Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Knowledge is simply the destruction of ignorance.

Dharmlok : 'અહં બ્રહ્માસ્મિ'નું અનુસંધાન રાખી આત્મ-બોધને મુક્તિનું સાધન બતાવનારા - સ્વામી રામતીર્થ

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : 'અહં બ્રહ્માસ્મિ'નું અનુસંધાન રાખી આત્મ-બોધને મુક્તિનું સાધન બતાવનારા - સ્વામી રામતીર્થ
સોર્સ : GSTV

વિચાર-વીથિકા-દેવેશ મહેતા

App Store

"I am not this body, not this mind.

I am the infinite Reality.

I am the peace that the world seeks,

I am the joy that never ends.

I am the truth that never changes.

હું આ શરીર નથી, હું આ મન નથી

હું અનંત સત્ય છું.

હું તે શાંતિ છું જેની શોધ જગત કરે છે.

હું તે આનંદ છું જેનો કોઈ અંત નથી.

હું તે સત્ય છું જે કદી પણ બદલાતું નથી.'

'જ્ઞાન કંઈ નવું પ્રાપ્ત કરવું નથી.

જ્ઞાન તો કેવળ અજ્ઞાનનો નાશ છે.

જેમ વાદળ ખસી જતાં સૂર્યના દર્શન થાય છે

તેમ ભ્રાંતિ દૂર થતાં જ આત્મા પ્રકાશિત થઈ જાય છે.'

- સ્વામી રામતીર્થ

સ્વામી રામતીર્થ એક મહાન સંત, વિચારક અને આત્મજ્ઞાની મહાપુરુષ હતા. તેમણે બાળપણથી જ વેદાંતના ગૂઢ તત્વને જાણ્યું અને તેને આત્મસાત્ કરી જીવનમાં ઉતારી પણ લીધું હતું, તેમનું જીવન ત્યાગ, તિતિક્ષા, તપસ્યા, નિર્ભયતા, આત્મબોધ અને સાર્વભૌમિક પરમ પ્રેમથી સભર હતું.

સ્વામી રામતીર્થનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૮૭૭ના રોજ મુરારીવાલા (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમનું બાળપણનું નામ તીર્થરામ હતું. તે બાળપણથી જ પરમ મેઘાવી, પ્રતિભાવાન અને જ્ઞાની હતા. તેમને ગણિતમાં ખૂબ રૂચિ અને ફાવટ હતી. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તે લાહોરની ગવર્મેન્ટ કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક બન્યા. આમ તો એમના જીવનમાં બાહ્ય સુખ સગવડો સારી હતી પણ તે ભીતરનો આનંદ, શાંતિ, સંતોષ પ્રાપ્ત કરવા વ્યાકુળ રહેતા હતા. ઇ.સ. ૧૮૯૬માં તીર્થરામને લાહોરમાં સ્વામી વિવેકાનંદનું પ્રવચન સાંભળવાનો અને એમનું સાંનિધ્ય પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. તે સમયે તીર્થરામ પંજાબની સનાતન ધર્મસભા સાથે જોડાયેલા હતા. પછી તેમણે અદ્વૈત વેદાંતનું ઊંડુ અધ્યયન અને મનન શરૂ કર્યું. તેમના પર સ્વામી વિવેકાનંદ અને દ્વારિકાપીઠના તત્કાલીન શંકરાચાર્યનો વિશેષ પ્રભાવ પડયો.

ઇ.સ. ૧૯૦૧માં તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કર્યો અને તીર્થરામમાંથી રામતીર્થ બન્યા. તે હિમાલય, અલકનંદા અને ભાગીરથીના સંગમ સ્થળે કોટિગ્રામમાં શાલ્મલી વૃક્ષ નીચે બેસી સાધના કરતા. 'અહં બ્રહ્માસ્મિ'નું નિરંતર અનુસંધાન કરી તેમણે ત્યાં આત્મ-સાક્ષાત્કાર પણ કરી લીધો. તેને આધારે તે કહેતા કે ઇશ્વરનો અનુભવ અંત:કરણમાં, ભીતર જ થઈ જાય છે પછી બીજે બહાર શોધવાની શી જરૂર છે ? આત્માને જાણી લેવો એ જ સાચું જ્ઞાન અને મુક્તિ છે.

ટિહરીના રાજા કીર્તિશાહ નાસ્તિક હતા પણ તેમના સંપર્કમાં આવ્યા બાદ પૂર્ણ આસ્તિક બની ગયા. તેમણે સ્વામી રામતીર્થના માટે જાપાનમાં આયોજિત વિશ્વ ધર્મ સંમેલનમાં જવાની વ્યવસ્થા કરી. ત્યાંથી તે અમેરિકા અને મિસર પણ ગયા. તે બધી જગ્યાએ તેમણે વેદાંત અને ભારતીય સંસ્કૃતિનો પ્રસાર અને પ્રચાર કર્યો. તેમનો મુખ્ય સંદેશ આત્મ-બોધ હતો. તે કહેતા, 'તમે તે જ છો જેની તમે શોધ કરી રહ્યા છો.' માનવીએ, ડર, હીનતા અને અજ્ઞાનને છોડીને પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું જોઈએ. આત્મજ્ઞાન જ શાશ્વત શાંતિનો એકમાત્ર ઉપાય છે. આંતરિક શક્તિથી ગમે તેવી ચિંતા, પરેશાની, દુ:ખ અને તકલીફો દૂર કરી શકાય છે.

વેદાંતના પુસ્તકોને કબાટોમાં બંધ રાખવાથી કામ નહીં થાય. વેદાંતના જ્ઞાનને આચરણમાં મુકવું પડશે. જગતના ધર્મગ્રંથોને એ જ ભાવથી ગ્રહણ કરવા જોઈએ જે રીતે આપણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. અને આપણા અનુભવ પ્રમાણે અંતિમ નિશ્ચય પર પહોંચીએ છીએ. દેશને આ સમયે એકતા અને સંગઠનની, રાષ્ટ્રધર્મ અને વિજ્ઞાન સાધનાની જરૂર છે. ભારતભૂમિ મારું શરીર છે. કન્યાકુમારી મારા પગ છે અને હિમાલય મારું મસ્તક છે.' સ્વામી રામતીર્થે માનવ જાતિને એ શિખવાડયું કે માનવી અશક્ત નથી, પણ અનંત શક્તિનો સ્ત્રોત છે. તે ભારતની આધ્યાત્મિક ચેતનાના જ્યોતિર્ધર હતા. ઇ.સ. ૧૯૦૬માં માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેમણે ઋષિકેશમાં ગંગા નદીમાં જળસમાધિ લઈ લીધી હતી. એમનું જીવન અલ્પકાલીન હતું, પણ તેમનો સંદેશયાવચ્ચંદ્રદિવાકરૌ ટકી રહેશે.