દહેજ આપવા કરતા દીકરીને આપો આ 3 ખાસ ભેટ, મુશ્કેલ સમયમાં પણ ક્યારેય નહીં ઝૂકે મસ્તક

દહેજ પ્રથા એ સૌથી ખરાબ માનવામાં આવતી પરંપરા છે અને આજકાલ ખૂબ ઓછા લોકો દહેજ લેવામાં કે આપવામાં વિશ્વાસ રાખે છે. છતાં પણ ઘણા પરિવાર એવા છે, જે લગ્નમાં દીકરીને ખૂબ દહેજ આપે છે અને વિચારે છે કે દીકરી આજીવન સાસરીમાં ખુશ રહેશે અને તેને કોઈ કમી નહીં રહે. આમ છતાં દીકરીઓને સાસરીમાં ત્રાસ સહન કરવો પડે છે અને સાથે જ પિયરથી વધુ પૈસા કે સામાન લાવવાનું દબાણ કરવામાં આવે છે. આવા સમયે છોકરીની માત્ર માનસિક જ નહીં પણ શારીરિક સ્થિતિ પણ ખરાબ થઈ જાય છે. કેટલીક છોકરીઓ આ અંગે પોતાના પિયરમાં જણાવી દે છે, તો કેટલીક બધું એકલી સહન કરતી રહે છે. ગંભીર કિસ્સાઓમાં સ્થિતિ એટલી બગડી જાય છે કે કેટલીક મહિલાઓ આત્મહત્યા જેવું પગલું પણ ભરી લે છે. એવામાં સવાલ ઊભો થાય છે કે શું દહેજ આપીને માતા-પિતા વાસ્તવમાં પોતાની દીકરીને ખુશહાલ જીવનની ગેરંટી આપી શકે છે? દીકરીના લગ્નમાં દહેજ આપવાને બદલે માતા-પિતાએ તેને એવી ૩ વસ્તુઓ આપવી જોઈએ, જે મુશ્કેલ સમયમાં તેનો સાથ આપે અને તેને આજીવન મજબૂત બનાવવામાં મદદ કરે.
દીકરી માટે કઈ ૩ વસ્તુઓ છે જરૂરી
1. દીકરીને બનાવો સક્ષમ
માતા-પિતા જ દીકરીને શિક્ષિત અને સક્ષમ બનાવવામાં ખાસ ભૂમિકા ભજવી શકે છે. જો તમે ઈચ્છશો કે દીકરી આકાશની ઊંચાઈઓને આંબી લે, તો તમે તેને ક્યારેય ભણવાથી અને આગળ વધવાથી નહીં રોકો. જ્યારે દીકરી શિક્ષિત થાય છે, ત્યારે તે પોતે આગળ વધે છે અને પરિવારને પણ બરાબરીથી સાથે લઈને ચાલે છે. દીકરીને તમે એટલી સક્ષમ બનાવી દો કે ક્યારેય તેણે કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે અને કોઈ પણ મદદ માટે કોઈના પર નિર્ભર ન રહેવું પડે.
2. ફાઈનાન્શિયલ સિક્યોરિટી (નાણાકીય સુરક્ષા)
દીકરીને તમે જેટલું દહેજ આપશો, તેટલી તેના નામે એફડી (FD) કરાવી દો. આનાથી તેની પાસે પોતાની નાણાકીય સુરક્ષા રહેશે અને તેણે ક્યારેય કોઈ પણ વસ્તુ માટે બીજાનું મોં જોવું નહીં પડે. દીકરીના નામે કઈંક ને કઈંક બેલેન્સ જમા કરી શકો છો. આવું તમે તેના જન્મથી જ કરી શકો છો અને 18 વર્ષની થાય ત્યારે તેને નોમિની બનાવી દો. આજકાલ છોકરીઓ માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે.
3. માતા-પિતાનો સપોર્ટ
ત્રીજી સૌથી મોટી વસ્તુ જે તમે દીકરીને આપી શકો છો, તે છે માતા-પિતાનો સંપૂર્ણ સપોર્ટ. લગ્ન થઈ ગયા, એનો અર્થ એ નથી કે દીકરી પારકી થઈ ગઈ. તેને દરેક જગ્યાએ સપોર્ટ કરો અને તેને એ વિશ્વાસ અપાવો કે ક્યારેય પણ તમે તેનો સાથ નહીં છોડો. જ્યારે તમે દીકરીની પાછળ દીવાલ બનીને ઊભા રહેશો, તો તે સાસરીમાં ક્યારેય દુઃખી નહીં થાય અને સામે વાળા લોકોને પણ ખબર રહેશે કે દીકરી એકલી નથી.
દહેજ માટે કડક કાયદો
દહેજ લેવા કે આપવાના દોષી સાબિત થવા પર કલમ 3 હેઠળ ઓછામાં ઓછી ૫ વર્ષની જેલ અને ઓછામાં ઓછો ₹15000અથવા દહેજની કિંમત, જે વધારે હોય, તેટલો દંડ થઈ શકે છે. સાથે જ દહેજની માંગણી કરવી પણ ગુનો છે, ભલે વાસ્તવમાં દહેજ આપવામાં ન આવ્યું હોય. એવામાં કલમ 4 લાગુ પડે છે.

