Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Light of super power to destroy demons

Dharmlok : હિમાલયના શિખરે દેવોની પોકાર: અસુર વિનાશ માટે મહાશક્તિનું પ્રાગટ્ય

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : હિમાલયના શિખરે દેવોની પોકાર: અસુર વિનાશ માટે મહાશક્તિનું પ્રાગટ્ય
સોર્સ : gstv

- પ્રજ્ઞાચક્ષુ  ડો. કૃણાલ જોષી

App Store

માતા જગદંબાની આ સ્તુતિ શ્રીમદ્ દેવી ભાગવતના પંચમ સ્કંધમાં પણ વર્ણવી છે અને દુર્ગા સપ્તસતિના પાંચમાં અધ્યાયમાં પણ વર્ણવી છે. એટલે પંચ ત્યાં પરમેશ્વર એ ઉક્તિ પણ સાર્થક થતી જોવા મળે છે. સ્તુતિ કરતાં દેવો બોલ્યાં કે, વિશ્વ પર શાસન કરવાવાળાં દેવી ! તમે પ્રાણશક્તિ છો, સદાનંદ સ્વરૂપિણી છો અને દેવતાઓને આનંદિત કરવાવાળાં છો. તમને નમસ્કાર હો. દાનવોનો સંહાર કરવાવાળાં, માનવોની અનેક અભિલાષાઓ પુરી કરવાવાળાં તથા ભક્તિવશ પ્રગટ થવાવાળાં હે જગદંબા ! તમને નમસ્કાર હો. આદ્યા ! તમારા કેટલાં નામ છે અને તમારું રૂપ કેવું છે - તેને જાણવા કોઈ સમર્થ નથી. બધામાં તમે વસેલાં છો. જીવોની ઉત્પત્તિ અને સંહાર-લીલામાં હંમેશાં આપની શક્તિ કામ કરે છે. સ્મૃતિ, ધૃતિ, બુદ્ધિ, જરા, તુષ્ટિ, પુષ્ટિ, કાન્તિ, શાંતિ, સુવિધા, સુલક્ષ્મી, ગતિ, કીર્તિ અને મેધા - આ બધાં તમારાં જ નામ છે. તમે જ વિશ્વનું સનાતન કારણ છો. જ્યારે જેવો સમય આવે છે ત્યારે તેવું રૂપ લઈને તમે દેવતાઓનું કાર્ય કરીને તેમનાં હૃદયની પીડાને શાંત કરો છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. બધા જ પ્રાણીઓનાં અંત:કરણમાં ઉત્તમ રૂપ ધારણ કરીએ તમે ક્ષમા, યોગનિંદ્રા, દયા, વિવક્ષા(આશય) વગેરે નામોથી બિરાજી રહ્યાં છો. મહિષાસુર, દેવતાઓનો ઘોર શત્રુ હતો. તમે તે મદાન્ધ દૈત્યને મારી ચૂક્યાં છો. બધા દેવતાઓ પર આપની અપાર દયા સદા વરસતી રહે છે. હે દેવી ! આ વાતની વેદ અને પુરાણોએ સ્પષ્ટ ઘોષણા કરી છે. માતા, તેનાં બાળકનું સારી રીતે પાલન-પોષણ કરે છે. દેવતાઓ પણ આપના બાળક છે. તેથી આપ ધ્યાન આપીને તેમના બધા મનોરથો પુરાં કરવાની કૃપા કરો. હે દેવી ! અખિલ જગત આપની વંદના કરે છે. તમે સર્વ સમર્થ છો. તમારા ગુણોને અને સ્વરૂપને કોણ જાણી શકે છે ? બસ, અમને આપના કૃપાપાત્ર માનીને હંમેશાં અમારી રક્ષા કરતાં રહો. જોકે આપ બાણ ચલાવ્યા વિના, ત્રિશૂળ, તલવાર, શક્તિ અને દંડનો પ્રયોગ કર્યા વિના પણ સહજતાથી, શત્રુઓનો સંહાર કરવા સમર્થ છો. છતાં જગત પર ઉપકાર કરવા માટે આપની આ સાકાર લીલા જોવામાં આવે છે. આપનું આ સ્વરૂપ સનાતન છે. અવિવેકી જનો આ રહસ્યને જાણતા નથી. અમારો એ જ નિશ્ચય છે કે, આ જગતની રચના કરવાનું શ્રેય તમને છે. બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને રુદ્ર સંહાર કરે છે, એ વાત પુરાણપ્રસિદ્ધ છે. એ ત્રણેય પણ આપનાજ પુત્રો છે. કેમકે યુગના આદિમાં માત્ર તમે જ રહો છો, તેથી તમે જ બધાની માતા છો. હે દેવી ! પૂર્વે બ્રહ્મા, વિષ્ણુ અને શંકરે તમારી જ આરાધના કરી હતી, ત્યારે તમે તમારી સર્વોત્કૃષ્ટ શક્તિ તેમને આપી અને તે શક્તિ દ્વારા તેઓ જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર સંબંધી કાર્ય કરી રહ્યાં છે. જે યોગી આપ જગદંબાની સેવાથી વિમુખ છે, તે ખરેખર અજ્ઞાની છે.

(ક્રમશ:)