Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Dieting in Monsoon: What to eat and what not to eat during the months of Ashadh to Aso

Sahiyar/ ચોમાસામાં ડાયટીંગ: અષાઢથી આસો માસમાં શું ખાવું, શું નહિં

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar/ ચોમાસામાં ડાયટીંગ: અષાઢથી આસો માસમાં શું ખાવું, શું નહિં
સોર્સ : GSTV

કોઈ પણ રીતે વિચારો વાત એકની એક છે. માણસની તંદુરસ્તીનો આધાર આહાર પર છે તેમાંય ચોમાસામાં આહાર-પાણીનું વધુ ધ્યાન રાખવું પડે.

App Store

ચોમાસું એટલે ચાર મહિના. તેમાં વર્ષની છમાંની બે ઋતુનો સમાવેશ થઈ જાય. એક પ્રાવૃષ અને બીજી વર્ષા. આ ચાર મહિનાનાં ચોમાસામાં જૈનોના પર્યુષણ પર્વના ઉપવાસો પણ આવે, હિન્દુઓના શ્રાવણ મહિનાનો એકટાણાં પણ આવે .

ઓછું ખાવું, ઉપવાસ કરવા, એકટાણાં કરવા કે 'ડાયેટિંગ' કરવું એ આ ઋતુની અનિવાર્યતા છે. કારણ? અગ્નિ મંદ હોય. અર્થાત પાચનતંત્ર નબળું હોય. ચોમાસામાં પાચનતંત્ર નબળું થઈ જવાનું મુખ્ય કારણ તે આદાનકાળ. દાન એટલે આપવું અને આદાન એટલે લઈ લેવું. આદાનકાળ એટલે જે સમય દરમિયાન આપણું બળ લઈ લેવામાં આવે તે. વર્ષના મુખ્ય બે વિભાગ-આદાનકાળ અને વિસર્ગકાળ. આદાનકાળ એટલે શક્તિની ઓટનો સમય અને વિસર્ગકાળ એટલે શક્તિની ભરતીનો સમય. ચોવીસ કલાક દરમિયાન બે વાર જેમ દરિયામાં ભરતી અને ઓટ આવે છે તેમ વર્ષનો અર્ધો સમય છ મહિના શરીરમાં બળની ભરતી રહે છે અને છ મહિના ઓટ હોય છે. ચોમાસા દરમિયાન ઓટનો કાળ ચાલતો હોવાથી શરીરમાં શક્તિનો કુદરતી રીતે જ ભલે  અલ્પ પણ હ્રાસ થાય છે. અને શક્તિ ઘટવાથી અગ્નિ પણ મંદ પડે છે.

અગ્નિ મંદ થવાનું બીજું કારણ તે દૂષિત જળ, વરસાદમાં નળ વાટે પણ ઘણી વાર ડહોળું પાણી આવે છે. તળાવ વગેરેનાં પાણી પણ બીજી ઋતુ જેવાં સ્વચ્છ ન હોતાં મેલાં હોય છે. આ ડહોળાં અને મેલાં પાણી પીવાથી અગ્નિ વધુ મંદ થાય છે. વર્ષા ઋતુમાં પાણીને ઉકાળીને, ગાળીને પીવું હિતવાહ છે. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે પાણીનો ગ્લાસ મોઢે માંડવાની આદત ચોમાસામાં મોંઘી પડી શકે છે.

ચોંમાસામાં આહારની વાત કરીએ એ પહેલાં ભોજનની ગરબડથી ચોમાસામાં થઈ જતાં ઝાડા વિશે વિચારી લઈએ.

પાણી જેવા, થોડી થોડી વારે, પેટના ગડગડાટ સાથે, પેટના દુખાવા સાથે થઈ જતાં ઝાડા એ ચોમાસાની મુખ્ય ફરિયાદ.

ચોમાસામાં શરીરની જરૂરથી વધુ તરસ ન લાગી હોવા છતાં પાણી પીવું, પેટ ભરાઈ ગયા છતાં ખાવું, સમય થઈ ગયો હોય, ભૂખ લાગી હોય છતાં ટાઈમ પાસ કરીને મોડેથી જમવાથી, માફક ન આવતી હોય અર્થાત્ પ્રકૃત્તિનો પ્રતિકૂળ હોય એવા પદાર્થો જમવાથી, રબડી કે શ્રીખંડ જેવા ભારે પદાર્થો, ભજિયા, ગાંઠિયા જેવા તળેલા પદાર્થો, પિઝા કે બર્ગર જેવા મેંદાની ભારે ચીજો, કે રગડાપેટીસ જેવા કઠોળના પદાર્થો વધુ પડતા ખાઈ લેવાથી ઝાડા થઈ જવાની પૂરી સંભાવના છે.

તો પ્રશ્ન થાય કે ચોમાસામાં શું ખાવું? ચરકાચાર્યે કહ્યું 'ક્ષૌદ્રવત્' ક્ષૌદ્ર એટલે મધ. ચોમાસામાં મધવાળી વસ્તુઓ ખાવી અર્થાત્ ચોમાસામાં જે વાનગી ખાઈએ તેમાં મધનો ઉપયોગ કરવો.

મધનો વધુ વપરાશ ચોમાસામાં શા માટે કરવો તે સમજવાનો પ્રયત્ન કરીએ. ચોમાસામાં વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય છે. વળી વરસાદ પડતાં ભેજ ઓર વધી જાય છે. જેમ બહાર ભેજ વધે તેમ શરીરની અંદર ભેજ વધી જાય. શરીરની અંદર ભેજ વધતા અગ્નિ મંદ થાય, અમ્લતા (ખટાશ) ઉત્પન્ન થાય.

વફાદાર એવું માનવ-શરીર કામ કરતું બંધ નથી થતું પણ તેનો જઠરાગ્નિ તો અવશ્ય મંદ પડી જાય છે. આ ભેજથી પેદા થયેલ શરીરના કલેદને દૂર કરવાનું કામ 'મધ'નું છે. મધને આયુર્વેદમાં રુક્ષ કહ્યું છે. કલેદના નાશ માટે રુક્ષ વસ્તુ લેવી જોઈએ.

જોકે મગ, ચણા આદિ કઠોળ રુક્ષ છે, પરંતુ તે જો વધુ લેવાય તો શરીરમાં વાયુ વધવાની સંભાવના રહે છે અને પરિણામે લોકભાષામાં કહીએ તો-ગૅસ થઈ જાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચોમાસામાં મધનું સેવન કરવાનું કહ્યું છે. વળી મીઠાઈ કે ખાંડ-ચાસણીની બીજી વસ્તુ કફકારક હોઈ તેનો ઉપયોગ ચોમાસામાં ઓછો કરવામાં આવે છે. પણ મધ વાપરવાથી ચોમાસામાં શરીરને જરૂરી એવી કુદરતી શર્કરા આપોઆપ મળી રહે છે.

ચોમાસામાં થતા ઝાડાને અટકાવવા માટે તરત જ લેવાતી દવા નુકસાનકારક છે. માનવશરીર શરીરમાં ઉત્પન્ન થયેલા કચરાને, શરીરમાં ઉત્પન્ન થયેલા વિષને, દોષને બહાર ફગાવી દેવાનું કામ પોતે જ કરે છે. વધુ ખવાયું, શરીરમાં બિનઉપયોગી ખોરાક ગયો, પાચન ન થયું તો તેને ઝાડા વાટે બહાર ફેંકી દેવું એ શરીરનો ગુણધર્મ છે. શરીરનાં આ ધર્મને સમજ્યા વિના ઝાડા થવાવેંત જ અટકાવી દેવાથી શરીરમાં રહેલ દોષ બીજા ઉપદ્રવો કરે છે.

આથી ઝાડા થતાં શરૂઆતમાં એકાદ દિવસ કશું ખાવું નહીં, કશી દવા લેવી નહીં. શરીર શક્તિશાળી હશે અને અગ્નિ સારો હશે તો પોતાની મેળે દવા લીધા વિના લાંઘણ કરવા માત્રથી ઝાડા મટી જશે. પરંતુ એમ છતાં ઝાડા ન મટે તો ઔષધોપચાર કરી શકાય.

એ વખતે પીવા માટે સાદું પાણી ન આપતાં ધાણા અને સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવું. કફ, ક્લેદ, આમ, વાયુનો નાશ કરવા માટે ધાણા અને સૂંઠનું મિશ્રણ ઉત્તમ છે.

એક દિવસની લાંઘણ કરવા છતાં અને ધાણા-સૂંઠનું પાણી પીવા છતાં જો ઝાડા માટે નહીં તો ઔષધનો ક્વાથ પી શકાય.

કવાથને અંગ્રેજીમાં ડિકોક્શન કહે છે. સૂકી વનસ્પતિના પાઉડરને પાણીમાં ઉકાળવાથી વનસ્પતિનાં કાર્યકારી તત્ત્વો પાણીમાં આવી જાય છે તે જલીય અવસ્થામાં હોવાથી તેનું પાચન અને અભિશોષણ જલદી થતાં તે ઝડપથી ફાયદો કરે છે.

ચોમાસામાં થતા ઝાડા માટેનો એક સાદો ને ઉત્તમ કવાથ-દોઢ કપ પાણી ધીમા તાપે ઉકાળવા મૂકવું. તેમાં એક ગ્રામ વજનો પાઉડર, એક ગ્રામ નાગરમોથનો પાઉડર, એક ગ્રામ ઈન્દ્રપવનો પાઉડર અને પા ગ્રામ અતિવિષનો પાઉડર નાખવો. પાણી ઊકળતા ઊકળતા અર્ધું થઈ જાય અર્થાત્ દોઢ કપમાંથી પોણો કપ રહે ત્યારે ઉતારી લેવું. તેમાં ૧ ટી સ્પૂન મધ નાખવું. નવશેકું થાય ત્યારે પી જવું.

દિવસમાં ત્રણ વાર ઉપરોક્ત કવાથ પીવાથી ઝાડા કાબૂમાં આવી જશે, ભૂખ ઉઘડશે ને ખોરાકનું બરાબર પાચન થશે. પ્રવાહી તરીકે સૂંઠનો પાઉડર નાખેલી છાશ પી શકાય. શેકેલું જીરું પણ નખાય, ચાલુ ખોરાક બંધ કરી દહીં-ભાત લેવાય. દહીંમાં જીરું નાખી લેવાય. ઔષધ તરીકે આયુર્વેદિક ફાર્મસીની કુટજઘનવટીની બે-બે ગોળી બે વાર લઈ શકાય. નવશેકા પાણી સાથે.

ચોમાસામાં જઠરાગ્નિનું બળ જળવાઈ રહે એ માટે લીલા આદુનો ઉપયોગ કરવો. આખા વર્ષ માટે તૈયાર કરી રાખેલા કેરી-ગુંદાં જેવાં પ્રિઝર્વ્ડ અથાણાનો ઉપયોગ કરવાને બદલે જમવામાં મીઠાવાળા આદુનો ઉપયોગ કરવો. અગ્નિ ઉઘાડવા માટે, કફ-વાયુના નાશ માટે ખોરાકના પાચન માટે આદું ઉત્તમ છે. ખરું કહીએ તો આદું એ આયુર્વેદનું એપિટાઈઝર છે.

ઝાડા પછી ચોમાસામાં થતો બીજો મુખ્ય રોગ તે શરદી, વરસાદમાં ભીંજાવાથી નબળા બાંધાની વ્યક્તિઓને તુરંત શરદી થઈ આવે છે. મસ્તક અને શરીરના અન્ય ભાગોમાં પડેલું પાણી શોષવાથી સામાન્ય રીતે ચોમાસામાં શરદી થાય છે. એથી છીંકો આવે છે, શરીર ભારે થઈ જાય છે, ખાવાની રુચિ જતી રહે છે કે ઓછી થઈ જાય છે, માથું ભારે થઈ જાય છે ને અવાજ બેસી જાય છે ને માથામાં સખત દુ:ખાવો થાય છે.

આ રીતની શરદી થઈ હોય તો પંખાની હવા ન ખાવી અને પવન ન લાગે તેનું ધ્યાન રાખી પૂરતાં ગરમ કપડાં પહેરવા. ઉકળતા પાણીની વરાળનો નાહ લેવો. કફ વધુ નીકળતો હોય તો છાતી પર કળથીનો લેપ કરવો. સૂંઠ-મરી-પીપરી મૂળનું ચૂર્ણ સરખે ભાગે લઈ (કુલ બેથી ત્રણ ગ્રામ) તેની પેસ્ટ થાય તેટલું મધ નાખી હલાવીને ચાટી જવું. દિવસમાં બેથી ત્રણ વાર લેવાથી શરદી ઘટતી જશે ને મટી જશે. અજમાને ધીમા તાપે શેકી તેના ત્રણ-ચાર ગ્રામ પાઉડરને કપડામાં વીંટીને સૂંઘવાથી શરદીમાં ઘણો રાહત થાય છે.

લીલી ચા, તુલસી, આદું અને તજ એ ચાર વસ્તુની હર્બલ ટી (ઓષધીય ચા) પીવાથી ચોમાસાની શરદી મટી જાય છે. આમ ચોમાસાની ઋતુ દરમિયાન આહારવિહાર અંગે પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઝાડા કે શરદી જેવા ઉપદ્રવો થતા નથી અને થઈ જાય તો જલદીથી કાબુમાં આવી જાય છે.