Prasangpat: 2025માં નક્સલવાદનો સફાયો ભારત હવે લગભગ નક્સલમુક્ત

- પ્રસંગપટ
દેશની આંતરિક સલામતી સામે જોખમરૂપ બનેલા નક્સલવાદનો સફાયો બોલાવવામાં વર્ષ ૨૦૨૫ મહત્ત્વનું સાબિત થયું છે. નક્સલવાદીઓને આર્થિક અને રાજકીય પોષણ આપનારાં તત્ત્વો પર ત્રાટકીને ગૃહ મંત્રાલયે નક્સલવાદનો સફાયો બોલાવી દીધો છે. ૨૦૨૫માં ૩૧૭ નક્લવાદીઓના ઢીમ ઢાળી દેવાયા હતા, ૮૦૦થી વધુની ઘરપકડ કરાઇ હતી તેમજ ૨૦૦૦ નક્સલીઓ કે તેમના સાગરીતો શરણે આવ્યા હતા. ૧.૧ કરોડ રૂપિયાનું જેના માથે ઇનામ હતું તે શંકર અને તેના છ સાથીઓને ગઇકાલે ઓરિસ્સાના જંગલોમાં ઢાળી દઇને સુરક્ષા દળોએ તેમના આખા નેટવર્કને ખોરવી નાખ્યું છે.
સરકાર માર્ચ ૨૦૨૬ સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવા માગે છે, અને તે દિશામાં સરકારે બહુ મોટી સફળતા મેળવી હોય એમ લાગી રહ્યું છે. ગૃહ મંત્રાલયે એવો ચક્રવ્યૂહ તૈયાર કર્યો હતો કે જેમાં નક્સલવાદને મદદ કરનારા પણ ફસાઇ ગયા હતા. પહેલાં તેમની પાસે પહોંચતાં શસ્ત્રો બંધ કરાવ્યાં, પછી તેમને મળતી આર્થિક મદદ બંધ કરાવી હતી. ચારે બાજુથી ફસાયેલા નક્સલવાદીઓને શરણે આવ્યા સિવાય છૂટકો નહોતો. ઓપરેશન બ્લેક ફોરેસ્ટમાં તો બહુ માથાભારે એવા ૨૭ નક્સલવાદીઓને ફૂંકી મરાયા હતા.
નક્સલવાદ ભારતમાં ઊધઇની જેમ પ્રસરવા લાગ્યો હતો. ઓરિસ્સા અને ઝારખંડના જંગલ વિસ્તારોમાં તેમનું રાજ ચાલતું હતું. ચૂંટણીના ઉમેદવારો નક્સલવાદીઓનો ટેકો મેળવવા પ્રયાસ કરતા હતા. ગામડાંના લોકો ડરના માર્યા નક્સલવાદીઓ કહે ત્યાં વોટ આપતા હતા. સ્થાનિક રાજકારણીઓ પણ તેમનાથી ડરતા હતા. બંદૂકની અણીએ રાજ કરતા નક્સલવાદીઓ ભારતની લોકશાહીના શરમકથા સમાન હતા. સુરક્ષા દળોને તેઓ પોતાના દુશ્મન ગણતા હતા.
સુરક્ષા દળો ગામલોકોને પરેશાન કરે છે એમ કહીને તેઓ ગ્રામ્ય નાગરિકોને ભડકાવીને પોતાના સમર્થક બનાવતા હતા. દેશવિરોધી તત્ત્વો તેમના ટેકેદાર બની ગયા હોવાથી તેમને પૈસા તેમજ શસ્ત્રો મળી રહેતાં હતાં. સત્તાધારીઓએ એક દરોડા દરમ્યાન નક્સલવાદીઓ પાસેથી રોકેટ લોંચર્સ પકડયા ત્યારે તેમની તાકાતનો અસલી અંદાજ આવ્યો હતો.

