Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The truth of experiences during sadhana!

Ravi Purti: સાધના દરમિયાન થતાં અનુભવોની સત્યતા!

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: સાધના દરમિયાન થતાં અનુભવોની સત્યતા!

- સનાતન તંત્ર 

App Store

- બપોરે સ્વામીજી જ્યારે બેઠાં હતાં, ત્યારે એમના કાને અચાનક હિસ્સકારો સંભળાયો. પાછળ ફરીને જોયું તો ઓરડાની દીવાલ પાસે એક મોટો કાળોતરો સરકી રહ્યો હતો!

યક્ષિણી સાધનાનાં મધ્યમાં પહોંચતાં સુધીમાં શ્રી ઓમ સ્વામીની ઉપાસના ક્રમશ: વધુ ને વધુ તીવ્ર બનતી જતી હતી. સાધનાનો સમયગાળો એવો હોય છે, જ્યાં ઘણાં વર્ષોના સુદીર્ઘ અભ્યાસ પછી ઘણી વખત ધ્યાનાવસ્થામાં કેટલાક દ્રશ્યો અથવા વિઝન્સની ઝાંખી થાય છે, જે આવનારા સમયનો અંદેશો આપનારી પૂરવાર થતી હોય છે. ગયા અઠવાડિયા સુધીની લેખમાળામાં જોયું કે ઓમ સ્વામીએ દેવી મા લલિતા મહાત્રિપુરસુંદરીનો પૂર્ણ સાક્ષાત્કાર કરવા માટે સંન્યાસ લઈને જે માર્ગ પર નીકળી પડવાનું હતું, એ અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે એમણે યક્ષિણી સાધનાની શરૂઆત કરી હતી. યક્ષિણી, યોગિની અને નિત્યાઓ એ મહાદેવીની સંગિની-શક્તિઓ ગણાય છે. જીવનમાં હજુ સુધી માનવગુરુનો પ્રવેશ ન થયો હોવાને કારણે સ્વામીજીએ યક્ષિણી સાધનાનાં માધ્યમથી દિવ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો.

એમના જીવનની આ ૪૫મી સાધના હતી! આંકડો લખવાનું કારણ એ કે ઘણી વખત એકાદ-બે નાના અનુષ્ઠાન કર્યા પછી માણસ પોતાની જાતને બહુ મોટો સાધક માનવા માંડે છે અને ભ્રમણામાં રાચતો થઈ જાય છે. પોતાને સ્વપ્નો અને સંકેતો થકી દેવીનાં સંદેશા પ્રાપ્ત થતાં હોવાની બડાઈઓ મારવામાં હોંશિયાર થઈ જાય છે. અહંકાર ધીરે ધીરે છાપરે ચડીને બાંગ પોકારવા માંડે છે. સાધના દરમિયાન પોતે જે કલ્પના કરે, એને ઘણી વખત હકીકત માનીને સાક્ષાત્કારના ભ્રમમાં રાચતો થઈ જાય છે અને સ્વયંને સિદ્ધ ગણવા માંડે છે; પરંતુ વાસ્તવિકતા સાવ ભિન્ન હોય છે. ખરેખર તો સાધનાયાત્રામાં જ્યાં સુધી બે-ત્રણ હજાર કલાકોનો અભ્યાસ ન થઈ જાય, ત્યાં સુધી થનારા અનુભવોને જરા પણ મહત્ત્વ ન આપવું જોઈએ.

વિચાર કરો, યક્ષિણી સાધના એ સ્વામીજીની ૪૫મી સાધના હોવા છતાં (બાવીસ વર્ષોનો સાધનાનો અભ્યાસ અને અગણિત સાક્ષાત્કારો થયા હોવા છતાં) એમનામાં અભિમાનનો અંશ સુદ્ધાં નહોતો પ્રવેશ્યો. સાધના દરમિયાન એમને એક ઝાંખી થઈ, પરંતુ એના પર ધ્યાન આપ્યા વગર તેઓ દિવસે ને દિવસે સાધનાને વધુ તીવ્ર બનાવતાં રહ્યાં.

આખરે એક રાતે યજ્ઞ પૂર્ણ કરીને તેઓ પોતાની સાધના-સ્થળી પર પરત ફર્યા, ત્યારે એમને લાગ્યું કે રસ્તામાં દોરડાં જેવું કંઈક પડયું છે. ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે એ તો એક સાપ છે! સ્વામીજીના અંતરમનમાં રાજીપાની સાથોસાથ હતાશાની પણ એક લહેર ઊઠી. કારણ એ કે ઉપરોક્ત જણાવ્યા મુજબ, એમણે સાધના દરમિયાન સાપની ઝાંખી જોઈ હતી... બેઝિકલી એક પ્રકારનું વિઝન! જેમાં એમને સાપ દેખાયો હતો; પરંતુ હતાશા એટલા માટે કારણ કે એ જે નાગ એમના મનનાં ત્રિનેત્ર સામે ઝળક્યો હતો, એ વાસ્તવમાં કાળા રંગનો હતો અને અત્યારે એમની સામે વાસ્તવમાં જે પ્રગટ થયો હતો, એ લીલા રંગનો!

સ્વામીજી મનોમન ઉચ્ચારણ કર્યુ, 'હર હર મહાદેવ!'

એ સાપ ધીરે ધીરે સ્વામીજી નજીક સરકવા માંડયો. સ્વામીજી મોટા સ્વરે મહાદેવની સ્તુતિ કરવા ઈચ્છતાં હતાં, પરંતુ આખા દિવસમાં માત્ર એક વખત મૌન તોડવાની પ્રતિજ્ઞા લીધી હોવાને કારણે તેમણે મનમાં મહાદેવનું સ્તુતિગાન કરવાની શરૂઆત કરી અને હોઠ ફફડવા માંડયા.

હજુ તો એ સ્તુતિ માંડ અડધે પહોંચી હશે, ત્યાં સાપ અડધે રસ્તે રોકાઈ ગયો અને એણે સ્વામીજીની નજીક આવવાનું બંધ કરી દીધું. સ્તુતિ પૂર્ણ થતાં સુધીમાં તો એ ઓરડાની બહાર અદ્રશ્ય થઈ ચૂક્યો હતો.

બીજા દિવસે બપોરે સાધનાકાર્ય સંપન્ન થયા પછી સ્વામીજી બેઠાં હતાં. આજે એમને ઊંઘ લેવાની ઈચ્છા નહોતી, કારણ કે એમનું શરીર થાકનો અનુભવ નહોતો કરી રહ્યું. ઓછા ખોરાકની આ વિશેષતા છે. જ્યારે એક સાધક પોતાની સાધનાની યાત્રાનો આરંભ કરે, ત્યારે ખોરાક પર નિયંત્રણ લગાવવા ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. પેટ જેટલું ખાલી રહે, એટલું શરીરને શ્રમ ઓછો પડે! જરૂર પડતો વિટામિનયુક્ત ખોરાક લઈને બને એટલો અલ્પાહાર કરવાથી સાધનાની સફળતા ઉપર ખાસ્સો ફર્કપડતો હોય છે, એવો આ લખનારનો પણ જાત અનુભવ છે.

તો, બપોરે સ્વામીજી જ્યારે બેઠાં હતાં, ત્યારે એમના કાને અચાનક હિસ્સકારો સંભળાયો. પાછળ ફરીને જોયું તો ઓરડાની દીવાલ પાસે એક મોટો કાળોતરો સરકી રહ્યો હતો! આ જોઈને સ્વામીજીએ ખુશીના અતિરેકનો અનુભવ કર્યો, કારણ કે પોતાના વિઝન દરમિયાન એમને જે પ્રકારે સાપના દર્શન થયા હતા, બિલ્કુલ એવી જ રીતે આ કાળો નાગ ઓરડામાં દ્રશ્યમાન થઈ રહ્યો હતો. એમને થયેલી ઝાંખી વાસ્તવિક પૂરવાર થઈ રહી હતી!

...અને આ ઘટનાનાં ગણતરીના દિવસોની અંદર સ્વામીજીને યક્ષિણીનાં દર્શન પણ થયાં, જેની વાત આવતાં અંકે! 

- બ્રહ્મચારી પરખ ઓમ