ડ્રેસિંગને આપો નવો ટ્વિસ્ટ; શર્ટથી લઈને ટ્યુબ ટોપ્સ સુધી આ પ્રકારના નેકપીસ તમારી સુંદરતામાં લગાવશે ચાર ચાંદ

મહિલાઓને સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી સૌથી વધુ સતાવતો પ્રશ્ન એ હોય છે કે, "હવે ગળામાં શું પહેરું? આ ડ્રેસ સાથે શું શોભશે?" અથવા તો જે હાર કે ચેઈન પહેરી હોય તે સારી ન દેખાતી હોય અને બીજી ટ્રાય કરવા જેટલો સમય ન બચ્યો હોય. વાચક બહેનો, આવો આજે ડ્રેસ કે બ્લાઉઝના કયા ફેશન સ્ટાઇલની નેકલાઇન સાથે કેવા પ્રકારનો નેકપીસ સારો લાગશે તે જોઈએ.
૧. બટન અપ શર્ટ
ક્લોઝ નેકલાઇન ધરાવતા અને કૉલરને બટન વડે બંધ કરી શકાતા નેકને 'બટનઅપ શર્ટ' તરીકે ઓળખવામાં આવે છે. બટનઅપ શર્ટ સાથે મોટા પેન્ડન્ટવાળી ટૂંકી ચેઈન માફક આવશે. ચેઈનનો પાતળો ભાગ શર્ટના કૉલરથી ઢંકાઈ જતો હોય છે, તેથી મધ્યમાં ફક્ત બ્રાઇટ પેન્ડન્ટ જ નજરે પડે છે. આથી પેન્ડન્ટ હંમેશાં થોડું ચમકીલું રાખવું.
૨. સ્ટ્રેપલેસ અને ટ્યુબ ટોપ્સ
શહેરોની કાળઝાળ ગરમીમાં સ્ટ્રેપલેસ અને ટ્યુબ ટોપ વધુ પહેરાતા હોય છે, જેને આપણે 'શોલ્ડર લેસ' ટોપ તરીકે પણ ઓળખીએ છીએ. આવી નેકલાઇનવાળા ડ્રેસમાં પહેરનારના કૉલર બોન દેખાતા હોય છે. આવી નેકલાઇન પર ગળાને ચીપકી રહેતું 'ચોકર' ખૂબ જ એલિગન્ટ દેખાશે. ખભાનો ભાગ ખુલ્લો હોવાને કારણે ચોકર જેવા નેકપીસ તરત જ નજરે ચડશે.
૩. બોટનેક
બોટનેક એટલે કૉલર બોન પાસેના બંને છેડે નેકલાઇનને લંબાવવામાં આવતી આડી નેક સ્ટાઇલ. ગળાની આસપાસથી ખભા સુધીની ત્વચાને ખુલ્લી રાખતી આ નેકલાઇન સાથે ઝીણા મોતીની લાંબી માળા અથવા બીડ્સનો લાંબો નેકલેસ શોભી ઊઠશે. લાંબો નેકપીસ આવી આડી નેકલાઇન પર તરત જ લોકોનું ધ્યાન ખેંચે છે.
૪. સ્વીટહાર્ટ નેકલાઇન
હાર્ટશેપ નેકલાઇન હંમેશાં એવરગ્રીન એટલે કે 'ઇન-થિંગ' રહી છે. આવી નેકલાઇન સાથે હંમેશાં ગોળ પેન્ડન્ટ સરસ લાગે છે. જો પેન્ડન્ટની આજુબાજુ કોઈ કળાત્મક ડિઝાઇન હશે તો તે વધુ આકર્ષક લાગશે.
૫. ટર્ટલનેક અથવા પોલોનેક
ગળું આખું ઢાંકી દેતા ટર્ટલનેક ટોપ્સ એકદમ ક્લાસી લાગે છે. આ સ્ટાઇલમાં કૉલર બોન્સ અને ગળાનો ઘણો ભાગ ઢંકાઈ જતો હોય છે. અહીં ગળા ફરતે બંધબેસતો નેકલેસ કે ચેઈન પહેરવાનું ટાળવું જોઈએ. જો પહેરવું જ હોય, તો પાતળી ચેઈનમાં એકાદ મધ્યમ આકારનું પેન્ડન્ટ પરોવીને પહેરી શકાય.
૬. વી-શેપ
આવી નેકલાઇન પર તેના 'વી' આકાર સાથે બંધબેસતા આકારનો જ નેકપીસ પહેરવો પડે છે. મધ્યમ લંબાઈ ધરાવતી ચેઈનમાં નાનકડું અને આકર્ષક પેન્ડન્ટ ખૂબ સરસ દેખાશે.
૭. સ્કૂપ નેક
સ્કૂપ નેક ગળા ફરતેના ઘણાખરા ભાગને ખુલ્લો રાખે છે. સ્કૂપ નેક એટલે કે બ્રોડ રાઉન્ડ નેક. આવી નેકલાઇન સાથે તેના આકારને મેચ થાય તેવો જ નેકપીસ પહેરવો. અહીં ફક્ત ચેઈન સાથેનું પેન્ડન્ટ નહીં ચાલે, પરંતુ વ્યવસ્થિત ડિઝાઇન થયેલો નાનકડો હાર હોય તેવો નેકપીસ પહેરવો પડશે.

