Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : How much damage do we cause to environment to make wedding memorable?

Ravi Purti: એક દિવસના લગ્નને યાદગાર બનાવવા પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડીએ છીએ

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: એક દિવસના લગ્નને યાદગાર બનાવવા પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડીએ છીએ

- આજકાલ

App Store

ઉમાનો અનોખો લગ્ન સમારંભ

ભારતમાં મેરેજ ઈન્ડસ્ટ્રી આઠથી દસ ટકાના દરે વધી રહી છે અને ડેસ્ટિનેશન મેરેજની બોલબાલા છે. આવા સમયે ચેન્નાઈની ઉમા રામે પોતાના લગ્ન સમયે માત્ર પતિ કે પરિવારજનો જ નહીં, પણ પૃથ્વી ગ્રહની પણ એટલી જ સંભાળ લીધી. ડિજિટલ માર્કેટિંગમાં ફ્રીલાન્સર તરીકે કામ કરતી ઉમા રામ પોતાની આસપાસના પર્યાવરણ અંગે હંમેશાં સજાગ રહેતી હતી. તે જ્યારે જ્યારે કોઈ લગ્ન સમારંભમાં જતી, ત્યારે એ જોતી કે ભોજન અને પાણીનો કેટલો બધો બગાડ થાય છે! લગ્ન પૂરા થાય કે એક બાજુ પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઢગલો તો બીજી બાજુ ભોજનનો ભારે બગાડ જોવા મળે. ડેકોરેશનના ફૂલો કચરાના ઢગલા સાથે પ્લાસ્ટિક બેગમાં ભરાતા હોય. એક દિવસના લગ્નને યાદગાર બનાવવામાં માટે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડીએ છીએ અને તે રીતે કેટલું પ્રદૂષણ વધારીએ છીએ તે અંગે સતત વિચારવા લાગી.

બત્રીસ વર્ષની ઉમા રામે લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યારે તેના મનમાં સતત એવો વિચાર ચાલતો કે આવી રીતે તો લગ્ન નથી કરવા, પરંતુ બીજી બાજુ આ અંગે શું કરવું તેની સૂઝ નહોતી પડતી, તેથી તેણે ચેન્નાઈમાં આવેલ કનેક્ટ ટુ ભૂમિનો સંપર્ક કર્યો. તેઓ આવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી આપતા હોય છે. બે મહિના અગાઉથી આના આયોજન વિશે વારંવાર મિટિંગો કરીને તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી. ફૂલો વિનાના લગ્ન સમારંભની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ લગ્ન પછી ફૂલો કચરાપેટીમાં જાય તે ઉમા રામને પસંદ નહોતું. તેમણે લગ્નમાં વપરાયેલાં ફૂલો અને પાંદડાંને ભેગા કરીને તેમાંથી ખાતર બનાવવાનું નક્કી કર્યું. કેળના પાનનો પણ અલગ રીતે ખાતર બનાવવામાં ઉપયોગ કર્યો. કનેક્ટ ટુ ભૂમિ સંગઠન નમ્મ ઊરુ ફાઉન્ડેશન સાથે મળીને ખાતર બનાવવાનું કામ કરે છે અને તે દ્વારા તેઓ ખેતરના પાકને નવું જીવન આપે છે.

લગ્નમાં બીજી સમસ્યા ભોજનના બગાડની હોય છે. તેના વિશે વિચારીને નક્કી કરાયું કે તે ભોજન પશુઓને ખવડાવવું - ખાસ કરીને ગાયને. તેને માટે પશુચિકિત્સક પાસેથી માર્ગદર્શન મેળવ્યું અને તેમના સૂચન પ્રમાણે પ્રાણીઓને કેટલા પ્રમાણમાં ભોજન આપવું જોઈએ તે નક્કી કર્યું. રસોડામાં ભેગો થયેલો કચરો ખેડૂતોને અને સૂવરપાલન કરનારાઓને આપ્યો. આ બધી સૂચના પહેલેથી જ આપવામાં આવી હોવાથી દરેક કચરો જુદો રાખવામાં આવ્યો. કનેક્ટ ટુ ભૂમિના સ્થાપક ગૌતમ અને ઉમા રાવને સૌથી વધારે ચિંતા પર્યાવરણને નુકસાન કરતી પ્લાસ્ટિક બોટલના વપરાશની હતી, પરંતુ ગૌતમના કહેવા પ્રમાણે તેનો પણ શ્રેષ્ઠ ઉપાય શોધી કાઢયો જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. તેમણે પ્લાસ્ટિક બોટલ અને કપના કચરાને ભેગા કરીને જે લોકો રીસાઇકલ કરતા હોય તેમને પહોંચાડયો અને તેમાં રહેલું પાણી એકત્રિત કરીને બગીચામાં વૃક્ષ અને છોડને માટે વાપરવામાં આવ્યું.

આટલું વિચાર્યા પછી પણ ઉમા રાવની ઇચ્છા હતી કે ઓછામાં ઓછા સંસાધનો વપરાય તેથી તેમણે વોશિંગ એરિયામાં પાણી ઓછું વપરાય તેવા સંદેશો આપતા પોસ્ટર્સ લગાડયા હતા અને તેમાં પાણીનો, ભોજનનો બગાડ ઓછો કરવો, હાથ લૂછવા માટે ટીસ્યૂ પેપરને બદલે નેપ્કિન કે રૂમાલનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું હતું. તેઓ માને છે કે આવી નાની નાની બાબતોથી લોકોમાં જાગૃતિ આવે તો ધીમે ધીમે તેની બહુ મોટી અસર જોવા મળશે. તેણે પોતાના લગ્નની કંકોતરી માટે એક કંપનીનો સંપર્ક સાધ્યો કે જેઓ વેસ્ટ કોટન પલ્પમાંથી કાગળ બનાવે છે અને રીસાઈકલ કરે છે. તેમાં તે લોકો બી પણ આપે છે, જેથી પ્રસંગ પૂરો થયા પછી તેને ફેંકી ન દેતા પાણીમાં પલાળીને માટી કે ઘરના કુંડામાં તે નાખી શકો અને તેમાંથી સુંદર મજાનો છોડ ઊગે. આ સો ટકા બાયોડિગ્રેબલ મટીરીયલ હોય છે. 

આ પ્રકારના નિમંત્રણ કાર્ડ બનાવ્યા અને નિમંત્રક તરીકે પોતાના પાળેલા કૂતરા બ્રાઉનીનું નામ પણ ઉમેર્યું! આવી સંવેદનશીલતા ધરાવનાર ઉમા રામે પોતાના લગ્નમાં દાદીની પચાસ વર્ષ જૂની સાડી પહેરી. પોંડીચેરીમાં રહેતા નેવું વર્ષની ઉંમરના તેના દાદી લગ્નમાં હાજર રહી શકે તેમ ન હોવાથી તેણે દાદીની સાડી પહેરી લગ્ન કર્યા જેથી તેઓની હાજરીની જીવંત અનુભૂતિ થાય. ઉમાને એ વાતનો આનંદ છે કે તેનાથી શક્ય તેટલું બધું આયોજન એવી રીતે કર્યું કે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. ભારતમાં એક વર્ષમાં આશરે એક કરોડ લગ્નો થાય છે અને તેમાં એક વ્યક્તિ દીઠ એક કીલો વેસ્ટ ઉત્પન્ન થાય છે. જો આવી નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પણ કેટલું મોટું પરિવર્તન આવે! ઉમા રામને આશા છે કે લગ્નની સ્મૃતિઓ સાથે આવી સ્મૃતિઓ પણ ટકાઉ બની રહેશે.

સેમસંગ સોલ્વ ફૉર ટૂમોરો' માં અઢાર હજાર વિદ્યાર્થીઓમાંથી હેમેનની પસંદગી થઈ અને એક કરોડની ગ્રાંટ પણ મળી છે

દાદા-દાદી સાથે પૌત્ર અને પૌત્રીઓનો એક અનોખો લાગણીયુક્ત ભાવનાભર્યો સંબંધ હોય છે. હૈદરાબાદના હેમેશ ચડાલવાડા રાત્રે દાદી સાથે ટી.વી. જોતો હતો. દાદી ઊભા થઈને રસોડામાં ગયા ચા બનાવીને બહાર નીકળ્યા એટલે હેમેશ રસોડામાં ગયો અને તેણે જોયું તો ગેસ ચાલુ હતો. દાદીને અલ્ઝાઈમર હોવાથી તે સતત ધ્યાન રાખતો. ઘણી વાર રાત્રે ત્રણ-ચાર વાગ્યે દાદી ઊઠીને બહાર જતી રહે અને તે એમ માને કે તે ટ્રેનમાં છે. એક સમયે તેલંગાણા સરકારના રાજકારણીઓ સાથે ચર્ચા કરીને નીતિવિષયક નિર્ણયો લેતી પોતાની દાદીની આવી પરિસ્થિતિ જોઈને હેમેશને અત્યંત દુ:ખ થતું. એણે એક કિસ્સો એવો સાંભળેલો કે કુટુંબમાંથી એક વડીલ ઘરમાંથી બહાર નીકળી ગયા અને પછી ક્યારેય પાછા ન આવ્યા. બાર-તેર વર્ષના હેમેશને લાગ્યું કે આનો કોઈ ઉપાય શોધવો જોઈએ.

હેમેશ ગુગલ પર રોબોટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સના વીડિયો જોવા લાગ્યો અને તેના કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પોલ મેકવ્હોર્ટર નામના એક શિક્ષક રોબોટિક્સના વીડિયો મૂકતા અને હેમેશ તેને હંમેશા જોતો. પછી તે પ્રોફેસર સાથે ઑનલાઇન સંપર્ક કર્યો, અને પોતાના પ્રશ્નો પૂછીને શંકાનું સમાધાન મેળવતો. એણે પહેલો પ્રોજેક્ટ કારના રીમોટ કંટ્રોલનો કર્યો, ભારતમાં ગરમીને કેવી રીતે કંટ્રોલ કરવી તેનું ઉપકરણ બનાવ્યું. હૈદરાબાદમાં છોકરાઓ વેકેશનમાં મેદાન પર ક્રિકેટ રમતા હોય છે, તેથી તેણે એવી કેપ બનાવી જે તમારા શરીરના અને બહારના ટેમ્પરેચરને દર્શાવતી હોય. તમારા શરીરનું ટેમ્પરેચર સતત વધતું હોય તો તે કેપ તમને ચેતવણી આપે છે. તેની સાથે તમારા પર પાણીનો છંટકાવ કરે તેવું ઉપકરણ પણ બનાવ્યું.

હેમેશ વિચારતો કે ડેમેન્શિયા-અલ્ઝાઈમરના દર્દીઓ માટે કોઈક એવું ઉપકરણ બનાવવું જોઈએ કે જેથી તેઓ ખોવાઈ ન જાય અને એમને સમયસર મદદ મળે. આ વિચારે ૨૦૧૯માં તેણે આલ્ફા મોનિટર પર કામ શરૂ કર્યું. સૌથી પ્રથમ પ્રોટોટાઇપ બનાવ્યું જે મોટું બૉક્સ જેવું હતું. તે સતત ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ગુગલ પર સર્ચ કરતો. તેને આ ઉપકરણ કદમાં નાનું બનાવવું હતું, જેથી અલ્ઝાઈમર થયેલી વ્યક્તિને તે પહેરાવી શકાય. તેણે હાર્ડવેર ડીવાઈસથી શરૂઆત કરી. ત્યારબાદ મશીન લર્નિંગ અને ડેટા સાયન્સનો અભ્યાસ કરીને કોડિંગ કરતા શીખ્યો. હેમેશે વીસ જેટલા પ્રોટોટાઇપ બનાવ્યા અને ચાર-પાંચ વર્ષની મહેનતે અંતે આલ્ફા મોનિટરનો જન્મ થયો.

આ આલ્ફા મોનિટર બે ભાગમાં છે એક તે ઘડિયાળની જેમ પહેરી શકાય તેવું છે અને બીજું તેની સાથે એલાર્મ જોડાયેલો છે. તેને પટ્ટામાં બાંધીને દર્દીને પહેરાવી શકાય છે, જો દર્દીને એ પહેરવું પસંદ ન હોય અથવા તો તે કાઢીને ફેંકી દે તો તેને પહેરાવવાને બદલે તેની બેગમાં મૂકી શકાય. તેના ખિસ્સા, મોજાં કે તેમને જે રીતે ફાવે તે રીતે તેને જોડી શકો છો. તેનો એલાર્મ તેની સંભાળ લેનાર પાસે હોય છે, જેથી એમના નાનામાં નાના હલનચલન પર ધ્યાન આપી શકાય. તે લોકો ઊઠી જાય અને ઘરની બહાર નીકળી જાય તો તરત જ એલાર્મ વાગે છે. આ ઉપરાંત આલ્ફા મોનિટર શરીરનું તાપમાન, હૃદયના ધબકારા, તેમની શારીરિક સ્થિતિ, હલનચલન, તેઓ પડી ગયા છે કે નહીં તેની નોંધ રાખે છે. તેમાં રહેલ જાઈરોસ્કોપ સેન્સર શરીરના હલનચલન પર અને હેલ્થ સેન્સર ટેમ્પરેચર પર ધ્યાન રાખે છે. આલ્ફા મોનિટર વાઈફાઈ કે બ્લુટૂથ વિના કામ કરે છે અને એક-બે કિમી. સુધીની રેન્જ છે. જેમના સંતાનો એમના માતા-પિતાથી દૂર રહે છે તેમના માટે પણ તેણે એપ બનાવી છે.

આજે ઘણા દર્દીઓ અલ્ઝાઈમર્સ ઍન્ડ રીલેટેડ ડિસઑર્ડર સોસાયટીના ડે-સેન્ટરમાં પોતાનો સમય વીતાવે છે. આ સોસાયટી સાથે મળીને હેમેશ પોતાની આ પ્રોડક્ટનો ટેસ્ટ કરે છે. ભારતમાં આશરે અઠયાસી લાખ વ્યક્તિઓને અલ્ઝાઈમર છે. તે આ દર્દીઓના સગાઓને આનાથી ઉપયોગી થવા માગે છે. આ શોધ માટે તેને અનેક ઍવૉર્ડ મળ્યા છે. 'સેમસંગ સોલ્વ ફૉર ટૂમોરો'માં અઢાર હજાર વિદ્યાર્થીઓમાંથી હેમેનની પસંદગી થઈ અને એક કરોડની ગ્રાંટ પણ મળી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તેની નોંધ લેવાઈ છે, પરંતુ તેનો સૌથી મોટો આનંદ તો આલ્ફા મોનિટર બરાબર કામ કરે અને અલ્ઝાઈમરના દર્દી તેમજ કુટુંબીજનોને રાહત થાય તે જોવાનો છે. તે યુટયૂબ ચેનલ પર આનલાઇન સેમિનાર અને કોર્સ કરે છે. માતા-પિતાના સતત પ્રોત્સાહનને કારણે હેમેશ સતત આગળ વધતો રહ્યો. ટિકટોક કે રીલ જોવાને બદલે જો ઈન્ટરનેટનો જ્ઞાાન વધારવામાં ઉપયોગ થાય તો મોટું પરિવર્તન લાવી શકાય છે. ઈન્ટરનેટ પર માહિતીનો દરિયો છે તેમાંથી યોગ્ય માહિતી મેળવીને દુનિયા બદલી શકાય છે એ હેમેશે સાબિત કરી બતાવ્યું.