VIDEO: માનસિક થાકની ઓળખ કરાવે છે આ 5 લક્ષણો, સમયસર ચેતી જજો નહીં તો વધશે સ્ટ્રેસ
સ્ટ્રેસનું નામ સાંભળતાં જ લોકોના મગજમાં ડિપ્રેશન, એન્ઝાયટી કે પછી ખૂબ જ વધારે ટેન્શન લેવા જેવી બાબતો વિચારમાં આવે છે. પરંતુ જરૂરી નથી કે સ્ટ્રેસ હોવા પર આ બધી બાબતો તમારી સાથે થાય, ઘણીવાર રોજિંદા જીવનની નાની-નાની બાબતો દર્શાવે છે કે તમે માનસિક રીતે થાકેલા છો અને સ્ટ્રેસે તમને ઘેરી લીધા છે. પરંતુ લોકોને અહેસાસ પણ નથી થતો કે તેને સ્ટ્રેસ થઈ રહ્યો છે અને તે માનસિક રીતે અત્યંત થાકેલા છે. જો લાંબા સમય સુધી આ માનસિક થાકને અવગણવામાં આવે તો ક્રોનિક સ્ટ્રેસ, એન્ઝાયટી, ઊંઘ ન આવવી અને બીજી ઘણી સમસ્યાઓ ઘેરી શકે છે. તેથી જો તમને પોતાનામાં આ બધી તકલીફો અનુભવાઈ રહી હોય તો સમજી લો કે તમે માનસિક રીતે થાકેલા છો અને તમને માનસિક રીતે તાજગીભર્યા (મેન્ટલી રિફ્રેશ) થવાની તથા માનસિક થાક દૂર કરવાની જરૂર છે, જેથી તમારો સ્ટ્રેસ ન વધે.
રોજિંદા નિર્ણયો નથી લઈ શકતા
જો તમને રોજિંદા નિર્ણયો લેવામાં મુશ્કેલી અનુભવાય છે. કોઈ ઈમેલ મોકલવો છે અને તમે તેને કાલ પર ટાળી રહ્યા છો અથવા તો ઘરનું કોઈ કામ કરવું છે પરંતુ સમજી નથી શકતા કે તેને આજે કરી લઈએ કે પછી પછીથી કરીએ. આવા નાના-નાના રોજના નિર્ણયો લેવામાં જો તમને મોડું થાય છે તો તેનું કારણ તમારો માનસિક થાક છે. સતત મેન્ટલ સ્ટ્રેસના કારણે મગજની કામ કરવાની ક્ષમતા પર અસર પડે છે અને એકવાર જો સ્ટ્રેસ થઈ ગયો તો નાના-નાના કામ કરવામાં પણ તમારે વધારે મહેનત કરવી પડે છે.
તમે ખૂબ જ જલ્દી ચીડાઈ જાઓ છો
છેલ્લા કેટલાક સમયથી તમે નોંધ્યું હશે કે તમે નાની-નાની વાતો પર ચીડાઈ જાઓ છો. પરિવાર, મિત્રો કે પછી સહકર્મીઓ સાથે બેઠા હોવ અને અચાનક ખૂબ નાની વાત પણ તમારા મગર પર હાવી થઈ જાય છે. આ બધું મેન્ટલ ફેટીગ (માનસિક થાક)ના કારણે થાય છે. જ્યારે તમે માનસિક રીતે થાકેલા હોવ છો ત્યારે મગજ ઘણા બધા ઈમોશન્સને (લાગણી) હેન્ડલ નથી કરી શકતું અને તમારું રિએક્શન અવારનવાર ગુસ્સા કે ચીડવાળું હોય છે.
દરરોજ કામમાં ફોકસ કરવામાં મુશ્કેલી
જો તમારું મગજ થાકેલું છે તો તમને એક પેજ પૂરા ફોકસ સાથે વાંચવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. તમને કોઈ વસ્તુ યાદ રાખવામાં અડચણ આવશે. અવારનવાર લોકો આ સમસ્યાને એકાગ્રતાની સમસ્યા સમજી લે છે પરંતુ આવું ત્યારે જ થાય છે જ્યારે તમારું મગજ થાકેલું હોય, કારણ કે થાકેલા મગજને નવી માહિતી પ્રોસેસ કરવામાં મુશ્કેલી અનુભવાય છે.
હંમેશાં ઊંઘવાથી જ નથી દૂર થતો માનસિક થાક
લોકોને લાગે છે કે પૂરતી માત્રામાં ઊંઘી રહ્યા છીએ પછી કેમ માનસિક થાક હશે? તો જણાવી દઈએ કે ઊંઘવાથી જ માનસિક થાક દૂર થશે એ દરેક માણસ માટે જરૂરી નથી. કેટલાક લોકો જે ઈમોશનલી પરેશાન છે અને માનસિક રીતે થાકેલા છે, તેઓ જો પૂરા 7-8 કલાકની ઊંઘ લઈ રહ્યા હોય તો પણ તેને માનસિક થાક થઈ શકે છે. તેથી માત્ર ઊંઘ લેવાથી માનસિક થાક દૂર નથી થતો, તેને બીજી રીતે પણ શાંતિ અને આરામની જરૂર હોય છે. ઘણીવાર તમે ઊંઘી રહ્યા હોવ છો પરંતુ મગજ જાગી રહ્યું હોય છે અને તેને આરામ કરવાનો મોકો જ નથી મળતો.
દિવસભર સ્ક્રોલિંગ કરવું
જે લોકો ઈમોશનલ થાકથી પરેશાન હોય છે, તેઓ એવી એક્ટિવિટી પસંદ કરે છે જેમાં વધારે મહેનત કરવાની કે કોઈ પ્રકારનો નિર્ણય લેવાની જરૂર ન હોય. હકીકતમાં પેસિવ ડિસ્ટ્રેક્શન તેને રિલેક્સ કરવામાં મદદ કરે છે કારણ કે તે મગજને સતત કામ કરવાથી અને દરેક વસ્તુને ઈમોશનલી પ્રોસેસ કરવાથી રોકે છે. એટલા માટે જ ઘણા બધા લોકો સોશિયલ મીડિયા માત્ર મનોરંજન માટે સ્ક્રોલ નથી કરતા પરંતુ તેઓ ડિસ્ટ્રેક્શન (ધ્યાન ભટકાવવા) માટે કરે છે.

