Sahiyar : પુરુષોમાં એક્ઝિક્યુટિવ સ્ટાઇલ સ્ટેટમેન્ટ

- અમુક કોમ્બિનેશન ફેશનમાં હંમેશાં પસંદ કરવામાં આવે છે
ફેશન માટે એક પ્રચલિત વાક્ય છે : ફેશન એને કહેવાય જે તમને વર્ષમાં ચાર જુદા-જુદા સમયે જોવા મળે,સ્ટાઇલ એ છે જે તમે આ ફેશનમાંથી પસંદ કરો.ઓફિસ માટે ફોર્મલ પહેરીને જવાના છે એટલે પેન્ટ-શર્ટ,બેલ્ટ,શૂઝ તો હોવા જ જોઈએ એ મૂળભૂત વિચારધારા છે. જોકે મીટિંગમાં કે ઇન્ટરવ્યુ વખતે યોગ્ય છાપ છોડવા માટે પુરુષોમાં અમુક ફેશન-કોમ્બિનેશન ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત સેલ્સ કે માર્કેટિંગની મીટિંગમાં ક્લાયન્ટ સામે પહેલી નજરે જ ધારદાર ઇમ્પ્રેશન મૂકવી જરૂરી હોય છે. અમદાવાદમાં કોર્પોરેટ કલ્ચર પૂરજોશથી ધમધમી રહ્યું છે અને એમાં પુરુષ અલગ તરી આવી શકે એ માટે પર્ફેક્શન પણ જરૂરી છે.
ફોર્મલ સૂટ પહેરવામાં પણ પ્રસંગ મુજબ પસંદગી કરવી જોઈએ એમ જાણકારોનું કહેવું છે. મીટિંગ કે ઇન્ટરવ્યુ માટે ડાર્ક રંગના થ્રી-પિસ સૂટ જબરદસ્ત છાપ મૂકી શકે છે. જોકે ડિનર-પાર્ટી હોય તો એમાં ટક્સેડો પહેરવાનું જણાવવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ જેવા ઉનાળામાં આઉટડોર મુલાકાત વખતે ફક્ત બ્લેઝરનો ઉપયોગ કરવામાં આવે તો એ યોગ્ય ગણાય. કફ-લિન્કનો ઉપયોગ આપણે ઘણો ઓછો કરીએ છીએ. જોકે જેમ સૂટ માટે ખર્ચ કરનારા છે એમ નાનકડી કફ-લિન્ક માટે પણ ખર્ચ કરનારા છે. ચાંદી અથવા વાઇટ ગોલ્ડમાંથી બનેલા કફ-લિન્ક શોભામાં ઉમેરો કરે છે. જો નિયમિત સૂટ પહેરવાના હોય તો કફ-લિન્કનો ઉપયોગ સ્ટાઇલ-સ્ટેટમેન્ટમાં હકારાત્મક છાપ છોડે છે.
સૂટ સાથે એક્ઝિક્યુટિવ ઘડિયાળ જ બંધબેસે. એમાં પણ હવે તો મેચિંગ રંગ માટે અલગ-અલગ બોડીનો ઉપયોગ થઈ શકે એવા વિકલ્પ ઉપ્લબ્ધ છે. ઘણા લોકો ઘડિયાળ અને બેલ્ટના રંગને સૂટના રંગ મુજબ જ રાખે છે. લેધર બેલ્ટનો યોગ્ય ઉપયોગ આઉટફિટના આકર્ષણમાં વધારો જ કરે છે. એમાં પણ યુવાનો બકલમાં અમુક પ્રયોગો કરતા હોય છે,પણ એક્ઝિક્યુટિવ લુક માટે આ પ્રયોગોથી દૂર જ રહેવું. ટાઇમાં પણ રંગ અને ફેબ્રિકમાં પ્રયોગ થતા હોય છે. જાણકારોના મતે સિલ્ક ટાઇ પહેરવાથી સૂટ હોય કે ન હોય,અસર એક સરખી જ રહે છે.
ઘણા લોકો પેન અચૂક સાથે રાખતા હોય છે. રોલરબોલ પેનનો ઉપયોગ સૂટ સાથે હવે વધતો ગયો છે. મોંઘીદાટ પેન ડાર્ક અને દેખાવને કારણે કોર્પોરેટ કલ્ચરમાં ફેવરિટ થઈ ગઈ છે. આ ઉપરાંત જાણકારો માને છે કે રોલરબોલ પેન વડે લખતી વખતે તમારી ઘડિયાળના આકર્ષણમાં પણ ઉમેરો થશે. બેગ ફક્ત મહિલાઓ જ ઉપયોગ કરે એવું નથી. પુરુષોની ઓફિસ બેગ એક્ઝિક્યુટિવ લુક માટે ખૂબ જ જરૂરી ગણાય છે. ફક્ત એક લેપટોપ બેગમાં બીજા બધા કાગળિયા રાખવાનું પસંદ કરનારાએ આ બેગનો ઉપયોગ કરવો જોઈએ.
આ ઉપરાંત જ્યારે ફોર્મલ મુલાકાત ન હોય અને કોઈ ગેમ માટે અથવા ટ્રાવેલિંગમાં સાથે હોઈએ તો પોલો ટી-શર્ટ ખૂબ જ ઉપયોગી છે. કમ્ફર્ટેબલ હોવાની સાથે સ્ટાઇલમાં પણ એ ઉમેરો જ કરે છે. આ ઉપરાંત અમદાવાદની ઠંડી અને ચોમાસું પણ ઘણી વખત નડતરરૂપ બની શકાય એવા હોય છે. આ માટે ઓલ-ટેરેન જેકેટની પસંદગી કરી શકાય. એક જેકેટના ખર્ચામાં જ બન્ને ઠંડી અને વરસાદ સામે રક્ષણ મેળવી શકાય છે.

