Sahiyar : રિલેશનશીપને પ્રેમના પાટા પર ચલાવો

વધુમાં વધુ સમય એકબીજા સાથે પસાર કરવો,ફરવું,રોમેન્ટિક વાતો કરવી,એકબીજા વિશે વિચારતા રહેવું,કામમાં ઓછું અને એની યાદોમાં વધારે ખોવાયેલા રહેવું,એની ખુશીઓ વિશે વિચારવું,એના માટે શું શું ખરીદવામાં આવે તે વિશે વિચારવું એ કદાચ આ બે પ્રેમીઓનાં સપનાંની દુનિયા હોય છે. આમ જ વિચારતા એ ખુશ રહે છે પણ શું ખરેખર એ એમ કરી શકે છે?
કેમ આજકાલ મોટાભાગનાં લગ્નો લગ્નના થોડા સમય બાદ જ અલગ થવાની સ્થિતિમાં પહોંચી જાય છે? આ અગાઉ ભારત દેશ સાંસ્કૃતિક રીતે શ્રીમંત હોવાની સાથે પોતાના મજબૂત પ્રણય બંધનના કારણે પણ જાણીતો હતો. ત્યાં વિશ્વાસ,કર્તવ્યનિષ્ઠા, પતિવ્રતા,સેવાભાવના જેવા ભાવ બે વ્યક્તિને જોડી રાખતા હતા. 'છૂટાછેડા' જેવો ભારેખમ શબ્દ એમનાથી માઈલો દૂર રહેતો હતો, પરંતુ હવે નાની નાની વાતો પર પણ દંપતી છૂટાછેડા લેવા અને આપવા તૈયાર થઈ જાય છે.
સમયની સાથે સંબંધોની સારવાર પણ બદલાઈ છે. આધુનિકતાનો અંચળો ઓઢીને આ સંબંધ હવે અલગ થવાની સ્થિતિમાં પહોંચી ગયો છે. શું આવી તાણ અને ખરાબ ભાવનાઓ કેરિયર અથવા ઈગોના કારણે થઈ રહી છે કે પછી ફરી એકવાર આઝાદ જિંદગી જીવવાના નામે જવાબદારીઓમાંથી બચવાનું બહાનું છે.
આજે મોટાભાગનાં દંપતી કામના બોજાથી ઘેરાયેલા છે એટલે કે એમની વ્યસ્તતાનું મુખ્ય કારણ એમનો વ્યવસાય છે. જે જિંદગીની મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં એમને એકબીજાથી વંચિત કરી રહ્યો છે. નવથી છ વાગ્યા સુધી ફરજ બજાવવી,મહિનામાં મોટેભાગે ટૂર પર રહેવાથી પત્ની અથવા પતિ માટે સમય ઓછો થઈ જાય છે. પછી આ દોડધામમાં જો બાળક થઈ જાય તો વધુ મુશ્કેલી થાય છે. શું આમાં બંનેમાંથી કોઈ એકથી પણ બાળક પ્રત્યેની બેદરકારી સહન થશે?
આજકાલ અરેન્જ મેરિજનું ચલણ ઘણું ઓછું થઈ ગયું છે અથવા એમ કહી શકો કે આજે લવ મેરિજની બોલબાલા છે. તો પછી આ પ્રકારના બંધનમાં બંધાયા બાદ પણ દિલમાંથી પ્રેમ કેમ ગુમ થઈ જાય છે,આખરે પ્રેમની પરિભાષા છે શું?
એકબીજાને જોતાં જ્યારે કંઈ કંઈ થવા લાગે,દિલ ગીત ગાવા લાગે, ધડકન તેજ બનવા લાગે, એની સાથે પ્રેમભરી વાતો કરવા અને સાંભળવાનું મન થાય તો આ પ્રેમ નહીં તો બીજું શું છે? સમયની લપડાક તો પ્રેમે સહન કરવી જ પડે છે,પરંતુ એનો અર્થ એ નથી કે પ્રેમ ઘટી રહ્યો છે. પ્રેમ માત્ર સુખ નથી. એની સાથે દુ:ખ,તકલીફ,દર્દ અને ત્યાગ પણ જોડાયેલાં છે. સ્વાર્થથી દૂર રહેવાથી જ આ બે દિલને જોડી શકે છે.
લગ્ન બે વ્યક્તિને નજીક લાવે છે. જે ખામીઓ,ઊણપની લગ્ન પહેલાં અવગણના કરવામાં આવી હતી હવે એ જ ખામીઓ,ઊણપને દૂરબીનથી જોવા લાગે છે,પછી ધીમે ધીમે એ જ વસ્તુ એમની પર સવાર થવા લાગે છે. નાની નાની વાતો પર ઝઘડા થવા લાગે છે, ત્યારે હંમેશાં તમારા મોંમાંથી એવું જ સાંભળવા મળે છે કે હવે તમે મને પ્રેમ નથી કરતા. એમાં તમારું અભિમાન પણ ઘવાય છે. જ્યારે બંને સરખું કમાતા હો,સારો હોદ્દો ધરાવતા હો,ત્યારે ઈગો તો રહેવાનો જ છે.
ક્યારેક એવો પણ સમય હોય છે જ્યારે બંનેમાંથી એકનો મૂડ સારો નથી હોતો. માટે તાણના આવા સમયમાં તમારા સાથીને વધુ ક્રોધી અને ઈર્ષાળુ બનાવવા માટે ચર્ચામાં ના પડો. તમારા સાથીને સમજીને એને સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ. આવી સ્થિતિમાં ચૂપ રહો. હા, એની પરેશાની જાણવાનો પ્રયાસ જરૂર કરો પણ એની સાથે ઝઘડો ન કરો. શક્ય છે કે કોઈ નાજુક પ્રસંગે તમે બંને સંમત થઈ જાઓ અને સમસ્યાનું સમાધાન હાથ લાગી જાય.
હંમેશાં એવું જોવામાં આવ્યું છે કે લગ્નના થોડા જ દિવસોમાં એટલે કે હનીમૂન પછી તરત જ બંનેના વિચારોની દિશા બદલાઈ જાય છે. ઝડપથી બંને વચ્ચેનું આકર્ષણ ઘટવા લાગે છે. નાનો ઝઘડો પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. ધીમે ધીમે ઝઘડા શરૂ થવાનાં કારણોની સંખ્યા વધતી જાય છે. ઉશ્કેરાટ,અશાંત વાતાવરણ જેવી સ્થિતિ ઘરના વાતાવરણને બગાડી મૂકે છે.
લગ્ન પહેલાંની તમામ ચંચળતા નારાજગીમાં રૂપાંતરિત થઈ જાય છે,પરંતુ એનો અર્થ એ નથી કે પ્રેમ સમાપ્ત થઈ ગયો છે.વધેલા કોમ્યુનિકેશન ગેપને ઘટાડવાનો પ્રયાસ કરો જેથી રિલેશનશિપને પ્રેમના પાટા પર લાવીને વ્યવસ્થિત ચલાવી શકાય. બે વ્યક્તિ જે જુદા વાતાવરણ,પરિવાર,પરિવેશમાં રહેતી હોય છે,જેમની પસંદ,વિચાર,ફેમિલી વેલ્યૂ બધું અલગ હતું,પરંતુ હવે લગ્ન બાદ બંને સાથે રહે છે,પરંતુ થોડો સમય તો બંનેને એકબીજાને સમજવા જોઈએ ને?
એકબીજા પ્રત્યે અંડરસ્ટેન્ડિંગ અને શાંત સ્વભાવ દ્વારા જ પુખ્ત સમજ વિકસિત થશે. પ્રેમ સમય ઇચ્છે છે,વિશ્વાસ ઇચ્છે છે,સાથ ઇચ્છે છે. લગ્ન કોઈ સત્તા નથી જ્યાં એક જ રાજા છે,જે માત્ર આદેશ આપશે અને બીજો એનું પાલન કરશે. આજે દંપતી એટલે કે પતિપત્ની સમાન છે. બંનેને પોતાની વાત કહેવાનો સંપૂર્ણ અધિકાર છે. કોઈપણ નિર્ણય વિવેકથી લેવો જોઈએ. યાદ રાખો,તમે જેટલું આપશો એનાથી ઘણું વધારે મેળવશો. પછી તો દર વખતે વિજય થશે તમારા બંનેના પ્રેમનો.

