Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A unique flower, a personal diary and an immortal Bollywood classic!

એક અનોખું ફૂલ, એક અંગત ડાયરી અને બોલિવૂડની એક અમર ક્લાસિક ફિલ્મ!

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
એક અનોખું ફૂલ, એક અંગત ડાયરી અને બોલિવૂડની એક અમર ક્લાસિક ફિલ્મ!
સોર્સ : gstv

કોઈ એવી વ્યક્તિને ઓળખો, કે જે ક્યાંય પણ જાય બેગ-પર્સમાં એક પુસ્તક સાથે લઈને ચાલે? આજકાલ તો ફોનમાં પણ પુસ્તકો વાંચી શકાય અને સાંભળી શકાય, પરંતુ પુસ્તક સાથે લઈ જવાનો એક અનેરો આનંદ. ક્યારેક આવી વ્યક્તિને મળવાનું થાય તો પૂછજો કે, શું મજા આવે, આવી રીતે પુસ્તક સાથે લઈ જવામાં? ટાઈમ મળે ખરો, આટલી ભાગદોડ વચ્ચે એક પાનું પણ વાંચવાનો? ત્યારે, સામેથી જવાબ આવશે કે, 'પોતાના ફેવરિટ પુસ્તકને સાથે લઈ જવાનો આનંદ જ કંઈક અલગ. કદાચ, પુસ્તક ખોલવા પણ ન મળે, પરંતુ આભાસ થાય કે આ સફરમાં આપણી સાથે કોઈક છે. તે ક્યારેય કોઈ વ્યક્તિ હોય, વિચાર હોય અથવા તો મસ્તમજાના પુસ્તકનાં એ પાનાં. અરે, જવા દો ને તમને નહીં ખબર પડે. અરે, આ તો આદત પડી જાય એવી વસ્તુ. ક્યારેક મન થાય કે, આપણે પેલો એક પેરેગ્રાફ કે પેલી એક લાઈન ફરીથી વાંચી લઈએ. શું ગજબનું લખ્યું છે! જો તમે આવા સાહિત્યની નજીક આવ્યા છો અથવા તો કોઈએ તમારી ઓળખાણ કરાવી છે, તો ધન્ય છો. બાકી, તમે છીછરા પાણીમાં જ છબછબિયાં કર્યા છે.'

App Store

આ વાત સાંભળીને તમને બેમાંથી એક જ વિચાર આવશે. એક નેગેટિવ કે, ખોટું પૂછયું, યાર. નહોતું પૂછવાનું. અથવા પોઝિટિવ કે, ત્યારે પછી કરાવો અમારી પણ ઓળખાણ આવા સાહિત્ય સાથે.

પુસ્તકોની જેમ ઘણાને ડાયરી સાથે રાખવાનો શોખ હોય. પોતાના માટે થોડો સમય મળે કે તરત જ ડાયરીમાં એક-બે નોટ્સ લખી નાખે. આ સામાન્ય લાગતી નોટ્સ સમય જતાં ખજાનાના રૂપમાં સામે આવે. આવો જ શોખ હિંદી સાહિત્યની પ્રસિદ્ધ લેખિકા મન્નુ ભંડારીને હતો. 'આપ કા બંટી', 'મહાભોજ' જેવી નવલકથાઓ લખનારાં મન્નુ ભંડારી પોતાની આગવી શૈલી માટે જાણીતા હતાં. તેઓ હિંદી સાહિત્યમાં મિડલ ક્લાસની સ્ટોરીઝ લઈ આવનારી 'નઈ કહાની મૂવમેન્ટ'નું એક પ્રખર નામ બન્યાં. તેમની ડાયરી પરથી તો એક ફિલ્મ બની.

વાત જાણે એમ છે કે, તેમની ડાયરીના પાનાંઓમાંથી 'યહી સચ હૈ…' નામની નવલકથા તૈયાર કરાઈ. એવી નવલકથા કે જે એક મહિલાની દ્વિઘાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. એટલી સુંદર રીતે કે, તેના પરથી બાસુ ચેટર્જીએ એક ફિલ્મ બનાવી. 'રજનીગંધા' નામની આ ફિલ્મે નેશનલ એવોર્ડ (બેસ્ટ મેલ પ્લેબેક સિંગર) જીત્યો. સાબિત થયું કે, ફ્રી ટાઈમમાં ડાયરીના પાનાંઓમાં લખેલું સત્ય ક્યારે સાહિત્ય બની જાય તેની ખબર નથી પડતી.

ફિલ્મનું ટાઈટલ અને રહસ્ય

ટયુબરોઝ એટલે કે, રજનીગંધાના ફૂલની વાત જ કંઈક અલગ છે. આ એક એવું ફૂલ કે જે પોતાની સુગંધ ત્યાં સુધી રોકી રાખે જ્યાં સુધી રાત ન થઈ જાય. આપણા માણસોમાં પણ આવા ગુણ. બધું કામ છેલ્લી ઘડી પર છોડવાનું. ક્યારેક એવી છેલ્લી ઘડી સુધી કે, જેને જોઈને લાગે કે, આ ટ્રેન તો છૂટી સમજો. બાસુ ચેટર્જીએ આવા જ માણસોને યાદ કરીને ટાઈટલ પસંદ કર્યું. ફિલ્મમાં દીપા નામની એક એવી મહિલાની વાત છે, જે બે પાત્રોમાંથી એકને પસંદ નથી કરી શકતી. તે દ્વિઘામાં છે. આ પાત્રો વિશે ફ્રેન્ડઝને પણ અધૂરી વાત કરે છે. ફ્રેન્ડઝ સામે એ નવીન (દિનેશ ઠાકુર) નામના છોકરાને પોતાની પસંદ બતાવે છે, જે તેમની નજરોમાં પરફેક્ટ છે. તે તેમના ગુ્રપનો છે. એવું કામ કરે છે, જે તેમને ગમે છે. લાઈફસ્ટાઈલ પણ એવી જેની સાથે તેમનો મેળ ખાય. પરંતુ, અંદરની વાત ડાયરીનાં એ પાનાં જેવી, જેમાં યુવતીએ શું લખ્યું છે એ એને જ ખબર. તે છેવટે એવા છોકરા સંજય (અમોલ પાલેકર)ને પસંદ કરે છે, જે તેના ફ્રેન્ડઝની નજરમાં પરફેક્ટ નથી, જે તેની નજરમાં પણ પરફેક્ટ નથી, પરંતુ એ એવો છે જેને મળીને તેને અહેસાસ થાય છે કે, પ્રેમ કોને કહેવાય. અહીં, ડાયરીનાં એ પાનાઓની વાત છે જે તેણે કોઈને નથી કરી. સંજય આ ડાયરીનું એક એવું જ પાનું. તે એકલી હોય ત્યારે તેના વિશે વિચારે, લખે, મનમાં હસે, ગુસ્સો કરે અને ક્યારેક રડે. આ એક પાનામાં જ તેના તમામ ઈમોશન્સ. મિર્ઝા ગાલિબ કહેતા તેમ, 'દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યાં હૈ, આખિર ઈસ દર્દ કી દવા ક્યા હૈ..'

ફિલ્મના કલાકારોની મ્યુઝિકલ ચેર્સ

બર્થડે પર રમાતી મ્યુઝિક ચેર્સ આ ફિલ્મના કલાકારોની પસંદગી વખતે રમાઈ હતી. બાસુ ચેટર્જીએ આ ફિલ્મ માટે મૂળ શશી કપૂર, શર્મિલા ટાગોર અને અમિતાભ બચ્ચનની પસંદગી કરી હતી. કપૂર ખાનદાનની ખાસિયત એક્ટિંગ છે. શશી કપૂર તેમાં નિપુણ તો હતા જ, પરંતુ તેમની અન્ય એક ખાસિયત હતી જે આજે પણ જૂજ લોકોમાં જોવા મળે - પ્રામાણિકતા. જ્યારે તેમને આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી ત્યારે કહી દીધું કે, બાસુ, એક કામ કરો. આ ફિલ્મ નવોદિત કલાકારોને લઈને બનાવો. કહાણીમાં એટલો દમ છે કે, દર્શકોને નવા કલાકારો સાથે પણ ફિલ્મ પસંદ આવશે. અને જો સ્ટાર્સને લેશો તો તેમના સ્ટાર પાવરમાં આખી સ્ટોરી દબાઈ જશે. એટલે, બાસુ ચેટર્જીએ બંગાળી કલાકારો અપર્ણા સેન અને સમિત ભાંજાને ફિલ્મમાં લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ, અપર્ણા સેન ફી ઓછી કરવા તૈયાર ન થયાં. અજાણ્યા કલાકાર સમિત ભાંજા સાથે કામ કરવાનો પણ ઈનકાર કરી દીધો. કહેવામાં આવે છે કે, બાસુ ચેટર્જીએ ત્યારબાદ મલ્લિકા સારાભાઈનો સંપર્ક કર્યો હતો. તેઓ બિઝી હોવાથી બાસુ ચેટર્જી નિરાશ થયા. કલાકારો માટે અખબારમાં જાહેરાત આપી. આ ટચૂકડી જાહેરાતની કમાલ જુઓ - તેનાથી ભારતને વિદ્યા સિંહા જેવી કલાકાર મળી. બીજી તરફ, બોમ્બે ફિલ્મ સોસાયટીની એક સ્ક્રીનિંગમાં બાસુનો ભેટો અમોલ પાલેકર સાથે થયો. આમ, આ જોડી પાક્કી થઈ. દર્શકોને મ્યુઝિકલ ચેર્સમાંથી બેસ્ટ કાસ્ટ મળી. એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે, વિદ્યા સિંહા અને હેન્ડલૂમની સાડીનું કંઈક અલગ જ કનેક્શન છે. તેમને સબા અકબરાબાદીની ગઝલ, 'સાદગી તો હમારી ઝરા દેખિયે…' એવી સૂટ કરે, જેવી બીજા કોઈને ન કરે.

બે ગીતો અને એક નેશનલ એવોર્ડ

એક કલાક અને ૪૩ મિનિટની આ ફિલ્મ પર ફિલ્મફેર એવોર્ડ્સનો તો જાણે વરસાદ થયો. તેણે બેસ્ટ પિક્ચર, પોપ્યુલર એવોર્ડ, અને ક્રિટિક્સ ચોઈઝ એવોર્ડ જીત્યા. આ ફિલ્મમાં માત્ર બે ગીતો હતાં. સલીલ ચૌધરીનું મ્યુઝિક હતું અને શબ્દો યોગેશના હતા. લતા મંગેશકરે ટાઈટલ સોંગ 'રજનીગંધા' ગાયું હતું, જ્યારે રાજ કપૂરનો અવાજ ગણાતા મુકેશે એક અજાણ્યા કલાકાર માટે 'કઈ બાર યું હી દેખા હૈ..' ગાયું હતું. સૌથી ચોંકાવનારી વાત એ કે, રાજ કપૂર જેવા શોમેન માટે ૧૧૦ જેટલાં ગીતો ગાવા માટે નહીં, પરંતુ તે સમયના અજાણ્યા કલાકાર અમોલ પાલેકરના અવાજ બનવા બદલ મુકેશને નેશનલ એવોર્ડ મળ્યો.

૧૬ દિવસનું શૂટિંગ, ૨ વર્ષની જહેમત અને સ્લીપર હિટ

આ ફિલ્મ માટે ૧૯૭૨માં મુંબઈમાં ૨૦ દિવસનું શૂટિંગ શિડયુલ કરવામાં આવ્યું હતું, જે ૧૬ દિવસની અંદર જ પૂરું થઈ ગયું. ત્યાર બાદ, ૧૫ દિવસ દિલ્હીમાં શૂટિંગ હતું અને અહીંથી જે ન થવાનું હતું, તે બધું જ થયું. નવી-નવી ફિલ્મ પ્રોડયુસ કરી રહેલા સુરેશ જિંદાલ પાસે પૈસા ખૂટી પડયા. બે વર્ષ સુધી ફાઈનાન્સરની શોધમાં ભટક્યા. એક ફાઈનાન્સર સામે આવ્યો ,પણ તેણે વિચિત્ર માંગ રાખી. તેણે કહ્યું કે, વિદ્યા સિંહાને ફિલ્મમાંથી કાઢો અને ફરી શૂટિંગ કરો. સારું થયું, સુરેશ જિંદાલ માન્યા નહીં. ત્યારબાદ, એક પ્રોડ્કશન્સે ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ ખરીદ્યા. સાઉથ બોમ્બેના આકાશવાણી થિયેટરમાં ટ્રાયલ સ્ક્રીનિંગ તરીકે તેની સિંગલ પ્રિન્ટ બતાવવામાં આવી. કોઈ જ પ્રમોશન નહીં, કોઈ જ પોસ્ટર નહીં. એક દર્શક બીજાને ખેંચીને લાવતો, જેના કારણે આ ફિલ્મ એક સ્લીપર હિટ ફિલ્મ કહેવાઈ.

ફિલ્મના પાત્રની ફીલિંગ
અને મિર્ઝા ગાલિબ 

સામાન્ય શબ્દોમાં કહીએ તો, કોઈ વ્યક્તિને મળીને તમે શું ફીલ કરો છો, તે જાણવું હોય તો એવી જગ્યાએ મળવું, એવા સમયે મળવું કે જ્યાં તે સમયે કશું જ ખાસ ન હોય. એવું ફૂડ ઓર્ડર કરવું કે, જે 'જસ્ટ ઓકે' હોય. તે સમયે એવી કોઈ એક્ટિવિટી ન કરવી કે, જે તમારી ફેવરિટ હોય. શું તમે ત્યારે પણ આ વ્યક્તિની સાથે રહેવા માંગો છો કે નહીં, તેનો જવાબ ત્યાં જ મળી જશે. આ તેનું લેવલ-૧ થયું.

આગળના ઊંચા લેવલની વાત કરીએ તો, મોમીન ખાન મોમીનની શાયરી અહીં ફિટ બેસે. મોમીન ખાન મોમીન એટલે ગાલિબની કક્ષાના શાયર. તેમણે કહ્યું હતું કે, 'તુમ મેરે પાસ હોતે હો ગોયા(જૈસે), જબ કોઈ દૂસરા નહીં હોતા'. આ શાયરી સમજાવવાની જરૂર નથી. તેમાં સાદગી સાથે એટલું ઊંડાણ છે કે, મિર્ઝા ગાલિબ પણ આફરીન થઈ ગયા હતા. તેનો કિસ્સો એવો છે કે, આ શાયરી સાંભળ્યા પછી મિર્ઝા ગાલિબે પોતાનું આખું દીવાન (કબાટ કે જેમાં શાયરીની તમામ પુસ્તકો હતી) આપવાની રજૂઆત કરી. આ રજૂઆત જ એ વાતનો જવાબ કે, ગાલિબ આટલા મહાન કેમ..?