Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Tips to prevent a seizure patient from having a seizure

Sahiyar : આંચકીના દર્દીને ઊની આંચ ન આવવા દે એવી ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : આંચકીના દર્દીને ઊની આંચ ન આવવા દે એવી ટિપ્સ
સોર્સ : GSTV

- એપિલેપ્સી એટલે કે ફેફરું એક પ્રકારની જ્ઞાાનતંતુની બિમારી છે. એ મગજની કામગીરી અને એની વિદ્યુત ગતિવિધિઓ પર નેગેટિવ અસર કરે છે. એને પગલે વાઈના હુમલા આવે છે.

App Store

મેડિકલ જારગોનમાં જેને એપિલેપ્સી કહેવાય એ આંચકી, ફેફરું કે વાઈની વ્યાધિ માણસના સહેલામાં સહેલા કાર્યને મુશ્કેલ બનાવી દે છે. એને પગલે ખીજ અને હતાશા જન્મે છે એટલે જ વ્યક્તિ આ બિમારીનો સામનો કરવામાં શારીરિક અને માનસિક રીતે નિચોવાઈ જાય છે. એ સંજોગો ઊભા થતાં નિવારવા આંચકીના દર્દીએ અમુક સક્રિય પગલાં લેવા જરૂરી છે. વાઈ સાથે પણ નોર્મલ લાઈફ જીવી શકાય છે. એ માટેની અમુક ટિપ્સ તમને જરૂર મદદરૂપ થાય છે.

એપિલેપ્સી એટલે કે ફેફરું એક પ્રકારની જ્ઞાાનતંતુની બિમારી છે. એ મગજની કામગીરી અને એની વિદ્યુત ગતિવિધિઓ પર નેગેટિવ અસર કરે છે. એને પગલે વાઈના હુમલા આવે છે. હુમલાની તીવ્રતા અને એની ફ્રિકવન્સી વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોઈ શકે છે. દર્દી હારબંધ લક્ષણો અનુભવે છે. વાઈના કોમન સિમ્ટમ્સ (સામાન્ય લક્ષણો)માં બેચેની, હતાશા, સ્મૃતિભ્રંશ, સતત ધુ્રજારી, નસો ખેંચાવી, કોન્સન્ટ્રેટ કરવામાં મુશ્કેલી પડવી અને કન્ફ્યુઝનમાં રહેવા જેવી બાબતોનો સમાવેશ છે. આંચકી માત્ર આપણાં શારીરિક સ્વાસ્થ્યને જ અસર નથી કરતી, પણ આપણને ઈમોશનલી ડિસ્ટર્બ કરી નાખે છે, પરંતુ અમુક ટિપ્સને અનુસરી વ્યક્તિ આ બધી તકલીફો નિવારી શકે છે. એ બેસિક ટિપ્સ પર એક નજર કરીએ.


સમયસર દવા લેવાનું રાખો

વાઇના પેશન્ટે દવાઓ લેવાનું કદી ન ટાળવું. ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ ભૂલ્યા વગર ટાઈમસર લેવાનું રાખો. એ નિયમ પાળીને આંચકીને વધુ સારી રીતે કન્ટ્રોલ કરી શકાય છે. દર્દીએ એ વાત સમજી લેવી કે દવાઓ આંચકીના હુમલાની તીવ્રતા ઓછી કરવામાં મદદરૂપ થાય છે. દવાના ડોઝ ચુકી જવાથી દર્દીની હાલત કથળી શકે છે અને અવાર-નવાર આંચકીના હુમલા આવવા માંડે છે. જો કોઈ ગોળીઓ લેવાનું વારંવાર ભૂલી જતું હોય તો એ મોબાઈલમાં એલાર્મ કે રિમાઇન્ડર્સ સેટ કરી શકે છે.

આંચકીના એટેક વખતે સુરક્ષિત રહો

આંચકીનો હુમલો ક્યારે આવશે એ કહેવું ડૉક્ટર સહિત બધા માટે અશક્ય છે. દમના હુમલાની જેમ વાઈનો એટેક પણ કોઈ પણ ક્ષણે આવી શકે છે, એને લીધે પેશન્ટને ઈજા થવાનું જોખમ વધી જાય છે. નજીવીથી લઈને ગંભીર પ્રકારની ઇન્જરી થઈ શકે છે. એનાથી બચવા કમસેકમ ઘરમાં તો શાર્પ કોર્નર્સ (અણિયાળા ખૂણા)ને તો તમે કવર કરી જ શકો. એક બીજી વાત માર્કેટમાં મેડિકલ એલર્ટ બ્રેસલેટ્સ સહેલાઈથી મળી જાય છે, જે ઈમરજન્સીમાં પેશન્ટના પરિવાર કે આપ્તજનોને તુરત માહિતી પહોંચતી કરે છે. આવા બ્રેસલેટ ભવિષ્યમાં પણ વ્યક્તિના ઈજાગ્રસ્ત થવાનું જોખમ ઓછું કરી દે છે.

પૂરતી ઊંઘ લો

વાઇથી પીડાતી વ્યક્તિ જો પૂરતી ઊંઘ ન લે તો એ સામે ચાલીને આંચકીના હુમલાને આમંત્રણ આપી બેસે છે એટલે પેશન્ટે સાજાનરવા રહેવા નિદ્રાને ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ. કમસે કમ રોજ આઠથી નવ કલાકની ગાઢ નિદ્રા લેવાનું રાખવું. ઊંઘની ખરાબ ટેવ દર્દી માટે વાઈના હુમલાનો સામનો કરવાનું લગભગ દુષ્કર બનાવી દે છે. રોજ રાતે એક જ સમયે સુવાનો અને સવારે એક જ ટાઈમે ઉઠવાની ટેવ પાડો. દર્દી માટે આ એક રુટીન બની જવું જોઈએ. બીજું, રાતે સુતા પહેલા મોબાઈલમાં જાતજાતના વીડિયોઝ અને ટીવીમાં શૉઝ જોવાનું ટાળવું કારણ કે એનાથી તમારી ઊંઘમાં ખલેલ પડે છે.

સ્ટ્રેસ લેવલને કન્ટ્રોલ કરો

વાઈના ઘણાં દર્દી માટે બીજા બધા કારણો ઉપરાંત સ્ટ્રેસ આંચકીનો હુમલો આવવાનું નિમિત્ત બને છે. વાઈનું નિદાન થયા બાદ વ્યક્તિ માટે સ્ટ્રેસ લેવલને અંકુશમાં રાખવું એક મોટી ચેલેન્જ બની રહે છે. પેશન્ટ સ્ટ્રેસ લેવલ્સ મેનેજ અને મેઇનટેન કરવા વિવિધ મેથડ્સ અને ટેકનિક્સ અજમાવી શકે છે. એમાં ઊંડા શ્વાસ લેવા (ડીપ બ્રિથીંગ એક્સરસાઈઝેસ), યોગાસનો અને ધ્યાન (મેડિટેશન)નો સમાવેશ થાય છે. એની મદદથી તમે મગજ શાંત રાખી સ્ટ્રેસ લેવલ ઓછું કરી શકો છો. એક બીજો સાવ સહેલો ઉપાય પણ છે. દર્દી પોતાને શાંત અને આનંદમાં રાખે એવી પ્રવૃત્તિઓ કરે જેમ કે સવાર-સાંજ ચાલવા જવું, મનગમતી વાનગીઓ ખાવી, એન્ટરટેઈનમેન્ટ શૉઝ જોવા અને પોતાની રોજનિશી લખવી.

- રમેશ દવે