Sahiyar : સ્ત્રીના પિયરની જેમ પુરુષનો પણ પરિવાર છે

- અહીંયા ઈગો સેટિસ્ફાય કરવાની કે સરખામણી કરવાની વાત નથી પણ વ્યક્તિને તેની પોતાની સ્પેસ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે ગમતી વ્યક્તિનું એક્સેસ મળવું જોઈએ તેની છે. દરેક વખતે દરેક વ્યક્તિ આપણી ધારેલી કે આપણી માનેલી વ્યક્તિ સાથે કનેક્ટ થઈ જ શકે અથવા તો થવું જ જોઈએ તે માનવું ભુલ ભરેલું છે.
અમારી પાડોશમાં રહેતા એક નાનકડા પરિવારમાં છેલ્લાં કેટલાક દિવસથી ઝઘડા ચાલે છે. આ વિશે મેં પૃચ્છા કરી ત્યારે જાણવા મળ્યું કે,શું હોય એ જ કકળાટ. પુરુષો પત્નીને કે તેના પિયરીયાઓને ગણતા જ નથી,પછી થાય શું. વાત એવી હતી કે,કૃતાર્થ અને હેતવી પરિવારના મહત્ત્વ અંગે ઝઘડતા હતા. કૃતાર્થ મૂળ ભાવનગરનો રહેવાસી હતો. તે એન્જિનિયરિંગ કરવા માટે બરોડા આવ્યો હતો અને ત્યાં તેની સાથે અભ્યાસ કરતી હેતવી સાથે લગ્ન કરીને અમદાવાદમાં નોકરી મળતાં અહીંયા જ સેટલ થઈ ગયો હતો. સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને શહેર તરફ કૂચ કરતાની સાથે જ તેણે ભાવનગર સાથે સંપર્ક ઓછો કરી દીધો હતો. આમ જોવા જઈએ તો સંપર્ક આપોઆપ ઓછો થઈ ગયો હતો. બેચરલ ડિગ્રી લેવા નિકળ્યો ત્યારથી અમદાવાદમાં સ્થાયી થયો ત્યાં સુધી વતનથી દૂર જ રહ્યો હતો.
કૃતાર્થના પિતા નિવૃત્ત સરકારી અધિકારી હતા અને માતા પણ સારા સરકારી હોદ્દેથી નિવૃત્ત થવાની તૈયારીમાં હતા. ક્યારેક રજાઓમાં તેઓ અમદાવાદ આવતા તો ક્યારેક કૃતાર્થ અને હેતવી ભાવનગર જઈ આવતા. તેમને સંતાનમાં એક જ દીકરો હતો. હવે સ્થિતિ એવી થતી કે જ્યારે પણ કંઈક ઈનવેસ્ટમેન્ટની વાત આવતી કે પછી કંઈક મહત્ત્વનો નિર્ણય લેવાની સ્થિતિ આવતી ત્યારે કૃતાર્થ તેના માતા-પિતાને ફોન કરતો. ઘણી વખત તેઓ અમદાવાદ આવે ત્યારે જ મહત્ત્વની ચર્ચાઓ થતી. ક્યારેક આ ચર્ચા દરમિયાન હેતવીને ખબર પડતી કે કૃતાર્થ શું કરી રહ્યો છે અને શું નહીં. હેતવીને તેનાથી માઠુ લાગતું. તેને એમ થતું કે, કૃતાર્થ મારી સાથે મુક્ત મને વાત કરતો નથી. મારા પણ માતા-પિતા અમદાવાદ આવે છે,અમને કંઈ કામ હોય,જરૂર હોય,કંઈ જઈતું-કરતું હોય તેના વિશે પૂછે છે. કૃતાર્થ તેમની સાથે મુક્ત થતો નથી, તેમને કશું કહેતો નથી.
આવી જ એક વાત બંને વચ્ચે તકરાર ઊભી કરી દીધી. એક દિવસ સાંજે કૃતાર્થના માતા-પિતા ભાવનગરથી આવ્યા. ત્યારે કૃતાર્થ અને હેતવી બંને ઘરે હાજર નહોતા. તેઓ પાડોશી પાસેથી ચાવી લઈને ઘરમાં આવ્યા અને ફ્રેશ થઈને બેઠા હતા ત્યાં જ કૃતાર્થ નોકરીએથી આવી ગયો. તેણે કહ્યું કે, હેતવી પોતાની મિત્રની દીકરીના જન્મ દિવસની ઉજવણીમાં ગઈ છે. નિસર્ગે બહારથી જમવાનું ઓર્ડર કર્યું અને ફ્રેશ થવા ગયો. થોડા સમય પછી ભોજન આવ્યા બાદ ત્રણેય જમી-પરવારીને બેઠા હતા. નિસર્ગે વાત છેડી કે મારે અમેરિકા જવું છે. મારી કંપની ટેલેન્ટેડ કર્મચારીઓને ત્રણ વર્ષના પ્રોજેક્ટ માટે અમેરિકા મોકલે છે. મેં તેના માટે એપ્લાય પણ કર્યું છે. આ વાત ચાલતી હતી ત્યાં જ હેતવી ઘરમાં આવી. તે પોતાના રૂમમાં ફ્રેશ થવા ગઈ. તેના કાને વાત પડી કે કૃતાર્થ અમેરિકા જવા માગે છે અને તેણે એપ્લાય પણ કરી દીધું છે. આ વાતને ત્રણ મહિના થઈ ગયા. હેતવી ત્યારે તો પોતાના ગુસ્સાને ગળી ગઈ. આ વાતચીતને ચાર દિવસ પસાર થઈ ગયા. કૃતાર્થના માતા-પિતા વતન પરત ફર્યા. ત્યાર પછી હેતવીએ કૃતાર્થ સાથે ઝઘડો કર્યો.
હેતવીએ કૃતાર્થને કહ્યું કે,મારા માતા-પિતાને તો તમે આવી કોઈ વાત કરી નહોતી. મારો ભાઈ વિઝાનું કામ કરે છે છતાં તમે અમેરિકા જવાની વાત મારા અને તેમનાથી છુપાવી. પોતાના જ માતા-પિતાને બધી વાત કરો છો. પોતાની ચિંતા,રજૂઆતો બધું તેમની આગળ વ્યક્ત કરો છો. મારા માતા-પિતાને તમે કશું કહેતા જ નથી,હું પિયર જાઉં તો પણ આવતા નથી,માત્ર લેવા અથવા મુકવા આવો છે. તમે એ લોકોની સાથે સમય પસાર કરતા નથી. આવા અનેક મુદ્દે હેતવીએ જંગ છેડયો. નિસર્ગે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ હેતવી માનવા તૈયાર જ નહોતી. આખરે નિસર્ગે હથિયાર હેઠા મૂકીને હેતવીની માફી માગી લીધી અને સ્થિતિ કામચલાઉ ધોરણે થાળે પડી.
હકિકતે જોવા જઈએ તો આજના સમયમાં નોકરી અને વ્યવસાય ક્ષેત્રે ઘણા લોકો એવા છે જે પોતાના કુટુંબથી દૂર રહે છે. બીજા શહેરમાં, બીજા વિસ્તારમાં અને ઘણી વખત બીજા રાજ્યોમાં પણ રહેતા હોય છે. તહેવાર આવે કે પ્રસંગ આવે ત્યારે લોકો ભેગા થતા હોય છે પછી પોત-પોતાની દુનિયામાં પાછા વ્યસ્ત અને મસ્ત થઈ જાય છે. આજના જમાનામાં ન્યૂક્લિયર પરિવારોની સંખ્યા વધી છે. ગામડે રહેતો અને ખેતી કરતો પરિવાર વિકસે અને વિસ્તરે છે. વિસ્તાર કરનારા પરિવારજનો શહેર તરફ આગળ વધે છે. બાળકોને સારા અભ્યાસ માટે અને સારી કારકિર્દી બનાવવા માટે યુવાનો મૂળ પરિવાર છોડીને માઈગ્રેશન કરે છે. તે પત્ની અને સંતાનો સાથે બીજા શહેર કે રાજ્યમાં સ્થાયી થાય છે. એક વખત તેઓ બીજે સ્થાયી થાય પછી પરિવાર વિસ્તરે અને તેમાંથી ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ખાસ કરીને પતિ અને પત્નીના પરિવારજનોના આવનજાવન અને કોઈપણ કામમાં મધ્યસ્થી કરવાની બાબતે સૌથી વધારે સમસ્યાઓ ઊભી કરતી હોય છે.
હેતવીની નજરે જોઈએ તો કૃતાર્થ કદાચ ખોટો હોઈ શકે. તેનો વાંક હોઈ શકે પણ ખરેખર પુરુષની નજરથી પણ આ સ્થિતિનું પૃથ્થકરણ થવું જોઈએ. કૃતાર્થ છેલ્લાં આઠ વર્ષથી એકલો રહે છે. તેને ઉચ્ચ અભ્યાસ કરાવવા તેના માતા-પિતાએ ભોગ આપ્યો છે. તેઓ તેનાથી હજી પણ દૂર રહે છે. માત્ર બે-ચાર દિવસ આવીને પોતાના પુત્ર અને તેના પરિવારને મળી શકે છે. ફરી પાછા ચાર-છ મહિના માટે વતન જતા રહે છે. હેતવીના માતા-પિતા બરોડા રહે છે. તેનો ભાઈ અમદાવાદમાં બિઝનેસ કરે છે અને એક મકાન પણ ધરાવે છે. આ લોકો દરેક વિકેન્ડમાં અહીંયા જ હોય છે. આ સંજોગોમાં હેતવીનું તેના માતા-પિતા સાથેનું જોડાણ રેગ્યુલર છે. કૃતાર્થને તો ક્યારેક જ આ અવસર મળે છે. તેને હેતવીના માતા-પિતા સામે વાંધો નથી પણ જેની સાથે લોહીની સગાઈ છે તેનું ખેંચાણ વધારે રહે તે સ્વાભાવિક છે.
જેમ સ્ત્રીને સમયાંતરે પોતાના પિયર જવું હોય કે માતા-પિતાને બોલાવવા હોય તેમ પુરુષને પણ આ લાગણી થતી જ હોય છે. તેને પણ વતનમાં રહેતા પોતાના માતા-પિતા કે ભાઈ-ભાંડુઓને ફોન કરવો હોય છે,તેમની સામે પોતાની વાતો મૂકવી હોય છે,મુક્ત મને પોતાના એચિવમેન્ટ્સ શેર કરવા હોય છે,પોતાની ભુલો વિશે જણાવવું હોય છે. તેમને પણ અહીંયા રહેવા માટે બોલાવવા હોય છે. ન્યૂક્લિયર ફેમિલિમાં રહેતા લોકો એ નથી સમજતા કે કોઈ દુ:ખ આવે તો સ્ત્રી માત્ર રડીને તેને પસાર કરી શકે છે પણ પુરુષ માટે તો સંઘર્ષ સિવાય કોઈ વિકલ્પ નથી. ખરાબ સમયમાં સ્ત્રી આંસુ સારી શકે પણ પુરુષ નહીં. સારો કે નરસો સમય હોય ત્યારે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેવા માગતી હોય છે. તેને અઢળક વાતો કરવી હોય છે,સાંભળવી હોય છે અને જે બાળપણ તે જીવીને આવ્યો છે તેને માત્ર વાતોથી ફરી વાગોળવું હોય છે.
સ્ત્રીઓને પિયર પસંદ છે તેમ પુરુષને પોતાનો પરિવાર પસંદ છે. દિવસમાં ઓછામાં ઓછી એકાદ વખત દરેક સ્ત્રીએ પુરુષને એવો સ્પેસ આપવો જોઈએ જેમાં તે એકલો પોતાના પરિવારજનો સાથે સંવાદ કરી શકે. પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે. પોતાના માતા-પિતાને સાથે ચર્ચા કરી શકે. ક્યારેક તે પોતાના માતા-પિતાને મળવા જઈ શકે અથવા તો તેઓ તેને મળવા માટે તેની પાસે આવી શકે. કોઈપણ પુરુષ લાગણીહિન નથી હોતો પણ તેને પહેલેથી જ લાગણીઓને કાબુ કરતા શીખવવામાં આવ્યું હોય છે. તે પોતાની ખુશી અને હતાશા બંનેને કાબુ કરી લે છે. આ મેન્ટલ ડાઈલેમા દ્વારા તે આઈસોલેશન તરફ આગળ વધે છે.
આવું ન થાય અને પુરુષની લાગણીઓ ચેતનવંતી બને તે માટે તેને પોતાના પરિવારજનો સાથે વાતો કરવાની,રહેવાની મોકળાશ આપવી જોઈએ. તે કોઈપણ દબાણ વગર તેમની સાથે પોતાની લાગણીઓને વહેંચી શકે અને તેને નવપલ્લવિત કરી શકે તેવો અવસર તેને પણ સમાન રીતે મળવો જ જોઈએ.
અહીંયા ઈગો સેટિસ્ફાય કરવાની કે સરખામણી કરવાની વાત નથી પણ વ્યક્તિને તેની પોતાની સ્પેસ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે ગમતી વ્યક્તિનું એક્સેસ મળવું જોઈએ તેની છે. દરેક વખતે દરેક વ્યક્તિ આપણી ધારેલી કે આપણી માનેલી વ્યક્તિ સાથે કનેક્ટ થઈ જ શકે અથવા તો થવું જ જોઈએ તે માનવું ભુલ ભરેલું છે. સ્ત્રી માટે પોતાનું પિયર જેટલું સાહજિક છે તેટલું જ પુરુષ માટે પોતાના માતા-પિતા કે પરિવાર અથવા તો મોસાળ સાથે કનેક્ટ થવું સાહજિક છે. આ પ્રોસેસ લગ્ન બાદ બદલાઈ હોય છે તેથી તેને કાયમ રાખવાની જવાબદારી પણ બંને પક્ષે જ આવવી જોઈએ જેથી બંને આનંદપૂર્વક રહી શકે.

