Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Amazing health benefits of betel leaves

Sahiyar : ઔષધીય ગુણોનો ખજાનો: નાગરવેલનું પાનના અદભૂત સ્વાસ્થ્ય લાભો

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : ઔષધીય ગુણોનો ખજાનો: નાગરવેલનું પાનના અદભૂત સ્વાસ્થ્ય લાભો
સોર્સ : gstv

- મહેશ ભટ્ટ

App Store

ભારતીય ઉપખંડમાં નાગરવેલના પાનનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ અનેરુ મહત્વ છે. ધામક પૂજા, યજ્ઞાાદિ વિધિ, લગ્નવિધિ, નૂતન વર્ષ અને અન્ય સામાજિક પ્રસંગોએ પાનના ઉપયોગનું મહાત્મ્ય છે. દક્ષિણ એશિયાના ભારત, શ્રીલંકા, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના દેશો તથા અગ્નિ એશિયાના દેશોમાં સોપારી, લવિંગ, એલચી જેવા મસાલા કે તમાકુ સાથે હૃદય આકારનાં આ સદાબહાર બારમાસી પાન ખાવામાં આવે છે. આ જ દેશોમાં નાગર વેલનાં પાનની કમશયલ હેતુસર ખેતી પણ કરવામાં આવે છે.

ભારતમાં ઈસવીસન પૂર્વે ૨૬૦૦થી પાનનો વપરાશ થાય છે. પાન શ્વાસની દુર્ગંધ ટાળે, દિલદિમાગ, મિજાજને  હળવાં  ફૂલ  રાખે, ખોરાક પચવામાં  મદદ કરે  એવા  અનેક ગુણોને કારણે સદીઓથી રાજામહારાજાથી લઈને સામાન્યમાં સામાન્ય લોકો પાન ખાતા આવ્યા છે. પાનમાં કાથા સાથે ચૂનો હોવાથી જીભ અને હોઠ લાલ થાય છે. આ લાલ રંગને હોઠનો શણગાર માનવામાં આવે છે. પાનથી થતા આ 'શણગાર'ને બિરદાવતું 'પાન તો હૈ લબો કી શાન' લખાણ શૃંગારરસના રસિક એવા કોઈ પાનવાળાની  દુકાને  વાંચ્યાનું  સ્મરણ  છે. હોઠના આ કુદરતી મેકઅપને કારણે કદાચ પ્રાચીન કાળમાં મહિલાઓ પાન ખાતી હતી.

નાગરવેલ નામક વેલા પર આ પાન બેસે છે. આ વેલ દ્વિદળી  વર્ગના  પાઈપરેસી  કૂળની એક વનસ્પતિ છે. ભારતમાં આંધ્રપ્રદેશ, પ. બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાત (ચોરવાડ)માં  દરિયાકિનારે  તેનું વાવેતર થાયછે. દેશમાં લગભગ ૩૦ હજાર હેક્ટર વિસ્તારમાં તેની ખેતી થાય છે. કપૂરી, મલબારી, બંગલા, કલકત્તા, મઘાઈ  જેવી પ્રખ્યાત જાતો ઉપરાંત કેટલાંક રાજ્યોમાં પાનની સુધારેલી જાતોનું પણ વાવેતર થાય છે.

નાગરવેલના પાનમાં પ્રોટીન, ચરબી, ખનિજો, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને અન્ય પોષક તત્વો છે. જે શરદી, ઉધરસ, ગેસ, બ્લડ સુગર ઘટાડવામાં તથા પેશાબ સંબંધિત અનેક રોગ મટાડવામાં લાભકારી છે. અનેક ઔષધીય ગુણો ધરાવતા પાનના આરોગ્ય સંબંધી કેટલાક લાભ આ મુજબ છે;

૧) જખમ રુઝવવા : નાગર વેલનાં પાનમાં શરીરને ઓક્સિકરણથી થતા નુકસાનને નિષ્ક્રિય કરવાનો (એન્ટીઓક્સિડન્ટ) ગુણ ભરપૂર  પ્રમાણમાં  છે. ઓક્સિજન સાથે શરીરનું કેમિકલ રિએક્શન સતત ચાલતું રહે છે. આ કારણે થતા ઓક્સિડેટીવ સ્ટ્રેસને પાન હળવો કરે છે. પરિણામે શરીર પરના ઘા જલ્દી રુઝાય છે. ઘાની આસપાસની ત્વચા ઝડપથી સંકોચાય છે, પ્રોટિનનું પ્રમાણ વધે છે અને એ સાથે ઘા ઝડપથી રુઝાય છે. પાનનો રસ ઘા પર લગાવી તેના પર ઘા ઢંકાય તેટલાં પાન મૂકી પાટો બાંધી દો. ઘા ઝડપથી ભરાવા માંડશે.

૨) સાંધાનો દુ:ખાવો : નાગરવેલના પાનમાં પોલિફીનોલ્સ અને ચાવીકોલ (તૈલી ફિનોલ) નામનાં સંયોજન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેથી તેનામાં સોજા ઓછા કરવાનો ગુણ છે. અસ્થિના સાંધાના ભાગમાં પાનનો રસ લગાવો તો સંધિવા અને તેને લગતી અન્ય તકલીફમાં રાહત રહે છે.

૩) અપચાની સમસ્યામાં રાહત : આ  પાન  ગેસ્ટ્રો પ્રોટેક્ટિવ (જઠરનું રક્ષણ), ગેસનો ભરાવો અટકાવનાર, ગેસનાશક ગુણોથી સમૃદ્ધ છે. પાન ધીમેધીમે ચાવીને ખાવાથી મોંમાં વધુ પ્રમાણમાં લાળરસ પેદા થાય છે. આ પાન ખાવાથી પાચન ક્રિયા દરમિયાન ખોરાકમાંનાં પોષક તત્વો અને મિનરલ્સનું શોષણ વધુ સારી રીતે થાય છે. અપચાની તકલીફમાં તરત રાહત મેળવવા પાણી સાથે પાનનો રસ પીવો જોઈએ. પાનમાંથી તૈયાર કરેલું તેલ પેટ પર લગાવવાથી પાચનક્રિયા સતેજ બને છે.

૪) શ્વાસની દુર્ગંધ : ઓરલ હાઈજીન (મોંની સ્વસ્થતા)માં નાગરવેલનું પાન જીવાણુનાશક જેવી અસર કરે છે. વિવિધ  અભ્યાસમાં જણાયું  છે કે પાન ખાવાથી વધુ પ્રમાણમાં લાળરસ પેદા થાય છે અને આ લાળ મોંમાં બેક્ટેરિયા પેદા થવા દેતી નથી. પરિણામે શ્વાસની દુર્ગંધમાંથી છૂટકારો મળે છે. પાનને માઉથવૉશ તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

૫) વજનમાં ધટાડો : નાગરવેલનાં પાન ચયાપચય (ખોરાકનું ઉર્જામાં પરિવર્તન કરતી ક્રિયા)ને સતેજ કરે છે, પાચક રસના સ્ત્રાવને વધારે છે અને વધારાના પાણીને તથા ઝેરી તત્વોને શરીરમાંથી દૂર કરે છે. પાનમાંનાં ભરપૂર ફાઈબર કબજિયાતમાં પણ રાહત આપે છે. આથી શરીરમાંથી ચરબી ઓછી થતી હોવાનું મનાય છે.

૬) ગળાનું ઈન્ફેકશન : બેક્ટેરિયારોધક અને સોજારોધક ગુણોને કારણે પાન શરદી અને તે સંબંધી તકલીફમાં પ્રથમમોપચારનું કામ કરે છે.આયુર્વેદના મતે પાન વાટીને મધ સાથે લેવાથી ગળાના ઈન્ફેકશનથી રક્ષણ મળે છે.

૭) પુરુષોની યૌન શક્તિ : નિયમિતપણે પાનનું સેવન પુરુષોની યૌન શક્તિ વધારવામાં ફાયદાકારક માનવામાં આવે છે. આમ  નાગરવેલનાં પાનમાં સ્વાસ્થ્યને લાભ કરનારા અનેક ગુણ છે. તેથી તેનો ઉપયોગ ઘણા રોગોની સારવારમાં કરાય છે. આયુર્વેદ એને ખૂબ ઉપયોગી ઔષધી ગણે છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પાનના ગુણોને લીધે વૈદિક પરંપરામાં તેને શુદ્ધ માનવામાં આવે છે. શોખ માટે, ભોજન પચાવવા, મનની પ્રસન્નતા એમ વિવિધ હેતુસર ખવાતાં પાનને સંગીત જલસા, મહેફીલ અને લગ્ન સહિતના અનેક શુભપ્રસંગોથી લઈને લગભગ તમામ પૂજા ધામક ક્રિયાકાંડમાં અનન્ય સ્થાન મળ્યું છે.

પશ્ચાદભૂ રાધાકૃષ્ણની હોય, પ્રણયની કે ભક્તિભાવની હોય, કવિઓ અને ગીતકારોએ નમણી નાગરવેલનાં પાનનો મહિમા મન મૂકીને ગાયો છે. લોકસાહિત્ય અને આજની કૃતિઓમાં આ તાંબુલ પાનનો માનવ સાથેનો રસિલો રસયુક્ત સંબંધ જાણવા મળે છે.