Health Tips: સવારે જાગીને સૌથી પહેલા ફોન જોવાની કુટેવ હોય તો સાવધાન! તમને થશે આ ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓ!

આજના સમયમાં ભાગ્ય જ એવી કોઈ વ્યક્તિ મળે જેના હાથમાં ફોન ન હોય. સ્માર્ટફોન જીવનને સરળ બનાવી શકે છે પરંતુ તેનો ઉપયોગ સમજદારી પૂર્વક કરવામાં ન આવે તો આ ઉપકરણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે. તમારી આસપાસ પણ તમે એવા અનેક લોકોને જોયા હશે જેઓ દર 10 મિનિટમાં ફોન ચેક કરી લેતા હોય છે. ઘણી જગ્યાએ તો પરિવારના સભ્યો સાથે બેઠા હોય પણ બધા જ લોકો પોતપોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળે છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો ફોન નથી ચલાવતા પરંતુ લોકોના મગજને ફોન ચલાવવા લાગ્યો છે.
લોકો મોડી રાત સુધી ફોનમાં સમય પસાર કરે છે અને સૌથી ખરાબ તો એ છે કે સવારે આંખ ખુલે એટલે તરત જ હાથમાં સ્માર્ટફોન લઈ લે છે. સવારનો જે સમય પોતાના માટે પસાર કરવાનો હોય તે સમય લોકો ફોન જોવામાં પસાર કરે છે. જે લોકોને સવારના સમયે જાગીને સૌથી પહેલા ફોન ચેક કરવાની આદત હોય તે આદત તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. મોટાભાગના લોકો આ અસરોથી અજાણ હોય છે. તો અહીં જાણો સવારે જાગીને સૌથી પહેલા સ્માર્ટફોન ચેક કરવાની આદતથી કઈ કઈ બીમારીઓ થવાનું જોખમ વધે છે.
સ્ટ્રેસ
મોડી રાત સુધી ફોન ચલાવીને સુતા પછી સવારે જાગીને સૌથી પહેલા ફોન જોવાથી સ્ટ્રેસ લેવલ સવારમાં જ વધી જાય છે. સવારે કલાકનો સમય પણ જો ફોનમાં પસાર કરી દેવામાં આવે તો દિવસ દરમિયાન મગજ થાકેલું રહે છે. કોઈપણ કામમાં ફોકસ કરી શકાતું નથી અને ધીરે ધીરે સ્ટ્રેસ વધવા લાગે છે. લાંબા સમય સુધી આ કુટેવ રહે તો નોટિફિકેશન આવ્યા પછી વ્યક્તિ ફોન ચેક કર્યા વિના રહી ન શકે તેવી હાલત થઈ જાય છે.
લો એનર્જી
સવારે જાગીને સૌથી પહેલા ફોન જોવાથી શરીરની એનર્જી ઓછી થઈ જાય છે. તમે ટોયલેટમાં બેસીને કે બેડ પર સુતા સુતા અડધી કલાક પણ ફોન જોઈ લેશો તો તમારું મગજ થાકી જશે. ત્યાર પછી દિવસ દરમિયાન તમે એક્ટિવ નહીં રહી શકો. આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો તમારા શરીરની એનર્જી ધીમે ધીમે ઘટવા લાગે છે અને શરીરમાં બીમારીઓ વધવા લાગે છે
મેન્ટલ હેલ્થ ખરાબ થવી
સવારે જાગીને સૌથી પહેલા ફોન ચેક કરવાથી મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર થાય છે. ખાસ કરીને શોર્ટ રીલ્સ કે વીડિયો જોવાથી મગજ હંમેશા ટેન્શનમાં રહે છે અને નેગેટિવ વિચારો વધી જાય છે. આ આદતથી મેમરી લોસ પણ થાય છે. જે લોકો સવારના સમયે શોર્ટ વીડિયો જોવામાં સમય પસાર કરે છે તેનો મૂડ આખો દિવસ ખરાબ રહે છે.

