"ભારત ભલે ચાંદ પર પહોંચી ગયો, પણ માનસિકતા હજુ ગટરમાં જ છે!" બોમ્બે હાઈકોર્ટની સરકારને લપડાક!

હાથથી મળ-કચરો ઉપાડવાની (મેન્યુઅલ સ્કેવેન્જિંગ) કુરિવાજની સખત ટીકા કરતા બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે, 'ભારત ભલે ચંદ્ર પર પહોંચી ગયો હોય, પરંતુ સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થાનું દૂષણ આજે પણ કાયમ છે, જે નાગરિકોને માનવ ગરિમા વિરુદ્ધનું કામ કરવા મજબૂર કરે છે.' આ સાથે જ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની એ નીતિને રદ કરી દીધી છે, જેના હેઠળ જોખમી સફાઈ કામગીરી દરમિયાન જીવ ગુમાવનાર સફાઈ કામદારોના પરિવારજનોને વળતર ચૂકવવાની જવાબદારી ખાનગી સોસાયટીઓ કે માલિકો પર નાખી દેવામાં આવી હતી.
મહારાષ્ટ્ર સરકારને વળતર ચૂકવવા આદેશ
જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજૂષા દેશપાંડેની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, રાજ્ય સરકારે પીડિત પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવું. ત્યારબાદ જો સરકાર ઈચ્છે તો, તે રકમ સંબંધિત ખાનગી સંસ્થાઓ કે માલિકો પાસેથી વસૂલ કરી શકે છે. આગામી 6 મહિનાની અંદર 'મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ 2013' ની મર્યાદામાં આવતી જોખમી સફાઈ દરમિયાન મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓની ઓળખ હાથ ધરવી. ઓળખ થયા બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રત્યેક મૃતકના આશ્રિતોને ₹30 લાખનું વળતર ચૂકવવામાં આવશે.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, 2013નો કાયદો સરકારી કે ખાનગી માલિક વચ્ચે સફાઈ કામદારોના સંદર્ભમાં કોઈ તફાવત કરતો નથી. આ નીતિને સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવીને કોર્ટે સરકારી પ્રસ્તાવની એ જોગવાઈ રદ કરી દીધી હતી, જેના દ્વારા ખાનગી વ્યક્તિઓને વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

