રંગભૂમિ, ઓટીટી અને ફિલ્મો... કોઈ એક નહીં પણ તમામ પ્લેટફોર્મ ગજવવા માંગે છે જિમ સરભ

સીધેસીધા ૭૦ એમએમના પડદા પર છવાઈ જવાની મહત્ત્વાકાંક્ષા ન સેવનારા કલાકારોને હમેશાં રંગમંચ આકર્ષે છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન વેબ સીરિઝ 'મેઈડ ઈન ઇન્ડિયા : અ ટાઈટન સ્ટોરી'માં ઝકર્સીસ દેસાઈની ભૂમિકા ભજવનાર અભિનેતા જિમ સરભ આવા કલાકારોમાંનો એક છે. જિમને કોલેજનો અભ્યાસ પૂરો કરતાં જ થિયેટરની લગન લાગી. એ કહે છે કે મારે થિયેટર, સિનેમા, ઓટીટી એમ તમામ માધ્યમોમાં કામ કરવું છે. કિરદાર શી રીતે જીવાય તે હું થિયેટરના અનુભવે શીખ્યો. કદાચ આ કારણે જ ફિલ્મ 'નીરજા'માં આતંકવાદી ખલીલના પાત્રમાં તે છવાઈ ગયો હતો. જોકે એમ માની લેવું ભૂલભર્યું ગણાશે કે જિમને બોલિવુડમાં આસાનીથી કામ મળી ગયું હશે. અભિનેતા કહે છે કે આરંભના ચાર વર્ષ સુધી મેં અસંખ્ય ઓડિશન આપ્યાં. પરંતુ મને મોટાભાગે રિજેક્ટ કરવામાં આવતો. ખરું કહું તો એક તબક્કે હું રિજેક્શનથી બહુ ગભરાતો. પરંતુ નાટકોની દુનિયાએ મારો આ ભય દૂર કરી દીધો હતો. મારા મન-મગજ પર બોલિવુડમાં મળતાં નકારની કોઈ અસર નહોતી થતી.
હું મારા પ્રયાસો જારી રાખતો. છેવટે મને 'નીરજા', 'પદ્માવત', 'રાબ્તા', 'સંજૂ' જેવી ફિલ્મોમાં નાના નાના રોલ મળવા લાગ્યાં. હિન્દી ફિલ્મોદ્યોગમાં પગ મૂકવાની જગ્યા મળ્યા પછી હું ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છું. પોતાને નાટકોમાં કામ કરવાનો ચસકો શી રીતે લાગ્યો તે જણાવતાં જિમ કહે છે કે હું નાટકો જોવાનો શોખીન હતો. દરમિયાન મેં ખાલિદ અબ્દુલ્લા દ્વારા પ્રસ્તૂત કરવામાં આવેલું એકાંકી 'નોવેર' જોયું. આ નાટકનો મારા મન પર ઘેરો પ્રભાવ પડયો. એક જ કિરદાર આખું નાટક આટલી ખૂબીથી ભજવી શકે એ વાત નાનીસુની ન કહેવાય. બસ, તે વખતે જ મને એમ લાગ્યું કે મારે આવા કલાકારો સાથે કામ કરવું જોઈએ.
રંગમંચ પર કામ કરતી વખતે જિમની પણ ઘણી કસોટી થઈ હતી. તે કહે છે કે રંગમંચ પર 'શો મસ્ટ ગો ઓન'ને વળગી રહેવું પડે. અન્ય કલાકારોની જેમ હું પણ બીમારીની સ્થિતિમાં સુધ્ધાં સ્ટેજ પર પહોંચ્યો છું. એક વખત હાથમાં ફ્રેકચર થયું હતું ત્યારે મેં પ્લાસ્ટરવાળો હાથ લઈને પણ નાટકોમાં કામ કરવાનું જારી રાખ્યું હતું.
તે એક કરૂણ બનાવ સંભારતા કહે છે કે મારા એક મિત્રની હત્યા થઈ ગઈ હતી તોય મને સ્ટેજ પર જવું પડયું હતું. મારા માટે એ અત્યંત કઠિન હતું. પરંતુ 'શો મસ્ટ ગો ઓન.' હા, એક વખત હું પથારીમાંથી ઊભા થવાની સ્થિતિમાં પણ નહોતો ત્યારે શો રદ્દ કરવાની નોબત આવી હતી.
નસીરૂદ્દીન શાહ જેવા દિગ્ગજ અભિનેતા સાથે કામ કરવાની તક મળી ત્યારે તેને જે અનુભવ થયો તેના વિશે જિમ કહે છે કે મને હમેશાંથી એમ સાંભળવા મળ્યું હતું કે તેમની સાથે કામ કરવું મુશ્કેલ છે. પરંતુ તેમનું મારી સાથેનું વર્તન એકદમ સહજ હતું. અમે 'કિંગ લિયર' નામના નાટક માટે રિહર્સલ કરતા હતા. તેમાં નસીરૂદ્દીન શાહ ટાઈટલ રોલ કરવાના હતાં. કમનસીબે એ નાટક ક્યારેય મંચ પર ન ભજવાયું. પરંતુ આટલા ઊંચા ગજાના અભિનેતા હોવા છતાં તેઓ મારી સાથે તદ્દન સહજ હતાં. કદાચ આ કારણે જ મને સીરિઝ 'મેઇડ ઈન ઇન્ડિયા ઃ અ ટાઈટન સ્ટોરી'માં તેમની સાથે કામ કરતી વખતે જરાય ડર નહોતો લાગ્યો કે નહોતી કોઈ મુશ્કેલી થઈ. ખરેખર તો અમે સેટ પર સાથે બેસતાં, સાથે વોક કરતાં, કેટલીક વખત દ્રશ્યો બાબતે ચર્ચા કરતાં. મેં કેટલીક વખત તેમને સંવાદોની રજૂઆત અન્ય રીતે કરવા બાબતે ભલામણ પણ કરી હતી. અને જ્યાં તેમને એમ લાગ્યું હતું કે મારી વાત સાચી છે ત્યાં તેમણે તેનો અમલ પણ કર્યો હતો.

