સેક્યુલર કપલ્સ કરતાં ધાર્મિક પ્રકૃતિ ધરાવતા લોકો વધુ બનાવે છે શારીરિક સંબંધ: રિસર્ચ

સવારે ઊઠ્યા પછી સૌથી પહેલાં ભગવાનનું વંદન. પછી સ્નાન. ત્યારબાદ લાંબો સમય સુધી પૂજા-પાઠ. ખાવા-પીવામાં એકદમ સાત્વિક ભોજન. શુદ્ધ શાકાહારી. વાણીમાં સંયમ અને વિચારોમાં મધુરતા. સાંજે આરતી અને રાત્રે પ્રભુ સ્મરણ સાથે રાત્રિ શયન. તમારી આસપાસ આવા લોકો કે દંપતી (કપલ)નો કોઈ અભાવ નહીં હોય. તેને જોઈને મનમાં શુદ્ધ વિચારો આવે છે અને ક્યારેય એવો ખ્યાલ પણ નથી આવતો કે આ કપલ શારીરિક સંબંધો બાંધવા અંગે આટલું ઉત્સાહી હશે. સામાન્ય રીતે લોકો તેના વિશે આવું જ વિચારતા હોય છે. પરંતુ આવું વિચારવું બિલકુલ યોગ્ય નથી. અમેરિકામાં થયેલા એક સંશોધનમાં આ અંગેના ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સ્ટડી મુજબ જે લોકો ધાર્મિક પ્રકૃતિના હોય છે, તે બિન-ધાર્મિક (સેક્યુલર) લોકોની સરખામણીએ વધુ શારીરિક સંબંધ બનાવે છે.
યૌન મંદીના સમયમાં આશાસ્પદ ટ્રેન્ડ
આ સંશોધન અમેરિકાના લોકો પર કરવામાં આવ્યું છે. 'ઇન્સ્ટિટ્યૂટ ફોર ફેમિલી સ્ટડીઝ' દ્વારા આ અધ્યયન કરવામાં આવ્યું છે. આ નવા રિપોર્ટ અનુસાર જે કપલ નિયમિતપણે ચર્ચ કે ધાર્મિક સ્થળે જાય છે, તે સામાન્ય બિન-ધાર્મિક લોકોની સરખામણીએ વધુ શારીરિક સંબંધ બનાવે છે. આ સર્વેમાં મુખ્યત્વે ખ્રિસ્તીઓ સામેલ હતા, પરંતુ અન્ય ધર્મોના દંપતીઓમાં પણ ઓછો-વત્તો આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સૌથી ખાસ વાત એ હતી કે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા લોકો શારીરિક સંબંધ બાંધવામાં વધુ સંતોષ પણ અનુભવતા હતા. એટલે કે આ લોકો સંબંધ બાંધવામાં બિન-ધાર્મિક લોકોની સરખામણીએ વધુ યૌન સંતોષ મેળવે છે, જ્યારે બિન-ધાર્મિક લોકો સંબંધોમાં અસંતોષ અનુભવે છે. આ સર્વે એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં યૌન મંદી (સેક્સ્યુઅલ રિસેસન) ચાલી રહી છે. આજકાલના યુવાનોમાં શારીરિક સંબંધોને લઈને ખાસ ઉત્સાહ રહ્યો નથી. જાપાન અને યુરોપના દેશોમાં તો એવા કપલ્સની સંખ્યા ઓછી નથી જે મહિનાઓ સુધી શારીરિક સંબંધ બનાવતા નથી. તેથી યૌન મંદીના આ સમયગાળામાં વર્તમાન ટ્રેન્ડ વધુ ચોંકાવનારો છે.
62% ધાર્મિક લોકો નિયમિત બનાવે છે સંબંધ
અધ્યયન અનુસાર, 1990ના દાયકામાં 20થી 54 વર્ષની વયના તમામ પ્રકારના લગભગ 64 ટકા કપલ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર તો શારીરિક સંબંધ બાંધતા જ હતા અને મોટા ભાગના લોકો તેનાથી પણ વધુ વાર સંબંધ બનાવતા હતા. પહેલા ધાર્મિક કે બિન-ધાર્મિક લોકો વચ્ચે આવો કોઈ ખાસ તફાવત નહોતો, બંને પ્રકારના લોકો આવું કરતા હતા. પરંતુ બિન-ધાર્મિક લોકોમાં આ પ્રમાણ હવે ખૂબ ઘટી ગયું છે. નવા આંકડા મુજબ હાલમાં માત્ર 48 ટકા બિન-ધાર્મિક લોકો જ શારીરિક સંબંધ બાંધે છે, જ્યારે બાકીના લોકો મહિનાઓ સુધી નથી બનાવતા. પરંતુ ધાર્મિક પ્રકૃતિ ધરાવતા 62 ટકા લોકો નિયમિતપણે શારીરિક સંબંધ બનાવે છે. આ બધાનો સાર એ છે કે આજના અમેરિકામાં આસ્થાવાન અને ધાર્મિક લોકો જ વધુ શારીરિક સંબંધ બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, જ્યારે લગ્ન અને દામ્પત્ય જીવનને પવિત્રતાના ભાવ સાથે જોડવામાં આવે છે, ત્યારે પરિવારમાં આ બાબતનો સાનુકૂળ માહોલ મળે છે અને આ સ્થિતિમાં શારીરિક સંબંધોને પણ પ્રોત્સાહક આદર મળે છે. તેનાથી સંબંધોમાં સંતોષ પણ વધુ પ્રાપ્ત થાય છે.
ધાર્મિક લોકોમાં વધુ યૌન સંતોષ
રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે ધાર્મિક પ્રકૃતિવાળા લોકોમાં યૌન સંતોષ શા માટે વધુ હોય છે. રિપોર્ટ મુજબ, ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકોમાં ક્ષમા અને વફાદારી જેવા ગુણો વધુ હોય છે અને તે ધર્મ અનુસાર તેનું પાલન કરે છે. તેથી આવા લોકોના વૈવાહિક જીવનમાં જે અડચણો આવે છે તેનો તે સરળતાથી ઉકેલ શોધી લે છે. ધર્મમાં આસ્થા રાખનારા લોકો શરૂઆતથી જ એ વાતનું ધ્યાન રાખે છે કે બંને વચ્ચેના તાલમેલમાં નાની-મોટી અડચણો ન આવે. આવું એટલા માટે પણ છે કારણ કે પ્રાર્થના જેવા ધાર્મિક અનુષ્ઠાનો, ખાસ કરીને સાથે મળીને કરવામાં આવતી પ્રાર્થના માત્ર ભાવનાત્મક નિકટતા જ નથી વધારતી પરંતુ એકબીજાને શારીરિક રીતે પણ નજીક લાવે છે. આવા લોકો પોતાના કૌટુંબિક જીવનના તણાવને વધુ સારી રીતે સંભાળી લે છે. આ જ કારણ છે કે રોજના ધોરણે પ્રાર્થના કરતા શ્રદ્ધાળુઓમાં યૌન સંતોષની શક્યતા નિયમિત પ્રાર્થના ન કરતા લોકોની સરખામણીએ 1.29 ગણી વધુ હોય છે.

