Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Only rules that are followed with the heart endure.

Shatdal : કેળવણીમાં કરુણા: તલવારની ધારે નહીં, હૃદયના ભાવે પળાતા નિયમો જ ટકે છે

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal : કેળવણીમાં કરુણા: તલવારની ધારે નહીં, હૃદયના ભાવે પળાતા નિયમો જ ટકે છે
સોર્સ : GSTV

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

App Store

હકથી વધારે લેશ 

અમારે ન જોઇએ,

હક થાય છે તે આપો, 

વધારે ન જોઇએ.

મઝધારમાં થયું તે થયું 

વાત વહી ગઈ,

તૂફાનનો અજંપો કિનારે ન જોઇએ.

હૈયામાં એનો પડઘો પડે 

તો જ મૂલ્ય છે,

અલ્લાહનો અવાજ 

મિનારે ન જોઇએ.

સ્હેલાઇથી જે પાળી શકો 

એ જ ધર્મ છે,

નિયમ કોઈ તલવારની ધારે 

ન જોઇએ.

'આઝાદ' જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,

આ જિંદગી પરાયે સહારે ન જોઇએ.

- કુતુબ આઝાદ

પ્ર ત્યેક માણસને જાણે અન્યાય થાય છે. કાયમ આપણને એમ લાગ્યા કરે છે કે આપણને આપણા હકનું ના મળ્યું. હક કરતાં ય ઓછું મળ્યું. સમાજમાં આ અસમાનતા શા માટે છે ? કોઈ આનો ઉત્તર આપી શક્યંએ નથી. પ્રત્યેક ઉત્તર અધૂરા લાગે છે. કવિનું કામ જવાબો શોધવાનું નથી. કવિનું એક કામ પ્રશ્નો ઊભા કરવાનું પણ છે. આપણને ઢંઢોળવાનું છે. કુતુબ આઝાદ એ ઘાયલ અને મરીઝની પેઢીના નોંધપાત્ર શાયર છે. 

આપણા હકની વાત એક લડીને થઇ શકે અને એક રડીને લઇ શકે. પરંતુ નમ્રતાથી ખાનદાનીપૂર્વક જ્યારે કરવામાં આવે ત્યારે જીવન માટે કેવી વિધાયક દ્રષ્ટિ હોવી જોઇએ તેનો ખ્યાલ આવે છે. અમારે હક કરતા વધારે કશું નથી જોઇતું. જેટલો હક થાય છે એટલું તો આપો. અમૃત ઘાયલનું એક મુક્તક યાદ આવે.

થોડો ઝાઝો હિસાબ તો આપો,

ખોટો સાચો જવાબ તો આપો

બાગમાં ભાગ છે અમારો પણ

એક વાસી ગુલાબ તો આપો.

કોઈ વાસી ગુલાબ તો આપો. દેશના રાજકારણીઓએ દેશ આઝાદ થયો છતાં પણ તેમની સ્વાર્થી વૃત્તિઓને કારણે પ્રજાને કંગાલ ને કંગાલ જ બનાવી છે. ગઝલના બીજા શેરમાં વાત યુવાનીની છે.

મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,

તોફાન થયું છે ભરદરિયે સપડાય કિનારા શા માટે !

- ગની દહીંવાલા

છે સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,

કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે !

- મરીઝ

યુવાનીમાં કોઈ ભૂલ કરી હોય એ ભૂલને કારણે ઘડપણ સુધી જાણે સજાઓ ભોગવવાની હોય એ યોગ્ય નથી. ભરદરિયે જે તોફાન થયું હોય એને લીધે શાંત કિનારાઓએ સજા ભોગવવી પડે એ ન્યાયની વાત નથી. એવું ગનીદહીંવાલા કહે છે. એની સાથે જ મરીઝનો શેર યાદ આવી ગયો. જીંદગીના બે-ત્રણ પ્રસંગોમાં માનવ સહજ નબળાઈને કારણે કોઈ ભૂલ થઇ ગઈ હોય તો એને દુનિયાને સમાજે માફ કરવી જોઇએ. મરીઝ કહે છે બે-ત્રણ પ્રસંગો જીવનના શરમજનક છે. મારું સ્ખલન થયું હતું પણ મને એ જ નથી સમજાતું કે આખી જીંદગીને એ લોકોએ શા માટે બદનામ કરીને જીવવા લાયક રહેવા ના દીધી હવે કુતુબ આઝાદનો શેર જોઇએ. મઝધારની અંદર, ભરદરિયે, યુવાનીમાં જે કંઇ થયું'તું એ થયુ'તું. હવે એ તોફાનોનો અજંપો, એની પીડા, એની મૂંઝવણ જીવનના ઘડપણના દિવસોમાં કિનારાના દિવસોમાં શા માટે વિચારવાની હોય ? કિનારે એટલે કે હવે જીવન પૂરું થવા આવ્યું છે ત્યારે મૃત્યુને હસતા મુખે સહર્ષ સ્વીકારવાનું છે.

કુતુબ આઝાદે એક ક્રાંતિકારી શેર સર્જ્યો છે. આ શેર વાંચતાની સાથે મનમાં અનેક પંક્તિઓ એક સામટી આવી ચડી. બાળપણથી મસ્જીદ જ નહીં દરેક ધર્મસ્થળો લાઉડ સ્પીકરોમાં લગભગ ઊંચા અવાજે કોઈપણ ધાર્મિક વાત સાંભળું છું ત્યારે મનમાં થાય છે કે ભગવાન કણે કણમાં વસે છે. ભગવાન અંતર્યામી છે. એને માટે આટલા ઘાંટા પાડવાની શું જરૂર ? અને માણસને માટે આ ઘાંટા પડાતા હોય તો જેને પ્રભુનું નામ લેવું છે એનામાં એટલી જાગૃતિ તો હોવી જ જોઇએ કે ભક્તિના સમયની તેને ખબર પડે. કબીરની પંક્તિ યાદ આવે.

કીડી કે પગ નેપુર બાજે વો ભી સાહિબ સુનતા હૈ

ક્યા અલ્લાહ તેરા બ્હેરા હૈ

કીડીના પગમાં પહેરાવેલા ઝાંઝર જો ભગવાન સાંભળતો હોય તો આ અવાજ શા માટે ? મસ્જિદમાંથી જે નમાઝ પહેલા જે પોકારવામાં આવે છે તેને અઝાન કહે છે. અઝાનનો એક સૂક્ષ્મ અર્થ થાય છે ચાલો ફરીથી જીવતા થઈએ. મરીઝનો શેર યાદ આવે.

પૂરી તું કર નમાઝ અગર હોય ભાનમાં,

ઓ શેખ ! હું તો મસ્ત થઇ ગયો અઝાનમાં.

માત્ર એ પરમેશ્વરનું નામ સાંભળતા જ ભક્તિમાં ખોવાઈ જવાય એ અસલ ભક્તિ. હૈયાનો પડઘો એની પોકારમાં પડે એ એની મહત્તા છે. અને એટલે જ કુતુબ આઝાદ કહે છે મારે અલ્લાહનો અવાજ બ્હારના નહીં હૃદયના મિનારે જોઇએ છીએ.

કુતુબ આઝાદની એક બીજી વિશેષતા એ છે કે ધર્મ પ્રેમથી પળાવો જોઇએ. જીવનમાં સહજતાથી પળાવો જોઇએ. આપણે બધા ધર્મપ્રેમી નહીં ધર્મભીરૂ થઇ ગયા છીએ. અને આથી જ કુતુબ સાહેબ કહે છે કે કોઈ નિયમો તલવારની ધારે પળાય એનો કોઈ અર્થ નથી. આપણે આપણી જીંદગી જીવવા માટે આઝાદ છીએ. આપણી જીંદગી કોઈ પારકા સહારે, પરવશ થઇને જીવવી પડે એ ના હોવી જોઇએ. આગલી પેઢીના શાયરોની આ ખુમારી અને ખુદ્દારી ગઝલમાં અલગ રીતે પ્રગટતા હતા.