Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : It becomes easier to reach the state of samadhi only after Hatha Yoga is well mastered

Ravi purti : હઠયોગ સારી રીતે સિદ્ધ થયા પછી જ સમાધિની સ્થિતિ સુધી પહોંચવું સરળ બને છે

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ravi purti : હઠયોગ સારી રીતે સિદ્ધ થયા પછી જ સમાધિની સ્થિતિ સુધી પહોંચવું સરળ બને છે
સોર્સ : GSTV

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

App Store

- હઠયોગનો અભ્યાસ આખા શરીરની જડતા દૂર કરે છે. પ્રાણ શક્તિનું પ્રાબલ્ય, પ્રુચરતા નાડી ચક્રોને પ્રચંડ શક્તિશાળી અને ચૈતન્યયુક્ત બનાવે છે

'નમ: શિવાય ગુરવે નાથાય । યેનોપદિષ્ટા હઠયોગવિદ્યા ।।

ગુરુ શિવને નમસ્કાર છે જેમણે હઠયોગની વિદ્યા પ્રાપ્ત કરી. જે આગળ જતાં ઉચ્ચ યોગ (રાજયોગ)ની પ્રાપ્તિનું સાધન બને છે.'

હઠવિદ્યાં હિ મત્સ્યેન્દ્ર ગોરક્ષાદ્યા વિભનતે ।

સ્વાત્મારામોડથ યોગીન્દ્રો હઠવિદ્યાં પ્રદીપિકામ્ ।।

હઠયોગની વિદ્યા મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ જેવા મહાન યોગીઓ દ્વારા ચાલતી આવી છે. સ્વાત્મારામ યોગી આ હઠયોગ પ્રદીપિકા ગ્રંથની રચના કરી રહ્યાં છે.

હઠયોગ ચિત્તવૃત્તિઓના પ્રવાહને સંસાર તરફ જતાં રોકીને અંતર્મુખી કરવાની એક પ્રાચીન ભારતીય સાધના પદ્ધતિ છે જેમાં પ્રસ્તુત કુણ્ડલિનીને જાગૃત કરી નાડી માર્ગથી ઉપરની તરફ લઈ જવાનો પ્રયાસ કરાય છે અને જુદા જુદા ચક્રોમાં સ્થિર કરતાં કરતાં એને મસ્તિષ્કના સહસ્ત્રાર ચક્ર સુધી લઇ જવાય છે. ષટ્કર્મ, આસન, મુદ્રા, પ્રાણાયામ હઠયોગના મુખ્ય અંગ છે. હઠયોગ યોગના અનેક પ્રકારોમાંનો એક છે. મંત્ર યોગ, લયયોગ, રાજયોગ એવા યોગના બીજા ઘણા પ્રકારો છે હઠયોગના આવિર્ભાવ પછી પ્રાચીન અષ્ટાંગ યોગને 'રાજયોગ'નું નામ અપાયું છે.


હઠયોગ સાધનાની મુખ્ય ધારા શૈવ રહી છે. તેને સિદ્ધો અને પછી નાથ યોગીઓ દ્વારા અપનાવવામાં આવી. મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ એના મુખ્ય આચાર્ય માનવામાં આવ્યા છે. ગોરખનાથના અનુયાયી મુખ્ય રૂપે હઠયોગની સાધના કરતા હતા. એમને નાથયોગી પણ કહેવાય છે. શૈવ ધારા ઉપરાંત બૌદ્ધોએ પણ હઠયોગની પદ્ધતિ અપનાવી હતી.

હઠ શબ્દ પ્રચંડતા કે બળનો અર્થ સૂચવે છે. હઠેન કે હઠાત્ ક્રિયાવિશેષણના રૂપમાં પ્રયુક્ત કરવાથી એનો અર્થ પ્રચંડતાપૂર્વક કે બળપૂર્વક, અચાનક કે દુરાગ્રહપૂર્વક એવા અર્થમાં લેવાય છે. હઠયોગ શરીર અને મનના સંતુલન દ્વારા રાજયોગ પ્રાપ્ત કરવાના પૂર્વ સોપાનના રૂપમાં યોગવિજ્ઞાનની ચાર શાખાઓમાંની એક શાખા છે. 'હ'થી પિંગળા નાડી, જમણી નાસિકા (સૂર્ય સ્વર) અને 'ઠ'થી ઇડા નાડી, ડાબી નાસિકા (ચંદ્ર સ્વર)નું સૂચન થાય છે. ઇડા (ઋણાત્મક (-) ઊર્જા શક્તિ અને પિંગળા ધનાત્મક (+) ઊર્જા શક્તિનું પ્રતીક છે. હ અને ઠ ના યોગ પ્રાણોના સંતુલનનો અ ર્થ ધરાવે છે. 'હઠયોગ પ્રદીપિકા' ગ્રંથમાં 'હઠ'નો આવો અર્થ દર્શાવતા કહેવાયું છે - હકારેણોચ્યતે સૂર્યષ્ઠકાર ચન્દ્ર ઉચ્યતે । સૂર્ય ચંદ્રમસોર્યોગાત્ હઠયોગોડભિધીયતે ।। અર્થાત્ હકારથી સૂર્ય અને ઠકારથી ચંદ્ર દર્શાવાય છે. સૂર્ય અને ચંદ્રની સમાન અવસ્થા (સૂર્ય-ચંદ્રનો યોગ) જ હઠયોગ છે.

હઠયોગનો અભ્યાસ આખા શરીરની જડતા દૂર કરે છે. પ્રાણ શક્તિનું પ્રાબલ્ય, પ્રુચરતા નાડી ચક્રોને પ્રચંડ શક્તિશાળી અને ચૈતન્યયુક્ત બનાવે છે. તેનાથી સાધક, યોગી જુદી જુદી શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક શક્તિઓથી સંપન્ન થાય છે. તેનાથી સાધક વિવિધ યોગસિદ્ધિઓનો સ્વામી બને છે. સ્થૂળ રૂપે હઠયોગમાં પ્રાણાયામ ક્રિયા ત્રણ ભાગોમાં પૂરી કરાય છે. ૧. પૂરક અર્થાત્ શ્વાસને પ્રયાસપૂર્વક અંદર ખેંચવો. ૨. કુંભક અર્થાત્ શ્વાસને પ્રયાસપૂર્વક રોકી રાખવો. કુંભક બે રીતે કરાય છે. એક રીત છે - બર્હિર્કુંભક જેમાં શ્વાસને બહાર કાઢીને બહાર જ રોકી રાખવામાં આવે છે. બીજી રીત છે - અંત:કુંભક જેમાં શ્વાસને અંદર ખેંચી, અંદર જ રોકી રાખવામાં આવે છે. ૩. રેચક અર્થાત્ શ્વાસને પ્રયાસપૂર્વક બહાર છોડવો. આ રીતે પ્રયત્નપૂર્વક પ્રાણોને સ્વ-નિયંત્રણથી ગતિ આપવી હઠયોગ છે. આ હઠયોગ રાજયોગની સિદ્ધિ માટે આધાર ભૂમિ બનાવે છે. હઠયોગની સાધના વગર રાજયોગની પ્રાપ્ત અત્યંત મુશ્કેલ છે. 

અષ્ટાંગ યોગમાં પ્રાણાયામની પ્રક્રિયા બહુ જ મહત્ત્વની છે. પ્રાણાયામ પ્રાણશક્તિને અત્યંત પ્રબળ કરે છે. હઠયોગમાં પ્રાણશક્તિને પ્રવૃદ્ધ અને પ્રબળ કરવાના ઉપાયો બતાવ્યા છે. જીવભૌતિક વિજ્ઞાન દર્શાવે છે કે પ્રત્યેક કોષનું જીવન એમાં પ્રવાહિત વિદ્યુત તરંગો છે. આ વિદ્યુત તરંગો પ્રાણશક્તિથી જ ઉત્પન્ન થાય છે. આપણું શરીર બ્રહ્મણ્ડીય ઊર્જાને ગ્રહણ કરીને પોતાની અંદર સંગૃહીત કરી શકે છે.

ભારતમાં અનેક હઠયોગીઓ થયા છે જેમણે અસાધારણ આત્મનિયંત્રણ પ્રાપ્ત કરી યોગસિદ્ધિના પ્રયોગો પ્રદર્શિત કર્યા છે. આવા એક હઠયોગી હતા નરિસિંઘ. કોલકાતા (કલકત્તા)ની પ્રેસિડેન્સી કોલેજની ફિઝિક્સ લેબોરેટરીના હોલમાં નરિસિંઘે હઠયોગના માન્યામાં ના આવે એવા પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગોમાં અનેક વિજ્ઞાનીઓ સાથે ૧૯૩૦માં  જેમને ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું તે સર સી.વી. રમન  પણ હાજર હતા. આ પ્રયોગો દરમિયાન હઠયોગી નરિસિંઘે જુદા જુદા કાતિલ ઝેર જેમાં પોટેશિયમ સાઇનાઈડનો પણ સમાવેશ થાય છે તે ખાઈ બતાવ્યા હતા. તે ખાવા છતાં તેમના પર તેની કોઈ અસર થઈ નહોતી. તે રીતે નરિસિંઘે તેની હથેળીમાં સલ્ફરિક એસિડના ટીપાં ધારણ કરી રાખ્યા હતા છતાં તેની ચામડી પર ત્યાં દાઝ્યાની કોઈ નિશાની જોવા મળી નહોતી. આ એસિડ એટલો જલદ છે કે તે બીજાના હાથમાં તો છિદ્ર પાડીને બીજી બાજુએથી બહાર નીકળી જાય. તેણે આ એસિડના ટીપાં જીભ પર મૂકી પેટમાં પણ ઉતારી દીધા હતા. તે પછી તેનાથી પણ વધારે ખતરનાક અને જલદ એવા કાર્બોલિક એસિડને હથેળીમાં પકડી રાખી એને પણ જીભ પર રાખી પેટમાં ઊતારી દીધો હતો. આમ કરવાથી એની હથેળી, જીભ, ગળાનો અંદરનો ભાગ, જઠર અને આંતરડા બળી જાય એ નિશ્ચિત હતું પણ તેનીય તેના શરીર પર કોઈ અસર થઈ નહોતી. તમામ વિજ્ઞાનીઓ આ પ્રયોગો જોઈ વિસ્મય પામી ગયા હતા.

પાદરીનું કામ કરતા કેનેડાના કેવિન ફાસ્ટે ૧૮૮.૮૩ ટન વજન ધરાવતું વિમાન દોરડાથી ૮.૮ મીટર (૨૮ ફૂટ) જેટલું ખેંચી ૧૭ સપ્ટેમ્બર ૨૦૦૯ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. તે રીતે ઝોલ્ટ સિન્કા નામના હંગેરિયને બુડાપેસ્ટના એરપોર્ટ પર તેના દાંત વચ્ચે દોરડું રાખી દાંતના જોરથી માત્ર બાવન સેકન્ડમાં ૫૦ ટન વજન ધરાવતું કોમર્શિયલ વિમાન ૩૯.૨ મીટર સુધી ખેંચવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. હઠયોગની પ્રક્રિયાથી જ આવી અતિમાનવીય શક્તિ પેદા કરી શકાય છે.