VIDEO: 'રાફેલની જેમ ફરી માફી માગવી પડશે!' રાહુલ ગાંધીએ દેશને ગેરમાર્ગે દોર્યો? સંબિત પાત્રાનો પલટવાર
ચૂંટણી પંચ અને મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે કોંગ્રેસના આક્ષેપો સામે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ ડૉ. સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધી પર દેશને બે મોટા મુદ્દાઓ પર ગેરમાર્ગે દોરવાનો અને અરાજકતા ફેલાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ બંનેના નામે ખોટા નિવેદનો આપ્યા છે.
સંબિત પાત્રાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ મુખ્યત્વે બે બાબતો પર જનતાને ગેરમાર્ગે દોરી છે.
૧. ફોર્મ-૬ ગેરકાયદેસર હોવાનો ખોટો દાવો:
સંબિત પાત્રાએ સ્પષ્ટતા કરી કે, "રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કોર્ટે ફોર્મ-૬ને ગેરકાયદેસર ગણાવ્યું છે અને તેમાં ભાજપનું નામ જોડી દીધું. વાસ્તવિકતા એ છે કે સુપ્રીમ કોર્ટે આજે ફોર્મ-૬ને કોઈ રીતે ગેરકાયદેસર ઠેરવ્યું નથી. કોર્ટે માત્ર એટલું કહ્યું છે કે અરજીમાં ફોર્મ-૬માં ફેરફારનો ઉલ્લેખ હોવાથી તેઓ આ મામલાની તપાસ કરશે. ચૂંટણી પંચે ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ની પ્રેસ રિલીઝમાં પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે ફોર્મ-૬માં કોઈ ફેરફાર કરાયો નથી અને તેની સાથે જોડાયેલું ડિક્લેરેશન ફોર્મ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું હતું. રાહુલ ગાંધીનો આ દાવો રાફેલ કેસ જેવો જ છે, જ્યાં અગાઉ પણ તેમણે કોર્ટના નામે જૂઠ બોલીને અંતે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપીને બિનશરતી માફી માગવી પડી હતી. આ વખતે પણ તેમણે પરિણામ ભોગવવા પડશે."
૨. ચૂંટણી પંચના નિર્ણયમાં મતભેદ હોવાનો આરોપ ખોટો:
બીજા મુદ્દા પર સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું કે, "રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે આ નિર્ણય સર્વાનુમતે લેવાયો નહોતો અને ત્રણેય ચૂંટણી કમિશનરો વચ્ચે સહમતી નહોતી. જોકે ભારતીય ચૂંટણી પંચે (ECI) પોતાના ફેક્ટ-ચેકમાં આ વાતને તદ્દન ખોટી સાબિત કરી દીધી છે. ચૂંટણી પંચના ફેક્ટ-ચેક અનુસાર, બિહારમાં SIR સંદર્ભે ૨૪ જૂન ૨૦૨૫ના રોજ જારી કરાયેલો આદેશ ત્રણેય કમિશનરોની સંપૂર્ણ સર્વાનુમતીથી જ પાસ કરાયો હતો. એટલું જ નહીં, માનનીય સુપ્રીમ કોર્ટે ૨૭ મે ૨૦૨૬ના પોતાના ચુકાદામાં આ આદેશને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો હતો."
સંબિત પાત્રાએ અંતમાં જણાવ્યું કે જે દિવસે પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી હતી ત્યારે ત્રણેય કમિશનરોએ સાથે બેસીને સત્તાવાર તસવીર પણ જાહેર કરી હતી. આ બંને પાયાવિહોણા દાવાઓ થકી રાહુલ ગાંધી દેશમાં બંધારણીય સંસ્થાઓ સામે અવિશ્વાસ ઊભો કરી જાણીજોઈને અરાજકતાનો માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

