ઓનલાઇન પ્રેમમાં અંધ ન બનશો: કેટફિશિંગના શિકાર થતા બચો

કોઈ વ્યક્તિ રોમાન્ટીક કારણસર પોતાની બોગસ ઓનલાઈન ઓળખ બનાવે તેને કેટફિશિંગ કહેવાય છે. વ્યક્તિ પોતે જે નથી તે હોવાનો ઢોંગ કરે છે. ઓનલાઈન રોમાન્ટીક સંબંધો કેળવવા તેઓ બોગસ નામો અને આકર્ષક વ્યક્તિઓની તસવીરોનો ઉપયોગ કરે છે.
ઓનલાઈન ઢોંગ અનેક પ્રકારના હોય છે. તે કિશોર હોવાનો ડોળ કરતો કોઈ પુખ્ત વ્યક્તિ હોઈ શકે છે અથવા તો કિશોરો દ્વારા નિર્દોષ મસ્તી પણ હોઈ શકે છે જેમાં તેઓ કોઈ વ્યક્તિને લક્ષ્યાંક બનાવીને તેમની સાથે ઓનલાઈન મિત્રતા કરે છે અને પછી તેમની ઠેકડી ઉડાડે છે અથવા સાયબરબુલીંગ એટલે કે બ્લેકમેલ કરે છે. એ ભૂતપૂર્વ પ્રેમી પણ હોઈ શકે છે જે તમને ભૂલી નથી શકયો અથવા તો તે બદલો લેવા માગે છે. આવી વ્યક્તિને ઓળખવાની નવ નિશાનીઓ નિષ્ણાંતો બતાવે છે.
૧. તેઓ પોતાના પ્રેમીની પસંદના પ્રોફાઈલ ફોટા મુકે છે: તેમના ભૂતપૂર્વ પાર્ટનરની પસંદ વિશે તેમને જાણ હોવાથી તેને આકર્ષવા તેવા જ ફોટા પ્રોફાઈલમાં મુકે છે.
૨. તેઓ તેમના પ્રોફાઈલ ફોટા કદી પણ બદલતા નથી. ઉપરાંત તેઓ તેમના પરિવાર અથવા મિત્રોના ફોટા પણ પોસ્ટ કરતા નથી. તમને જો સંદેહ જાય તો તેમના ફોટા આધારીત ઈન્ટરનેટ પર રિવર્સ સર્ચ કરીને જાણી શકો છો કે આવી જ પ્રોફાઈલ અન્ય નામે છે કે કેમ.
૩. તેઓ સંબંધ બાંધવામાં ઉતાવળ કરે છે: તેઓ સંબંધના ઊંડાણમાં જલદી જાય છે. પોતાના જીવનમાં તમને પાછા મેળવવા તમારો ભૂતપૂર્વ પાર્ટનર તમારી સાથે ભોગવેલો પ્રેમાળ સંબંધ ફરી કેળવવાની કોશિશ કરશે. આ નિરાશા તેમને તમારી સાથેના સંબંધો ફરીથી ગાઢ બનાવવા તરફ પ્રેરે છે. તેઓ સંબંધની શરૂઆતમાં જ તમારી સાથે ઘનિષ્ઠ વાતચીત કરે એવી શક્યતા છે.
૪. તેઓ સાચા દેખાવા માટે વધુ પડતા સારા હોવાનો ડોળ કરે છે: તેમના અતિશય સારા વર્તનથી તમને એવું લાગે છે કે તમને યોગ્ય પાર્ટનર મળી ગયો છે. તમારો ભૂતપૂર્વ પાર્ટનર તમારા વિશે ઘણુ જાણે છે અને તમારા સ્વપ્નના પુરુષ અથવા મહિલા તરીકે પોતાને રજૂ કરવા તેમના માટે સહેલું છે.
૫. તેઓ મુખ્યત્વે તમારા હિતની જ વાત કરશે: તેઓ સંબંધ કેળવવામાં હોંશિયાર હોય છે અને તમને રસ પડે એવી જ વાત કરે છે. તમને નારાજ કરે એવી બાબતો વિશે વાત કરવાનું ટાળવાની તેઓ તકેદારી રાખશે. એનાથી વિપરીત તેઓ એવી વાતો કરશે જેનાથી તમારા વચ્ચે નિકટતા વધે.
૬. તેમની ભાષાનું લઢણ તમને પરિચિત લાગે છે: દરેક વ્યક્તિની લખવાની અને બોલવાની વિશિષ્ટ લઢણ હોય છે. તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દો પર અને તેમની બોલચાલની લઢણ પર તમે જો બારીકાઈથી ધ્યાન આપશો તો તમને ઢોંગી અને તમારા ભૂતપૂર્વ પાર્ટનર વચ્ચેની સમાનતા નજરે પડશે.
૭. તેમને ઓનલાઈન મિત્રો નથી હોતા: તેમણે આ બનાવટી ઓળખ તમને તેના જીવનમાં પાછા મેળવવા બનાવી છે. આ પ્રોફાઈલ તેમણે નવી બનાવી હોવી જોઈએ આથી તેમના ઓનલાઈન મિત્રો નહિ બરાબર હશે. ઉપરાંત કોઈને તેમની આ બોગસ ઓળખ વિશે જાણકારી ન હોવાથી તેઓ તેને સોશિયલ મંચ પર મિત્ર નહિ બનાવે.
૮. તેઓ ચહેરો દેખાડવાનું અથવા પ્રત્યક્ષ મુલાકાત કરવાનું ટાળશે: તમને પ્રત્યક્ષ મળવા માટે તેઓ બહાના બતાવશે અને આનાકાની કરશે. એટલું જ નહિ તેઓ ફોન પર પણ તમારી સાથે વાત નહિ કરે. તમારી સાથેની તમામ વાતચીત તેઓ વર્ચ્યુઅલ જ રાખશે. તમારા હાથે પકડાઈ ન જવા માટે અને તેમની ખરી ઓળખ છુપાવવા તેઓ કોઈપણ હદ સુધી જઈ શકશે.
૯. તેમનો વ્યક્તિગત ઈતિહાસ તેઓ છુપાવશે: તેમની વાતમાં તમને સંપૂણ તથ્ય નહિ જણાય. તેમનો ઈતિહાસ પણ તમને અધુરો લાગશે. તમે તેમને તેના ઈતિહાસ અથવા પરિવાર વિશે પૂછપરછ કરશો તો તુરંત તેઓ વાતનો દોર અથવા વિષય બદલી નાખશે.
તમને તમારુ કેટફિશિંગ થયાની જાણ થાય તો શું કરશો?
૧. તુરંત તેની સાથેનો સંપર્ક કાપી નાખો. કેટલાક લોકો માટે આ કદાચ સૌથી મુશ્કેલ કાર્ય હશે પણ તેમ કરવું જરૂરી છે. તમામ પ્રકારના સંપર્ક કાપી નાખો અને તમામ સોશિયલ મંચ પર તેનો એકાઉન્ટ બ્લોક કરી નાખો.
૨. તમારુ કેટફિશિંગ થયું હોય તો તેના માટે તમારી જાતને દોષ દેવાનું ટાળો. કેટફિશિંગ કરનારા અત્યંત વિચક્ષણ અને ચાલાક હોય છે. આવી બાબતમાં કોઈપણ છેતરાઈ શકે છે. જો તમે જાતને દોષ આપશો તો તમે દુ:ખ અનુભવશો અને લોકો તમારી દયા કરે એવી અપેક્ષા રાખશો.
૩. જે બની ગયું છે તેનો સ્વીકાર કરો. આ બાબત પડકારજનક પણ છે અને મુશ્કેલ પણ છે. પણ જે બની ગયું છે તેનો સ્વીકાર કરવો તમારા માનસિક આરોગ્ય માટે અત્યંત મહત્વનું છે.
૪. સામાજિક રીતે સક્રિય રહો. આઘાતજનક ઘટના બન્યા પછી પોતાના કોચલામાં ભરાઈ ન બેસવુ અત્યંત મહત્વનું છે. એના માટે સામાજિક ગતિવિધિ વધારી નાખવી.
તમારે કોઈપણ બાબતે શરમાવવાની જરૂર નથી. તમારા દુ:ખદ અનુભવ વિશે લોકો સાથે વારંવાર ચર્ચા ન કર્યા કરો. એનાથી વિપરીત અન્ય વિષયો વિશે વાતો કરવી.
૫. સાવધાની વર્તો. ભવિષ્યમાં લોકો સાથે વાચચીત કરવામાં તમે વધુ તકેદારી રાખવાની સાવચેતી રાખશો. જો કે લોકોેને મળવાનું અને વાતચીત કરવાનું બંધ કરશો નહિ. એક ખરાબ અનુભવનો અર્થ એવો નથી કે ભાવિમાં થનાર તમામ અનુભવ ખરાબ જ હશે. તમારી જાત પર વિશ્વાસ રાખો કે હાલ તમને જે લાગણી થઈ રહી છે તેમાં સુધારો જ થશે અને તમે તમારી લાગણી પર કાબુ મેળવશો.
૬. કાઉન્સેલરની સલાહ મેળવો. માનસિક આરોગ્ય વ્યાવસાયિકો લોકોને ભાવનાત્મક પડકારોનો સામનો કરવા અને આઘાતમાંથી બહાર આવવામાં સહાય કરી શકે છે. એવા વ્યાવસાયિકોનો સંપર્ક કરો જે તમારી સાથે કાર્ય કરીને તમને તમારી લાગણીઓ પર કાબુ મેળવવામાં સહાય કરે. માત્ર થોડા કાઉન્સેલીંગ સેશનો તમારા જીવનમાં જે સકારાત્મક અસર કરશે તેનાથી તમે ચકિત થઈ જશો.

