VIDEO: રાત્રિના હળવા અને પૌષ્ટિક ભોજન માટે પરફેક્ટ છે 'પાલક રાઇસ'! સ્વાદ એવો કે જીભ પર રહી જશે!
આજના દોડધામભર્યા લાઇફસ્ટાઇલમાં યોગ્ય અને સંતુલિત ડિનર (રાત્રિભોજન) લેવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર આપણે રાત્રે ભારે, તળેલું કે વધુ મસાલેદાર ભોજન લઈએ છીએ, જેનાથી ગેસ, એસિડિટી અને વજન વધવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ રાત્રિના ભોજન માટે કોઈ ઉત્તમ વિકલ્પ શોધી રહ્યા છો, તો 'પાલક રાઇસ' (Palak Rice) તમારા માટે એકદમ પરફેક્ટ રેસિપી છે. આ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને શરીરને તુરંત એનર્જી આપે છે. પાલકમાં રહેલું આયર્ન, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે. અહીં જાણો તેને બનાવવાની સરળ રીત અને તેના અદ્ભુત ફાયદાઓ.
પાલક રાઇસ બનાવવા માટે જરૂરી સામગ્રી
આ સ્વાદિષ્ટ રેસિપી બનાવવા માટે તમને રસોડામાં હાજર કેટલીક સામાન્ય વસ્તુઓની જ જરૂર પડશે:
રાંધેલા ભાત: 3 કપ
તાજી પાલક: 3–4 કપ (ઝીણી સમારેલી અથવા પેસ્ટ)
ડુંગળી: 1 મીડિયમ સાઈઝ (ઝીણી સમારેલી)
આદુ-લસણની પેસ્ટ: 1 ચમચી
લીલું મરચું: 1 (જો તમને તીખું પસંદ હોય તો)
જીરું: 1 નાની ચમચી
હળદર: અડધી નાની ચમચી
ધણાજીરું પાવડર: અડધી નાની ચમચી
ગરમ મસાલો: અડધી નાની ચમચી
મીઠું: સ્વાદ અનુસાર
તેલ અથવા દેશી ઘી: 1–2 મોટી ચમચી
લીંબુનો રસ: 1 નાની ચમચી
પાલક રાઇસ બનાવવાની સરળ રીત
પાલકની પ્યુરી બનાવો: સૌથી પહેલા પાલકને સારી રીતે ધોઈ લો. તેને હળવી બાફી લો અથવા વરાળમાં પકવી લો. ઠંડી થાય એટલે તેને મિક્સર બાઉલમાં પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
વઘાર તૈયાર કરો: એક કડાઈમાં તેલ અથવા દેશી ઘી ગરમ કરો. તેમાં જીરું ઉમેરો અને ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ તથા ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
પાલક અને મસાલા સાંતળો: ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં લીલું મરચું અને પાલકની પેસ્ટ ઉમેરો. તેને ધીમા તાપે 3 થી 4 મિનિટ પકવો જેથી પાલકનો કાચો સ્વાદ દૂર થઈ જાય અને સરસ સુગંધ આવવા લાગે. હવે તેમાં હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
ભાત ઉમેરો: હવે આ તૈયાર મસાલામાં રાંધેલા ભાત ઉમેરો. તેને એકદમ હળવા હાથે મિક્સ કરો જેથી ભાતના દાણા તૂટે નહીં.
છેલ્લા ટચ આપો: ગેસ બંધ કરતા પહેલાં તેમાં લીંબુનો રસ નીચવો અને સ્વાદ તથા સુગંધ વધારવા માટે ઉપરથી થોડું દેશી ઘી ઉમેરી દો.
પીરસવાની રીત: તમારા ગરમાગરમ અને સ્વાદિષ્ટ પાલક રાઇસ તૈયાર છે. તમે તેને બૂંદીના રાયતા, મોળા દહીં અથવા તાજા કાકડીના સલાડ સાથે સર્વ કરી શકો છો.
પાલક રાઇસ ખાવાના 5 મોટા ફાયદા
આ ડિશ માત્ર સ્વાદ જ નથી આપતી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ વરદાન સમાન છે:
લોહીની કમી દૂર થાય છે: પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.
પાચનતંત્ર મજબૂત બને છે: તેમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે, જે પેટ સાફ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત અપાવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ: આ ડિનર હળવું અને ઓછા તેલવાળું હોય છે, તેથી વજન કંટ્રોલ કરવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.
ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે: પાલકમાં વિટામિન A, વિટામિન C અને અનેક એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે રોગો સામે લડવાની શક્તિ વધારે છે.
હૃદય અને હાડકાં માટે ફાયદાકારક: તેમાં રહેલું કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ તમારા હૃદય અને હાડકાંને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

