Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Are we speeding towards destruction?

Shatdal : કેળવણીની તૂટેલી પાંખ અને ખોખલો સમાજ: શું આપણે વિનાશ તરફ ગતિ કરી રહ્યા છીએ?

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal : કેળવણીની તૂટેલી પાંખ અને ખોખલો સમાજ: શું આપણે વિનાશ તરફ ગતિ કરી રહ્યા છીએ?
સોર્સ : GSTV

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

App Store

કેળવણીની પાંખ જ્યાં તૂટેલી હોય તો પછી અપેક્ષિત ઉડ્ડયન કઈ રીતે શક્ય બને ? સમાજ પણ તેટલે અંશે ખોખલો જ રહેવાનો. સમાજની આંખ પણ મોતિયાગ્રસ્ત જ રહેવાની. એ માટેનું સત્ય કંઈ દૂર ખોળવા જવું પડે તેમ નથી. આજે, આપણી આસપાસ સમાજમાં જે કંઈ ઘટી રહ્યું છે, નકારાત્મકતા જે રીતે વિસ્તરી રહી છે એ બધું ચિંતા ઉપજાવે તેવું છે. કંઈક અંધાધૂંધી ભરેલું, અવ્યવસ્થાવાળું વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ. મૂલ્યહીનતા અને નૈતિક અધ:પતનની સીમા આવી ગયેલી પણ લાગે. સમાજની ઘણી બધી વ્યવસ્થાઓ તૂટી રહી હોય, ઊલટસૂલટ થઈ રહી હોય તેવું પણ અનુભવી રહેવાય. સમાજનો એક મોટો, ઘણો મોટો ભાગ, જ્યારે આવું આચરણ કરી રહ્યો હોય ત્યારે તેને કેમ નજર અંદાઝ કરી શકીએ?

અલબત્ત, સમયે સમયે સમાજ વિશે, ઓછેવત્તે અંશે ફરિયાદ તો રહી છે જ. મહાભારતના રચયિતા વ્યાસની પણ લાગણી રહી હતી કે તેમનું કોઈ સાંભળતું જ નથી. વાલ્મીકિ પણ રામાયણ પૂર્ણ કર્યા પછી વિવાદમાં સરી પડેલા પણ ત્યારે નકારાત્મક બળોનું પ્રમાણમાં ઓછું જોર હતું. ત્યાં માણસનું જીવન, થોડાક અપવાદો બાદ કરતાં, નીતિમય હતું. સામૂહિક અનુભવો અને સંવેદનાઓનું મહત્ત્વ હતું. માણસ એકલપેટો નહોતો. સંતોષ સાથે, પ્રેમભર્યું તે લગભગ જીવી રહ્યો હતો. ત્યારે ઋષિકથિત જીવનશૈલીનો મહિમા હતો, તેનું અનુસરણ કરવાની વૃત્તિ હતી. ઈશ્વરથી ડરીને ચાલનારો માણસ હતો. તેની બુધ્ધિ હ્ય્દયથી ભીંજાયેલી હતી. ત્યારની કેળવણીએ મનુષ્યની ભીતરના ઉત્તમ અંશોને પ્રકટ કરવા જે જીવનપદ્ધતિ-વિચારપદ્ધતિ કે જે મૂલ્યનિષ્ઠ વિભાવો આવિર્ભૂત કર્યા હતા તેની સમાજ પર ભારે અસર હતી. કહો કે જીવનનો લય ત્યારના સમાજે બરાબર પકડેલો હતો. મનુષ્ય તેની વાણી અને વર્તનના કારણે શ્રેષ્ઠતમ લેખાતો રહ્યો હતો. અથવા એ દિશાની એની વધુને વધુ મથામણ રહી હતી. સત્ય, શિવ, સુન્દરનો કંઈક ત્રિયોગ પણ રચાતો રહ્યો હતો. સાચું બોલો, ધર્માચરણ કરો, પ્રિયબોલો, માતા-પિતા-ગુરુ-બંધુ મિત્રો-અતિથિનો આદર કરો, સ્વાધ્યાય નિરત રહો, પ્રમાદ ન કરો, પૃથ્વી દેવનું કાવ્ય છે, મનુષ્ય અમૃત પુત્ર છે - આવા તેવા આદર્શો વાસ્તવિક જીવન સાથે પણ વણાયેલા રહેતા વાણીને પણ ઈશ્વરનું રૂપ લેખવામાં આવતું. ભાષા પણ એ રીતે વિનય-પ્રેમ-ઉષ્માથી ભરી ભરી રહેતી. કહો કે તે વખતે મેક્રોલેવલે ખોરાક, રહેઠાણ, રોજગારની સાથે માઈક્રો લેવલે કળા-ભાષા-સંસ્કાર-સંસ્કૃતિ-સભ્યતા અને તેની સાથે કુટુંમ્બ વ્યવસ્થા, ધાર્મિકતા, આર્થિક બાબતો વગેરે પરસ્પર એવી રીતે ગૂંથાયેલાં હતાં કે કેળવણી અને સમાજ બંનેને છૂટાં પાડીને જોવાનું ભાગ્યે જ બનતું. બંને ઓતપ્રોત હતાં. વિકસિત સમાજ પાસે જે અપેક્ષાઓ રાખીએ છીએ તે ત્યાં પ્રત્યક્ષ થતી હતી. આદર્શ વિશેષણ યોજવું પડે તેવો સમાજ ત્યારે હતો. ન્યાય, સ્વાતંત્ર્ય સુખાકારી સંસ્કૃતિક વિવિધતા, સ્થિર-ટકાઉ જીવન ત્યાં જોઈ શકાતાં હતાં. હા, ક્યાંક વરવાં ચિત્રો નહીં જોવા મળતાં હોય તેવું નહોતું. પણ વ્યાપક રૂપે તો તંદુરસ્ત કે વિકાસશીલ સમાજનું ચિત્ર જ બહુ ઊપસી આવતું જણાય છે.

આજે જેમ કેળવણીની સ્થિતિ બદલાઈ છે, તેમ સમાજની સ્થિતિ પણ બદલાઈ છે. કેળવણી તો જર્જરિત થઈ છે જ, પણ સાથે આપણો સમય પણ કંઈક દુષણોથી, દુરિતોથી, દંતથી, ખોટા દોર-દમામથી કે વિતથ ખ્યાલોથી સ્પર્શાયેલો રહ્યો છે. એમાં નિષ્ફળ નીવડેલી કેળવણી તો મૂળમાં છે જ પણ આપણે, હથેળીમાં ઈથર લઈને જીવતા, ક્ષણમાં વિધ્વંસ પામનાર ને જીવનને ભોગવી લેવાની દોડમાં બધા જ પ્રકારનું ભાન ગૂમાવી બેઠા છીએ, તેય, એટલું જ મોટું કારણ છે. આપણે ક્ષણિક જીવનને ભોગથી ભરી દીધું છે. ભોગવિલાસ માટે માણસને ધન જોઈએ, પૈસો જોઈએ. એ માટે આજે આખા સમાજે એ તરફ દોડ મૂકી છે. તેમાં શિક્ષણ, ધર્મ, શાસન, બ્યૂરોક્રેટ્સ-એમ બધાંએ બળતામાં ઘી હોમ્યું છે. સાથે સાથે તેવા ધનાતુર ટોળાને વધુમાં વધુ મોટું કરવામાં પણ એવાં બળો જ આજે વધુમાં વધુ અગ્રેસર થઈ રહેલાં જોવાય છે. 

વાત એટલે દલા તરવાડીની વાડીના જેવી થઈ છે. બેચાર શું કામ ? લૂંટી જ લેને ! કોઈ જોનાર નથી, તો કોઈ કહેનાર કે ટોકનાર નથી. આવી ધનાતુર વૃત્તિએ આજે માણસને અને તેના સમાજને વેરવિખેર કરી નાખ્યાં છે. કશી તેને સીમા નથી રહી, તો શેહશરમ પણ નેવે મૂકી દીધી છે. સમાજમાં વિશેષ અભિરુચિવાળો સરખા પ્રયોજનવાળો, નીતિ-નિયમ-પ્રથાઓથી ચાલનારો સમૂહ હોય છે એવું જો સાચા, સંસ્કારી સમાજનું સત્ય હોય તો અહીં વરવું સત્ય સામે છેડે આજે એ છે કે આપણે સૌ ધન કામનાઓ ના એક માત્ર પ્રયોજનથી, નીતિ-મૂલ્યનો ખૂલ્લેઆમ અનાદર કરી એક વિચલિત સમૂહ રૂપે જીવી રહ્યા છીએ. ઘોંઘાટ વધતો જાય છે, અનિયંત્રણ વધતું જાય છે, ગતિ વિનાની ગતિને જ સાચી ગતિ લેખી રહ્યા છીએ. આને શું પ્રમાણસનું નૃત્ય કહીશું ? સાર્વત્રિક વિનાશની કરૂણાંતિકા લેખીશું ? આવી ધનલોલુપતામાં આજનું મીડિયા જોડાયું છે, હવે એઆઈ આવ્યું છે, ડિજિટલ વિશ્વ અને ગ્લોબલનો પવન પણ ભળ્યો છે. રોબો કલાસ અને રોબો ટીચર પણ આવી પહોંચ્યાં છે. ઘણું ઓનલાઈન અને પાર વિનાનું વર્ચ્યુઅલ... કહો ધાંધા થઈ ગયેલા માણસનો સમાજ હોય તો 

કેવો હોય ? ધાંધો જ ને ? આપણે આપણને જ પૂછવું પડે કે હું ક્યા દેશમાં-કઈ સંસ્કૃતિ વચ્ચે શ્વાસ ભરી રહ્યો છું ? આ મીડિયા-છાપાં દરરોજ જે બલાત્કાર, કૌભાંડો, દારૂ, ડ્રગ્સ, હીટ એન્ડ રન, છેતરપિંડી, હિંસા, યુદ્ધો, જુઠ્ઠાણાંઓ, ચોરી-લૂંટફાટ-સાઈબર ક્રાઈમ આતંકવાદ વગેરેના સમાચાર લાવે છે એ શું છે ? પેલા અર્થે સાચી જીવનવૃત્તિનું શું કેન્દ્ર જ નથી બદલી નાખ્યું ? આપણે ભાવવિનાના, ભાષા વિનાના થતાં જઈએ છીએ. સમાજ એક ઘોંઘાટનું રૂપ બની ગયો છે. એક પછી એક કૃતક આવરણો રચતા જઈ સમાજ પોતાને ઢાંકવા પ્રયત્ન કરે છે. પ્રતિષ્ઠાનોની પણ એજ દશા છે. ભાષાના વાઘા સજાવી ફરતો શિક્ષક કે ભદ્ર વર્ગ સગવડિયો બની ગયો છે. રાજકરણને સત્તાનો નશો છે, આમ આદમીની વાચા હણાઈ ગઈ છે. ડાપણ ડાહ્યા અન્યને નિમિત્તે પોતાને પણ છેતરી રહ્યા છે. તેવું તે સમજવા તૈયાર નથી. સમાજે એની સમાજ તરીકેની સાચી ઓળખ સંજ્ઞા ગૂમાવી દીધી છે, તો મનુષ્યે પોતાની આત્મસંજ્ઞા ગીરવે મૂકી દીધી છે. જે જાણે છે - સમજે છે તે બોલતા નથી અને જે જાણતા કે સમજતા નથી તે બોલ બોલ કરે છે. સમાજ એમ બે રીતે ગ્રસ્ત છે.