Parenting Tips : ગુરુ જેવું માન મેળવવા માતા-પિતા સ્વભાવમાં કરો આ ફેરફાર, બાળક આપશે માન

તમે બાળપણમાં ઘણી વખત સાંભળેલું હશે કે, ''બાળકના પહેલા ગુરુ તેના માતા-પિતા જ હોય છે''. પરંતુ બદલાતા સમય સાથે બાળકોને સમજાવવું એટલું સહેલું નથી રહ્યું, આધુનિકનાં યુગમાં આજે બાળકો ટીવી, મોબાઈલ અને સોશિયલ મિડિયાના વધુ ઉપયોગથી પોતાને વધુ પરિપક્વ માનવા લાગ્યા છે. જેથી તે પેરેન્ટ્સની વાતોને એટલું મહત્વ નથી આપતા, અને માતા-પિતા એવું ઇચ્છતા હોય છે કે બાળકો તેમને આદર આપે, તેમની વાત માને અને તેમને ગુરુની જેમ માને. જેના માટે માતા-પિતાએ મોટાં બદલાવો નહીં પણ તેમના વર્તનમાં અમુક નાના બદલાવો કરવાની જરૂર છે. જેથી માતા-પિતા તેમના બાળકનાં રોલ મોડલ બની શકે. તો અહીં જાણો એવા 5 નાના-નાના બદલાવો, જેનાથી બાળકોનો તેમના માતા-પિતા પ્રત્યે આદર વધશે અને તેઓ માતા-પિતાની સલાહ પણ માનશે.
જે બોલીએ છીએ તે જ કરે છે
આપણે હંમેશા બાળકોને કહેતા રહીએ છીએ કે,''બેટા, ખોટું ના બોલવું જોઈએ તે એક ખરાબ વાત છે'' પરંતુ જ્યારે કોઈના આપણાં કામ માટે ફોન આવતા હોય છે ત્યારે આપણે જબાળકને કહીએ છીએ કે ''ફોન ઉપાડીને કહી દે કે હું ઘરે નથી'', તો ત્યારે બાળક આ નાનામાં નાની વાતને પણ ધ્યાનમાં લે છે. અને બાળક સમજવવાથી નહીં વર્તનથી શીખશે. એટલા માટે માતા-પિતાએ પોતાના વર્તનોમાં ફેરફાર કરવા જોઈએ. જેથી તેમના બાળકો પણ જે જોવે તે શીખે અને ઈમાનદાર બને.
સાંભળવાની આદત પાડીએ
મોટાભાગે માતા-પિતા ઇચ્છતા હોય છે કે બાળકો તેમની દરેક વાત માને, પરંતુ બાળકો તેમને કઇંક કહેવા જાય તો માતા-પિતા ઉતાવળમાં વાત પૂરી કરી નાખે છે. જો તમે ઇચ્છતા હોય છો કે બાળકો તમારી વાત માને તો તમારે પણ તેમની વાતો શાંતિથી સાંભળવી જોઈએ. જેથી બાળકને થશે કે માતા-પિતા તેમની વાત શાંતિથી સાંભળે છે, તો તેઓ પણ માતા-પિતાના અભિપ્રાયને મહત્વ આપશે.
પ્રેમથી સમજાવો ગુસ્સામાં નહિ
ઘણી વખત માતા-પિતાને એવું લાગતું હોય છે કે બાળક ખિજાવાથી જ સમજશે અને આમરો આદર કરશે, પરંતુ આવું કરવાથી બળકો માતા-પિતાથી દૂર થતાં જાય છે. અને તેમને એવું લગવા લાગે છે કે, મમ્મી-પપ્પા હંમેશા ખિજાય જ છે. અને આવું વિચારવાથી બાળક તમને કશું કહેવાથી ડરશે. જેના બદલે તમે તેને શાંતિથી અને પ્રેમની ભાષામાં સમજાવશો તો એ તમારી વાત સાંભળશે અને માન પણ આપશે. આ સમયે તેમને એ અનુભવ કરાવો જરૂરી છે કે તમે બાળકની સાથે છો, વિરૂધ નથી. અને તમે જે કરો છો એ હંમેશા તેમના માટે સારું થાય એવા જ પ્રયત્નો હોય છે.
પોતાની જાતને અપડેટ રાખો
આજકાલના બાળકો ટેકનોલોજી, નવાં ટ્રેન્ડ્સ અને સોશિયલ મીડિયામાં બહું આગળ છે. જો માતા-પિતા પોતાને અપડેટ ન રાખે તો તેમના વચ્ચે ગેપ વધતો જાય છે. અને બાળકોને લાગે છે કે,''મમ્મી-પપ્પાને કઈ જ ખબર નથી પડતી''. તેથી થોડી તો થોડી માતા-પિતાએ આ નવાં જમાનાની નવી બાબતો શીખવી જોઈએ, બાળકો સાથે બેસીને વાતચીત કરવી જોઈએ જેથી બાળકો અનુભવે કે તમે પણ તેમની સાથે કદમથી કદમ મેળવીને ચાલો છો.
બાળકોને આદર આપો
મોટાભાગે આપણે બાળકોને નાના સમજીને તેમની વાત કાપી નાખીએ છીએ અથવા એમ કહી દઈએ છીએ કે ''તમને ન ખબર પડે, તમે નાના છો'' પરંતુ આ સમયનાં બાળકોને પણ ઇજ્જત જોઈતી હોય છે. આ સમયે ''સેલ્ફ રિસ્પેક્ટ'' જેવા શબ્દો તેમના પર મોટો પ્રભાવ પાડી રહયા છે. અને જો તમે નાની નાની વાતમાં પણ તેમને મહત્ત્વ આપશો અને તેમનો મત લેશો તો બાળક પણ પરિવારમાં ખાસ અનુભવશે જેથી એ સામે પણ તમને મહત્ત્વ અને આદર આપશે.
અંતે પરિણામ શું આવશે?
આ નાની-નાની બાબતોમાં બદલાવ લાવવાથી જ બાળકોનાં વર્તનમાં બદલાવ આવશે અને એ માત્ર તમારી ઇજ્જત જ નહી પરંતુ તમને તેમના જીવનનાં ગુરુ પણ માનશે. તે તેમના જીવનનાં કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા તમારી સલાહ લેશે અને જે તેમને ખોટા રસ્તે જતાં આટકાવશે. તેથી જ યાદ રાખો કે મોટી-મોટી વાતોથી નહી નાના-નાના બદલાવથી જ બાળક પ્રેરિત થશે.

