Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Respect women.

Ravi Purti : મહિલાઓનું સન્માન કરો

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti : મહિલાઓનું સન્માન કરો
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં મિરિક નામનું એક ગિરિમથક આવેલું છે, જે સુમેન્દુ સરોવર અને ચાના બગીચા માટે વિશેષ પ્રસિદ્ધ છે. મિરિકમાં ચાના બગીચાના કર્મચારી બી.આર.સૌરિયાના ઘરે રંગુનો જન્મ થયો હતો. એ નાની હતી, ત્યારે એક વાતનું એને ભારે આશ્ચર્ય થતું કે તેની સાથે રમતી છોકરીઓ કે કેટલીક મહિલાઓ અચાનક ગાયબ થઈ જતી અને પછી ક્યારેય પાછી જોવા મળતી નહીં. તેની માતા તે લોકોને વારંવાર યાદ કરીને દુ:ખી થતી, પરંતુ રંગુ સૌરિયા મોટી થતાં તેને ખબર પડી કે તેઓ છોકરીઓને ઉપાડી જઈ તેની પાસે કામ કરાવે છે અથવા વેચી દે છે.  રંગુએ બારમા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને દાર્જિલિંગ ગવર્નમેન્ટ કાલેજમાં પ્રવેશ મેળવ્યો. એના મનમાં સતત ગુમ થયેલી છોકરીઓ વિશે વિચાર આવ્યા કરતો હતો. આ સમયે નેપાળની માનવ અધિકાર કાર્યકર્તા અનુરાધા કોઈરાલાના આ પ્રકારના કાર્ય વિશે પણ તેણે પોતાની બહેનપણી પાસેથી સાંભળ્યું.

App Store

રંગુએ જોયું કે ચાના બગીચામાંથી પૂરતી કમાણી ન થતી હોય તેવા પરિવારના લોકો શહેરમાં જાય છે. એજન્ટ દ્વારા નોકરી મેળવે છે, પરંતુ તેમાંથી કેટલાક પાછા આવે છે અને કેટલાક પાછા નથી આવતા ત્યારે એમ માનવામાં આવે છે કે તે લગ્ન કરીને શહેરમાં વસી ગયા હશે. જે સમયે યુવતીઓ પોતાના દાંપત્યજીવનના રંગીન સ્વપ્નાં જુએ છે, તેવા સમયે એટલે કે ત્રેવીસ વર્ષની ઉંમરે રંગુએ નક્કી કર્યું કે તે આવી સ્ત્રીઓને બચાવવા માટે કામ કરશે અને ૨૦૦૩માં તેણે આ કામ શરૂ કર્યું. એક દિવસ તેને ખબર પડી કે ચાના બગીચામાંથી તેર વર્ષની છોકરીને દિલ્હી લઈ જઈને બંધુઆ મજૂરી કરાવે છે, ત્યારે તેણે તેના સાથીઓ સાથે મળીને તેને એમાંથી મુક્ત કરી. આ સફળતાથી પ્રેરાઈને તેણે ૨૦૦૪માં કંચનજંઘા ઉદ્ધાર કેન્દ્ર નામની એન.જી.ઓ.ને રજિસ્ટર્ડ કરાવી.

રંગુની માતા પુત્રીના આ કાર્યથી ગૌરવ અનુભવતી હતી. રંગુની એન.જી.ઓ. વિશે ખબર પડવા લાગી, તેમ તેમ માતા-પિતા પોતાની પુત્રીને શોધવા તેની પાસે આવવા લાગ્યા. આ કામ કરવા માટે રંગુ પાસે પૈસા નહોતા, પરંતુ માતા-પિતા પાસેની થોડી બચત અને બેંકમાંથી એક લાખ રૂપિયાની લોન લઈને તેણે ડેરી ફાર્મની શરૂઆત કરી, જેથી તેમાંથી જે આવક થાય તે આ કામમાં વાપરી શકાય. ૨૦૦૫માં દાર્જિલિંગથી બે કિશોરીઓ ગુમ થઈ તેની શોધમાં તે પુણે પહોંચી. એને ખબર પડી કે એ કિશોરીઓ એક વેશ્યાલયમાં છે. રંગુએ તે બે કિશોરીઓની સાથે અન્ય છ કિશોરીઓને પણ એ ચુંગાલમાંથી મુક્ત કરાવી.

૨૦૦૬માં એણે વધુ છોકરીઓને બચાવવાનું કામ કર્યું, તેથી તેને ધમકીઓ  મળવા લાગી. ઘણી વખત મિરિક સુધી પહોંચવા વાહન મળતું નહીં, તો આઠ-દસ કિમી. ચાલીને ઘરે પહોંચતી. તે સમયે પરિવારજનોને ડર લાગતો અને એમને ખૂબ ચિંતા રહેતી. રંગુ સૌરિયાનો ફોન મોડી રાત્રે પણ રણકતો હોય છે. તે કહે છે કે કોઈ કેસ આવે એટલે માનસિક અને શારીરિક રીતે સજ્જ થઈ જવું પડે. દરેક તબક્કે શું થશે તેનો વિચાર કરીને તૈયારી રાખવી પડે. વળી પાછું તે સમયે કશું બોલાય પણ નહીં. જો દક્ષિણમાં જવાનું હોય તો પશ્ચિમમાં જઈએ છીએ તેમ કહેવું પડે, જેથી કોઈને જાણ ન થાય.

આજથી ૨૧ વર્ષ પહેલાં આ કામની શરૂઆત કરી, ત્યારે ખૂબ મુશ્કેલીઓ પડતી. લોકો આ વિશે જાણતા નહોતા. આર્થિક મુશ્કેલી હતી તેમજ મોબાઈલ નહોતા તેથી કોઈ જગ્યાની માહિતી મેળવતા દસ-પંદર દિવસ નીકળી જતા. જ્યારે આજે પરિસ્થિતિ બદલાઈ છે. થોડા સમય પહેલાં રાત્રે દસ વાગ્યે માહિતી મળી કે બઁગાલુરુ જતી ટ્રેનમાં બે છોકરીઓને લઈ જવામાં આવી રહી છે. બોગી નંબર કે સીટ નંબરની ખબર નહોતી, તેમ છતાં પોલીસ સાથે સતત સંપર્કમાં રહીને માલદા સ્ટેશન આવતા રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધીમાં બે છોકરીઓને બચાવી લેવામાં આવી. શરૂઆતમાં બાળમજૂરી અને બોન્ડેડ લેબર માટે પણ કામ કર્યું, પરંતુ અત્યારે કિશોરવયની છોકરીઓને પાર્લર કે મસાજ માટે, ઘરકામ માટે કે વેશ્યાલય માટે વેચવામાં આવે છે, તેને બચાવવાનું કામ રંગુ સૌરિયા વિશેષ કરે છે. ૨૦૦૮માં રંગુની માતાને ગંભીર બીમારી થઈ અને તેમાંથી બચવાની શક્યતા નહોતી તે સમયે જ સમાચાર મળ્યા કે કેટલીક છોકરીઓને વેશ્યાલયમાં વેચવાની છે એ સમયે એની માતાએ રંગુને કહ્યું કે તે છોકરીઓને બચાવી લે. રંગુ તેના માટે ગઈ, પરંતુ જ્યારે પાછી આવી ત્યારે માતાએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. આ ઘટનાએ તેને વધુ મક્કમ બનાવી. અત્યાર સુધીમાં તેણે દસેક હજાર છોકરીઓની જિંદગી બચાવી હશે. સમગ્ર ભારતમાં પૂણે, દિલ્હી, કૉલકાતાના રેડ લાઇટ વિસ્તારમાં જાતે જાય છે. સોશિયલ મીડિયા દ્વારા એના કામને ઓળખ મળી. જોકે તે પોતે સોશિયલ મીડિયા વાપરતી નથી. તેનું લક્ષ્ય એક જ છે - છોકરીઓને બચાવવી. તેણે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેને કોઈ ઍવૉર્ડ મળશે કે રાષ્ટ્રપતિ સાથે ભોજનની તક મળશે, પરંતુ સારું કામ કરવાથી મદદ મળશે તેમ તે માને છે. 

તે ઇચ્છે છે કે દરેક માતા પોતાના બાળકને બહેન, ભાભી કે માતા પ્રત્યે આદર અને સન્માન રાખવાનું શીખવે. જે ઘરમાં મહિલાની ઇજ્જત હોય છે તે ઘરની રોનક અલગ હોય છે.

સ્વપ્નાં જુઓ અને શ્રમ કરો

રેસ્ટોરન્ટનો કોઈ અનુભવ ન હોવાથી પલિક્કડ જઈને તેમણે રેસ્ટોરન્ટમાં ક્લીનર, વેઇટર, કેશિયર અને શેફ તરીકે છ મહિના કામ કર્યું અને પછી પંદર વર્ષ પહેલા રેસ્ટોરન્ટ શરૂ કરી

ચેન્નાઈમાં ચાર ભાઈબહેન અને માતા-પિતા - એમ છ વ્યક્તિઓ દસ બાય દસની રૂમમાં રહેતા હતા. અબ્દુલ નબીલના પિતા લોયડ રોડ પર બ્લાઉસ અને પેટિકોટ વેચતા હતા. બે ટંક પૂરતું ભોજન મળતું નહીં. તેમના માતા સવારે ચાર ઈડલી ખરીદતા તે ખાંડ સાથે ખાવાની. સંભાર અને ચટણી બચાવી રાખતા, જે બપોરે ભોજન વખતે ઈડલી સાથે ખાવાના. અબ્દુલ નબીલ ખાવાના શોખીન અને ભૂખ સહન ન થાય, તેથી દસ વર્ષની ઉંમરે તેમણે બાજુમાં લગ્નનો હોલ હતો ત્યાં નોકરી શરૂ કરી. લોકો ભોજન કરી લે પછી કેળનાં પાન ઉપાડવાની નોકરી કરતા. પરંતુ કેળનું પાન ફાટી જાય તો સુપરવાઇઝર તેમને મારતો. તેમણે ઘણીવાર માર ખાધો, પરંતુ તેનું કારણ એ હતું કે જે કંઈ ખાવાનું વધતું તે પોતે ખાતા અને પરિવાર માટે ઘરે લઈ આવતા.

આવી પરિસ્થિતિમાં પણ રોડ ઉપર મોટી કાર જોઈને તેના મિત્રને કહેતા કે એક દિવસ તે આવી ગાડી ખરીદશે. મોટો બંગલો જોઈને કહેતા કે એક દિવસ આવો બંગલો બાંધશે. દસમા ધોરણ પછી તેમણે અભ્યાસ છોડી દઈને સૈદાપેટ વિસ્તારમાં કપડાંની દુકાનમાં મહિને છસો રૂપિયાના પગારે નોકરી કરી, પરંતુ પૈસા કમાવાની ઇચ્છાએ નોકરી છોડીને પોતાની તિરુપુર બનિયન સેન્ટર નામની ઇનરવેરની દુકાન શરૂ કરી. શરૂઆતમાં તેમને લાગ્યું કે દુકાન સારી ચાલે છે અને એક વર્ષમાં તો શ્રીમંત બની જઈશ, પરંતુ ત્રણ મહિનામાં જ પૈસા અને માલ બંને ખતમ થઈ ગયા. બે-ત્રણ વર્ષ ક્યાંકથી લોન લઈને ચલાવ્યું. પત્નીનાં ઘરેણાં વેચીને વ્યવસાયમાં પૈસા રોક્યા, પરંતુ છેવટે દુકાન બંધ કરવી પડી.

તે સમયે સૈદાપેટમાં એક સુંદર બંગલો હતો અને તેમાં ચાર ગાડી પાર્ક કરેલી જોવા મળતી, તેથી અબ્દુલ નબીલ દરરોજ ત્યાં ત્રણ-ચાર મિનિટ ઊભા રહીને કલ્પના કરતાં કે તેમને પણ આવો બંગલો ને ગાડી હશે. દરરોજ તેમને ત્યાં ઊભેલા જોઈને બંગલાના માલિકે પોલીસમાં ફરિયાદ કરી, તેથી તેમને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછયું કે તેમનો ચોરીનો ઈરાદો છે ? તેમણે પોતાની વાત સમજાવવાની કોશિશ કરી, પણ આવી વાત કોણ માને ? તેમની સાથે પોલીસે દુર્વ્યવહાર કરીને અપમાન કર્યું. પરંતુ આ ઘટનાથી તેઓ ભાંગી પડવાને બદલે મક્કમ બન્યા અને નક્કી કર્યું કે જીવનમાં એક વાર જે બંગલો હતો તેનાથી મોટો બંગલો બનાવીશ જ. મિત્રના કહેવાથી કલ્પાક્કમમાં નાનો ફૂડ સ્ટોલ શરૂ કર્યો. ચાર ટેબલ અને સોળ ખુરશી સાથે શરૂ કરેલ આ સ્ટોલમાં દર મહિને એક લાખની ખોટ આવતી. આજથી ૧૫ વર્ષ પહેલાં આ રકમ મોટી હતી. બધાંએ કહ્યું કે આ વ્યવસાય બંધ કરી દે. પરંતુ માતાએ સાથ આપ્યો અને પત્નીએ કહ્યું કે તે પૈસા નહીં આપે તો પણ તે બધા ખર્ચાની વ્યવસ્થા કરી લેશે, તેથી બંધ કરવાની જરૂર નથી. એક દિવસ નબીલને એના મિત્રે કહ્યું કે તે જે વેચે છે તેવી જ બિરયાની અને અન્ય ખાવાની વસ્તુઓ બહાર મેઈન રોડ પરની દુકાનમાં વેચાય છે, તો અંદરની દુકાનમાં કોણ આવે ? મિત્રની વાત સાચી લાગતા નબીલે પોતાની જગ્યાને અરેબિયન ગાર્ડન સીફૂડ રેસ્ટોરન્ટ અને મીની ઝૂ એવું નામ આપ્યું. ત્યાંની પલ્લવરમ માર્કેટમાંથી નાનાં પ્રાણીઓ અને પક્ષીઓ લઈ આવ્યાં. કલ્પાક્કમમાં એટમિક રીસર્ચ સેન્ટરમાં કામ કરતાં કર્મચારીઓના ક્વાર્ટરમાં જઈને પેમ્ફલેટ આપ્યા. સહુને આ નવો વિચાર ગમી ગયો અને રેસ્ટોરન્ટમાં આવવા લાગ્યા. એક એકર જગ્યા લઈને ત્રણસો વ્યક્તિ બેસી શકે તેવી રેસ્ટોરન્ટ કરી. શનિ-રવિમાં ત્રણસો વ્યક્તિ અંદર હોય અને ૧૦૦થી ત્રણસો જેટલી વ્યક્તિઓ બહાર વેઇટિંગમાં હોય.

રેસ્ટોરન્ટનો કોઈ અનુભવ ન હોવાથી પલિક્કડ જઈને તેમણે રેસ્ટોરન્ટમાં ક્લીનર, વેઇટર, કેશિયર અને શેફ તરીકે છ મહિના કામ કર્યું અને પછી પંદર વર્ષ પહેલા રેસ્ટોરન્ટ શરૂ કરી. ધીમે ધીમે એક સિસ્ટમ વિકસાવી, તેથી શરૂઆતમાં અન્ય ચાર બ્રાંચ શરૂ કરતાં દસથી બાર વર્ષ લાગ્યા. આજે સત્યાવીસ આઉટલેટ છે અને ૨૦૨૬ ડિસેમ્બર સુધીમાં એકસો આઉટલેટનો લક્ષ્યાંક રાખ્યો છે. આજે એમને ત્યાં સાતસો કર્મચારીઓ કામ કરે છે. કર્મચારીને નોકરી પર રાખતા પહેલાં સઘન તાલીમ આપવામાં આવે છે અને એ જ એમની સફળતાનું રહસ્ય છે. આજે તેઓ રોજ કામ પર જતાં નથી. તેઓ માને છે કે તેમની ગેરહાજરીમાં વ્યવસાય ન ચાલે તો તે તેમની નિષ્ફળતા છે. તેઓ પોતાના અમુક કર્મચારીઓને નફામાં ભાગીદાર બનાવે છે, જેથી કરકસરપૂર્વક વ્યવસાય ચાલે. તેઓ પચીસ વર્ષથી નાની વયના યુવાનોને મિત્ર બનાવે છે. ખાવાનો, વાંચવાનો, પ્રવાસનો અને ફિલ્મ જોવાનો શોખ ધરાવનાર નબીલને કોઈ નકારાત્મક વાત ગમતી નથી. તેઓ કહે છે કે જો તમારા જીવનમાં સ્વપ્ન ન હોય તો તમે સ્ટેન્ડ પર ઊભી રાખેલી સાયકલને જ પેડલ મારો છો. તમે થાકી જાઓ, પણ ક્યાંય પહોંચો નહીં. આજે એમની પાસે લક્ઝરી કાર અને મોટો બંગલો છે જેમાં ઘણી ફિલ્મનું શૂટિંગ થાય છે, અત્યાર સુધીમાં દસ હજાર વ્યક્તિની જિંદગીમાં પરિવર્તન લાવ્યા હશે 'હેલ્પ અધર સ્માઇલ'માં માનનારા નબીલ કહે છે કે જો તમે કોઈને મદદ કરો છો તો ઈશ્વરના આશીર્વાદ આપોઆપ તમારા પર ઉતરે છે.