Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Serious diseases spread through unclean toilets

Sahiyar : અસ્વચ્છ શૌચાલયથી ફેલાતી ગંભીર બીમારીઓ

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : અસ્વચ્છ શૌચાલયથી ફેલાતી ગંભીર બીમારીઓ
સોર્સ : GSTV

હેપટાઈટીસ જેવી અનેક ગંભીર બીમારીઓ અને સંક્રમણોની રોકથામ માટે શૌચાલયની સ્વચ્છતા મહત્વની છે. એનું કારણ છે  શૌચાલયની બેઠકો, ફ્લશિંગ બટનો, જેટ સ્પ્રે, દરવાજાના હેન્ડલો તેમજ કોમોડની આસપાસ અનેક જંતુઓ નભતા હોય છે. 

App Store

જ્યારે આ જંતુઓ માનવ ત્વચાના સંપર્કમાં આવે છે અથવા  દૂષિત હાથ દ્વારા નાક, મોં અથવા આંખોમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ વિવિધ પ્રકારના ચેપનું કારણ બને છે, જેમાંથી કેટલાક ગંભીર અથવા જીવલેણ પણ સાબિત થઈ શકે છે.  આપણે એવા ચેપની ચર્ચા કરીએ જે અસ્વચ્છ શૌચાલયના ઉપયોગ દ્વારા ફેલાય છે.

૧. સ્ટ્રેપ થ્રોટ

સ્ટ્રેપ્ટોકોકસ શૌચાલયમાં જોવા મળતો સામાન્ય બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા ખૂબ જ ચેપી હોવાથી તે સ્ટ્રેપ થ્રોટ સહિત ઘણા ચેપનું મુખ્ય કારણ બને છે. તે દૂષિત બાથરૂમની વસ્તુઓ અથવા ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા સ્પર્શ કરાયેલી વસ્તુઓ, જેમ કે દરવાજાના હેન્ડલો દ્વારા વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.

૨. ઝાળા 

બેક્ટેરિયલ ઝાડા મુખ્યત્વે સેલમોનેલા અથવા કેમ્પીલોબેક્ટર બેક્ટેરિયાને કારણે થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ અસ્વચ્છ વિસ્તારમાં મુસાફરી કરે ત્યારે તેને ઈ-કોલી, શિગેલા અથવા મળમાં હાજર પરોપજીવીઓના ચેપને કારણે ઝાડા પણ થઈ શકે છે.

૩. ઈ-બોલા

પશ્ચિમ આફ્રિકા જેવા ઈબોલા ગ્રસ્ત દેશોમાં માનવ મળ દ્વારા ઈબોલા વાયરસનું સંક્રમણ સામાન્ય છે. ઈબોલા પ્રભાવિત વિસ્તારોમાં કચરો અને સ્વચ્છતા સેવાઓમાં સુધારો કરવાથી કચરાથી પ્રભાવિત ઈબોલા સંક્રમણ ઘટાડી શકાય છે.

૪. કોલેરા

કોલેરા મુખ્યત્વે મળ તેમજ તળાવો અથવા કૃષિ જમીન જેવી દૂષિત સપાટી દ્વારા ફેલાય છે. અયોગ્ય સેનિટેશન જેવા તેના સંક્રમણ માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કોલેરાની મહામારી પર નિયંત્રણ રોકી શકાય છે.

૫. ગોનોરિયા

ગોનોરિયા એક જાતીય રોગ છે જે શૌચાલયની સીટ દ્વારા પણ ફેલાઈ શકે છે. ગોનોરિયા ચેપથી ટૂંક સમયમાં યોનિ માર્ગમાંથી ગાઢો અને લીલો સ્રાવ શરૂ થઈ જાય છે જે સિપ્રોફ્લેક્સિન જેવી એન્ટીબાયોટિક્સનો પણ પ્રતિરોધ કરે છે.

૬. ત્વચા સંક્રમણ

સ્ટ્રેપ્ટોકોકી બેક્ટેરિયા જાહેર શૌચાલય સીટ દ્વારા  ઈમ્પેટીગો અને નેક્રોટાઈસિંગ ફેસાઈટીસ જેવી હળવાથી ગંભીર ત્વચા ચેપ સર્જી શકે છે. બેક્ટેરિયા નિતંબમાં ફોલ્લા અને ગુદા દ્વારની ત્વચા પર ખંજવાળ પણ સર્જી શકે છે.

૭. યોનિ ભાગમાં જૂ

યોનિભાગમાં જૂ મુખ્યત્વે યોનિ પરના વાળમાં થાય છે. તે મોટાભાગે ટોઈલેટની સીટ અથવા જાતીય સંપર્ક દ્વારા ફેલાય છે. રાત્રિના સમય જનાંગ ભાગમાં ખંજવાળ ચેપના મુખ્ય લક્ષણ છે.

૮. મૂત્રમાર્ગના ચેપ

શૌચાલયની અસ્વચ્છ આદતો મૂત્ર માર્ગના ચેપના જોખમમાં વધારો કરી શકે છે, જે હોસ્પિટલની મુલાકાત લેવાનું બીજા ક્રમાંકનું સૌથી મોટુ કારણ છે. યુવા મહિલાઓમાં, ખાસ કરીને પશ્ચિમી શૌચાલયના ઉપયોગની આદત હોય તેવી મહિલાઓમાં મૂત્ર માર્ગના ચેપ સામાન્ય બાબત છે.

૯. ન્યુમોનિયા

એક અભ્યાસ મુજબ ન્યુમોનિયાના બેક્ટેરિયા આરોગ્ય કર્મીઓના મોબાઈલ ફોન પર મળી આવ્યા હતા. માનવામાં આવે છે કે આ જંતુઓ શૌચાલયની બેઠક સહિત અનેક સ્રોતોમાંથી મોબાઈલ પર આવ્યા હોવા જોઈએ. આવું ત્યારે જ બની શકે જ્યારે વ્યક્તિએ શૌચ સમયે મોબાઈલનો ઉપયોગ કર્યો હોય અને પછી હાથ સ્વચ્છ ન કર્યા હોય.

૧૦. ગેસ્ટ્રોએન્ટરાઈટીસ

પેટ અને આંતરડામાં સોજા તરીકે ઓળખાતું ગેસ્ટ્રોએન્ટરાઈટીસ નોરોવાયરસ અને રોટાવાયરસ જેવા વિવિધ જંતુઓ દ્વારા થાય છે અને મુખ્યત્વે દૂષિત શૌચાયલ સપાટી પરથી ફેલાતું હોય છે. ઉલટી, ઝાડા અને પેટની પીડા સહિતના લક્ષણો ખાસ કરીને નાના બાળકો અને વયસ્કોમાં ડીહાયડ્રેશન સર્જી શકે.

૧૧. યીસ્ટ સંક્રમણ

મહિલાઓમાં યીસ્ટ સંક્રમણ શૌચાલયની અસ્વચ્છ આદતોથી વકરે છે. આ સંક્રમણ માટે કારણભૂત ફંગસ કેન્ડિડા ભેજયુક્ત, અસ્વચ્છ સ્થિતિમાં પાંગરે છે. ગંદા શૌચાલયનો ઉપયોગ અને અંગત સ્વચ્છતાની ઉપેક્ષાથી આ જોખમમાં વધારો થાય છે.

૧૨. ફંગલ સંક્રમણ

એથલેટ ફૂટ અથવા જોક ઈચ જેવા ફંગલ સંક્રમણ ભેજયુક્ત અને અસ્વચ્છ શૌચાલયોમાં ફેલાઈ શકે છે. ફુંગી હુંફાળા, ભેજયુક્ત વાતાવરણાં પાંગરે છે અને દૂષિત સપાટીના સંપર્કમાં આવતા ત્વચાનો ચેપ ફેલાવી શકે છે. આવું ખાસ કરીને જાહેર સ્નાન અથવા બાથરૂમ સુવિધામાં વધુ થાય છે.

૧૩. શરદી અને ફ્લુ

શરદી અને ફ્લુ વાયરસ પણ સામાન્ય વાયરલ ચેપ છે જે અસ્વચ્છ શૌચાલયો દ્વારા ફેલાઈ શકે છે. તેનાથી માથાનો દુ:ખાવો, તાવ, નાક બંધ થઈ જવાના ફ્લુ જેવા લક્ષણો હોય છે.

૧૪. પેટમાં ખેંચ

પેટમાં ખેંચની સમસ્યા શૌચાલયની દૂષિત સીટ દ્વારા ઈ-કોલી બેક્ટેરિયાના ચેપથી થઈ શકે છે. ક્યારેક ઝાડા વધી ગયા પછી ખેંચની સમસ્યા ગંભીર બનતા ઝાડામાં લોહી અને ઉલટી પણ થઈ શકે છે.

૧૫. ખોરાકી ઝેર

દૂષિત હાથ દ્વારા રાંધેલો અથવા પીરસાતો ખોરાક આરોગવાથી પણ ખોરાકી ઝેરની અસર થઈ શકે છે. આવું ત્યારે બને છે જ્યારે વ્યક્તિ શૌચ ગયા પછી હાથ સ્વચ્છ નથી કરતો. ઘરેલુ શૌચાલયોમાંથી સાલમોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ અન્ય પરિવારજનોને  બીમાર કરી શકે છે.

૧૬. સ્કાર્લેટ ફીવર

સ્કાર્લેટ તાવનું મુખ્ય કારણ છે ગૂ્રપ એચ સ્ટ્રેપટોકોકસ બેક્ટેરિયા. આ એ જ પ્રકારનો બેક્ટેરિયા છે જે સ્ટ્રેપનું કારણ બને છે. તે મુખ્યત્વે મ્યુકસ દ્વારા અથવા નાક, છીંક અથવા ઉધરસના સ્રાવ દ્વારા ફેલાય છે.

૧૭. મેનિન્જાઈટીસ

નીસેરિયા મેનિન્જાઈટીડીસ જેવા અમુક પ્રકારના બેક્ટેરિયલ મેનિન્જાઈટીસ દૂષિત સપાટી સાથે સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે. આ બાબત અસામાન્ય હોવા છતાં બેક્ટેરિયા શૌચાલયની સીટ જેવી અસ્વચ્છ સપાટી પર નભતા હોય છે, અને દુર્લભ હોવા છતાં જાહેર રેસ્ટરૂમમાં ચેપ લાગવાથી ફેલાઈ શકે છે.

૧૮. હેપટાઈટીસ એ સંક્રમણ

આ ચેપ મુખ્યત્વે મળથી મુખ દ્વારા ફેલાય છે. હેપટાઈટીસ એ ચેપના લક્ષણોમાં તાવ, ઉબકા, અરુચિ અને પેટમાં ખેંચ મુખ્ય હોય છે. વાયરસ લાંબો સમય ટકતા હોવાથી ઘણીવાર એનો ચેપ ઓળખાતો નથી.

૧૯. શ્વસનરોગના સંક્રમણ

ન્યુમોનિા ઉપરાંત ટયુબરક્યુલોસિસ જેવા અન્ય સંક્રમણ પણ રેસ્ટરૂમ,ખાસ કરીને જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય ત્યાંથી ફેલાઈ શકે છે. બેક્ટેરિયા અસ્વચ્છ સપાટી પર પાંગરે છે અને અસ્થિર થયા પછી હવામાંથી ફેલાઈને અન્યોને સંક્રમિત કરી શકે છે.

અસ્વચ્છ શૌચાલયથી ફેલાતા 

ચેપ સામે રક્ષણ

-  શૌચનો ઉપયોગ કર્યા પછી ઓછામાં ઓછી વીસ સેકન્ડ સુધી હાથ સાબુ અને પાણીથી સ્વચ્છ કરવા.

- શૌચ ગયા પછી હાથ સ્વચ્છ થાય ત્યાં સુધી ચહેરા, આંખ અથવા નાકને સ્પર્શ ન કરવો.

- ફ્લશના હેન્ડલ, દરવાજાના હેન્ડલ અને અન્ય સપાટીને સીધો સ્પર્શ કરવાના સ્થાને ટિશ્યુ પેપરનો ઉપયોગ કરવો.

- સામાન્યપણે સ્વચ્છતાનું પાલન  કરવું. યાદ રહે મોટાભાગના જંતુઓ સામે સ્વચ્છતા જ શ્રેષ્ઠ સુરક્ષા છે.

- ઉમેશ ઠક્કર