Ravi Purti : નાળિયેરનાં વૃક્ષ પર કોકો-બોટ

- આજકાલ
- આશિન પી. કૃષ્ણાએ તૈયાર કરેલો કોકો-બોટનો વાયરલેસ રોબોટિક હાથ ઝાડ પર પહોંચ્યા પછી નાળિયેર અને પાંદડાઓને યોગ્ય રીતે કાપે છે
કેરળના કોઝીકોડમાં વસતા આશિન પી. કૃષ્ણા જ્યારે એમ કહે કે, 'મારી યાત્રા બાથરૂમથી શરૂ થઈ' ત્યારે ગ્રીસના મહાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકવિજ્ઞાાની આર્કિમીડીઝની યાદ આવ્યા વિના ન રહે, કારણ કે તેમને તેમની ઉચ્ચાલન શોધનો વિચાર બાથરૂમમાં જ સ્ફુર્યો હતો. આશિન છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તેણે પોતાના ઘરની બાલ્કનીને થિયેટરમાં ફેરવી દીધી હતી. નાનપણથી પોગો, મેક્સ, ટી.વી. જેવી ટી.વી. ચેનલો પર એનિમિટેડ કૃતિઓ જોતો અને પછી તે જાતે બનાવતો. પ્રોજેક્ટ બનાવવો તેનો શોખનો વિષય હતો. તે જે કંઈ જોતો તેને ઉત્સાહપૂર્વક બનાવતો અને માતા-પિતાને બતાવતો. એક દિવસ વાતવાતમાં માતા-પિતાએ એને કહ્યું કે આ રીતે કોઈ પણ વસ્તુની નકલ કરવાને બદલે કેમ કશું નવું બનાવતો નથી? આ વાતની તેના મન પર એવી ઊંડી અસર થઈ કે તેણે હવે કંઈક નવું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
આશિન જ્યારે નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે કોઈના માર્ગદર્શન કે સહાય લીધા વિના મિની સ્માર્ટ પોર્ટેબલ એન્ડ્રોઈડ પ્રોજેક્ટર બનાવ્યું. આ પ્રોજેક્ટર બનાવવાથી તેનામાં આત્મવિશ્વાસ વધ્યો અને તેને લાગ્યું કે તે કંઈક નવું કરી શકશે. તેણે નક્કી કર્યું કે હવેથી તે અદ્વિતીય, ઉદ્દેશ્યપૂર્ણ અને સામાજિક પ્રભાવ પડે તેવું કંઈક બનાવશે. ૨૦૧૯માં તેણે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો, ત્યાં સુધીમાં પોર્ટેબલ ઍરકંડીશનર બનાવ્યું જે ઓછી ઊર્જાથી ચાલતું હતું. એની આ શોધે એન.સી.ઈ.આર.ટી. દ્વારા આયોજિત જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય વિજ્ઞાાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં રાજ્ય સ્તરે ત્રીજું સ્થાન અપાવ્યું. એણે ભારતની પ્રતિષ્ઠિત ઇન્ડિયન સાયન્સ કાઁગ્રેસમાં ભાગ લીધો, પરંતુ આશિનની કમનસીબી એવી કે તે વર્ષે કૃષિ વિષયક પ્રોજેક્ટ રજૂ કરવાના હતા. રાષ્ટ્રપતિભવનમાં જવા ન મળ્યું કે વડાપ્રધાન સાથે મુલાકાત ન થઈ, તેથી સત્તર વર્ષનો આશિન અત્યંત નિરાશ થઈ ગયો.
આ નિરાશા વચ્ચે ૨૦૧૯ના નવેમ્બરમાં ચીનના શેન્જેન શહેરમાં નાનશાન આંત્રપ્રિન્યોર સ્ટાર સ્પર્ધા હતી તેમાં સેમિફાઈનલમાં એની પસંદગી થઈ અને એક રોબોટ ટેંક ચેસિસ-કે જેનો ઉપયોગ મોબાઈલ રોબોટ બનાવવામાં થાય છે - તે તેને ભેટ રૂપે આપવામાં આવી, પરંતુ તેના મનમાંથી હજી કૃષિવિષયક સંશોધનની વાત જતી નહોતી. ૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં તે પોતાના ઘરમાં સ્નાન કરી રહ્યો હતો અને બાથરૂમની બારીમાંથી નાળિયેરનાં વૃક્ષો જોઈ રહ્યો હતો. એકાએક એના મનમાં એક દ્રશ્ય ઉપસી આવ્યું કે રોબોટ નાળિયેરના વૃક્ષ પર ચડીને નાળિયેર તોડી રહ્યો છે. તે ક્ષણે જ એણે નક્કી કર્યું કે હવે તેનો પ્રોજેક્ટ આ અંગેનો હશે. તે આ પ્રોજેક્ટ અંગે વિચારવા લાગ્યો અને તે સમયે મળતાં પ્રોટોટાઇપ કે મૉડલ જોયા નહીં, કારણ કે તેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ હતો, તેથી બજારમાં કે ઑનલાઇન ઉપસ્થિત મૉડલ જોઈને એ તેનાથી પ્રભાવિત થવા માગતો નહોતો. એણે મિકેનિકલ એન્જિનિયરિંગના ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવ્યો અને સાથે સાથે પ્રોટોટાઇપ બનાવવાનું ચાલુ રાખ્યું. તેણે તેને નામ આપ્યું કોકો-બોટ. ૨૦૨૩માં કેરળના કૃષિવિભાગ દ્વારા આયોજિત છત્રીસ કલાકની વૈગા એગ્રી હેકથૉનમાં એણે ભાગ લીધો. આ સ્પર્ધામાં કોકો-બોટની જીત થઈ, તેથી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકે આશિનનો સંપર્ક સાધ્યો. તેના કારણે કોકો-બોટને વધુ સારી રીતે વિકસાવવાનો ઉત્સાહ જાગ્યો. ૨૦૨૩માં અભ્યાસ પૂર્ણ કરીને તેણે તેનો પૂરો સમય કોકો-બોટને આપ્યો, કારણ કે તેણે વિચાર્યું કે જો આ કામ અધૂરું છોડીશ, તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. છેવટે ૨૦૨૪ના ફેબ્રુઆરીમાં એણે તેમાં મૂડીરોકાણ કર્યું અને આગસ્ટમાં અલ્ટસેજ ઈનોવેશનને રજિસ્ટર્ડ કરાવી.
આજે ચાર લોકોની આ ટીમ કોઝીકોડમાં એક નાનકડી ઑફિસમાં કામ કરે છે. કોકો-બોટ એક કોમ્પેક્ટ અર્ધ-સ્વચાલિત રોબોટ છે, જેનું વજન દસ કિલોથી ઓછું છે, તેથી તેને એક વ્યક્તિ નાળિયેરના વૃક્ષ પર લગાવી શકે છે. તે એક માનવીની જેમ જ ઝડપથી વૃક્ષ પર ચડે છે. ઉપર પહોંચ્યા પછી રોબોટની અંદરના વાયરલેસ રોબોટિક હાથ નાળિયેર અને પાંદડાઓને યોગ્ય રીતે કાપે છે. કસ્ટમ નિર્મિત કંસોલથી તેને નિયંત્રિત કરવામાં આવે છે. કોકો-બોટનું લક્ષ્ય નાળિયેરની ખેતીને સુરક્ષિત અને સુલભ બનાવવાનું છે. કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડના અહેવાલ મુજબ બાર વર્ષમાં આશરે તેત્રીસ હજાર વ્યક્તિઓને તાલીમ આપી છે, પરંતુ આજે નાળિયેર તોડવામાં માત્ર ૬૦૦-૭૦૦ જેટલી વ્યક્તિઓ કામ કરે છે. કોકો-બોટથી કુટુંબની મહિલાઓ અને આશા વર્કરોને સશક્ત બનાવી શકાય છે અને મહિને પંદરથી વીસ હજારની સ્થિર આવક મળી શકે છે. આ એક રોબોટ હોવાથી દિવસના કોઈ પણ ભાગમાં તેનો ઉપયોગ થઈ શકે છે અને તેનાથી માનવી શક્તિ, શ્રમ અને જોખમમાંથી બચી શકે છે, કારણ કે વીસ ફૂટ ઊંચા વૃક્ષ પર ચડીને નાળિયેર મેળવવા અત્યંત જોખમ ભરેલું કામ છે. કોકો-બોટને નાબાર્ડ, વડાગરા કોકોનેટ પ્રોડયુસર્સ કંપની અને કોઝીકોડની આઈ.આઈ.એમ.નો સહયોગ મળ્યો છે.
વન્ય જીવનની વિરલ સંવેદના
દીક્ષા ચૌહાણ આંદોલન ઊભું કરવા માગે છે. એ આવનારી પેઢીને શીખવવા માગે છે કે કલા એ માત્ર જીવનની નકલ કરવાથી વિશેષ ઘણું કરી શકે છે
પ્રાણી-કલ્યાણ અને વન્યજીવ સંરક્ષણ માટે અનેક લોકો સક્રિય રીતે કામ કરે છે. કોઈ તેને માટે વ્યક્તિગત રીતે, તો કેટલાક એન.જી.ઓ. દ્વારા, તો કેટલાક સમાજનું એક વર્તુળ બનાવીને પોતપોતાની રીતે કામ કરે છે, પરંતુ દીક્ષા ચૌહાણ પોતાનાં ચિત્રો દ્વારા સમાજમાં પ્રાણીકલ્યાણની સંવેદના જગાડવાનું કામ કરે છે. દીક્ષા નાની હતી, ત્યારે તેની માતાએ તેને તબલા અને હાર્મોનિયમ વગાડતા શીખવ્યાં. જોકે તેને નૃત્ય અને સંગીત પસંદ હતા, પરંતુ ચિત્રકલા તેને હંમેશા વધુ આકર્ષિત કરતી હતી. સ્કૂલના અભ્યાસકાળ દરમિયાન પણ તે પોતાની નોટ પાછળ સતત ચિત્રો દોરતી રહેતી. મેરઠની એન્જિનીયરિંગ કૉલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરી ૨૦૧૬માં કોર્પોરેટ ક્ષેત્રે નોકરી મેળવી. એચ.આર., માર્કેટિંગ જેવા વિવિધ વિભાગોમાં કામ કરતી, પરંતુ તેને ક્યારેય તેમાં રસ પડયો નહીં. જ્યાં નોકરી કરી ત્યાં એક મહિનાથી વધારે ટકી શકી નહીં, કારણ કે એને સતત એમ લાગતું કે કોર્પોરેટ ક્ષેત્ર રચનાત્મકતા અને મૌલિકતાને હણી નાખે છે.
દીક્ષા ચૌહાણે ન્યૂરોસાયન્સ અને રસાયણ વિજ્ઞાાનની પરીક્ષાની તૈયારી કરી. મશીન લર્નિંગ શીખવા માટે પાયથન કોર્સ કર્યો, પરંતુ તેને સંતોષ થયો નહીં. એ કહે છે કે તે પ્રક્રિયા શીખવા માગતી હતી, પરંતુ અહીં તો વધુ ધ્યાન પરીક્ષામાં કઈ રીતે ઉત્તીર્ણ થવાય તેના પર હતું. ૨૦૧૯માં તેણે આર્ટ સર્ટિફિકેશનનો કોર્સ કર્યો, પરંતુ તેમાં પણ તેને નિરાશા સાંપડી. આ બધાં વર્ષો દરમિયાન ચિત્રકલા સાથે તેનું સતત જોડાણ રહ્યું. છેવટે ૨૦૧૯ના ઑગસ્ટ મહિનામાં શિક્ષક બનવાનું નક્કી કર્યું. તેને માટે સ્વ-અધ્યયનથી કલા શીખવાનું શરૂ કર્યું. ઈન્ટરનેટ પર આવતાં ચિત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આંતરરાષ્ટ્રીય કલાકારોનાં ચિત્રો જોયાં. ન્યૂયૉર્ક સ્થિત કલાકાર નિક સાઈડરે દીક્ષાને યથાર્થવાદી અર્થાત્ વાસ્તવિક જીવનમાં જેવું દેખાય છે તેવું અને અતિ-યથાર્થવાદી અર્થાત્ વધુ વિસ્તારિત, લગભગ ફોટોગ્રાફિક ગુણવત્તા પ્રાપ્ત કરે તેવી કલા વિશે પ્રેરણા આપી.
આ સમયગાળામાં દીક્ષાએ પોતાનો પાળેલો પ્રિય કૂતરો ગુમાવ્યો. તેના હાથમાં જ એણે છેલ્લો શ્વાસ લીધા હતા અને આથી એ અત્યંત વિચલિત થઈ ગઈ. તે ઘણીવાર પ્રાણીઓ સાથે થતા દુર્વ્યવહારના વીડિયો જોતી અને તેને ગુસ્સો આવતો. તે પોતાની જાતને નિ:સહાય માનતી, પરંતુ પછી પોતાને જ લાગ્યું કે અન્ય લોકો ભલે પ્રાણીકલ્યાણ માટે કશું કરતા ન હોય, પણ એ પોતે કલાના માધ્યમથી પ્રાણીકલ્યાણની દિશામાં કામ કરી શકે. તેણે વન્યજીવ કલાકાર બનવાનું નક્કી કર્યું. તેણે પ્રથમ કાળા અને સફેદ વાઘનું ચિત્ર બનાવ્યું. આ ચિત્ર બનાવવામાં ત્રણ મહિના લાગ્યા. આ પાંચ ફૂટ બાય ત્રણ ફૂટનું આ યથાર્થવાદી ચિત્ર છે. બીજું ગેંડાનું થ્રીડી ચિત્ર બનાવ્યું અને ફેસબુક પર મૂક્યું. એ જોઈને લોકોએ કહ્યું કે આ તો તસવીર લાગે છે. તેનાં ચિત્રો ક્યારેક એવા લાગે કે જાણે એ.આઈ. દ્વારા બનાવ્યા હોય, પરંતુ દીક્ષા પોતાના હાથે જ ચિત્રો બનાવે છે. રાંચીના એક ડૉક્ટરની ઑફિસમાં દીક્ષાના પેઇન્ટિંગ્સ જોઈને ઘણા પૂછે છે કે આ ફોટોગ્રાફ કોણે પાડયો છે?
પૂર્ણકાલીન કલાકાર હોવાને કારણે આજીવિકાની અનિશ્ચિતતા રહે છે, પરંતુ દીક્ષા કહે છે કે તે જે કાંઈ કમાણી કરે છે તેમાંથી બહુ ઓછા પૈસા તે પોતાના માટે ખર્ચે છે. તેને માટે એણે પોતાની જીવનશૈલીમાં પરિવર્તન કર્યું છે અને તેમાંથી બચત કરીને તે કલા પાછળ સારી એવી રકમ ખર્ચે છે. થોડા પૈસાની બચત કરીને જે લોકો નાના પાયે પશુ-પક્ષીની સંભાળ કે સંરક્ષણ માટે કામ કરે છે તેને સહાય કરવામાં ખર્ચે છે. તેને એકલા પ્રવાસ કરવાનો શોખ છે. તે કોઈ આલીશાન હોટલમાં રહેવાને બદલે સ્થાનિક લોકો સાથે રહેવાનું પસંદ કરે છે અને તેનાં બાળકોને ઘરમાં કે આસપાસ નીકળતાં નાનામોટા જીવો, વન્યજીવો અને કોઈ પણ પ્રજાતિને નુકસાન ન પહોંચાડવાના મહત્ત્વ અંગે વાત કરે છે. તે પ્રવાસ સમયે પોતાની કલાસામગ્રી સાથે જ રાખે છે, જેથી ઇચ્છે ત્યારે ચિત્ર કરી શકે.
દીક્ષા ચૌહાણ પોતાના માટે જે પેઇન્ટિંગ બનાવે છે, તેમાં એકથી ચાર મહિનાનો સમય થાય છે, પરંતુ અન્ય માટે બનાવવામાં તે પેઇન્ટિંગ કેવું છે તેના આધારે નિશ્ચિત કરેલી સમયમર્યાદામાં તે પૂરું કરે છે. તે પારંપરિક કેનવાસ, ટોટ બેગ અને ઘડિયાળ જેવી વિવિધ સપાટી પર પેઇન્ટિંગ કરે છે. છેલ્લાં ચાર વર્ષમાં એનાં પચાસ પેઇન્ટિંગ સમગ્ર વિશ્વમાં વેચાયાં છે. તેને અફસોસ એ વાતનો છે કે તેને વિદેશોથી વધુ ઑર્ડર મળે છે, કારણ કે ભારતમાં હજી વન્યજીવ કલાનું મહત્ત્વ સ્વીકારાવું નથી. એ માને છે કે દરેક વ્યક્તિ જંગલ કે સફારીમાં જઈ શકતી નથી તો તેવા લોકો તેના ચિત્રો જોઈને તે સ્થાનનો અનુભવ પામે. તે બાળકોને કલાનું શિક્ષણ આપીને વન્યજીવો પ્રત્યે જવાબદાર બનાવવા માગે છે. તે પોતાની ચિત્રકલા દ્વારા માત્ર પોતાની કારકિર્દી બનાવવા માગતી નથી, પરંતુ એક આંદોલન ઊભું કરવા માગે છે. આવનારી પેઢીને શીખવવા માગે છે કલા એ માત્ર જીવનની નકલ કરવાથી વિશેષ ઘણું કરી શકે છે અને પરિવર્તન પણ લાવી શકે છે.
- પ્રીતિ શાહ

