Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Badminton shuttlecocks are made from goose and duck wings: 1 hour of work, 8 minutes of product life!

Ravi Purti: બેડમિન્ટનના શટલકોક હંસ અને બતકની પાંખોમાંથી બને છે: 1 કલાકની મહેનત, 8 મિનિટની પ્રોડક્ટ લાઈફ!

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: બેડમિન્ટનના શટલકોક હંસ અને બતકની પાંખોમાંથી બને છે: 1 કલાકની મહેનત, 8 મિનિટની પ્રોડક્ટ લાઈફ!
સોર્સ : GSTV

19મી સદીમાં મોડર્ન બેડમિન્ટનનો જન્મ 

App Store

સેંકડો વર્ષોથી બેડમિન્ટન જેવી રમત રમાતી હતી, પરંતુ એને લોકપ્રિયતા મળી ૧૯મી સદીમાં. રમતનો વિકાસ ભારતમાં થયો હતો. તમિલનાડુમાં લાકડાના બનેલા શટલથી આ રમત રમાતી હતી. ૧૮૬૦-૭૦ના અરસામાં બ્રિટિશ અધિકારીઓ, ભારતના પ્રવાસે આવતા બ્રિટિશર્સ આ રમત રમતાં હતા અને તેનાથી લોકપ્રિયતા વધી હતી. એ સમયમાં ઈંગ્લેન્ડના બેડમિન્ટન હાઉસમાં આ રમતે ધ્યાન ખેંચ્યું હતું એટલે લોકો તેને બેડમિન્ટન કહેવા લાગ્યા હતા. ઈંગ્લેન્ડમાં જઈને આવા જ કેટલાક અધિકારીઓએ સૌપ્રથમ બેડમિન્ટન ક્લબ બનાવી હતી.

પક્ષીઓના પીંછામાંથી શટલકોક બનવાનું શરૂ થયું

બેડમિન્ટનનું જે ફોર્મેટ ભારતમાં રમાતું હતું એમાં લાકડા અને પછીથી રબરના શટલનો ઉપયોગ થતો હતો, પરંતુ બેડમિન્ટન પહેલાં પક્ષીઓના પીંછા ભેગા કરીને તેને આમથી તેમ ફંગોળવાની રમતો ક્યાંક ક્યાંક યુરોપમાં રમાતી હતી. તેનાથી પ્રેરિત થઈને બ્રિટનમાં પક્ષીઓના પીંછામાંથી શટલ બનાવવાનું શરૂ થયું. નીચે પાતળો દટ્ટો બનાવવા માટે થર્મોકોલ અને રબર વપરાતું હતું. તેની ઉપર ચારેબાજુ એક સરખા આકારના પીંછા વ્યવસ્થિત બાંધી દેવામાં આવતા. એમાં કૂકડાના પીંછાનો ઉપયોગ થતો હતો. કૂકડાને કોક કહેવાય છે એટલે જ શટલને નામ અપાયું - શટલકોક. વખત જતાં બાજ, હંસ અને બતકના પીંછાનો ઉપયોગ શરૂ થયો. બતક અને હંસના પીંછામાંથી શ્રેષ્ઠ શટલ બનતાં હોવાથી પ્રોફેશ્નલ ગેમ્સમાં એનો ઉપયોગ વધ્યો અને આજે સ્થિતિ એવી છે કે દુનિયાભરમાં રમાતી પ્રોફેશ્નલ મેચમાં બતક-હંસના પીંછામાંથી બનેલા શટલકોકનો જ ઉપયોગ થાય છે.

પ્રોફેશ્નલ ખેલાડી એક પોઈન્ટ માટે 20-30 શટલ વાપરે છે

પ્રોફેશ્નલ મેચમાં શટલનો ઉપયોગ ખૂબ થાય છે. એક મેચમાં ૩૬થી ૪૦ શટલ વપરાય શકે છે. જ્યાં રમાય છે તે સ્થળ અને મેચ કેવા ખેલાડીઓ વચ્ચે રમાય છે તેના પર શટલની સંખ્યા વધઘટ થઈ શકે છે. જો એવી કોઈ રસાકસીની મેચ જામે ત્યારે એક ખેલાડી ૨૦-૩૦ શટલ વાપરી નાખે છે. ઘણી વખત સિંગલ્સની મેચમાં આ કુલ શટલનો આંકડો ૧૦૦ પહોંચી જતો હોય છે. ઘણી વખત તો એક પોઈન્ટ માટે ખેલાડી સરેરાશ ૨૦થી ૩૦ શટલકોક વાપરી નાખે છે. તે હિસાબે ગણતરી કરીએ તો હાઈ વોલ્ટેજ મેચમાં શટલ વપરાય તેના માટે ૪૦૦ બતક-હંસના પીંછાની જરૂર પડે છે.

શટલકોક કેવી રીતે બને છે?

એક શટલકોકમાં ૧૬ પીંછાની જરૂર પડે છે. એક બતક કે હંસને પારાવાર યાતના આપીને ચાર પીંછા મેળવી શકાય છે તે રીતે એક શટલકોક બનાવવા માટે ચાર બતક કે હંસના પીંછાની જરૂર પડે છે. એ પીંછા મેળવવા માટે હંસ અને બતક સાથે ભારે હિંસા કરવામાં આવે છે. આ પક્ષીઓના પીંછા રીતસર ખેંચી લેવામાં આવે છે. એ પ્રક્રિયામાં પક્ષીઓના શરીરમાંથી લોહી નીકળે છે. આટલી પારાવાર વેદના પછી તેમને છોડી દેવામાં આવે છે, કારણ કે એના પીંછા ફરીથી બને ત્યારે ફરીથી એ પીંછા શટલકોક બનાવવા માટે ખેંચી કાઢવામાં આવે છે. એમાંય પક્ષીના ડાબા ભાગના પીંછાનો આગ્રહ રાખવામાં આવે છે, કારણ કે એ તરફના પીંછા ખાસ રીતે નમે છે એટલે એવા શટલકોક ખાસ બની જાય છે.

ભારતમાં પશ્ચિમ બંગાળ શટલકોક કેપિટલ

105 કરોડ ડોલરનું માર્કેટ

પશ્વિમ બંગાળ આપણાં દેશમાં શટલકોકના ઉત્પાદનમાં સૌથી આગળ છે. બંગાળના જાદુરબેરિયા અને મિદનાપુરમાં દરરોજ ૩૬,૦૦૦ હજાર શટલકોક બને છે અને એ માટે ૫.૭૬ લાખ પીંછાની જરૂર પડે છે અને એ માટે ૧ લાખ ૪૪ હજાર બતક કે હંસના પીંછા ખેંરવી નાખવામાં આવે છે. જલંધર, મેરઠ ને દિલ્હીમાં પણ શટલકોકનું નોંધપાત્ર ઉત્પાદન થાય છે. દુનિયાનું શટલકોક માર્કેટ ૧૦૫ કરોડ ડોલરનું છે અને ૨૦૩૪ સુધીમાં વધીને એ ૧૫૦ કરોડે પહોંચી જશે.

પશ્વિમ બંગાળ શટલકોક પ્રોડક્શનનું કેપિટલ ગણાય છે : બંગાળમાં દરરોજ ૩૬ હજાર શટલકોક બને છે અને એ માટે ૧ લાખ ૪૪ હજાર બતક-હંસના પીંછા ખેંચી લેવામાં આવે છે

એક કલાકની મહેનત, આઠ મિનિટની પ્રોડક્ટ લાઈફ!

ટેકનોલોજી વિકસી છે એટલે શટલ બનાવવામાં મશીનરીનો ઉપયોગ થાય છે, છતાં આજેય હાથે બનાવેલા શટલની ડિમાન્ડ વધારે રહે છે. પ્રોફેશ્નલ મેચમાં તો ખેલાડીઓ ખાસ હેન્ડમેડ શટલનો આગ્રહ રાખે છે. કારણ કે તે હવામાં વધારે સારી રીતે નમે છે. હેન્ડમેડ શટલની જ ગ્લોબલી ડિમાન્ડ વધારે રહેતી હોય છે. હેન્ડમેડ શટલ બનાવવામાં એક કલાક થઈ જાય છે. પીંછા મેળવવાથી લઈને એને ધોઈને સુકવવા અને કટિંગ કરવામાં ખૂબ સમય લાગે છે. એ પછીય શટલકોકમાં એક પછી એક પીંછાને મશીનથી જોડવામાં આવે છે. સિન્થેટિક મટિરિયલના શટલ મશીનથી બને તો પણ એક શટલ પાછળ અડધો કલાક લાગે છે, પરંતુ જેટલો સમય બનાવવામાં લાગે છે એટલો વખત શટલકોક ટકતાં નથી. એક મેચ દરમિયાન સરેરાશ આઠ મિનિટમાં શટલ બદલાઈ જાય છે.

શટલકોકનું રિસાઈક્લિંગ નહીંવત્

પ્લાસ્ટિક કે અન્ય સિન્થેટિક મટિરિયલમાંથી બનતા શટલકોક વાપરવાથી મોટી જીવહિંસાથી બચી શકાય

શટલકોકમાં વપરાયેલા પીંછા એક વખત ખરાબ થઈ જાય પછી એ રિસાઈકલ થતાં નથી. રિસાઈક્લિંગનો સ્કોપ ખૂબ ઓછો હોવાના કારણે શટલકોક નવા જ બનાવવા પડે છે. ઈન્ટરનેશનલ કક્ષાની મેચમાં વપરાયેલા શટલનો ઉપયોગ રિપેરિંગ કરીને જૂનિયર ખેલાડીઓને પ્રેક્ટિસમાં આપવામાં આવે છે, પરંતુ એનું પ્રમાણ ખૂબ ઓછું છે. પીંછાના શટલકોકને ભેગા કરીને ખરાબ થયેલા પીંછા અન્ય શટલમાંથી લગાવીને રિપેરિંગ થતું હોય છે, પરંતુ એ પ્રેક્ટિસ સિવાય કામ લાગતા નથી. પીંછામાંથી બનતા શટલકોકનું રિસાઈક્લિંગ માત્ર ૩ ટકા થાય છે. ૯૭ ટકા શટલકોક કોઈ કામમાં આવતા નથી. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને સિન્થેટિક શટલકોકને મંજૂરી આપી હોવાથી હવે ૨૫ ટકા સુધી સિન્થેટિક શટલકોક વપરાય છે. એ શટલકોક સિન્થેટિક મટિરિયલમાંથી બનતાં હોવાથી રિસાઈકલ કરીને તેનો ઉપયોગ રમકડાં વગેરે બનાવવામાં કરી શકાય છે.

શટલકોકના ઉત્પાદનમાં ચીનનો દબદબો

શટલકોકના ગ્લોબલ માર્કેટ પર ચીનનો દબદબો છે. દુનિયામાં વર્ષે ૬૦ કરોડથી ૮૦ કરોડ શટલકોકની જરૂર પડે છે. એમાં પીંછામાંથી બનતા શટલ અને સિન્થેટિક શટલનો સમાવેશ થાય છે. ચીનમાં કુલ જરૂરિયાતના ૭૬ ટકા જેટલું ઉત્પાદન થાય છે. ચીનમાં હંસ અને બતકનું માંસના હેતુથી ફાર્મિંગ કરવામાં આવે છે. એની બાય પ્રોડક્ટ સ્વરૂપે પીંછા મળે છે અને એના કારણે ચીન શટલના ઉત્પાદનમાં સૌથી આગળ છે. વળી, સિન્થેટિક મટિરિયલમાંથી બનતા શટલના ઉત્પાદનમાં પણ ચીન પહેલા નંબરે છે. ચીનના જિનપિંગ અને જિંગશાન શટલકોકના ઉત્પાદનમાં કેન્દ્ર સ્થાને છે. આ શહેરોમાં દરરોજ ૬-૬ લાખ શટલકોકના ઉત્પાદનની ક્ષમતા છે. તે સિવાય પણ ચીનના ઘણાં શહેરોમાં ડૈઈલી એક લાખ સુધીની ક્ષમતા ધરાવતા કારખાના ધમધમી રહ્યાં છે. ટોચના પાંચ દેશોમાં તાઈવાન, મલેશિયા, ભારત અને વિએટનામનો સમાવેશ થાય છે. એશિયા-પેસિફિકનો આ ક્ષેત્રમાં દબદબો છે. ગ્લોબલ પ્રોડક્શનમાં ૮૦ ટકા હિસ્સો એશિયા-પેસિફિકમાંથી આવે છે.

સિન્થેટિક શટલ વાપરો જીવ હિંસાથી બચો

બતક અને હંસના પીંછામાંથી બનેલા શટલકોકને બદલે હવે તો પ્લાસ્ટિક સહિતના સિન્થેટિક મટિરિયલમાંથી પણ શટલ બને છે, જે કિંમતમાં સસ્તાં અને ટકાઉ પણ હોય છે. એવા શટલનો ઉપયોગ કરવાથી બતક-હંસના પીંછામાંથી બનતા શટલની ડિમાન્ડ ઘટશે અને સિન્થેટિક શટલની ડિમાન્ડ વધશે. પરિણામે જીવ હિંસાથી બચી શકાશે. જીવતા હંસ અને બતકને પારાવાર પીડા આપીને પીંછા મેળવવાની પ્રોસેસ થાય છે એનું પ્રમાણ ઘટી જશે.