Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Don't make your memories bigger than your dreams

Ravi Purti : તમારા સ્મરણોને તમારા સ્વપ્નોથી પણ મોટા ન બનાવી નાખતાં

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti : તમારા સ્મરણોને તમારા સ્વપ્નોથી પણ મોટા ન બનાવી નાખતાં
સોર્સ : GSTV

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

App Store

- 2025માં પાછા ફરીને તેની વ્યાખ્યાઓને એડીટ નહીં કરી શકીએ

- ડગ્લાસ ઇવેસ્ટર

આ ઈ.સ. ૨૦૨૫ના છેલ્લા શ્વાસ ચાલે છે. આ વરસની આછી-પાતળી ઈચ્છાઓ, કાચા-પાકા સંબંધો અને ખાટા-મીઠાં અનુભવોના ટુકડાઓથી આવતાં ૨૦૨૬ને ઘડી શકાય નહીં. આવતું વરસ કોરુંકટ્ટ કેનવાસ છે, કોઈ છૂટાછવાયા ટુકડાઓથી રચાતું કોલાજ નથી. આપણી ગઈકાલે તો જેલ છે- સ્વપ્નોની કબરો છે. આપણે તેમાં ફસાયેલા અને બંધાયેલા નથી રહેવાનું. આપણી ગઈકાલો એટલે અપરિપક્વ નિર્ણયો, અશુધ્ધ લાગણીઓ, તૂટી ગયેલી ધારણાઓ, ખંડેર થયેલા સ્વપ્નો, ઉણી ઉતરેલી અપેક્ષાઓ, નંદવાયેલી આકાંક્ષાઓ વગેરે. ગઈકાલનો  થેલો ભરીને આવતીકાલમાં પ્રવાસ ન થઈ શકે. આપણે કોઈ વલ્ચર કે ગીધ નથી કે મૃતદેહને ચાંચ મારીને પોષણ મેળવીએ. અર્થાત્ ગઇકાલમાંથી આજે પોષણ મેળવીએ. તમે કોઈ માણસ એવો જોયો કે પચ્ચીસ વરસના આયુષ્યમાં ખાધેલા શાકભાજીના-ફળોના છાલ-છોતરાં કબાટમાં સાંચવ્યા હોય? હા, પોષણ મેળવી લે અને છોતરાં ફેકી દે. આપણે પણ વરસ આખું શીખેલા પાઠ યાદ રાખવાના છે-વિગતો વહેતી કરી દેવાની. સ્ટીવ મારબોલી સલાહ આપે છે કે હવે ગઈકાલને પડતી મુકી દોને કારણ કે ગઈકાલે પણ તમને પડતા જ મૂકી દીધા છે ને.

એક વખત વિશ્વખ્યાત સંબુધ્ધ ચૈતન્ય જે. ક્રિષ્ણમૂત એક બેઠકમાં સંવાદ કરી રહ્યા હતા. સમય થતા તેમણે બેઠકને સંપન્ન જાહેર કરી. બીજે દિવસે બધા ફરી એકઠા થયા. કોઈ ભાવકે શ્રી. ક્રિષ્ણજીને કહ્યું, ગઈકાલે વાત અધૂરી રહી હતી. આજે આપણે ત્યાંથી વાતનો દોર આગળ વધારીએ તો? તો તેને જવાબ મળ્યો, ના. આપણે આજે નવેસરથી આરંભીએ. કદાચ, જીવન કોઈ સોમવાર પછી મંગળવાર જેવું અનુસંધાન નથી. આજે ઉગેલું કમળ કે દિવસ સ્વતંત્ર છે તે કોઈ વારસો કે વિરાસત નથી. તે અસ્તિત્વે આપેલી ભેટ છે. જીવન કોઈ સદીઓથી ચાલતી ક્રમશ: નવલકથા નથી તે તો અપૂર્વ અને અનન્ય પ્રાગટય છે. ગઈકાલને સજગતા અને ઉદારતાથી માફ કરી દઈએ. હા, તેનો  આભાર માનીએ અને  અહોભાવથી વંદન કરીએ. આપણે ઈ.સ..૨૦૨૫માં પાછા ફરીને તેની વ્યાખ્યાઓને એડીટ નહીં કરી શકીએ. પણ તેના પડછાયામાંથી બહાર નીકળીને નવા વરસના, નવા પર્વના, નવા પાનાથી આરંભ કરી શકીએ. જેમાં નવો પ્રવાસ છે અને નવો ખાલીખમ્મ થેલો છે. આ નવા વરસે આપણે નથી ઠલવાઈ જવું કે નથી છલકાઈ જવું. બસ, દરેક સંભાવના માટે ખુલ્લા રહેવું છે...

આ વરસને ગફલતથી વીસરવાનું નથી પણ સભાનતાથી સરી જવા દેવાનું છે. જીવનને અર્થ કે આનંદ, હેતુ કે હેત આપવા હોય તો ગઈકાલોને મોક્ષ આપી દઈએ. આ નિયમ યાદ રાખવા જેવો છે :

મુક્તિ આપવાથી મુક્ત થવાય છે, 

છૂટી આપવાથી છૂટ મળી જાય છે. 

આપણે અન્યને મુક્ત કરીએ પછી અનુભવાય છે કે ખરેખર મુક્ત કોણ થયું છે? આપનાર કે લેનાર?