Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : In a democracy, victory in the election field is important, not anti-national slogans

Prasangpat: લોકશાહીમાં ચૂંટણી મેદાનમાં જીત મહત્ત્વની,નહીં કે દેશ વિરેાધી સૂત્રો

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Prasangpat: લોકશાહીમાં ચૂંટણી મેદાનમાં જીત મહત્ત્વની,નહીં કે દેશ વિરેાધી સૂત્રો
સોર્સ : GSTV

- પ્રસંગપટ

App Store

દેશનું ખાઇને દેશનું જ ખોદતો એક વર્ગ ફૂલ્યોફાલ્યો છે. તેમના માટે અર્બન નક્સલ જેવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. વરસાદની સિઝનમાં જેમ વિશેષ પ્રકારની જીવાત ફૂટી નીકળે છે એમ દેશવિરોધી પવન ફૂંકાય છે ત્યારે આવા લોકો તેને વેગ આપવા ફૂટી નીકળે છે. આમ નાગરિકો સાથે સમરસ થઈ ગયેલા આવા લોકોને ઓળખવા બહુ મુશ્કેલ હોય છે. તેમનામાં બળવાખોરીની ભાવના સુષુપ્ત અવસ્થામાં હોય છે. દેશ કેવી રીતે ચલાવવો તેની શિખામણો તેઓ આપતા ફરે છે અને દેશ વિરોધી તત્ત્વોને પ્રોત્સાહન આપ્યા કરે છે. 

તેમના કેટલાક પ્રશ્નો પહેલી નજરે સાચા લાગી શકે, પરંતુ તેમના કેન્દ્રમાં દેશહિતની લાગણીનો અભાવ હોય છે.  કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા પછી દેશવિરોધી જમાત વધારે મોટી થઈ છે. તેઓ સત્તાધારીઓનો દરેક વાતે વિરોધ કરે છે. તેમની ઇચ્છા પ્રમાણે કામ ના થાય તો તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ વિરોધ કરે છે. વડાપ્રધાનના હોદ્દાની ગરિમાને તેઓ ઠેબે ચઢાવતા હોય છે.

તાજેતરમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં દેશના સત્તાધીશોની વિરુદ્ધ  સૂત્રોચ્ચારો કરીને વિદ્યાર્થીઓએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. હુલ્લડ જેવી ઘટનામાં કે જેમાં ૫૩ લોકો માર્યા ગયા હોય અને ૭૦૦ને ઇજા થઇ હોય તેના સૂત્રધારોને સર્વોચ્ચ કોર્ટ જામીન ના આપે ત્યારે એક ટોળું મેદાનમાં ઉતરીને કોર્ટ તેમજ વડાપ્રધાનનો વિરોધ પ્રદર્શિત કરતા સૂત્રોચ્ચાર કરીને તમાશો કરે ત્યારે તેમને વિદ્યાર્થીઓ નહીં પણ દેશવિરોધી તત્ત્વો  કહેવા જોઇએ. 

જેએનયુ એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન છે. તેમાં ભણનારા બધા કંઈ દેશવિરોધી હોતા નથી, પરંતુ કેટલાકને દેશની મશ્કરી કરવાની ટેવ પડી ગઇ છે. શાહીન બાગના આંદોલન સમયે 'હમેં ચાહિએ જિન્નાવાલી આઝાદી' પ્રકારના સૂત્રોચ્ચારો કરેલા જે ભારતીયોને ગળે ઉતર્યા નહોતા. દુર્ભાગ્યે જેએનયુ દેશવિરોધી વિચાર કરનારાઓનો અડ્ડો બની ગઈ છે. 

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં સર્વાનુમતે ચૂંટાયેલી સરકારના વડાઓ વિરૂધ્ધના સૂત્રોચ્ચારો દેશવિરોધી વર્તનનો સંકેત આપે છે. શાહીન બાગનો કિસ્સો હોય કે ખેડૂત વિરોધી આંદોલન હોય, દરેક જગ્યાએ દેશવિરોધી તત્ત્વો તન-મન-ધનથી સહકાર આપતા હોય છે. દેશવિરોધી કામ કરતા સ્લીપર યુનિટો જેવા જેએનયુના વિદ્યાર્થીઓ પૈકીના કેટલાક રાજકારણમાં પ્રવેશવા માગે છે. રાજકીય પક્ષો અને રાજકારણીઓની નજરે ચઢવા તેઓ દેશવિરોધી પ્રવૃત્તિઓ કે તોફાનો કરે છે.

જાન્યુઆરી ૨૦૨૦માં જ્યારે કેટલાક બુકાનીધારીઓએ જેએનયુ હોસ્ટેલ પર હુમલો કરીને તોફાનો કર્યા હતા તે ઘટનાક્રમને યાદ કરીને કેટલાક વિદ્યાર્થીઓએ તાજેતરમાં સૂત્રોચ્ચારો કર્યા હતા. દિલ્હીનાં હુલ્લડો માટે જવાબદાર મનાતા બે ગુનેગાર  સર્જિલ ઇમામ અને ઉમર ખાલીદની જામીન અરજી સુપ્રીમ કાર્ટે નકારી તેથી અદાલત તેમજ  વડાપ્રધાન અને ગૃહપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.  

જેએનયુ યુનિવર્સિટીના સત્તાવાળાઓએ સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓ સામે એફઆરઆઈ કરવાની માગણી કરી છે. લોકોનું કહેવું છે કે આ વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી થવી જોઈએ. 

જુવાનીનું જોશ દેશવિરોધી સૂત્રોચ્ચારમાં વેડફવાના બદલે લોકશાહીનો આદર અને સન્માન કરવું જોઇએ. દેશનો વિરોધ કરવાના બદલે પોતાના ઇનોવેશનવાળા વિચારો અજમાવવા જોઈએ. પોતાના વિરોધી વિચારને વરેલા ઉમેદવારને એનડીએના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર નિતીશકુમાર સામે ઊભો રાખીને તેને જીતાડવો જોઇતો હતો. 

આમ થાત તો  ભાજપ વિરોધ સાચો કહી શકાત અને દેશના લોકો પણ તેમની મહેનતની પ્રસંશા કરતા, પરંતુ નથી તો તેઓ લોકશાહી ઢબે જીતી શકતા કે નથી તો પ્રજાનો ટેકો મેળવી શકતા. દેશના કોઇ એક ખૂણામાં બેસીને મોદી વિરૂધ્ધ કે દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવા બહુ આસાન છે, પરંતુ લોકશાહીમાં ખરી મર્દાનગી મોદીને કે તેમના પક્ષને ચૂંટણીમાં હરાવવાની છે. જેએનયુના તોફાનીઓએ અને તેમના ટેકેદારાએે દેશના મુખ્યપ્રવાહમાં જોડાવાની જરૂર છે.