Travel Places / શિયાળામાં એક્સપ્લોર કરો રાજસ્થાન, દિલ જીતી લેશે આ 5 સ્થળોની સુંદરતા

કલ્પના કરો જ્યારે દેશના બાકીના ભાગો ઠંડીમાં ધ્રૂજી રહ્યા છે, ત્યારે તમે કોઈ ઊંચા કિલ્લા પર ઊભા રહીને, સોનેરી સૂર્યપ્રકાશમાં આરામ કરી રહ્યા છો અથવા ઠંડા રણની રેતી પર ઊંટની સવારીનો આનંદ માણી રહ્યા છો? શિયાળામાં રાજસ્થાનની મુલાકાત લેવાની આ જ મજા છે.
આ એવી ઋતુ છે જ્યારે રાજસ્થાનની ધરતી તેના બધા રંગ, ગૌરવ અને શાંતિ સાથે તમારું સ્વાગત કરે છે. પિંક સિટી જયપુરની જીવંતતાથી લઈને ગોલ્ડન સિટી જેસલમેર સુધી... રાજસ્થાનનો દરેક ખૂણો એક અલગ જ વાર્તા કહે છે. જો તમે આ શિયાળામાં યાદગાર અને શાહી ટ્રિપ શોધી રહ્યા છો, તો તમે રાજસ્થાનની કેટલીક ખાસ જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.
જયપુર
રાજસ્થાનની રાજધાની, જયપુર પિંક સિટી તરીકે ઓળખાય છે. શિયાળામાં અહીં મુલાકાત લેવી એ ખરેખર એક અદ્ભુત અનુભવ છે. સવારના હળવા સૂર્યપ્રકાશમાં તમે આમેર કિલ્લાની ભવ્યતા જોઈ શકો છો, જ્યાં હાથીની સવારીની મજા જ અલગ હોય છે. ત્યારબાદ, શહેરના મધ્યમાં સ્થિત હવા મહેલનું અદ્ભુત સ્થાપત્ય જોવાનું ન ચૂકશો. સિટી પેલેસ અને નાહરગઢ કિલ્લા પરથી આખા શહેરનો નજારો મનમોહક લાગેછે. શિયાળાની ઠંડી સાંજે અહીંની લોકલ બજાર જેમ કે જોહરી બજાર અને બાપુ બજારમાં ખરીદી કરી અને સ્થાનિક ભોજનનો સ્વાદ ચાખીને યાત્રા પૂર્ણ કરી શકાય છે
પુષ્કર
જયપુરથી થોડા જ અંતરે સ્થિત, પુષ્કર પણ એક સુંદર શહેર છે. તે પુષ્કર તળાવ અને ભગવાન બ્રહ્માને સમર્પિત એકમાત્ર મંદિર માટે પ્રખ્યાત છે. જો તમે નવેમ્બરમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં અહીંની મુલાકાત લો છો, તો તમે રંગબેરંગી અને મનોરંજક પુષ્કર ઊંટ મેળાનો પણ અનુભવ કરી શકો છો. અહીંની શેરીઓમાં ભટકવું, ઘાટ પર બેસવું અને અદ્ભુત સૂર્યાસ્ત જોવો એ એક આરામદાયક અનુભવ હોઈ શકે છે.
જોધપુર
રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર, જોધપુર 'બ્લુ સિટી' તરીકે ઓળખાય છે. અહીંના વાદળી ઘરો શિયાળાના સ્વચ્છ વાદળી આકાશ નીચે ચમકે છે, જે એક આકર્ષક દૃશ્ય બનાવે છે. જોધપુરનું મુખ્ય આકર્ષણ મેહરાનગઢ કિલ્લો છે, જે એક ઊંચી ટેકરી પર આવેલો છે. અહીંથી શહેરના ભવ્ય દૃશ્ય જોઈ શકાય છે. આ વિશાળ કિલ્લામાં આવેલા મહેલો અને સંગ્રહાલયો રાજપૂત ભવ્યતાની વાર્તા કહે છે. શિયાળામાં તમે અહીંની સાંકડી ગલીઓમાં ફરવા જઈ શકો છો અને ક્લોક ટાવર નજીકના સ્થાનિક બજારોમાંથી રાજસ્થાની કલાકૃતિ ખરીદી શકો છો.
ઉદયપુર
'તળાવોનું શહેર', ઉદયપુર ખરેખર રાજસ્થાનના સૌથી રોમેન્ટિક શહેરોમાંનું એક છે. અહીંની ઠંડી એન શાંતિમાં પિછોલા તળાવમાં બોટની સવારો કરવી ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ આપે છે. શિયાળામાં, તળાવની મધ્યમાં સ્થિત લેક પેલેસ અને કિનારે સ્થિત સિટી પેલેસ, એક સુંદર ચિત્ર જેવું લાગે છે. સજ્જનગઢ મોનસૂન પેલેસમાંથી સૂર્યાસ્ત જોવો પણ પ્રવાસીઓમાં એક લોકપ્રિય આકર્ષણ છે. ઉદયપુરની સુંદરતા અને સુખદ હવામાન તમને વારંવાર તેની મુલાકાત લેવા માટે મજબૂર કરશે.
જેસલમેર
જેસલમેરના સુવર્ણ રણના દૃશ્યો વિના તમારી સફર અધૂરી રહેશે, કારણ કે શિયાળાનું હવામાન રણ સફારી માટે યોગ્ય હોય છે. તે દિવસ દરમિયાન પણ ખૂબ ગરમ નહીં લાગે. જેસલમેરનો સોનાર કિલ્લો પીળા રેતીના પથ્થરથી બનેલો છે, જે સૂર્યપ્રકાશમાં સોનાની જેમ ચમકે છે, તેથી આ શહેરને 'ગોલ્ડન સિટી' પણ કહેવામાં આવે છે. સાંજે અહીંથી 40-50 કિલોમીટર દૂર સેમ સેન્ડ ડ્યુન્સની મુલાકાત લઈને ઊંટ સવારી અથવા જીપ સફારીનો આનંદ માણી શકાય છે. રાત્રે કેમ્પિંગ કરવું, તારાઓથી ભરેલું આકાશ જોવું અને લોક સંગીતનો આનંદ માણવો એ એક એવો અનુભવ છે જે તમે ક્યારેય નહીં ભૂલી શકો.

