Ravi Purti: સૌર સખીનું સમાજ પરિવર્તન

- આજકાલ
- હર્ષ તિવારીએ એક વિશ્વાસ ઊભો કર્યો કે જો તમે સ્ત્રીઓને આ તાલીમ માટે મોકલશો, તો તમારા ગામમાં વીજળી આવશે. તેમની સલામતીની ખાતરી પણ આપી
ભારતનાં અંતરિયાળ ગામોમાં રહેતી સ્ત્રીઓનું સમગ્ર જીવન ઘરકામ કરવામાં જ પૂરું થઈ જતું હોય છે. બહુ ઓછી સ્ત્રીઓ થોડું અક્ષરજ્ઞાન મેળવે છે. જ્યારે ટૅક્નિકલ ક્ષેત્રે કામ કરવું એ તો એમની કલ્પના બહારની બાબત છે, પરંતુ આવી સ્ત્રીઓને માટે હર્ષ તિવારીએ નવાં દ્વાર ખોલી આપ્યાં છે અને વિશેષ તો સોલર એન્જિનિયરીંગ એ માત્ર પુરુષોનું જ ક્ષેત્ર નથી, તેમાં સ્ત્રીઓ પણ સફળતા હાંસલ કરી શકે છે, તે સિદ્ધ કરી આપ્યું છે. હર્ષ તિવારીએ રાંચીના મેસરામાં આવેલી બિરલા ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનીયરીંગની ડિગ્રી મેળવી. તેઓ મેનેજમેન્ટની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હતા, ત્યારે તેમને એસ.બી.આઈ.ની યુથ ફૉર ઇન્ડિયા ફેલોશિપ મળી. તેમના મનમાં તો એમબીએ કરીને કોર્પોરેટ ક્ષેત્રે નોકરી કરવાનો ખ્યાલ હતો, પરંતુ એસ.બી.આઈ.ની ફેલોશિપ દરમિયાન ગામડાંમાં રહેવાનું બન્યું અને ત્યાં એમણે શહેરો અને ગામડાંઓમાં મળતી તકો વચ્ચે કેટલું મોટું અંતર છે, તેનો અનુભવ થયો. તેમને વિદેશમાં એમબીએ કરવાની સ્કાલરશિપ મળી, પણ તેમની ઇચ્છા ગામડાંઓમાં કામ કરવાની હતી. તેમણે જોયું કે ગ્રામજનોમાં અપૂરતા શિક્ષણને કારણે જાગૃતિનો અભાવ છે, જરૂરી વહીવટીસૂઝ નથી અને તેને કારણે ઘણી બધી યોજનાઓનો તે લાભ લઈ શકતા નથી.
ગામડાંની સ્ત્રીઓનું સશક્તીકરણ કરવાના ઉદ્દેશથી હર્ષ તિવારીએ રાજસ્થાનના કિસનગઢ જિલ્લાના હરમરા ગામમાં બિંદી ઈન્ટરનેશનલ એસોસિયેશનની સ્થાપના કરી. તેમણે વિચાર્યું કે ટકાઉ ઊર્જા ગ્રામીણ વિકાસમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન આપી શકશે, તેથી તેમણે સૌર ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હર્ષ તિવારીએ પોતાનો ઈલેક્ટ્રીકલ એન્જિનીયરીંગનો અભ્યાસ, મેનેજમેન્ટની તાલીમ અને ગામડાંમાં કામ કરવાના અનુભવને આધારે ૨૦૧૫માં ગ્રામીણ મહિલાઓ માટે આ ઈનોવેશન પ્લેટફૉર્મ શરૂ કર્યું. જે ગામડાંઓમાં ક્યારેક ક્યારેક વીજળી આવતી હતી અથવા તો બિલકુલ નહોતી આવતી તેવા ગામોમાંથી કેટલીક સ્ત્રીઓને પસંદ કરવામાં આવી અને તેમને પાંચ મહિના સોલર એનર્જીની તાલીમ આપવામાં આવી. જોકે આ કામ સહેલું નહોતું, કારણ કે ગામડાંમાં રહેતા આ પરિવારોને સમજાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. પાંચ મહિના માટે કોઈ પણ મહિલાને તાલીમ માટે મોકલવી તે તેમને માટે મુશ્કેલ કામ હતું. એ અંગે તેમણે જે તે સમુદાય સાથે વાત કરી, ઘરે ઘરે જઈને સહુને સમજાવ્યા, સ્થાનિક નેતાઓ અને ગામડાંનાં વડીલો સાથે જઈને એક વિશ્વાસ ઊભો કર્યો કે જો તમે સ્ત્રીઓને આ તાલીમ માટે મોકલશો, તો તમારા ગામમાં વીજળી આવશે. સાથોસાથ હર્ષ તિવારીએ તેમની જવાબદારી લઈને તેમની સલામતીની ખાતરી આપી. હર્ષ તિવારીએ જ્યારે બિંદી ઈન્ટરનેશનલની સ્થાપના કરી, ત્યારે તેમણે વિચાર્યું કે ગ્રામીણ પશ્ચાદ્ભૂ ધરાવતી વ્યક્તિ પાસે સોલર પેનલ નાખવા કે તેને રીપેર કરવા માટે ડિગ્રીની શું જરૂર છે ? આ બાબતને સરળ બનાવીને શીખવીએ, તો વ્યવહારમાં ક્લાસરૂમનું જ્ઞાન નહીં હોય તો ચાલશે. તેને સરળ બનાવીને શીખવી શકાય.
આમાં પાંચ મહિનાની તાલીમમાં વાયરિંગ કરવું, રેણ કરવું, બેટરી સેટ કરવી, કોઈ ખામી હોય તો તેને શોધવી અને સોલર પેનલ લગાવવી તથા તેને રીપેરીંગ કરવી વગેરે શીખવવામાં આવે છે. તેને માટે જુદા જુદા કલરના વાયર, જુદા જુદા પાર્ટ્સ પરના લેબલ ઓળખવા અને ડાયગ્રામ બતાવીને શીખવવામાં આવે છે. આ બાબતોને સમજવી, અન્ય સહાધ્યાયીઓ સાથે વાત કરવી અને વારંવાર કરવું - આ રીતે શીખવવામાં આવે છે. આ સમજ્યા પછી તેમની પાસે પંદરથી વીસ વખત તેની પ્રૅક્ટિસ કરાવવામાં આવે છે. તાલીમ પૂરી થયા પછી તેમને અક્ષય ઊર્જા મંત્રાલય દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. આવી સૌર સખી સ્થાનિક કક્ષાએ કામ કરે છે. સૌર એન્જિનિયર સાથે મળીને તેઓ હબ અન્ડ સ્પૉક મૉડલ બનાવે છે. એક વખત ગામની ઊર્જાની પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ જાય પછી કૃષિ, લઘુઉદ્યોગો માટે પણ તેમને તાલીમ આપવામાં આવે છે.
બિંદી ઈન્ટરનેશનલ દ્વારા હર્ષ તિવારીએ અત્યાર સુધીમાં ત્રણસો મહિલાઓને તાલીમ આપીને ત્રણ હજાર ઘરો અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં વીજળી પહોંચાડી છે. આ ઉપરાંત છ હજારથી વધુ સૌર ડ્રાયર, માઈક્રોગ્રિડ, સૌર મશાલ અને કૂકસ્ટવનું વિતરણ કર્યું છે. હર્ષ તિવારીને ત્યાં પાંચ મહિના તાલીમ પામેલી થાવરી દેવી આત્મવિશ્વાસ સાથે પોતાના ગામમાં પાછી ફરી અને મહિને સાડા પાંચથી છ હજાર રૂપિયા કમાય છે. તે કહે છે કે, 'અમે ઘણાં વર્ષો અંધારામાં રહ્યા, પરંતુ હવે જીવનમાં રોશની આવી છે. મારા ગામમાં વીજળી આવી છે અને ખાસ તો બાળકોને એ વાતનો ગર્વ છે.' થાવરીને તેના કામ માટે રાષ્ટ્રપતિ દ્વારા સેવા ગૌરવ પુરસ્કાર પણ મળ્યો.
આદિવાસી કલાનું અનેરું આકાશ
શ્વેતા સિંહે વિચાર્યું કે આદિવાસીઓની કલાને માત્ર આર્ટ ગેલરીમાં સીમિત ન કરી દેતાં તેને ઘરોમાં, ઑફિસોમાં અને જાહેર જગ્યાઓએ સ્થાન આપવું જોઈએ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં જન્મેલી શ્વેતા સિંહ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતી. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયર બન્યા બાદ પૂણેની સિમ્બાયોસિસમાંથી એમબીએની ડિગ્રી મેળવી. ત્યારબાદ કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કર્યું. સિંગાપોરમાં કામ કર્યું. શેખર સિંહ સાથે લગ્ન થતાં તે જમશેદપુરમાં સ્થાયી થઈ. તેમના પરિવારનો વર્ષોથી ચાલી આવતો ખાણનો વ્યવસાય હતો. ૨૦૧૬માં એક વખત શ્વેતા જ્યાં ખાણ આવેલી હતી તેવા ઝારખંડના એક અંતરિયાળ ગામમાં ગઈ. તેણે જોયું કે ત્યાં રહેતી વસ્તી અને ખાસ કરીને આદિવાસીઓ પોતાનું જીવન ટકાવવા માટે અત્યંત સંઘર્ષ કરી રહ્યા છે. કેટલીક ખાણો બંધ થઈ ગઈ હતી અને રોજગારી મેળવવા માટે પણ પુરુષાર્થ કરી રહ્યા હતા. એણે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એક સમયે તેમની પાસે જે કલા હતી તે છોડીને જીવનનિર્વાહ માટે મજૂરીનું કામ કરતા હતા. શ્વેતાની આ મુલાકાત દરમિયાન એક આદિવાસી પરિવારે પોતે તૈયાર કરેલ એક કલાકૃતિ ભેટમાં આપી. તે પરિવારનો આવો ઉદાર ભાવ અને હૂંફાળું આતિથ્ય શ્વેતા સિંહના હૃદયને સ્પર્શી ગયું.
શ્વેતા સિંહે વિચાર્યું કે ભારતમાં કેટલીયે જગ્યાએ આવા કારીગરો હશે જેમની કલાને ઓછી જગ્યાએ સ્થાન મળે છે. આવી કલાને માત્ર આર્ટ ગેલરીમાં સીમિત ન કરી દેતા તેનું લોકતંત્રીકરણ કરવું જોઈએ અર્થાત્ ઘરોમાં, ઑફિસોમાં અને જાહેર જગ્યાઓએ તેને સ્થાન આપવું જોઈએ. આવા વિચારમાંથી અબિરાનો જન્મ થયો. ૨૦૧૭માં એક લાખ રૂપિયાના મૂડીરોકાણ સાથે અબિરાની શરૂઆત કરી. તેની પાછળનો તેનો હેતુ આદિવાસી કલાકારોનું સશક્તીકરણ કરવું અને ભારતમાં આ કલાનો પ્રચાર કરવો. આદિવાસી કલાકારો તેમની કલા દર્શાવે અને જે લોકોને તે ખરીદવી હોય તે તેમની પાસેથી ખરીદી શકે, જેથી તેમને રોજગારી મળે. આવા હેતુથી અબિરા પ્લેટફોર્મની શરૂઆત કરી.
શરૂઆતના દિવસોમાં શ્વેતા સિંહને થોડી મુશ્કેલીઓ સામનો કરવો પડયો, કારણ કે આદિવાસીઓ બહારની વ્યક્તિથી અત્યંત સાવધાની રાખે છે અને ક્યારેક શંકાની નજરે પણ જુએ છે. તેમનો વિશ્વાસ સંપાદન કરવાનું કામ મુશ્કેલ હતું, પરંતુ શ્વેતાએ તેમની સાથે વાતચીત કરી એટલું જ નહીં, પરંતુ કોઈ પણ ફી લીધા વિના આર્ટ વર્કશોપ કર્યો અને તેમાં જોઈતું મટીરીયલ પણ આપ્યું. બજાર અંગે જાગૃતિ આણી. ભારતનું કલા બજાર વિશાળ છે, પણ સંગઠિત નથી અને આદિવાસીઓની કલા ગુણવત્તાયુક્ત નથી એવો એક સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે, તેથી ગ્રાહકોને પણ આ અંગે જાણકારી આપી. વધારાના કોઈ પણ પ્રકારના ફંડિંગ વિના તેણે પોતાની રીતે કંપનીઓ, બેંકો માટે મોટા પ્રમાણમાં ઑર્ડર મેળવ્યા જેથી આ કલાકારોને નિયમિત સ્થાયી આવક મળે. કેટલાક કલાકારો આ ક્ષેત્ર છોડીને નાની-મોટી મજૂરી કરીને આવક મેળવતા હતા, તેમને ફરી કલાક્ષેત્રે આવવા માટે પ્રોત્સાહિત કર્યા. અબિરા માટે કોરોનાકાળ સમયે પરિસ્થિતિ પ્રતિકૂળ બની, પરંતુ શ્વેતા સિંહે હિંમત હાર્યા વિના ઑનલાઇન સ્ટોર શરૂ કર્યો અને કલાકારોને કલા દર્શાવવા માટે વૈશ્વિક બજાર મળ્યું અને ડિજિટલ વર્લ્ડ દ્વારા ઘણું શીખવા મળ્યું.
શ્વેતા સિંહ અબિરા દ્વારા આદિવાસી કલાકારોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરવા માગે છે. તેઓ તેમના નફામાંથી આ લોકોને માટે કલાનું શિક્ષણ અને કૌશલ્યની તાલીમમાં મૂડીરોકાણ કરે છે, જેથી આપણો સાંસ્કૃતિક વારસો જળવાય રહે. આ કલાકૃતિઓમાં બિહારની મિથિલાની મધુબની, ગુજરાતની કલમકારી કે જેમાં કાળો, મરૂન અને ઇન્ડીગોના રંગોથી માતાની પછેડી કે માતાનો ચંદરવો બનાવવામાં આવે છે, તેનો સમાવેશ થાય છે. ઝારખંડના હઝારીબાગના સોહરાઈ પેઇન્ટિંગ, ઓડીશાની સૌરા જાતિનું સૌરા પેઇન્ટિંગ, મહારાષ્ટ્રનું વારલી પેઇન્ટિંગ પણ અબિરામાં જોવા મળે છે. આદિવાસીઓમાં સૌથી વધારે ગોંડ જાતિ છે તે ગોંડ જાતિના પેઇન્ટિંગ મુખ્ય મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. આ ઉપરાંત આંધ્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ ગોંડ પેઇન્ટિંગ મળે છે. ભારતની ત્રીજા નંબરની ટ્રાઈબ સાંથાલ છે જેના પેઇન્ટિંગ પશ્ચિમ બંગાળમાં જોવા મળે. આ ઉપરાંત મેટલ કાસ્ટીંગની ધોકરા આર્ટ મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. આ બધી કલાઓને જાળવવાનું કામ અબિરા કરે છે. ઝારખંડમાં આવેલા અમાદુબી ગામના પાટકર પેઇન્ટિંગની માગ સમગ્ર વિશ્વમાં છે. અબિરા દ્વારા શ્વેતા સિંહ આ કલાકારોને એક પ્લેટફૉર્મ પૂરું પાડે છે. તેઓ માને છે કે કલામાં પ્રેરણા અને પરિવર્તન લાવવાની શક્તિ છે. દરેક કલાકૃતિ પોતાની અલગ વાત કહે છે. જે લોકો આદિવાસી સંસ્કૃતિના સૌંદર્યને અને કલાકારની શક્તિને ઓળખતા હશે તેમને માટે અબિરા એ માત્ર સ્ટાર્ટઅપ નથી પરંતુ આશાની દીવાદાંડી છે.
- પ્રીતિ શાહ

