Sahiyar : વાચકની કલમ

તારી યાદ
તારી યાદ તણી...!
અખંડ સ્મિત વેરતી છબી
મારા નયનના નેત્રપટ પર
ખડી થતી ત્યારે...
મને આભાસ થતો
ધરતીકંપ સમો... હા..!!
ને મન વિહવળ બની
આકુળ વ્યાકુળ થતું
ઉરના ઉંડાણેથી એક
નિસાસો નીકળ્યો...
અરે...
આ તો તારી યાદ
આવી..!!!
ભગુભાઈ ભીમડા
(ભરૂચ)
ભગવાન પાસે મોબાઈલ નથી
ફેસબુક મિત્રો બનાવો છો
ઇન્સ્ટા પર ફોલોઅર્સ વધારો છો
પણ ભગવાન રહી ગયા છે
કારણ કે ભગવાન પાસે
મોબાઈલ નથી
વોટ્સએપ પર મિત્રોને
કંકોત્રી લખો છો
મોબાઈલ પર બધાને આવકારો છો
પણ ભગવાન રહી ગયા છે
કારણ કે ભગવાન
પાસે મોબાઈલ નથી
રોજ સવારે લાઈવ દર્શન થાય છે
દર્શ કરી ભક્તો ધન્ય થાય છે
પણ ભગવાનને ખબર નથી
કારણ કે ભગવાન
પાસે મોબાઈલ નથી
આરતી, પ્રાર્થના હવે
મોબાઈલ પર ગવાય છે
ગરબા, સ્તુતિ પણ આંગળીના ટેરવે છે
આ બધું જોઈ ભગવાન
જોતા જ રહી ગયા છે
કારણ કે 'નિજ' ભગવાન
પાસે મોબાઈલ નથી
જતીન ભટ્ટ 'નિજ'
પ્યાર તારો કેવો?
હાલમાંયે જામતો ના
પ્યાર તારો કેવો?
શા માટે? ભાગતો ના
પ્યાર તારો કેવો?
એવું પણ ના બને કે
ઘાવ દીધો ભારી
રાખી મેં યાદ તો હાં
પ્યાર તારો કેવો?
તારામાં હરઘડીએ
પ્રેમભાવો રોપ્યાં
ચાહે શું? દેખતો ના
પ્યાર તારો કેવો?
અલબેલી છો તું ચહેરેથી
જ સુંદર લાગી
અડચણ ક્યાં પ્યારતો ના
પ્યાર તારો કેવો?
'સાવન'ને આખરે તો
બોલ તકલીફો જે પણ
હલ મળતો, પામતો ના
પ્યાર તારો કેવો?
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
ગરીબી
ગરીબી જેને વેઠી હોય તેને સમજાય
કે બે છેડા કેમ ભેગા થાય
ખાવામાં થોડી બાંધછોડ કરવી પડે
કપડાં રફુ કરાવેલા પહેરવા પડે
બીમારીમાં સરકારી હોસ્પિટલના
ધક્કા ખાવા પડે
સેકન્ડ હેન્ડ ચોપડાથી
ભણતર પુરું કરવું પડે
ઉચ્ચ અભ્યાસ માટે
કોઈની મદદ લેવી પડે
ગરમીની સિઝનમાં પણ
કુદરતી હવાથી સંતોષ માનવો પડે
કોઈ પ્રસંગ આવે ત્યારે
ખર્ચામાં ફેરફાર કરવો પડે
ટ્રેન કે બસની હાલાકી
સહન કરવી પડે
ડગલે ને પગલે કષ્ટી
સહન કરવી પડે
ડગલે ને પગલે મનને
પાછું વાળવું પડે
ડગલે ને પગલે અપમાન
સહન કરવું પડે
પણ ગરીબીમાં મોટો થયેલો માણસ
જિંદગીમાં ક્યારેય હારતો નથી
અને ગરીબીમાંથી ઉપર આવેલો માણસ
કહે 'ધરમ' સુખમાં ક્યારે છલકાતો નથી
ધરમ એમ. પ્રજાપતિ (લાલજીનગર)
કોઠે પડી ગયા
આ અંધારા આ અજવાળા
આ ધૂપ છાંવના ભાર
કોઠે પડી ગ્યા યાર અમારે
કોઠે પડી ગ્યા યાર...
આ સળવળતા આ ખળભળતા
આ અતીતના અવતાર
કોઠે પડી ગ્યા યાર અમારે
કોઠે પડી ગ્યા યાર...
દીધા કોલ નિભાવે નહીં
ત્યાંથી કોઈ આવે નહીં
ભૂલે નહીં ભૂલાવે નહીં
છોડે નહીં છોડાવે નહીં
આ એકલતા આ ઉજ્જડતા
આ ભીતરની તકરાર
કોઠે પડી ગ્યા યાર અમારે
કોઠે પડી ગ્યા યાર...
ડબી ગ્યા આ ભાણ હવે તો
ઉમ્મીદોનો ઘાણ હવે તો
જાણીતા અજાણ હવે તો
મરશીયા મોકાણ હવે તો
આ લબકારા આ ધબકારા
આ અંતર અશ્રુ ધાર
કોઠે પડી ગ્યા યાર અમારે
કોઠે પડી ગ્યા યાર...
ભીંતે ભીંતે લાગ્યો લૂણો
જોઈ લીધો છે ખૂણે ખૂણો
ના ઉતરે ક્યારે પણ ઉણો
પથ્થર કદી ન હોય કૂણો
આ સાવ ખોટા ફિક્કા કડવા
માણસના વ્યવહાર
કોઠે પડી ગ્યા યાર અમારે
કોઠે પડી ગ્યા યાર...
જગદીશ ગોહેલ 'દોસ્ત' (ગારિયાધાર)
શું ફેર પડે?
દૂરના હોય કે નજીકના
સમયના સંબંધો છે આપણી વચ્ચે
શું ફેર પડે?
આથમતા હોય કે ઊગતા
સુરજના કિરણો ફેલાઈ જ જવાના
શું ફેર પડે?
અવાજ હોય કે શાંતિ
શબ્દોને સાથે રાખીને ચાલવું જ હોય
શું ફેર પડે?
સ્થાયિ હોય કે હરતા ફરતા
આ પંખીડા છે, પવનના ભેરુ..
શું ફેર પડે?
થાકેલા હોઈ એ કે ચિમડાયેલા
કદમ તા તારી તરફ જ જવાના
શું ફેર પડે?
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
સાથ
સરનામા વગર ટપાલ
મને મળી ગઈ લખાણ વગર આંખે
વંચાઈ ગઈ તારી પરીભાષા મને
વાંચતા આવડી ગઈ
મૌન રહીને મને સમજાઈ ગઈ
સમુદરુ પાર ઉતરી
ગયું સમંદરમાં વહાણ લાંધરી ગયું
સફરના કિનારે તેથી જ કંડારી કવિતા
મે આજે સહિયરમાં
નૈયામાં તું મારી સાથે
સદાય 'શીવા'
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
વિરલ પ્રેમ
રાત્રિની નિરવ શાંતિમાં
ચંદ્ર પ્રેમાળ નજરે જોઈ રહ્યો ધરતીને
કર્યો એ પાષાણ હૃદયે અનાદર
એના પ્રેમનો ફેલાવી ધરતી
પર અંધકારને
ન કરી શક્યો ચંદ્ર
ધરતીનો આ અનાદર સહન
ફરી ધરતીને આકર્ષિત કરવા
બિછાવી તારાઓની ચાદર
અને શણગાર્યું ગગન
જંપી ગયા પશુ-પક્ષી,
ફેલાઈ ગઈ સર્વત્ર નિરવ શાંતિ
સૂસવાટા કરતા પવનએ પણ
કરી પોતાની મંદ ગતિ
નિરખી શકે પોતાનું રૂપ
ચાંદએ ફેલાવી ચાંદની
મૌન રહી કરી અવગણના
ધરતીએ ચાંદના પ્યારની
સાગરના મોજાઓએ પણ કર્યો
ધૂધવાટ ટકરાતા રહ્યા કિનારે
હતી આશા ધરતી શાયદ
ચાંદના પ્રેમને સ્વીકારે
ન હતી જાણ સાગરને કે
ધરતીએ કર્યો છે પ્રેમ સૂરજને
કરે છે પ્રેમનો સ્વીકાર સૂર્ય
ફેલાવી ક્ષિતિજમાં
સોનેરી કિરણોને
નથી સ્પષ્ટ કુદરત કે માનવીના
પ્રેમની ભાગ્ય-રેખા
જોઈ આ અનોખો પ્રેમ-સંબંધ
મંદ-મંદ કરે છે
સ્મિત સ્વર્ગના દેવતા

