Skin Care Tips / વરસાદની ઋતુમાં ત્વચા માટે હાનિકારક છે આ 3 વસ્તુઓ, જાણો શા માટે ન કરવો જોઈએ તેનો ઉપયોગ

સ્કિન કેર માટે મોંઘા અને કેમિકલવાળા પ્રોડક્ટ્સ કરતાં કુદરતી વસ્તુઓ વધુ અસરકારક છે. રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે ત્વચાની સંભાળ રાખી શકાય છે. જોકે, અલગ અલગ ત્વચા પર અલગ અલગ ઉપાય કામ કરે છે. તેવી જ રીતે, તમારા ચહેરાને અનુકૂળ વસ્તુઓ ઋતુ અનુસાર પણ બદલાય છે. અત્યારે વરસાદની ઋતુ છે. ચોમાસામાં ભેજ અને બેક્ટેરિયાની હાજરીને કારણે, ત્વચાની ખાસ કાળજી લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
ઘણા લોકો માને છે કે રસોડામાં હાજર વસ્તુઓ ત્વચા માટે સલામત છે, પરંતુ દરેક ઋતુમાં બધું જ ફાયદાકારક નથી. વરસાદની ઋતુમાં, કેટલીક વસ્તુઓ તમારી ત્વચાને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં કઈ વસ્તુઓ લગાવવી જોઈએ.
ચણાનો લોટ
ચણાનો લોટ એક કુદરતી ક્લીંઝર છે જે તમારી ત્વચામાંથી ગંદકી, અશુદ્ધિઓ અને વધારાનું તેલ દૂર કરે છે. ઓઈલી ત્વચા ધરાવતા લોકો માટે ચણાનો લોટ ખૂબ જ અસરકારક ઉત્પાદન છે. તે ખીલ અટકાવે છે અને ત્વચાના રંગને સુધારે છે. જોકે, વરસાદની ઋતુમાં ચણાનો લોટ ત્વચાને ડ્રાય કરી શકે છે. ભેજવાળા હવામાનમાં, તે ત્વચામાંથી કુદરતી તેલ દૂર કરે છે, જે ફોલ્લીઓની સમસ્યાઓનું કારણ બની શકે છે.
લીંબુ
લીંબુ તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તે ડાઘ-ધબ્બા દૂર કરે છે. લીંબુમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે જે ચોમાસામાં સેન્સેટીવ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ત્વચા પર લાલ ફોલ્લીઓ, ખંજવાળ અથવા બળતરા થઈ શકે છે. સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ત્વચા બળી જવાનું જોખમ વધે છે.
હળદર
હળદરમાં એન્ટી-ઈફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે બળતરાગ્રસ્ત ત્વચાને શાંત કરે છે. હળદર ચહેરાની કરચલીઓ અટકાવે છે અને ત્વચા પરથી ડાઘ હળવા કરવામાં ફાયદાકારક છે. જોકે, ચોમાસા દરમિયાન હવામાં વધુ ભેજ હોય છે, જેના કારણે હળદરની પેસ્ટ ત્વચા પર ફંગલ ઇન્ફેકશનનું કારણ બની શકે છે. જો તમારી ત્વચા સેન્સેટીવ હોય, તો હળદર એલર્જીનું કારણ બની શકે છે.
ત્વચા પર શું લગાવવું?
જો તમારા સ્કિન કેર રૂટીનમાં ચણાનો લોટ, હળદર અથવા લીંબુનો સમાવેશ થાય છે અને તમે ચોમાસામાં તેનાથી થતા નુકસાનને ટાળવા માંગો છો, તો તમે પેચ ટેસ્ટ કરી શકો છો. જો તેના ઉપયોગથી ત્વચાની સમસ્યાઓ થાય છે, તો વરસાદની ઋતુમાં લીંબુ, ચણાનો લોટ અને હળદરનો ઉપયોગ બંધ કરો.
તેના બદલે, ચોમાસામાં દિવસમાં બે વાર હળવા ફેસવોશથી ચહેરો સાફ કરો. આ ઋતુમાં તમે એલોવેરા જેલ, ગુલાબજળ અથવા ચંદન પાવડરનો ઉપયોગ કરી શકો છો. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે, મોઇશ્ચરાઇઝર અને હળવું સનસ્ક્રીન લગાવો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

