શું મુંબઈ-કોલકાતા ડૂબી જશે? UNની ચેતવણીથી વધ્યો ખતરો

UN Warns India Over Mumbai-Kolkata Sea Level Rise : કોલકાતા અને મુંબઈમાં લાખો લોકોના ઘરો પર અસ્તિત્વનું સંકટ તોળાઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, સમુદ્રનું જળસ્તર વધવાથી દક્ષિણ એશિયાના નીચાણવાળા વિસ્તારોમાં લાખો લોકોના ઘરો પાણીમાં ડૂબી જવાનો ખતરો છે.
1.4 કરોડથી વધુ લોકો જોખમમાં
અહેવાલ મુજબ ભારતના કોલકાતા અને મુંબઈ તેમજ બાંગ્લાદેશના ઢાકા જેવા વિસ્તારોમાં સમુદ્રનું જળસ્તર વધવાથી 1.4 કરોડથી વધુ લોકોના ઘરો કાયમ માટે પાણીમાં ડૂબી જવાનું તાત્કાલિક જોખમ છે. જળસ્તર વધવાથી શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણીની વ્યવસ્થા, પરિવહન, વીજળી અને ઈમારતોને પણ નુકસાન થઈ રહ્યું છે.
ગ્લોબલ વોર્મિંગ મુખ્ય કારણ
અહેવાલ મુજબ સમુદ્રના જળસ્તરમાં ઝડપી વધારા પાછળ માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગ મુખ્ય કારણ છે. ગ્લેશિયર્સ પીગળવા અને મહાસાગરોનું પાણી ગરમ થવાથી તેની સપાટી વધી રહી છે. 2014થી 2023 દરમિયાન વિશ્વભરમાં દરિયાનું જળસ્તર દર વર્ષે સરેરાશ 4.7 મિલીમીટર વધ્યું હતું, જ્યારે 2024માં તેમાં 5.9 મિલીમીટરનો વધારો નોંધાયો હતો.
77 કરોડ લોકો પર ખતરો
UNના જણાવ્યા મુજબ, વિશ્વની આશરે 10 ટકા વસ્તી એટલે કે લગભગ 77 કરોડ લોકો દરિયાકિનારે એવા વિસ્તારોમાં રહે છે, જે હાઈ ટાઈડ લાઈનથી 5 મીટરથી પણ ઓછી ઊંચાઈ પર છે. જળસ્તર વધવાથી ભવિષ્યમાં તેમના રહેઠાણ અને જીવન પર ગંભીર અસર પડી શકે છે.

