Skin Care Tips / આ લોકોએ ચહેરા પર ન લગાવવી જોઈએ મલાઈ, નહીં તો વધી જશે પિમ્પલ્સની સમસ્યા

ભારતીય ઘરોમાં વર્ષોથી ત્વચાને ચમકદાર અને નરમ બનાવવા માટે મલાઈનો ઉપયોગ કરવામાં આવે છે. મલાઈમાં રહેલ લેક્ટિક એસિડ અને ફેટ કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. જોકે, જેમ દરેક દવા દરેક બીમારી માટે નથી હોતી, તેમ મલાઈ દરેક ત્વચા પ્રકાર માટે ફાયદાકારક નથી.
ચહેરા પર મલાઈ લગાવવી કેટલીક સ્કિન ટાઈપ અને સ્થિતિ ધરાવતા લોકો માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે ચહેરા પર મલાઈનો ઉપયોગ કોણે ટાળવો જોઈએ.
ઓઈલી ત્વચા ધરાવતા લોકો
જે લોકોની ત્વચા પહેલાથી જ વધુ પડતું તેલ ઉત્પન્ન કરે છે તેમના માટે મલાઈ એક મોટી સમસ્યા બની શકે છે. મલાઈમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે ઓઈલી ત્વચા ધરાવતા લોકો તેને ચહેરા પર લગાવે છે, ત્યારે તે ત્વચાની સપાટી પર ભારે અને ચીકણું પડ બનાવે છે. આનાથી ત્વચા વધુ પડતી ચીકણી દેખાઈ શકે છે અને તેની કુદરતી ચમક છીનવી શકે છે.
એક્ને અને પિમ્પલ્સ ધરાવતા લોકો
જો તમને વારંવાર એક્ને અથવા ખી પિમ્પલ્સ થાય છે, તો મલાઈ ખતરો બની શકે છે. મલાઈ કોમેડોજેનિક છે, એટલે કે તે ત્વચાના પોર્સને બંધ કરી દે છે. ભરાયેલા પોર્સ બેક્ટેરિયાના વિકાસ તરફ દોરી શકે છે, જેનાથી એક્ને અને પિમ્પલ્સની સમસ્યા વધી જાય છે.
બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યા
મલાઈ ભારે હોવાથી ત્વચામાં ફસાયેલી ધૂળ અને ગંદકીને બહાર નીકળતા અટકાવે છે. જ્યારે મલાઈમાં રહેલું તેલ પોર્સમાં ફસાઈ જાય છે, ત્યારે તે ઓક્સિડાઇઝ થાય છે અને બ્લેકહેડ્સ તેમજ વ્હાઇટહેડ્સ બનાવે છે. જો તમારી ત્વચા સરળતાથી ક્લોગ થઈ જાય છે, તો મલાઈનો ઉપયોગ ત્વચાને રફ ટેક્સચર તરફ દોરી શકે છે.
સેન્સેટિવ ત્વચા
જોકે મલાઈ કુદરતી છે, પરંતુ ડેરી ઉત્પાદનોમાં રહેલા કેટલાક પ્રોટીન અને લેક્ટિક એસિડ સેન્સેટિવ ત્વચા પર રિએક્ટ કરી શકે છે. કેટલીકવાર મલાઈ લગાવવાથી ચહેરા પર ખંજવાળ, ફોલ્લીઓ અથવા હળવી બળતરા થઈ શકે છે. જો તમને ડેરી ઉત્પાદનોથી એલર્જી હોય, તો તમારા ચહેરા પર મલાઈ લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરાવવો મહત્ત્વપૂર્ણ છે.
મલાઈ લગાવવાની યોગ્ય રીત
જો તમારી ત્વચા ખૂબ જ શુષ્ક હોય તો જ મલાઈનો ઉપયોગ ફાયદાકારક છે. જોકે, તેને લગાવવાના કેટલાક નિયમો છે, મલાઈને તમારા ચહેરા પર કલાકો સુધી ન રાખો. 10-15 મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. એકલી મલાઈ લગાવવાને બદલે તેની તેમાં થોડો ચણાનો લોટ મિક્સ કરો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

