સ્વાદમાં બેસ્ટ અને બનાવવામાં સાવ સરળ: ટ્રાય કરો બિહારની ટ્રેડિશનલ સ્વીટ ડિશ 'માકુટી'!

બિહારનું ખાણપીણ માત્ર લિટ્ટી-ચોખા કે ખાજા સુધી સીમિત નથી. અહીં વાનગીઓના બીજા પણ ઘણાં વિકલ્પો મળે છે, જેનો સ્વાદ તમે એકવાર ચાખી લેશો, તો વારંવાર ખાવાની ડિમાન્ડ કરશો. આવી જ એક ડિશ છે માકુટી. માકુટી એક સ્વીટ ડિશ (મીઠાઈ) છે, જેને મગની દાળ, દૂધ અને ચોખામાંથી બનાવવામાં આવે છે.
આ ડિશ બિહારમાં લગ્નપ્રસંગો કે અન્ય શુભ પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લોકો તેને ખૂબ જ ચાવથી ખાતા હોય છે. સ્વાદમાં આ વાનગી ફિરની અને ખીરનું મિશ્રણ હોય તેવી લાગે છે. જો તમે પણ આ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ માણવા માંગતા હોવ, તો અહીં જાણો તેની રેસિપી. આ રેસિપી ફોલો કરીને તમે તેને ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો.
માકુટી બનાવવા માટેની સામગ્રી
મગની દાળ – 1/2 કપ
કણકી બાસ્મતી ચોખા – 2 મોટી ચમચી
ફૂલ ક્રીમ દૂધ – 1 લીટર
ખાંડ – 3/4 કપ
દૂધમાં પલાળેલા કેસરના તાંતણા – 10-12
એલચી પાવડર – 1/2 નાની ચમચી
કાજુ અને બદામ – 2 મોટી ચમચી
પિસ્તા – 1 મોટી ચમચી
ઘી – 1 મોટી ચમચી
માકુટી બનાવવાની રીત
સૌથી પહેલાં મગની દાળ અને ચોખાને પાણીથી બરાબર ધોઈ લો અને 30 મિનિટ માટે પલાળીને રાખો.
હવે તેને પાણીમાંથી નિતારીને કૂકરમાં ઉમેરો. તેમાં એક કપ પાણી નાખીને મીડિયમ આંચ પર 2-3 સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
ત્યારબાદ ચડેલી દાળ અને ચોખાને ઠંડા થવા દો અને મિક્સરમાં કચરા (અધકચરા) પીસી લો.
હવે એક ભારે તળિયાવાળી કડાઈ લો, તેમાં એક લીટર ફૂલ ક્રીમ દૂધ ઉમેરો અને મધ્યમ આંચ પર ઉકળવા દો. જ્યારે દૂધમાં ઉબાળ આવી જાય, ત્યારે આંચ ધીમી કરી દો અને તેને 8-10 મિનિટ સુધી પાકવા દો, જેથી દૂધ ઘટ્ટ થઈ જાય.
હવે આ ઉકળતા દૂધમાં પીસેલી મગની દાળ અને ચોખાની પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહો.
આ મિશ્રણને ધીમી આંચ પર 15-20 મિનિટ સુધી ચડવા દો. તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો, જેથી દૂધ તળિયે ચોંટી ન જાય.
જ્યારે મિશ્રણ વધુ ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં ખાંડ, કેસરવાળું દૂધ અને એલચી પાવડર ઉમેરીને મિક્સ કરો. આ પછી તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ ઝીણા સમારીને ઉમેરો અને ગેસ બંધ કરી દો.
માકુટીને સર્વ કરતા પહેલા થોડી ઠંડી થવા દો. ત્યારબાદ એક વાટકીમાં કાઢીને ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

