Parenting Tips : શું તમારું બાળક પણ વાત-વાતમાં હાથ ઉપાડે છે કે વાળ ખેંચે છે? જાણો આ આદત છોડાવવાના ઉપાય

નાના બાળકોને જોઈને દરેકને તેમને તેડીને વ્હાલ કરવાનું મન થાય છે, પરંતુ કેટલાક બાળકો આ દરમિયાન વાળ ખેંચવા લાગે છે અથવા હાથથી મારવા લાગે છે. સામાન્ય રીતે આ પ્રકારનું વર્તન ઘણા બાળકોમાં જોવા મળે છે, પરંતુ કેટલાક બાળકોમાં તે ખૂબ વધારે હોય છે. બાળકની આ હરકતથી માતા-પિતાની સાથે આસપાસના લોકો પણ અસહજ અનુભવવા લાગે છે. ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ જણાવી રહ્યા છે કે આ વર્તનને કેવી રીતે નિયંત્રિત કરી શકાય.
બાળકો આવું વર્તન શા માટે કરે છે?
ઇમોશનલ ડેવલપમેન્ટનો અભાવ: નાના બાળકોમાં હજુ લાગણીઓનો પૂરો વિકાસ થયો હોતો નથી, જેના કારણે તેઓ સમજી શકતા નથી કે તેના કામથી કોઈને તકલીફ થઈ રહી છે.
રમત સમજવી: બાળક જ્યારે કોઈને મારે અને સામેની વ્યક્તિ પ્રતિક્રિયા આપે, ત્યારે બાળકને તે રમત જેવું લાગે છે અને તે વારંવાર આવું કરે છે.
ઊંઘનો અભાવ કે ભૂખ: ઘણીવાર બાળકની ઊંઘ પૂરી ન થઈ હોય કે તેને ભૂખ લાગી હોય, ત્યારે તે ચીડિયાપણામાં વાળ ખેંચે છે અથવા હાથ-પગ ચલાવે છે.
સોશિયલ ન હોવું: જે બાળકો એકલા રહેતા હોય અથવા લોકો સાથે બહુ ભળતા ન હોય, તેમનામાં પણ આવું વર્તન જોવા મળે છે. ખાસ કરીને ન્યૂક્લિયર ફેમિલીમાં રહેતા બાળકો અજાણ્યા લોકો વચ્ચે અસુરક્ષિત અનુભવે છે.
નકલ કરવી: જો બાળકોના ગ્રુપમાં કોઈ એક બાળક વધારે આક્રમક હોય, તો બીજા બાળકો પણ તેની નકલ કરવા લાગે છે.
હાઇપરએક્ટિવિટી: કેટલાક બાળકો સ્વભાવે હાઇપરએક્ટિવ હોય છે, જેના કારણે તેમનામાં મારવાની કે વસ્તુઓ ફેંકવાની આદત જોવા મળે છે.
આ રીતે કરો મેનેજ
- બાળક જ્યારે મારે ત્યારે તરત જ તેનાથી થોડા દૂર થઈ જાઓ અને તેને થોડીવાર માટે એકલું છોડી દો.
- તેને એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં તેનું મન બીજી વાતોમાં પરોવાય (Mind Diversion).
- બાળકને ગાર્ડનમાં લઈ જાઓ અને બીજા બાળકો સાથે હળવા-મળવા કે રમવા માટે પ્રોત્સાહિત કરો.
- તેને એવી રમતોમાં વ્યસ્ત કરો જેમાં હાથ-પગનું હલનચલન વધારે હોય, જેમ કે ફૂટબોલ, ક્રિકેટ, કરાટે અથવા ડ્રમ વગાડવું.
- બાળકના ઊંઘવા અને જાગવાનો એક ચોક્કસ રૂટીન બનાવો અને તેનું ચુસ્તપણે પાલન કરો.
- દાંત આવતા હોય ત્યારે પણ આવું બને છે
આ ઉંમરે બાળકોને દૂધિયા દાંત આવવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેના કારણે તેના સ્વભાવમાં ચીડિયાપણું કે આક્રમકતા આવી શકે છે. આવી સ્થિતિમાં કોઈ સારા બાળરોગ નિષ્ણાત (Pediatrician)ની સલાહ લેવી જોઈએ.
ખાસ નોંધ: જો ડૉક્ટરને બતાવ્યા પછી પણ બાળકની વાળ ખેંચવાની કે મારવાની આદત ન છૂટે, તો કોઈ ચાઇલ્ડ સાયકોલોજિસ્ટનો સંપર્ક કરવો હિતાવહ છે.

