Sahiyar : પીડાને જાતે દૂર થવા દો, ખોતરશો તો વધુ દુ:ખશે

- રિલેશનના રિ-લેસન
- લાઈફમાં સરસ પેઈનલેસ પ્રોસેસ છે પણ આપણે તેને અપનાવતા જ નથી. દુ:ખને ખોતરીને ખાડો કરવો તેના કરતા સમયના વહેણમાં છોડીને તેની ઉપર રૂઝ આવવા દેવી વધારે શાતા આપશે અને ઘા ઝડપથી ભરાશે. સમય આવશે જ્યારે આ દુ:ખ ક્યાંય દૂર થઈ જશે અને કદાય યાદ આવશે પણ નહીં.
હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. બાળકો હાલમાં ઘરે હશે, રમતા હશે, પડતા હશે, રડતા હશે અને સાજા થતા હશે. આપણે પણ કદાચ આ પ્રોસેસમાંથી પસાર થયા હતા અને આવનારી પેઢી પણ આ જ પ્રોસેસમાંથી પસાર થશે. આ પ્રોસેસની એક સરસ યાદગીરી હોય તો વાગવું અને સાજા થવું છે. તમને યાદ જ હશે કે નાનપણમાં આપણે પડતા હતા અને ખાસ કરીને ઢિંચણમાં કે પછી હાથમાં ક્યાંય છોલાઈ જાય ત્યારે ત્યાં પોપડી બાઝતી હતી. આ પોપડી ઉખાડવાની મજા બહુ આવતી હતી. તેની સાથે સજા પણ મળતી હતી. આ પોપડી ઉખાડીએ ત્યારે પીડા ફરીથી જાગી જતી હતી. ત્યારબાદ ફરીથી પોપડી બાઝતી હતી. થોડા દિવસ જાય એટલે આપણે તેને ફરી ઉખાડવાનો પ્રયાસ કરતા હતા. આ રીતે પીડા અને શાંતિ વચ્ચે આપણે ફંગોળાયા કરતા હતા. તે સમયે સમજ નહોતી કે આપણી જ પીડાને આપણે જ ખોતરીએ છીએ અને ફરીથી આપણે જ પીડાઈએ છીએ. ખોતરવાનો આનંદ ત્યારે અણસમજ સાથે જોડાયેલો હતો. જેમ જેમ સમજણ આવતી ગઈ તેમ તેમ ખ્યાલ આવ્યો કે, જાતે ખોતરવાથી પીડા વધે છે. ત્યારબાદ આપણે વાગે તો દવા કરીએ અને કદાચ પોપડી બાઝે તો તેને તેની જાતે જ ઉખડી જવા સુધી સાચવીએ. તે જાતે જ ઉખડી જાય અને આપણને પણ રાહત થઈ જાય.
હવે બીજી એક વાત કરીએ. એક હોલમાં એક સ્ટેન્ડઅપ કોમેડીનો કાર્યક્રમ હતો. કલાકાર દ્વારા એક સરસ મજાનો જોક કહેવામાં આવ્યો. લોકોએ તેને તાળીઓથી વધાવી લીધો. તેણે આ જોક ફરીથી કહ્યો અને ફરી લોકોએ તાળીઓ પાડી. તેણે ત્રીજી વખત આ જોક કહ્યો ત્યારે કેટલાકે તાળી પાડી અને મોટાભાગનાએ કંટાળો વ્યક્ત કર્યો. તેણે આ જોક ચોથી વખત કહ્યો અને આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. કોઈએ કોઈ જ પ્રતિક્રિયા આપી જ નહીં. તેનું કારણ એટલું જ છે કે, આપણે એક જોક ઉપર વારંવાર તાળી પાડી શકતા નથી અને ખુશ થઈ શકતા નથી. આપણી માનસિકતા માત્ર આનંદ માટે અને ખુશ થવા માટે જ આવી છે તેવું નથી. આપણે દુ:ખ અને સુખ માટે ઈચ્છાધારી છીએ. આપણે જેનો અનુભવ કરીએ તેને સતત વાગોળી વાગોળીને અનુભવને આગળ વધારતા જઈએ છીએ. ત્યારબાદ તેને સાચવવા જાતભાતના એડજસ્ટમેન્ટ કરીએ છીએ.
વ્યક્તિ એકલી હોય તે માની શકાય છે. વ્યક્તિને એકલા પડવાનો ભય સતત સતાવતો હોય છે. આ ભય દરેકને એકબીજા સાથે સીધી કે આડકતરી રીતે જોડી રાખવા પ્રયાસ કરે છે. તમે જ વિચારો કે વૃદ્ધો પોતાના વિચિત્ર સંતાનો સાથે જીવનનો છેલ્લો તબક્કો સુખ હોય કે દુ:ખ પણ પસાર કરતા હોય છે. ગૃહિણી આથક સદ્ધરતા ન હોવાથી પોતાના પતિ સાથે રહે છે, પછી ભલેને તે દારૂડિયો હોય કે લફરાબાજ હોય તે સહન કરી લે છે. તેવી જ રીતે પતિ પણ પત્ની ઝઘડાખરો હશે કંકાશ કરતી હશે પણ તેનાથી દૂર એકલો નહીં રહી શકે. આપણે જાણીએ છીએ કે, એકલતા આપણને પીડા આપે છે. કોઈ એક પરિસ્થિતિ આવે જ છે જેમાં આપણે સ્વજન ગુમાવવું પડે છે, નિષ્ફળ થવું પડે છે, જતું કરવું પડે છે, કંઈક છોડવું પડે છે. ઘણી વખત ધારી સફળતા મળતી નથી. ધારેલું પરિણામ મળતું નથી, ધારેલી વસ્તુ મળતી નથી, નોકરી મળતી નથી કે પાત્ર મળતું નથી. આપણે ધારીએ અથવા તો ઈચ્છીએ એવું દર વખતે થતું નથી અને કદાચ થવાનું પણ નથી. તેની પીડાને આજીવન સાચી રાખીશું તો દુ:ખી જ રહીશું.
એક સરસ મજાની વાર્તા છે. એક સ્ટીફન નામનો છોકરો હતો. આર્જેન્ટિનામાં તેનો જન્મ થયો હતો. તેમાંય ફૂટબોલનો ચાહક અને ખેલાડી હતી. સ્કૂલમાં ભણવા દરમિયાન જ તે ફૂટબોલની જાણીતા ખેલાડી તરીકે પ્રસિદ્ધિ મેળવવા માંડયો હતો. આર્જેન્ટિનાની ઘણી ક્લબ તેને સિનિયર કેટેગરીમાં રમાડવા તૈયાર થઈ હતી. આ બધા વચ્ચે તેનો પરિવાર બ્રિટનમાં શિફ્ટ થયો. તે પરિવાર સાથે લંડનમાં રહેવા લાગ્યો. ત્યાંની સ્કુલમાં અભ્યાસ કરવા લાગ્યો અને ફૂટબોલ રમવા લાગ્યો. તે પંદર વર્ષનો થયો અને એક દિવસ પોતાના મિત્રોની સાથે ફૂટબોલની મેચ રમવા જતો હતો. તેમની ગાડીને ભયાનક અકસ્માત થયો હતો. આ હુમલામાં તેને ગંભીર ઈજા થઈ હતી. તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે લગભગ ચાર મહિનાનો સમય પસાર થઈ ગયો હતો. કોમામાંથી બહાર આવ્યા બાદ તેને સમાચાર મળ્યા કે અકસ્માતમાં તે બે મિત્રોના મોત થયા હતા અને બાકીના ત્રણ મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેની ઈજા પણ અસહ્ય હતી. તેને કમરમાં થયેલી ઈજાના કારણે તે હવે ચાલી કે દોડી શકે તેમ નહોતો.
સ્ટીફન ખૂબ જ દુ:ખી થઈ ગયો. તેની સાથે અને તેના મિત્રો સાથે જે બન્યું હતું તેનાથી બધા જ દુ:ખી હતા. સ્ટીફન ધીમે ધીમે ડિપ્રેશનમાં સરતો ગયો. તે પોતાના રૂમમાં ભરાઈ રહેતો. ક્યારેક તેનો પરિવાર તેને વ્હીલચેર ઉપર બેસાડીને ક્યાંય લઈ જાય અથવા તો ગાર્ડનમાં પણ લઈ આવે તો તે કોઈની સાથે વાત કરતો નહીં. તે એકલવાયું જીવન જ પસંદ કરતો હતો. આ દરમિયાન એક ડોક્ટર સાથે તેની મુલાકાત થઈ. તેમણે તેને માત્ર એટલું જ કહ્યું કે, તારે એકલા રહેવું હોય તો તારે પુસ્તકો વાંચવા જોઈએ. તું પુસ્તક વાંચતો હોઈશ તો કોઈ તારી પાસે આવશે નહીં અને તને ક્યાંય લઈ પણ જશે નહીં.
ડોક્ટરની વાત સ્ટીફનને ગમી ગઈ.. તેણે ધીમે ધીમે પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેને થોડો મુશ્કેલી પડતી હતી પણ તેના પરિવારે તેને બે-ત્રણ લાઈબ્રેરીનો મેમ્બર બનાવી દીધો, તેને ઓનલાઈન પુસ્તકોનું એક્સેસ કરાવી દીધું. સ્ટીફન પુસ્તક વાંચતો ગયો તેમ તેમ તેના વિચાર મુક્ત થતા ગયાતે સમજાતું ગયું કે વિશ્વમાં ઘણું બધું પડયું છે અને વિશ્વમાં લોકોએ ઘણું બધું ભોગવ્યું પણ છે. તેના મનમાંથી પોતાની પીડા મુક્ત થવા લાગી. તે વાસ્તવિકતાને સમજવા લાગ્યો. તેને સમજાયું કે આ વિશ્વમાં કશું જ શાશ્વત નથી. દરેક વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવતું જ રહે છે. સમગ્ર વિશ્વ બદલાતું રહે છે. દુ:ખ અને સુખનું ચક્ર સતત ચાલ્યા જ કરે છે. તેણે પોતાની પીડાને જાકારો આપીને હકારાત્મકતાને અને વાસ્તવિકતાને સ્વીકારીને જીવવાનું શરૂ કર્યું. સમય જતાં તે એક જાણીતો લેખક અને ચિંતક બન્યો. ફૂટબોલ છોડવાનું અને પગ જતા રહેવાનું તેનું દુ:ખ ક્યાંય જોજનો દૂર જતા રહ્યા.
આ વાત આપણને એટલા માટે પણ લાગુ પડે છે કે, જેમ આપણા શરીરમાં વાગતું અને પોપડી બાઝે તેમ આપણા મગજમાં, આપણી સ્મૃતિમાં, આપણી સંવેદનામાં દુ:ખની, પીડાની, કંઈક ગુમાવ્યાની, કશુંક ગયાની અને ઘણી બાબતોની પોપડીઓ બાઝેલી હોય છે. આપણે પણ અવારનવાર આ પોપડીઓને ઉખાડયા કરીએ છીએ. તેને ઉખેડીને જે બળતરા થાય છે તેનો સતત અનુભવ કરતા રહીએ છીએ અને દુ:ખી થતા રહીએ છીએ. આપણે આ પીડાને છોડવા માગતા નથી. તેને ઉખેડવાની અને પછી દુ:ખી પણ થવાનું કે પીડા જતી નથી. હકિકતે તો આપણે પણ મગજમાં, મનમાં અને સ્મૃતિ કે સંવેદનામાં બાઝેલી આ પોપડીઓને ઉખેડવાની જગ્યાએ તેને શાંતિથી છોડી દેવી જોઈએ. સમયનો મલમ તેના ઉપર એવો સરસ લાગશે કે તે આપોઆપ ખરી જશે. જે પીડા કાયમ રહેતી હતી તેનાથી મુક્તિ મળી જશે. લાઈફમાં સરસ પેઈનલેસ પ્રોસેસ છે પણ આપણે તેને અપનાવતા જ નથી. દુ:ખને ખોતરીને ખાડો કરવો તેના કરતા સમયના વહેણમાં છોડીને તેની ઉપર રૂઝ આવવા દેવી વધારે શાતા આપશે અને ઘા ઝડપથી ભરાશે.
સમય આવશે જ્યારે આ દુ:ખ ક્યાંય દૂર થઈ જશે અને કદાય યાદ આવશે પણ નહીં.

