Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Alternative to petrol-diesel shortage: Instead of expensive crude, adopt cheap biofuel!

Ravi Purti: પેટ્રોલ-ડીઝલની અછતનો વિકલ્પ: મોંઘું ક્રૂડ નહીં, સોંઘું બાયોફ્યુઅલ અપનાવો!

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: પેટ્રોલ-ડીઝલની અછતનો વિકલ્પ: મોંઘું ક્રૂડ નહીં, સોંઘું બાયોફ્યુઅલ અપનાવો!
સોર્સ : GSTV

- હોટલાઈ

App Store

-ભાલચંદ્ર જાની

મધ્ય-પૂર્વમાં ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષે વૈશ્વિક ઉર્જા પ્રણાલીની સૌથી મોટી નબળાઈને સપાટી પર લાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ક્લાયમેટ વડાએ તાજેતરમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે અશ્મિભૂત ઇંધણ, ખાસ કરીને તેલ અને ગેસ પર વધુ પડતી નિર્ભરતા રાષ્ટ્રોની આર્થિક સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેને જોખમમાં મૂકી રહી છે.

ઈરાન સંઘર્ષે દર્શાવી આપ્યું કે ખાડી યુદ્ધનું ટેન્શન સામાન્ય નાગરિકોના ઊર્જા બિલ પર સીધી અસર કરે છે. માત્ર બે જ સપ્તાહમાં, યુરોપમાં ગેસના ભાવમાં લગભગ ૫૦ ટકાનો વધારો થયો છે, જેનાથી ઘરો અને ઉદ્યોગો બંને પર ચિંતાના વાદળ છવાયા છે.

એક નિષ્ણાતે ચેતવણી આપી છે કે જો અશ્મિભૂત ઇંધણની આયાત પર નિર્ભરતા ચાલુ રહેશે, તો યુરોપ અને વિશ્વને વારંવાર ઉર્જા કટોકટીનો સામનો કરવો પડશે. તેનાથી વિપરીત, નવીનીકરણીય ઉર્જા (રિન્યુએબલ એનર્જી) તરફ ઝડપી પરિવર્તન રાષ્ટ્રોને જિયો-પોલિટિકલ અનિશ્ચિતતામાંથી મોટાભાગે મુક્ત કરી શકે છે કારણ કે સૂર્યપ્રકાશ અને પવન (સોલાર પાવર અને વિન્ડ એનર્જી) રાજકીય સંઘર્ષો પર આધારિત નથી.

પેટ્રોલનો ભાવ જ્યારે લીટરે ૧૫૦ રૂપિયા અને ડિઝલના લીટરે ૧૨૦ રૂપિયા થશે ત્યારે દેશના અર્થતંત્રની શું હાલત થશે તેની કલ્પના તમે કરી છે? મોંઘવારીએ અત્યારે જ માઝા મૂકી છે તો ઇંધણના ભાવવધારા પછી તો દરેક ચીજોના ભાવ આસમાને પહોંચશે.

જોવાની વાત એ છે કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના જંગને કારણે અખાતી દેશોમાં તેલની રિફાઈનરીઓ અને ગેસના કૂવા ભડકે બળી રહ્યાં છે. એટલે પશ્ચિમનાં ધનાઢ્ય દેશો પણ પેટ્રોલ-ડિઝલનાં ઘટતાં જતાં પુરવઠાને નજર સમક્ષ રાખી ઈંધણના વૈકલ્પિક સ્ત્રોત ખોળી રહ્યાં છે. ક્રૂડ ઓઈલના ભાવવધારાની જેને સૌથી ઘેરી અસર થાય છે તે ભારતની સરકારે પણ નક્કર પગલાં લેવાની શરૂઆત કરી છે. 

કુલ જરૂરિયાતના ૭૦ ટકા ખનિજ તેલ આપણે આયાત કરીએ છીએ. ગયા વર્ષે આપણે ૯૮,૦૦૦ કરોડનું ખનિજ તેલ આયાત કર્યું હતું. આ ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલ અને ડિઝલ ઉત્પાદન કરીને સરકારી માલિકીની છ ઓઈલ કંપનીઓ દેશભરમાં ઈંધણ પુરવઠો પૂરો પાડે છે. જોકે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધે નહીં માટે આ કંપનીઓ વર્ષે ૧,૬૦,૦૦૦ કરોડની ખોટ ખાય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ભારત સરકાર આટલી રકમની સબસીડી પૂરી પાડે છે. એનો મતલબ એ થયો કે પેટ્રોલ-ડિઝલના ભાવ અંકુશમાં રાખવા પ્રત્યેક ભારતીય નાગરિક દીઠ સરકાર ૧૪૦૦ રૂપિયાની સબસીડી ચૂકવે છે. સરકારે આ સબસીડીના વિષચક્રમાંથી બહાર આવવું હોય તો ઈથેનોલ અને પેટ્રોલ - ડિઝલના બીજા વિકલ્પ શોધી કાઢવા જોઈએ.

એવું નથી કે પેટ્રોલ-ડિઝલના વિકલ્પ મળવાં મુશ્કેલ છે. વાસ્તવમાં આપણાં વિજ્ઞાનીઓએ  એક સોંઘો વિકલ્પ તો ક્યારનો શોધી કાઢ્યો છે અને એ છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ. તમે પૂછશો ઇથેનોલ એટલે શું? તો સાવ સાદા શબ્દમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે ઇથેનોલ એ શેરડીમાંથી બનાવેલો આલ્કોહોલ, (દારૂ) છે. મહારાષ્ટ્ર સહિત દેશના નવ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૧,૦૦૦થી વધુ પેટ્રોલ પંપો ઉપર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ દાયકા પૂર્વે શરૂ થયું હતું. પેટ્રોલમાં માત્ર પાંચ ટકા ઈથેનોલ મિશ્રણ કરવાથી પેટ્રોલના વપરાશમાં અંદાજે ૩૨ કરોડ લીટરનો ઘટાડો થાય છે. પરિણામે અબજો રૂપિયાના વિદેશી હુંડિયામણની બચત થાય. ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપના ડેપોમાં પેટ્રોલનો પુરવઠો પહોંચાડવામાં આવે ત્યારે તેમાં ઇથેનોલનું મિશ્રણ કરેલું જ હોય છે. 

એક રીતે આલ્કોહોલના બળતણ તરીકેનો વપરાશ નવો પણ ન કહેવાય. કારણ કે બ્રાઝિલ જેવો ટચુકડો દેશ છેક ૧૯૩૧થી પેટ્રોલમાં ઇથેનોલ ભેળવીને વાહનો હંકારે છે. 

જોવાની વાત એ છે કે પેટ્રોલનું અસરકારક અને સોંઘુ વિકલ્પ ઇથેનોલ એક સદી પહેલાં શોધાયું તો પણ તેનો વપરાશ વિશ્વમાં જોઈએ તેટલો વધ્યો નથી.

છેક ૧૮૯૫માં નિકોલસ ઓટોએ મોટરના આંતરિક દહનમાં પેટ્રોલને બદલે આલ્કોહોલ વાપરવાનો વિચાર અમલમાં મૂક્યો હતો. કારણ કે પેટ્રોલની માફક આલ્કોહોલમાં પણ કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન તો હોય જ છે. આ ત્રણેય પદાર્થ દહન પામી શકે તેવા હોવાથી ઇથિલ આલ્કોહોલ જેને ટૂંકાણમાં ઇથેનોલ કહે છે. તેનો ઉપયોગ પેટ્રોલની અવેજીમાં થઈ શકે. અમેરિકામાં પેટ્રોલને ગેસોલિન કહે છે તેથી તેમાં ઈથેનોલ મેળવ્યો હોય તો તે ગેસોહોલ તરીકે ઓળખાય છે.  

વર્ષો પહેલાં અમેરિકામાં વિલિયમ હેલ નામના કેમિસ્ટે મકાઈ, શેરડી અને અનાજમાંથી મેળવાયેલા આલ્કોહોલને બળતણ તરીકે વાપરવાની હિમાયત કરી. 

જે દેશોએ ઇથેનોલ આજ સુધી નથી અપનાવ્યું તેઓ આવતી કાલથી એ વાપરતા થઈ જશે. કારણ કે ધરતીમાં પેટ્રોલિયમના ભંડારો ખૂટતા જાય છે. અત્યારે પેટાળમાં આશરે ૫૦૦ અબજ પીપ ભરાય એટલું પેટ્રોલિયમ બચ્યું છે. આવતા વીસથી પચ્ચીસ વર્ષમાં આ પેટ્રોલ ખલાસ થઈ જશે. સ્ટીમર અને ટ્રેનને તો બીજી વૈકલ્પિક ઉર્જાથી હંકારી શકાય છે, પણ પેટ્રોલ વિના મોટરો કેવી રીતે દોડે? 

હા, ભારતમાં ઈલેક્ટ્રીક કાર (બેટરી સંચલિત) હવે પૂરપાટ દોડવા લાગી છે. પરંતુ વાહન વ્યવહારનો બધો મદાર વિદ્યુત સંચાલિત વાહનો પર રાખી ન શકાય. ભારતે તો બહુ ગંભીરપણે ઇથેનોલની ટેકનોલોજી વિકસાવ્યે જ છૂટકો.

ભારતે ૨૦૦૦ની સાલમાં તેની કુલ ૧૦૮ મિલિયન ટન ક્રૂડ ઓઈલની જરૂરિયાતમાંથી ૭૦ ટકા પુરવઠો આયાત કર્યો હતો. હાલમાં ક્રૂડ ઓઈલની કિંમત વધીને ૧૧૬ ડોલર પ્રતિ બેરલ થઈ છે. કિંમતી વિદેશી હુંડિયામણનો મોટો જથ્થો આમ પેટ્રોલિયમ ઇમ્પોર્ટ કરવામાં જ વપરાઈ જશે. બીજી તરફ ભારતનો સાકર ઉદ્યોગ આલ્કોહોલ પેદા કરવાની જરૂર કરતાં વધુ ક્ષમતા ધરાવે છે. જો ભારતમાં પણ બ્રાઝિલ, અમેરિકા, જાપાન વગેરે દેશોની માફક ઇથેનોલનો વપરાશ પુરબહારમાં શરૂ થાય તો શેરડી ઉત્પાદકો હજુ વિપુલ પ્રમાણમાં શેરડી ઉગાડી આલ્કોહોલનું ઉત્પાદન વધારી શકે એમ છે. આ આલ્કોહોલમાંથી ઇથેનોલ બનાવી આપણે પેટ્રોલ-ડિઝલની બદલે તેનો ઉપયોગ કરવા લાગીએ તો ક્રૂડ ઓઈલનું આયાતી બિલ ખાસ્સું ઘટાડી શકાય. 

બ્રાઝિલમાં તો અસંખ્ય મોટરો સો ટકા ઇથેનોલ પર જ ચાલે છે. બ્રાઝિલમાં તો શેરડીની ઉપજ સીધે સીધી કારખાનામાં લઈ જઈને તેમાંથી ઈથેનોલ બનાવાય છે.  જ્યારે ભારતમાં શેરડીમાંથી સાકર બનાવ્યાં પછી જે ઘટ્ટ રગડો શેષ બચે છે તેમાંથી ઈથેનોલ બનાવાય છે. આ દ્રાવણમાં ૩૫ ટકા ઓક્સિજન હોવાથી બળતણનું પૂરેપૂરું દહન થાય છે એટલે હાનિકારક ધુમાડો નીકળતો નથી.

કેટલાંક ભારતીય વિજ્ઞાનીઓએ ડિઝલમાં ઈથેનોલ ભેળવીને બાયોડિઝલ બનાવ્યું છે. જેમાં વનસ્પતિ તેલ અથવા અન્ય ચરબીના અંશ વાપરીને તેને બળતણ તરીકે ઊપયોગમાં લઈ શકાય છે. અમેરિકાના ઑટોએન્જિનિયરો પણ ઈથેનોલનો મોટા પાયે વપરાશ કરવા તત્પર બન્યા છે. તેમની નેમ એવી છે કે ૨૦૨૭ની સાલ સુધીમાં અમેરિકાના તમામ વાહનોને શેરડી, સોયાબીન, બીટ કે મકાઈમાંથી બનાવાયેલાં ઈથેનોલ વડે દોડતાં કરી દેવાં.

અમેરિકાએ છેલ્લાં દસકામાં ઈથેનોલના ઉત્પાદનમાં પાંચ ગણો વધારો કર્યો છે. ગયા વર્ષે અમેરિકામાં કુલ ૨૮ બિલિયન લીટર ઈથેનોલનું ઉત્પાદન મકાઈ અને સોયાબીનમાંથી કરવામાં આવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં ઈથેનોલનાં ઉત્પાદન માટે સ્થાનિક મકાઈના ઉત્પાદનના ચોથા ભાગનો વપરાશ અમેરિકાએ કર્યો હતો.

મહત્ત્વની વાત તો એ છે કે પેટ્રોલમાં પાંચ ટકા એન્હાઈડ્રોસ આલ્કોહોલ ઉમેરવામાં આવે તો એન્જિનમાં કોઈ પરિવર્તન કરવાની પણ જરૂર નથી. માની લો કે પેટ્રોલમાં ૨૦ ટકા જેટલું ઇથેનોલ ઉમેરવામાં આવે તો પણ કાર્બોરેટર, સ્પાર્ક પ્લગની રચના વગેરેમાં થોડો ફેરફાર કરવો પડે. પેટ્રોલની સરખામણીએ ઇથેનોલ થોડું મોડું આગ પકડે છે. તેથી એન્જિનમાં ઇથેનોલનું દહન કરવા સ્પાર્ક પ્લગમાંથી વધુ માત્રામાં તણખા ઝરવા જોઈએ. જો પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ ૨૦ ટકાથી વધારવું હોય તો એન્જિનમાં સુધારાવધારા કરવા જ પડે. જેથી તેની કાર્યક્ષમતા બગડે નહીં.

૧૯૭૫ પછી બ્રાઝિલના કાર ઉત્પાદકોએ મોટા પાયે ૧૦૦ ટકા હાઈડ્રોસ ઇથેનોલ પર ચાલતી મોટરો બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં બ્રાઝિલ દર વર્ષે. શેરડીના પાકમાંથી ૧૪ અબજ લીટર ઇથેનોલ બનાવે છે. જે પ્રતિદિન બે લાખ બેરલ પેટ્રોલનો વિકલ્પ પૂરો પાડે છે. ઉત્પાદન વધ્યા પછી ઇથેનોલનો ભાવ પણ ઘટીને લીટરે ૧૪ રૂપિયા જેટલો છે. આજે બ્રાઝિલમાં બે જ પ્રકારના વાહનો જોવા મળે છે. કાં તો મોટર પૂરેપૂરી ઇથેનોલ પર ચાલતી હોય અથવા ૨૦થી ૨૪ ટકા ઇથેનોલ ભેળવેલા પેટ્રોલ વડે હંકારાતી હોય. બાકી બ્રાઝિલમાં ઇથેનોલ ભેળવ્યું ન હોય તેવું પેટ્રોલ ક્યાંય વેચાતું મળતું નથી. બ્રાઝિલમાં આશરે ૨૬,૦૦૦ રિટેઈલ પેટ્રોલ પંપ ગેસોહોલનું (ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) વિતરણ કરે છે.

બીજી તરફ નવેમ્બર ૨૦૨૫ના અંત સુધીમાં ભારતમાં ૧,૦૦,૨૬૬ પેટ્રોલ પંપ હતા. અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમનો ભારતનો સૌથી મોટો આંકડો છે.

અમેરિકામાં પેટ્રોલ પંપની સંખ્યા અંગે કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ૨૦૨૪ના એક અહેવાલમાં દેશમાં રિટેલ પેટ્રોલ પંપની સંખ્યા ૧,૯૬,૬૪૩ હોવાનો અંદાજ દર્શાવાયો હતો.

ભારતમાં પણ બ્રાઝિલની માફક શેરડીનું વ્યાપક વાવેતર થાય છે. તેમ જ ગોળ અને સાકરનું પુષ્કળ ઉત્પાદન થાય છે. ભારત ધારે તો બ્રાઝિલ કરતાં પણ વધુ ઇથેનોલ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

શરૂઆતમાં ખાનગી ક્ષેત્રવાળા આગળ ન આવે તો સરકારે ઇથેનોલ ઉત્પાદન માટેના પ્લાન્ટ નાંખવા જોઈએ. ધીરે ધીરે દેશમાં ઇથેનોલનો બળતણ તરીકે વપરાશ વધતા આપોઆપ આ ધંધો નફાકારક બનશે અને સ્પર્ધા પણ વધશે.

અમેરિકામાં મુખ્યત્વે મકાઈમાંથી વર્ષે સાડા છ અબજ લીટર ઇથેનોલ મેળવવામાં આવે છે. જેમાંથી પાંચ અબજ લીટર ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. જોકે અમેરિકામાં ઇથેનોલ સસ્તું પડે એટલા ખાતર નહીં, પરંતુ પર્યાવરણને માફક આવતું હોવાથી તેનો ઉપયોગ વધી રહ્યો છે. પેટ્રોલની સરખામણીએ ઇથેનોલ ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે અને તેમાં કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ નહિવત હોય છે.

અખાતી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસરો હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. જો કે ઘરમાં વપરાતા ગેસનો પુરવઠો હાલમાં સુગમ છે, પરંતુ હોટેલો અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં જરૂરી કમર્શિયલ ગેસની અછત ઘણી જગ્યાએ વર્તાવા લાગી છે. આ સ્થિતિમાં કેટલીક જગ્યાએ હોટેલો અને ઉદ્યોગોએ ચૂલાનો વિકલ્પ અપનાવ્યો છે. જો કે ઈમ્પોર્ટેડ ક્રૂડ ઓઈલ પરની ડિપેન્ડન્સી ઘટાડવા માટે મહારાષ્ટ્રના સંજીવની ગ્રુપ અહિલ્યાનગર જિલ્લાના કોપરગાંવ તાલુકામાં ઈથનોલથી ચાલતા ચૂલા પર અનોખું સંશોધન કર્યું છે.

કોપરગાવ તાલુકામાં સંજીવની ગ્રુપે અગાઉ સીએનજી પ્લાન્ટ સ્થાપ્યો હતો અને સીએનજીનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ત્યાર બાદ આ ફેક્ટરીએ હવે કમર્શિયલ ગેસનો વિકલ્પ શોધવાનો પ્રયાસ કર્યો છે. પુણેમાં એક સંશોધન સંસ્થાની મદદથી ઈથનોલથી ચાલતા ચૂલા પર સંશોધન કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ચૂલાનો ખર્ચ  હાલના કમર્શિયલ ગેસ કરતાં ઓછો છે અને એ વધુ પરવડે એવો હોઈ શકે છે.

દેશમાં ઈથનોલનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યું છે. પેટ્રોલમાં ૨૦ ટકાથી વધુ ઇથનોલ ભેળવવાની પરવાનગી મળ્યા પછી લગભગગ ૧૦૦૦ કરોડ લીટર વધારાનું ઇથેનોલ ઉપલબ્ધ થશે. જો સરકાર ઈથેનોલ ગેસ અથવા ઈથેનોલથી ચાલતા ચુલા જેવા સંશોધનને નીતિગત પોલિસી બનાવીને મંજૂરી આપે તો સહકારી ક્ષેત્રને ઘણો ફાયદો થઈ શકે છે તેમ જ ટ્રાન્સપોર્ટેશનના ફ્યુઅલનો મોટો ખર્ચ બચાવી શકાય.

કેન્દ્ર સરકાર ૨૦૩૦ સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલના મિક્સિંગની ટકાવારી પચાસ ટકા સુધી લઈ જવા યોજના ધરાવે છે. જોકે આ લક્ષ્યાંક સિદ્ધ કરવા દેશની ડિસ્ટલરીઓની ક્ષમતા વધારવાની રહેશે અને તે પાછળ રૂપિયા ૫૦,૦૦૦ કરોડનો ખર્ચ થઈ શકે એવો અંદાજ છે.

બીજી રીતે કહીએ તો પેટ્રોલમાં પચાસ ટકા ઈથેનોલના ટાર્ગેટને સિદ્ધ કરવા દેશમાં ઈથેનોલના ૩૦ અબજ લિટર પૂરવઠાની આવશ્યક્તા રહેશે આમાંથી  ૧૫થી ૧૭ અબજ લિટર શેરડી આધારીત મોલાસિસમાંથી મેળવી શકાશે જ્યારે બાકીનું મકાઈ, ચોખા જેવા અનાજ તથા અન્ય સ્રોતમાંથી મેળવવાનું રહેશે. પચાસ ટકા મિક્સિંગને  કારણે દેશના વિદેશી હૂંડિયામણમાં વાર્ષિક ૧૫ અબજ ડોલરની બચત થઈ શકશે. આનાથી પેટ્રોલની આયાત ઘટશે એટલું જ નહીં ખેડૂતોની  આવકમાં અંદાજે ૧.૮૦ લાખ કરોડનો વધારો થશે.

સૂચિત મિક્સિંગ કાર્યક્રમ સંપૂર્ણ  રીતે લાગુ થઈ જવા બાદ દેશમાં વધારાની ખાંડ ઈથેનોલના ઉત્પાદન તરફ વાળી શકાશે અને ભારતને  ખાંડ નિકાસ કરવાની આવશ્યક્તા  નહીં રહે.

એક એવી યોજના પણ વિચારણા હેઠળ છે કે શેરડીના રસમાંથી ઈથેનોલનું ઉત્પાદન કરવાના ડિસ્ટિલરી પ્લાન્ટ્સની શ્રેણીમાં સુધારો કરીને શેરડી પીલવાની સિઝન પૂરી થયા બાદ મકાઈ અથવા અન્ય ધાન્યોમાંથી આખું વર્ષ ઈથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. એ માટે કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય સહકારી સાકર કારખાનાં મહાસંઘે સહિયારું પગલું ભર્યું છે.

વર્ષો સુધી ભારતમાં ખાંડના સરપ્લસ જથ્થા અને શેરડીના જથ્થાથી ઇથેનોલ બનતું આવ્યું છે. ૨૦૨૪-૨૫માં એવું બન્યું કે શેરડી કે ખાંડનું સ્થાન મકાઇએ લીધું. ઇથેનોલ બનાવવા માટે મકાઇ સૌથી મોટા ફિડસ્ટોક તરીકે ઉભરી આવી છે.

જ્યારે ખાંડનું ઉત્પાદન વધ્યું ત્યારે મિલોએ મોલાસીસને ઇથેનોલ તરફ વાળ્યું. જ્યારે અનિયમિત ચોમાસાને કારણે શેરડીનું ઉત્પાદન ઘટયું ત્યારે ઇથેનોલનો પુરવઠો ઓછો થઈ જતો હતો. આ ચક્ર વારંવાર ચાલ્યું. ઘણી વખત ઇથેનોલની નીતિની વ્યાપક ટીકા પણ થઇ. 

એટલે વિકલ્પરૂપે મકાઇ સિવાયના અનાજનો હિસ્સો   પણ વપરાશમાં લેવો જે હાલમાં ૧૫થી ૨૦ ટકા જેવો ગણવામાં આવે છે. શેરડી  પાકવાની સમયમર્યાદા ઘણી લાંબી હોય છે. આખું વર્ષ લાગી જાય છે. તેના સ્થાને અનાજ ટૂંકાગાળાનો પાક છે. સૌથી વધારે ફાયદો મકાઇને લીધે બિહાર, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવાં રાજ્યો મેળવી રહ્યાં છે.

મકાઈ આધારિત ઈથેનોલ હાલમાં સરકાર દ્વારા નક્કી કરાયેલી ખરીદી કિંમત રૃા. ૭૧.૮૬ પ્રતિ લિટર મેળવે છે. 

ભારતમાં ઇથેનોલ ડિસ્ટિલેશન પ્લાન્ટ્સની સ્થાપિત ક્ષમતા લગભગ ૨૦ અબજ લિટર થઇ ચૂકી છે, જેમાં વધુ ચાર અબજ લિટરનો ઉમેરો થવાની સંભાવના છે. ૨૦ ટકા ઇથેનોલના કાર્યક્રમમાં ૧૧ અબજ લિટરની આવશ્યકતા રહે છે.

હાલમાં યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી પેટ્રોલમાં ઈથેનોલ બ્લેન્ડિંગની ટકાવારી વધારવા ઈન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી  મેન્યુફેકચરર્સ એસોસિએશને સરકારને અનુરોધ કર્યો છે.

દેશમાં ઈથેનોલ મિકસ કરવાના કાર્યક્રમમાં ઝડપ લાવી તેને ૨૭ ટકા સુધી પહોંચાડવા પર  સરકારને  અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણાં કેટલાંક સરકારી બાબુઓ ડિઝલમાં પણ ઇથેનોલ ભેળવવાનું વિચારી રહ્યા છે. જોકે આ પ્રયોગ હજુ બ્રાઝિલ અને અમેરિકામાં પણ અજમાયેશ હેઠળ છે. જો આ દિશામાં સફળતા હાંસલ થાય તો ભારતીય અર્થતંત્રનો બેડો પાર થઈ જાય. આપણા દેશમાં ડિઝલનો વપરાશ પેટ્રોલ કરતાં સાત ગણો વધુ છે. કેન્દ્રિય મંત્રાલયે ભારતીય વિજ્ઞાનીઓને ઇથેનોલ-ડિઝલની મિલાવટના પ્રયોગો કરવાનું કહી દીધું છે. બ્રાઝિલ સરકાર સાથે પણ એક સમજૂતી સાંધવામાં આવી છે. જેથી ઇથેનોલ-ડિઝલના સંયોજનનું નવું સ્વરૂપ ખોળી કાઢવાના પ્રયોગ એકબીજાના સહયોગમાં થઈ શકે.

ઇથેનોલ સોંઘુ ઉત્પાદન છે. ઘરઆંગણે વિપુલ માત્રામાં તે પેદા કરી શકાય છે. ઉપરાંત એ ઇકોફ્રેન્ડલી છે એટલે કે ડિઝલ-પેટ્રોલની સરખામણીએ પર્વાયવરણ માટે વધારે સારું છે. જો આટલા બધા પાંસા ઇથેનોલોની તરફેણમાં હોય તો હવે એના વપરાશમાં જેટલો વિલંબ કરીએ તેટલું નુકસાન આપણને જ થવાનું છે. ભારતે શક્ય તેટલા જલ્દી વાહનોને ઇથેનોલ કે ગેસોહોલ પર દોડતાં કરી દેવા જોઈએ.

દરમિયાન કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી દેશભરમાં ઈ-૨૦ પેટ્રોલનું  વેચાણ કરવાનું  અનિવાર્ય કરી દીધું છે.  એમ તો પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ  દુનિયાની પ્રથમ સો ટકા ઈથનોલ સંચાલિત મોટરકારનું  લોચિંગ કર્યું હતું.  ફ્લેક્સ   ફ્યુઅલ  નામે  ઓળખાતી આ ટેક્નોલોજી  પૂરેપૂરી  અપનાવવા ઓટોમોબાઈલની  મિકેનીઝમમાં  થોડો  ફેરફાર  કરવો અનિવાર્ય છે. 

બીજી તરફ સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોએ  પણ ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારને મહત્ત્વનું  સૂચન કર્યું છે. જેમ કે  દેશમાં  પેટ્રોલ અને  ડિઝલથી  ચાલતી તમામ લક્ઝરી   કાર પર તબક્કાવાર  પ્રતિબંધ મૂકી  દેવો.