આવી સ્થિતિ ઝડપથી અને આકરી રીતે આવતી હોય છે.

આવા સંબંધોમાં શારીરિક આકર્ષણ અને સંતોષ ઘણી વખત વધારે મહત્વના થઈ જતા હોય છે. આ સંતોષ બાદ એક તબક્કે અકળામણ અને કંટાળાનો ભાવ ફરીથી જાગે છે. તે સમયે પુરુષની સ્થિતિ વધારે કફોડી થતી હોય છે. આગળ જતાં તેનો અંત કેવો આવે છે તેના વિશે તો બધા જાણે જ છે. મિત્રભાવે થતી મદદ અને કુણીલાગણીઓ વચ્ચે અંતર છે. આ કુણી લાગણીઓ સમય જતાં કાંટામાં ફેરવાય અને બંને તરફ પીડા ઉપડે છે. કોઈપણ યુવાને આવી પરિણિત સ્ત્રીની જિંદગીમાં રસ લેવાના બદલે પોતાની જિંદગી સેટલ કરવા અંગે વધારે વિચાર કરવો જોઈએ. કદાચ કોઈ કિસ્સો એવો હોય જેમાં પતિ-પત્ની વચ્ચે ઈમોશનલ એટેચમેન્ટ ન હોય તો આ બાબત તેમની પોતાની અને અંગત છે. તેમાં ત્રીજી વ્યક્તિ તરીકે ન જ પડવું જોઈએ.