Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Let's leave the violence like tigers and leopards and awaken true 'humanity' in our hearts.

Dharmlok: માનવ હોવાનું ગૌરવ કરીએ: વાઘ-ચિત્તા જેવી હિંસકતા છોડીને હૃદયમાં સાચી 'માણસાઈ' જગાવીએ

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: માનવ હોવાનું ગૌરવ કરીએ: વાઘ-ચિત્તા જેવી હિંસકતા છોડીને હૃદયમાં સાચી 'માણસાઈ' જગાવીએ
સોર્સ : gstv

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

App Store

ધર્મરત્નપ્રકરણ ગ્રન્થકાર મહર્ષિ શુદ્ધ ધર્મપ્રાપ્તિ માટે ભૂમિકાના જે એકવીશ ગુણો દર્શાવે છે તેમાં હવે આવે છે પાંચમાં ક્રમનો ગુણ. એનું નામ છે અક્રૂરતા. અક્રૂરતાનો પ્રતિપક્ષી દુર્ગુણ છે ક્રૂરતા. આ ક્રૂરતા એટલો જબરજસ્ત અને ભયાનક દુર્ગુણ છે એ મનને-પરિણતિને સતત સંકલેશગ્રસ્ત બનાવ્યા કરે, ભીતરમાં ઉકળાટ-અશાંતિનો અનુભવ કરાવ્યા કરે અને જીવને ધર્મપ્રાપ્તિ માટે અયોગ્ય ઠેરવ્યા કરે, ગ્રંથકારે એટલે જ એના માટે પંક્તિ લખી છે કે 'ઇય સો ન ઇત્થ જોગો'. આથી જ-ક્રૂરતાના દોષથી જ જીવ અહીં-શુદ્ધ ધર્મવિષયમાં અયોગ્ય જ જણાવાયો છે.

ક્રૂરતા એટલે દયા-કરૂણારહિત મનોવૃત્તિ. માનવી જ્યારે કોઈ પ્રતિપક્ષી વ્યક્તિ પ્રત્યે ક્રૂર બની જાય ત્યારે એનાં વર્તનમાંથી દયા-માયાનું નામનિશાન મીટી જાય, સામી વ્યક્તિ પ્રત્યે એના વિચાર-વાણી-વર્તનમાં માત્ર ખુન્નસ ઉભરાતું હોય. એમાં ને એમાં જ એ કરપીણ હત્યા-ખૂન પણ કરી બેસે.

પણ... સબૂર ! એક બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે પ્રાણીજગતમાં કેટલીક જાતિમાં નિહાળવા મળે છે તેમ માનવીમાં જન્મજાત ક્રૂરતા નિહાળવા નથી મળતી. વાઘ-સિંહ-ચિત્તા વગેરે હિંસક પ્રાણીઓની જીવનશૈલી પર નજર કરશો તો સમજાશે કે ત્યાં ક્રૂરતા જન્મજાત છે. શિકાર જોયો નથી અને પ્રાણીઓની આંખમાં ખુન્નસ ઉભરાયું નથી. નબળા જીવોના કોઈ જ વાંક-ગુના વિના વાઘ-સિંહ વગેરે એના પર પૂરી તાકાતથી તૂટી પડે અને એને કમોતે ખતમ કરીને જ જંપે.

રાત્રે લાઈટની આસપાસ ફર્યા કરતી ગરોળી જોજો, એની નજર તીક્ષ્ણપણે નાના-નાના જંતુઓ પર હશે. તક મળતાં એ એને 'સ્વાહા' કરીને જ રહેશે. આ જે દર્શાવ્યા તે જીવોની ક્રૂરતા કોઈ જાતિવિશેષ પર નથી, પોતે ભક્ષણ કરી શકે તેવા જીવો પર છે. આ સિવાય બિલાડી જેવા પ્રાણીઓ એવા છે કે જે કબૂતર વગેરે એના ભક્ષ્ય જીવો પર પણ ક્રૂરતા દાખવે અને ઉંદર પર તો જાતિવિશેષનું વૈર હોય તે રીતે તૂટી પડે. બિલાડીની ક્રૂરતાનો એક અનુભવ અમે સ્વયં નજરે નિહાળ્યો છે :

લગભગ પચીસેક વર્ષ પૂર્વેની વાત, મુંબઈની નિકટના ભાયંદર-બાવન જિનાલયતીર્થે અમે વિહાર કરીને આવી રહ્યા હતા. અમે સાઠ ફુટ રોડ પર હતા. અમારો વિહાર પૂર્ણ થવાની અણી પર હતો, બાવનજિનાલય નજર સામે જ નિહાળાતું હતું. ઉત્તરાયણના બે-ત્રણ દિવસ પૂર્વેનો એ દિવસ હતો. માર્ગ પર વાહનવ્યવહારની-લોકોની ભરપૂર અવરજવર હતી.  અચાનક એક કબૂતર ધરતી પર જ પતંગની દોરમાં એવું લપેટાયું કે એ ઊડી ન શકે. અમે ઊભા રહ્યા અને ત્યાંથી પસાર થતાં એક-બે જૈન ભાઈઓને પ્રેરણા કરી કે સાચવીને કબૂતર દોરીમાંથી મુક્ત કરો. હજુ તો એ કબૂતરને હાથમાં લેવા જાય એ પહેલા જ ક્યાંકથી એક બિલાડી ઘસમસતી આવી.

અમને લાગ્યું કે આ બિલાડીને અટકાવાશે નહિ તો એ કબૂતરના રામ રમાડી દેશે. બે-ત્રણ શ્રમણોએ દાંડો ઉગામી બિલાડીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ ક્ષણે બિલાડીને શ્રમણોનો-દાંડાનો કોઈ ડર ન લાગ્યો. અમને આજે-પચીશ વર્ષ બાદ પણ એ ક્ષણનો બિલાડીનો ખુન્નસભાવ નજર સમક્ષ તરવરે છે કે એના ચહેરા પર ડરનો નહિ, આક્રમકતાનો ભાવ હતો. એની નજર લક્ષ્યવેધ કરવા સજ્જ અર્જુનની જેમ એકમાત્ર એના લક્ષ્ય પર હતી. અમારા સહુના કબૂતર બચાવવાના પ્રબળ પ્રયત્ન છતાં પૂરા ઝનૂનથી-આક્રમકતાથી એણે કબૂતર પર તરાપ લગાવી અને આંખના પલકારામાં એ ભાગી છૂટી !

માનવી આશ્વાસન એટલું લઈ શકે કે પૂર્વે જણાવ્યું તેમ એને જન્મજાત આ ક્રૂરતાનો અભિશાપ નથી મળ્યો. સૂક્ષ્મતાથી વિચારીએ તો માનવનો મૌલિક સંબંધ દયા-કરૂણા સાથે છે. ઉદાહરણ લઈએ 'માનવતા' શબ્દનું. આ શબ્દનો વ્યાકરણશુદ્ધ અર્થ છે માનવપણું. પરંતુ વ્યવહારમાં એનો અર્થ કરા છે દયા-કરૂણા-સહાયકતાનો. 'માનવતા મહેંકી ઊઠી' કે 'માણસાઈ મરી પરવારી' આવા વાક્યોમાં અર્થઘટન આ જ અનુભવાશે. જેઓ સદ્ગુરૂના-સસાહિત્યના સંપર્કમાં છે તેમનામાં આ દયા-કરૂણાના સંસ્કારો દેદીપ્યમાન હોય. એથી એની પરિણીતિ સ્વાભાવિક જ અક્રૂર હોય.

જ્યાં માનવોમાં ક્રૂરતા-દયાનો અભાવ જોવા મળે છે ત્યાં પૂર્વજન્મથી લવાયેલ નિર્દયતાના કુસંસ્કારો-આસપાસનું નિર્દય વાતાવરણ વગેરે પરિબળો કામ કરે છે. આ ઉપરાંત પણ કેટલાક કારણો છે. આપણે સંક્ષેપમાં આવા કુલ ત્રણ કારણો વિચારીએ અને યથાશક્ય એ કારણોથી દૂર રહીને અથવા એ કારણો છતાંય ક્રૂરતાથી-નિર્દયતાથી બચીએ.

* જ્યાં સ્વાર્થ હોય ત્યાં ક્રૂરતા આવે. કેટલાક ક્રૂર માનવીઓ એવા હોય છે કે જે જંગલોમાં સાપને જીવતા પકડે. એને વૃક્ષના થડ સાથે ખીલો લગાવી જડી દે અને પછી એ જીવતી ચામડી ઉતારે ! સાપ ભયાનક વેદના અનુભવે, પણ કાંઈ કરી ન શકે. અરે ! હૈયું થથરાવી દે એવી દર્દનાક દાસ્તાન એ છે કે ચામડી ઉતારી લીધા પછી સાપને તેઓ એવો જ-ખીલાથી જડેલો રાખી વિદાય થઈ જાય ! ન એ ખાઈ શકે, ન એ પી શકે. એ રિબાઈ રિબાઈને મરે. શું કારણ આવી ક્રૂરતાનું ? માત્ર સ્વાર્થ. જીવતા સાપની ચામડીનું મૂલ્ય બજારમાં વધુ હોય, એથી કમાણી વધુ કરવા તેઓ આ શયતાનિયત પર ઊતરી જાય.

બિલ્ડરવર્ગ જગ્યા ખરીદે. ત્યાં ગેરકાયદે વસેલ ઝૂંપડપટ્ટીના લોકો એ જગ્યા ખાલી ન કરે. સમજાવટ છતાં આ પરિસ્થિતિ રહે ત્યારે બિલ્ડરવર્ગ ગુંડાઓની ગેંગ મેદાનમાં ઉતરે, રાત્રે આ આવીને ઝૂંપડાં તોડી નાંખે, ઘરવખરી ફેંકી દે, હાડકાં ભાંગી નાંખી ગરીબોને ફરજિયાત ત્યાંથી ઉચાળા ભરાવે જ. એટલથી વાત ન પતે તો આખેઆખી વસાહતને ચારે બાજુથી આગ લગાવી દે. આ ક્રૂરતાનું કારણ ? એ જ કે સ્વાર્થ. જગ્યા જલ્દી ખાલી થાય તો એના પર બિલ્ડીંગ બંધાય અને તગડો નફો મળે !

હૃદયથી પ્રાર્થના કરજો પરમાત્માને કે : 'સંસારમાં છીએ. એથી સ્વાર્થ સિદ્ધ કરવાનો અભિગમ રહેવાનો. પરંતુ એ માટે આવા કોઈ ક્રૂર ઉપાયો લેવાનો વિચારમાત્ર ન આવે એટલી કૃપા કરજો.'

* જ્યાં દ્વેષ હોય ત્યાં ક્રૂરતા આવે. ધારો કે એક વ્યક્તિ તમારી વ્યાવસાયિક પ્રતિસ્પર્ધી છે. તો અન્ય વ્યક્તિ તમારી સામાજિક-રાજકીય પ્રતિસ્પર્ધી છે. આ કોઈ પણ પ્રકારની પ્રતિસ્પર્ધી વ્યક્તિ સ્વાભાવિક જ તમને નડતી હોય, તમારાં કાર્યમાં રોડા નાંખતી હોય, તમારી વિરૂદ્ધ અપપ્રચાર કરતી હોય. આ બધાના પ્રત્યાઘાતરૂપે તમારાં મનમાં એના પ્રત્યે દ્વેષ ઘૂંટાય અને એની પરાકાષ્ઠાએ તે પ્રતિસ્પર્ધીને મારી નાખવાની-ખતમ કરી નાખવાની વૃત્તિ-પ્રવૃત્તિ પાંગરે.

ક્યારેક કોઈ પ્રત્યેનો અતિ રાગ કોઈ પ્રત્યેના અતિદ્વેષમાં પરિણમે અને બીજી વ્યક્તિનો કોઈ વાંક ન હોય છતાં એના પ્રત્યે ક્રૂરતા પ્રગટે. આ લખાય છે એના ત્રણ દિવસ પૂર્વે મુંબઈના ગુજરાત સમાચારમાં એક અરેરાટીજનક સમાચાર વાંચ્યા. ઘટના એવી હતી કે એક પરિણીત પુરુષ સાથે કોઈ સ્ત્રીને પ્રેમસંબંધ બંધાયો હતો. પુરુષ પરિણીત હોવાથી પ્રણયત્રિકોણ સર્જાયો અને એ સ્ત્રી માટે લગ્ન વાસ્તવિકતાથી બહાર થઈ ગયા. એનો ગુસ્સો ઉતાર્યો એણે પેલા પુરુષની પત્ની ઉપર. ત્રણ દિવસ પૂર્વે એ એના ઘરે બંદૂક લઈ પહોંચી ગઈ. દરવાજો બંધ કરી એણે પત્નીના લમણે પિસ્તોલ ધરી ત્યારે ઘરમાં સાસુ-વહુ બે જ હતા. સાસુએ ચીલઝડપ કરી પિસ્તોલ ઝૂંટવી બારીમાંથી બહાર ફેંકી દીધી. પેલી સ્ત્રી હવે વાઘણની જેમ વિફરી. તીક્ષ્ણ ચપ્પુ કાઢી પત્ની ઉપર તૂટી પડી અને ખચાખચ ઘા કરી એણે મારી નાંખી ! ક્યાંથી આવી આ ક્રૂરતા ? કો'કના પ્રત્યેના અતિરાગમાંથી કો'કના પ્રત્યે જન્મેલ અતિદ્વેષમાંથી જ.

* જ્યાં સમ્યક્ સમજ નથી ત્યાં ક્રૂરતા આવે. જ્યાં પારિવારિક સંસ્કારો હિંસક છે, આસપાસનું વાતાવરણ હિંસક છે ત્યાં પ્રાય: સમ્યક્ સમજ નથી. એથી જીવોને મારવાની ક્રૂરતા આવે. કરુણતા એ છે કે એ ક્રૂરતામાં કાંઈ અયોગ્ય ન લાગે. બલ્કે 'એમાં શું વાંધો ?' જેવો અભિગમ રહે.

આ બીજા-ત્રીજા કારણની કે અન્ય કોઈ પણ કારણની ક્રૂરતા જીવનમાં ન પ્રવેશે એની તકેદારી રખાય.

છેલ્લે જગતના સૌથી ક્રૂર સરમુખત્યારોની નામાવલિમાં જેનું નામ અગ્રેસર છે તે રશિયાના જોસેફ સ્ટાલિનના ક્રૂરતાસૂચક વાક્ય સાથે સમાપન કે : 'એક વ્યક્તિનું મૃત્યુ ઘટના છે. પરંતુ (યુદ્ધમાં) લાખો લોકોના મૃત્યુ માત્ર એક આંકડો છે!'