Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Keep these things in mind while offering a meal to God

Dharmlok: ભગવાનને થાળ ધરાવતી વખતે રાખો આ વસ્તુઓનું ધ્યાન

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: ભગવાનને થાળ ધરાવતી વખતે રાખો આ વસ્તુઓનું ધ્યાન
સોર્સ : GSTV

- ભરત અંજારિયા

App Store

સનાતન ધર્મમાં થાળનો મહિમા અનોખો છે. થાળ ભગવાન, દેવ કે દેવીને ધરાવવામાં આવે છે. ઘણા લોકો પોતાના દિવંગત વડીલોની તિથિએ ભગવાન કે ઇષ્ટદેવને થાળ ધરાવતા હોય છે. થાળમાં પાંચ પકવાન, મિષ્ટાન્ન, ફરસાણ, શાક, દાળ, ભાત, પડવાળી રોટલી, પુરી તથા અન્ય સામગ્રી હોય છે. થાળ બનાવનારા માટે પણ અમુક નિયમો હોય છે. રસોઈ બનાવનારે નાહી પવિત્ર થઈ સ્વચ્છ કપડાં પહેરીને જ થાળ બનાવવાનો હોય છે. થાળ બનાવતી વખતે ગુસ્સો કે વ્યસન કરવું નહીં. તન-મન પવિત્ર રાખી મંત્ર જાપ કરવા જરૂરી છે. રસોઈ કરતી વખતે ખોટા વિચારો કે વચ્ચે અન્ય કામ ન કરવું.

જે સામગ્રી ધરવાની હોય તેને માટે શક્ય હોય તો ચાંદીનાં કે સોનાનાં વાસણો લેવાં જેમાં મોટો થાળ, વાટકીઓ, ચમચી, લોટો તથા પ્યાલો હોઈ શકે છે. રસોઈ ગૃહમાંથી ભગવાન પાસે થાળ લઈ જવાતો હોય ત્યારે થાળની આગળ લોટામાં રહેલું જળ જમીન પર છાંટતા જવું. થાળને બાજોઠ પર રાખવો. બાજુમાં જળથી ભરેલ કળશ રાખવો. થાળ ધર્યા પછી બધી રસોઈ મુળ જે રસોઈ કરેલી છે તેમાં ભેળવી દેવી જેથી બધાંને પ્રસાદ મળી શકે.

થાળ ધરતી વખતે આંખ બંધ કરવી તથા હાથથી ભગવાનને કોળિયા ખવરાવતા હોઈએ તેમ ગ્રાસમુદ્રાથી ભગવાનને જમાડવાનો ભાવ રાખવો.

આપણે ત્યાં અમુક સંપ્રદાયમાં કે હનુમાનજીનાં મંદિરોમાં થાળ ધરાવતી વખતે પડદો કરવામાં આવે છે. થાળ ધર્યા બાદ જ આરતી કરવામાં આવે છે.

થાળ ધરતી વખતે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા જેવા મંત્રો પણ બોલવા. અન્ન એ બ્રહ્મ છે. તેથી થાળની સામગ્રીનો બગાડ કરવો નહીં. નવરાત્રીમાં માતાજીને ખીર, પુરી, ચણા, લાપસી, વડા, નવ-શાક, રોટલી-દાળ, ભાત, અથાણાં વિ. ધરવામાં આવે છે. આરાસુરી અંબાજી મંદિરમાં ભક્તો માતાજીને થાળ ધરાવે છે અને સાથે શ્રીફળ, ચુંદડી, પ્રસાદી, પવિત્રા, અગરબત્તી, ધુપ વગેરે પણ ધરતા હોય છે.

આપણે ત્યાં નૂતન વર્ષે અન્નકૂટ ધરવાની પ્રથા છે. તો હવેલી કે અન્ય મંદિરોમાં છપ્પન ભોગ ધરવામાં આવે છે. નવી સીઝનના પાકો, અનાજ તથા ફળો પ્રથમ ઇશ્વરને અર્પણ કરીને પછી જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. હોળીમાં પણ હોળીને પ્રસાદ શ્રીફળ, ધાણી તથા ચણા ધરવાની પ્રથા છે.