Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Story: True Happiness

Sahiyar : વાર્તા : સાચું સુખ 

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar : વાર્તા : સાચું સુખ 

- 'વિમુ,તૂ જાણે છે કે એ મારાથી નહિ બને. લાંચનો એક રૂપિયો પણ મારા માટે હરામ છે. હું મારા સિદ્ધાંતો અને આદર્શો સાથે બાંધછોડ કરી શકું એમ નથી. મને માફ કરજે...' વસંતભાઈએ વાતનું સમાપન કરતા કહ્યું હતું. પછી તો પતિ-પત્નીની તકરાર સામાન્ય બાબત બની ગઈ. એમાં વસંતભાઈની દર બે-ત્રણ વરસે બીજા શહેરમાં થતી ટ્રાન્સફર બળતામાં ઘી હોમતી.

App Store

'મિસીસ જોશી,તમારા હસબંડ માટે આવતા ૨૪ કલાક બહુ ક્રિટીકલ છે. આટલો સમય જો પસાર થઈ જાય તો આપણે જંગ જીતી ગયા સમજો. બટ,વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ... તમારે હિંમત રાખવી પડશે... આમ રડયા કરશો તો કેમ ચાલશે? આપણા ધર્મમાં તો સ્ત્રીને શક્તિનું સ્વરૂપ કહી છે! તમારે તો બીજા બધાને હિંમત આપવાની છે... ઓકે!આઈ વિલ સી યુ લેટર...' ડૉક્ટર ભણસાળીએ વિમુબહેનને પરિસ્થિતિથી વાકેફ કર્યા. તેમણે આખી રાત હોસ્પિટલના બાંકડા પર વીતાવી દીધી હતી. છતાં આંસુ અટકવાનું નામ નહોતા લેતા. સવારના આઠ થવા આવ્યા હતા. હોસ્પિટલમાં ખાસ્સી ચહલપહેલ શરૂ થઈ ગઈ હતી. ઘરેથી વિમુબેન માટે ચા લઈને આવેલી એમની પુત્રી રિની એમની બાજુમાં ગોઠવાઈ, 'ગુડ મોર્નિંગ, મમ્મા. તૂ ચા પીને ફટાફટ ફ્રેશ થઈ જા, જોઉં પ્લીઝ મમ્મા, હવે તૂ રડવાનું બંધ કરીશ? રડવાથી કદી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયા છે? ચાલ, ઊભી થઈને બાથરૂમમાં મોઢું ધોઈ આવ. ચા પીને તૂ ફ્રેશ થવા ઘરે જા,ત્યાં સુધી હું અહીંયા બેઠી છું,' રિનીએ વિમુબેનને સ્વસ્થ થવાની ચા જેવી જ કડક સૂચના આપી દીધી. વિમુબેન ઊભા થઈને બાથરૂમ તરફ ગયા. 

વિમુબેનની ઘણી અનિચ્છા છતાં એમણે નહાવા-ધોવા ઘરે આવવું પડયું. રિમીના પ્રેમાળ હઠાગ્રહ સામે એમનું કાંઈ ચાલ્યું નહિ. મન પર એક બોજ લઈને એમણે નિત્યક્રમ પતાવ્યો. પછી માથુ ઓળવા ડ્રેસિંગ ટેબલ સામે ગોઠવાયા. એક બાજુ વાળમાં કાંસકો ફરતો હતો અને બીજી બાજુ મનમાં ભૂતકાળનું રિ-રન ચાલી રહ્યું હતું.

વિમુબેન શહેરના એક પ્રતિષ્ઠિત અને શ્રીમંત ઉદ્યોગપતિ પરિવારના પુત્રી હતા. ઘરે ગાડી,બંગલો,નોકર-ચાકર તમામ પ્રકારની સુખસાહ્યબી હાજર હતી. બે ભાઈઓ અને બે બહેનોમાં વિમુબેન સૌથી નાના. એટલે બહુ લાડકોડમાં ઉછરેલા. પૈસાની તંગી એમણે કદી સાંભળી કે અનુભવી નહોતી. કોલેજમાં પણ એમના પરિવારની અમીરીની ચર્ચા રહેતી. વિમુબેન પોતે જ કાર ડ્રાઈવ કરીને કોલેજ પહોંચતા. એમની કારમાં લિફ્ટ લેવા કોલેજની ઘણી છોકરીઓ તત્પર રહેતી.

મા-બાપના અતિશય લાડ-પ્યારથી વિમુબેન નાની વયે જ છકી ગયા હતા. એમને ભણવામાં બહુ રસ પડતો નહિ. બહેનપણીઓ સાથે આખો દિવસ હોટલમાં બેસીને ગપ્પા મારવામાં અને લોંગ ડ્રાઇવ પર જવામાં પસાર થઈ જતો. તેઓ સ્કૂલમાં અને કોલેજમાં એક એવરેજ સ્ટુડન્ટ હતા. વિમુબેન માટે દર વરસે પરીક્ષામાં પાસ થઈ જવું જ બહુ મોટી સિદ્ધિ હતી. ગણિત તો એમને દીઠું ગમતું નહિ. કમનસીબે બીએમાં એમણે ઇકોનોમિક્સ લીધું હતું એટલે સ્ટેટિસટિક્સ અને મેથ્સ ભણવાનું આવ્યું. સ્ટેટ્સ એન્ડ મેથ્સના કલાસમાં બધુ બંપર જતું. ફર્સ્ટ ટર્મમાં તેઓ આ એક જ વિષયમાં ફેઇલ થયા પણ સેકન્ડ ટર્મમાં ગફલત પાલવે એમ નહોતી. એટલે વિમુબેને કોલેજમાં મેથ્સ અને સ્ટેટસમાં બહુ જ હોંશિયાર હોય એવા સ્ટુડન્ટની શોધ ચલાવવા માંડી. વિમુબહેનની ખાસ બહેનપણી મમતાએ એ માટે વિમુબેનને પોતાની પસંદગી કહી, 'વિમુ, તારે મેથ્સ અને સ્ટેટ્સ શીખવું હોય તો આખી કોલેજમાં એક જ સ્ટુડન્ટ છે -વસંત જાની. એમ.એ.ના બીજા વર્ષમાં છે. આખી યુનિવર્સિટીમાં બે વરસથી મેથ્સ એન્ડ સ્ટેટસમાં ટોપ કરે છે. મારી બહેન એના કલાસમાં છે. મને ઓળખે છે. તૂ કહે તો તારો પરિચય કરાવી દઉં.'

મમતાએ વસંત સાથે વિમુબેનનો પરિચય કરાવ્યો અને બન્નેએ નક્કી કર્યું કે વિમુબેને રોજ વસંતભાઈ પાસે મેથ્સ અને સ્ટેટિસટિક્સ શીખવા એક કલાક લાઈબ્રેરીમાં બેસવું. બે જ મહિનામાં વિમુબેનને અઘરો વિષય એકદમ સહેલો લાગવા માંડયો. વસંત જાનીની શીખવવાની રીત જ એટલી સરળ અને રોચક હતી. તેઓ એકાદ ટુચકો કહીને મેથ્સના દાખલા ભણાવતા. વસંતભાઈ સ્વભાવે એકદમ સૌમ્ય હતા. વળી,એમનામાં સ્ત્રી-દાક્ષિણ્ય હતું. એમનો સ્વભાવ અને વિચારો વિમુબેનથી સાવ વિરુદ્ધ હતા. દુનિયાનો એક વણલખ્યો નિયમ છે કે બે વિરુદ્ધ ગુણધર્મો ધરાવતી વસ્તુઓ વચ્ચે જ આકર્ષણ થાય છે. વિમુબેન અને વસંતભાઈ માટે પણ એ સાચુ પુરવાર થયું અને બન્ને પ્રેમમાં પડયા લાઇબ્રેરીની મુલાકાતો ધીમે ધીમે લવ ગાર્ડન સુધી વિસ્તરી. 

એમ.એ. પૂરુ કર્યા પછી વસંતભાઈએ સિવિલ સર્વિસની પણ પરીક્ષા આપી અને એમાં સારા માર્કસે પાસ થયા. એમની સરકારી નોકરી પાકી થઈ ગઈ એટલે એક દિવસ વિમુબેન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. વસંતભાઈના પિતા શાળામાં શિક્ષક હતા. એમના એકલાના પગાર પર પાંચ જણનો પરિવાર નભતો. એમના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સાધારણ હતી. એટલે વિમુબેનના ઘરમાં શરૂમાં એમના લવમેરેજનો બહુ વિરોધ થયો,પણ દીકરીની જિદ્ આગળ એમણે અંતે નમવું જોખવું પડયું.

લગ્ન પહેલા જ વસંતભાઈને પીડબ્લ્યુડીમાં સારી નોકરી મળી ગઈ હતી. રહેવા માટે બાપદાદાનું જૂનું મકાન હતું. એટલે લગ્ન બાદ થોડા મહિનાઓ સુધી વિમુબેન અને વસંતભાઈનો સંસાર સરસ રીતે ચાલ્યો. પરંતુ પછી દુન્યવી વાસ્તવિકતાઓ સામે આવવા માંડી. ધનવૈભવમાં ઉછરેલા વિમુબેનને પતિના બાંધ્યા પગારમાં મહિનો પુરો કરવાનું ભારે પડવા લાગ્યું. એમણે મોજશોખની ઇચ્છાઓ પણ મનમાં જ ધરબી રાખવી પડતી. વળી, વસંતભાઈ સિદ્ધાંતના પાક્કા હતા. હરામનો એક રૂપિયો પણ અડતા નહિ. એમની ટેબલ તળેની આવક શૂન્ય હતી. જ્યારે એમની જ કોલોનીમાં રહેતા એમના સ્ટાફના બીજા માણસો લાંચની રકમથી પોતાની હથેળીઓ ગરમ કરી સુખસાહેબીથી રહેતા હતા. કેટલાકને તો પોતાની કાર પણ હતી. વિમુબેન આ બધુ જોતા અને સમસમી ઊઠતા.

અંતે પહેલી મેરેજ એનીવર્સરીના દિવસે વિનુબેનનો અસંતોષ અને ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટયો. વસંતભાઈ એમના માટે ભેટમાં એક પુસ્તક લઈ આવ્યા હતા. એનો ઘા કરતા વિમુબેન તાડુક્યા, 'આજે આપણી પહેલી મેરેજ એનીવર્સરી છે અને તમે ગિફ્ટમાં આ પુસ્તક લઈ આવ્યા! એક સારી સાડી લાવવાનું પણ તમને ન સૂઝ્યું?'

'વિમુ, તું તો મારો પગાર જાણે છે... આપણાં બજેટમાં જે બેસતુ હતું એ લીધુ અને આ તો ખલીલ જિબ્રાનનું પુસ્તક છે, જેનં કદી કોઈ મૂલ્ય આંકી ન શકાય.' 

'ભાડમાં જાય... મારે થોથા વાંચીને જિંદગી નથી કાઢવી. તમે એકલા વાંચે રાખો. આ તે કાંઈ જિંદગી છે! કોઈ જાતનો મોજશોખ નહિ, આનંદ નહિ,સુદામાના બારે મહિના સરખા! જરા આડોશપાડોશમાં નજર કરો... તમારા જ સ્ટાફના બધા કેવા જલસા કરે છે!'

'વિમુ, તૂ જાણે છે કે એ મારાથી નહિ બને. લાંચનો એક રૂપિયો પણ મારા માટે હરામ છે. હું મારા સિદ્ધાંતો અને આદર્શો સાથે બાંધછોડ કરી શકું એમ નથી. મને માફ કરજે...' વસંતભાઈએ વાતનું સમાપન કરતા કહ્યું હતું. પછી તો પતિ-પત્નીની તકરાર સામાન્ય બાબત બની ગઈ. એમાં વસંતભાઈની દર બે-ત્રણ વરસે બીજા શહેરમાં થતી ટ્રાન્સફર બળતામાં ઘી હોમતી.

લગ્નના પાંચમા વરસે દીકરી રિનીનો જન્મ થયો. વસંતભાઈને થયું કે સંતાનના આગમનથી પત્નીના સ્વભાવ બદલાશે. એનો રોષ ટાઢો પડશે,પણ થયું એનાથી વિપરીત. હવે તો વિમુબેન રિની માટે પણ જાતજાતની માગણીઓ કરી વસંતભાઈને ભીંસમાં લેવા માંડયા. તેઓ પોતાના બાળપણના વૈભવ સામે રિનીના બાળપણના અભાવોને મૂકતા અને એમનું હૈયુ વલોવાઈ જતું.

આવા અસંતોષ વચ્ચે રિની યુવાન થઈ અને એમ.એ.બી.એડ થઈ કોલેજમાં લેકચરરની નોકરી પણ કરતી થઈ ગઈ. એ દેખાવડી હતી એટલે જ્ઞાાતિમાંથી એના માગા પણ આવવા લાગ્યા,પરંતુ વાત વાંકડા (દહેજ) આગળ આવીને અટકી જતી. દહેજમાં છોકરાનો પરિવાર આખા ઘરનું નવું ફર્નીચર ઉપરાંત બાઈક અથવા કારની માગણી મૂકતો. એ બધુ આપવાની વસંતભાઈની હેસિયત નહોતી એટલે વાત પડી ભાંગતી. પછી તો આખી ન્યાતમાં વસંતભાઈની દીકરીના કડકા બાપ તરીકે ઇમેજ બંધાઈ ગઈ. સગાસંબંધીઓ મળતા ત્યારે એમના આદર્શો અને સિદ્ધાંતો પર કટાક્ષ કરવાનું ન ચૂકતા. તેઓ સમાજના 'પ્રેક્ટિકલ માણસો'ની જમાતમાં હાંસીનું પાત્ર બની ગયાં.

એ અરસામાં એક દિવસ વિમુબેનના ભાઈ-ભાભી પરગામથી એમના ઘરે પધાર્યા. એકબીજાના ખબરઅંતર પૂછી લીધા પછી એમણે પણ રિનીના લગ્નની વાત છેડી. વિમુબેને બધી હકીકત એમને કહી. આ સાંભળી એમના ભાઈએ ઓફર મૂકી.'વિમુ, મારા બનેવીનો સૈદ્ધાંતિક વિરોધ ન હોય તો હું વાંકડાની સંપૂર્ણ રકમ આપવા તૈયાર છું. મારી ભાણેજને સારુ ઠેકાણું મળે એનાથી વિશેષ અમારે મન બીજું શું હોય? તૂ વસંતરાયને મારી ઓફરની વાત કરી જોજે.' વિમુબેનના ભાઈ ઇરાદાપૂર્વક આ બધુ મોટેમોટેથી બોલ્યા હતા, જેથી બાજુની રૂમમાં બેસેલા વસંતભાઈ આ બધુ સાંભળે. સાળાના મોઢેથી આવુ કટાક્ષભર્યું વિધાન સાંભળીને વસંતભાઈનું હૈયુ ભાંગી ગયું. એમનું સ્વાભિમાન ચુરેચુરા થઈ ગયું. એમને હવે જીવતર નકામુ લાગવા માંડયું અને ઉંઘની ગોળીની બાટલી પર એમની નજર ઠરી. એક રાતે તેઓ ઉંઘની ગોળીઓ લઈને સૂઈ ગયા. સદનસીબે મોડી રાત્રે જાગી ગયેલા વિમુબેનની નજર વસંતભાઈના મોઢામાંથી નીકળતા સફેદ ફીણ પર પડી. મા-દીકરીએ તુરત પાડોશીઓ સાથે મળી વસંતભાઈને હોસ્પિટલે પહોંચાડયા.

'મમ્મા, તને શું થઈ ગયું છે! ચાલતા ચાલતા કેમ બબડે છે?' રિનીએ વિમુબેનનું ધ્યાન દોર્યું અને એમનો ફલેશબેક પુરો થયો. તેઓ ભૂતકાળને વાગોળતા ક્યારે પાછા હોસ્પિટલ પહોંચી ગયા હતા એનું પણ તેમને ભાન નહોતું રહ્યું.

'મમ્મા,એક ગુડ ન્યુસ છે. હમણાં જ આઇસીયુમાંથી એક ડૉક્ટરે આવીને મને કહ્યું કે ડેડ ધીમે ધીમે ભાનમાં આવતા જાય છે. હી ઈઝ ઓલમોસ્ટ આઉટ ઓફ ડેન્જર...ગોડ ઇઝ ગ્રેટ...'રિની એકીશ્વાસે બોલી ગઈ. વિમુબહેન આ સાંભળી આવેશમાં એને ભેટી પડયા. એમની આંખોમાં પશ્ચાતાપ અને આનંદના આંસુ હતા. એમને આજે સમજાઈ ગયું હતું કે દાંપત્યજીવનનું સાચુ સુખ સંતોષ અને પતિ-પત્ની વચ્ચેના સુમેળમાં છે. જીવનના અભાવો અને પ્રામાણિક માર્ગે અભાવોને ભરવાની તાલાવેલી જ જીવતરને જીવવા લાયક બનાવે છે. સુખદુ:ખમાં સાથ નિભાવવાના વચન સાત ફેરા લેવાથી પુરા નથી થઈ જતા,એ જીવનભર નિભાવવા પડે છે. પરિવારની કોઈ વ્યક્તિ ઇમાનદારીથી જીવવા માગતી હોય તો એની પડખે અડીખમ ઊભા રહેવાની આખા પરિવારની ફરજ છે. હરામની કમાણી ભૌતિક ઇચ્છાઓ ભલે સંતોષતી પણ તમારુ ભીતર તો એને લીધે ખાલીખમ જ રહે છે.