Bird flu સામે વૈજ્ઞાનિકોની મોટી શોધ! શરીરમાં જ વાયરસને ‘ફ્રીઝ’ કરી ફેલાતો અટકાવશે નવી ટેક્નોલોજી

બર્ડ ફ્લૂ (Avian Influenza) એટલે કે એચ-5એન-1 (H5N1) વાયરસ સામે વૈજ્ઞાનિકોએ નવી એન્ટિવાયરલ ટેક્નોલોજી વિકસાવી છે. પ્રતિષ્ઠિત જર્નલ Nature Communicationsમાં પ્રકાશિત સંશોધન મુજબ આ ટેક્નોલોજી વાયરસને શરીરમાં જ નિષ્ક્રિય કરી તેના ફેલાવાને રોકવામાં મદદ કરી શકે છે. આ શોધ ખાસ કરીને વાયરસના ઝડપથી થતા મ્યુટેશન (Mutation)ને કારણે ઊભા થતા પડકાર વચ્ચે નવી આશા જગાવે છે.
વાયરસને એક જગ્યાએ જ ‘જામ’ કરી દેશે
નવી ટેક્નોલોજીને મલ્ટીવેલેન્ટ એન્ટિવાયરલ કોન્જુગેટ્સ (Multivalent Antiviral Conjugates) નામ આપવામાં આવ્યું છે. પરંપરાગત એન્ટિવાયરલ દવાઓ વાયરસના ચોક્કસ એક ભાગને નિશાન બનાવે છે, જ્યારે આ નવી પદ્ધતિ વાયરસને શારીરિક રીતે નિષ્ક્રિય કરવાની દિશામાં કામ કરે છે.
સંશોધન મુજબ આ ટેક્નોલોજી વાયરસના કણોને એકબીજા સાથે એવી રીતે જોડે છે કે તેઓ એક જગ્યાએ જ અટવાઈ જાય. પરિણામે વાયરસ શરીરના કોષોમાં પ્રવેશવા ઉપરાંત અંદરથી બહાર નીકળીને વધુ ફેલાવામાં પણ મુશ્કેલી અનુભવે છે.
જૂની દવાઓ સામે મ્યુટેશન મોટો પડકાર
હાલની ફ્લૂની કેટલીક દવાઓ વાયરસના ‘ન્યુરામિનિડેઝ (Neuraminidase)’ નામના ભાગને નિશાન બનાવે છે. પરંતુ વાયરસમાં સમયાંતરે મ્યુટેશન થવાથી તે દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા વિકસાવી શકે છે. આ જ કારણસર બર્ડ ફ્લૂ સામે અસરકારક અને લાંબા સમય સુધી કામ કરી શકે તેવી નવી પદ્ધતિની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
ભારત માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે શોધ
ભારતમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં પ્રવાસી પક્ષીઓના આગમન સાથે બર્ડ ફ્લૂના કેસ સામે આવતા રહે છે. કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં અગાઉ પણ તેના કારણે પોલ્ટ્રી (Poultry) ક્ષેત્રને મોટું નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં મરઘાં તથા બતકને નષ્ટ કરવા પડ્યા છે.
જો આ ટેક્નોલોજી આગળના સંશોધનમાં સફળ અને સુરક્ષિત સાબિત થાય અને તેનો ઉપયોગ પ્રાણીઓ તથા પોલ્ટ્રીમાં પણ અસરકારક રીતે થઈ શકે, તો સંક્રમણને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
વૈશ્વિક સંશોધન ટીમે કરી મોટી મહેનત
આ સંશોધનમાં શૂન ફેંગ, લુનઝી યુઆન અને સોંગ લીના નેતૃત્વ હેઠળ વૈજ્ઞાનિકોની ટીમ સામેલ હતી. બીજિંગની Academy of Military Medical Sciences, Tsinghua University, Xiamen University અને Hong Kong University સહિતની સંસ્થાઓએ આ સંશોધનમાં યોગદાન આપ્યું છે.
આ શોધને બર્ડ ફ્લૂ સામે નવી દિશા તરીકે જોવામાં આવી રહી છે, જોકે માનવ સારવારમાં તેના વ્યાપક ઉપયોગ પહેલાં તેની અસરકારકતા અને સલામતી અંગે વધુ સંશોધન જરૂરી રહેશે.

