Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Will additional tax be imposed on those going abroad? PM Modi himself responded to the rumors

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? અફવાઓ પર ખુદ પીએમ મોદીએ આપ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? અફવાઓ પર ખુદ પીએમ મોદીએ આપ્યો જવાબ
સોર્સ : gstv

Foreign Travel Tax Rumor: એક અહેવાલમાં વિદેશ યાત્રા પર ટેક્સ, સેસ અથવા સરચાર્જ લગાવવાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે સરકાર વિદેશ પ્રવાસ કરનારા નાગરિકો પર વધારાનો આર્થિક બોજ નાખવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે, આ અહેવાલો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ પીએમ મોદીએ પોતે સામે આવીને આ તમામ સમાચારોને સદંતર ખોટા ગણાવ્યા છે. પીએમના સત્તાવાર ખુલાસા બાદ સંબંધિત ન્યૂઝ ચેનલે ખેદ વ્યક્ત કરીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને આ સમાચારને પોતાની વેબસાઇટ પરથી હટાવી દીધી હતી.

App Store

વાઇરલ અહેવાલમાં શું દાવો કરવામાં આવ્યો હતો?

આ અહેવાલમાં દાવો કરાયો હતો કે આ પ્રસ્તાવ પર સરકારમાં ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, આયાત ખર્ચ અને વૈશ્વિક યુદ્ધની સ્થિતિના કારણે ઊભા થયેલા આર્થિક દબાણને પહોંચી વળવા માટે આ ટેક્સ હંગામી ધોરણે લાગુ થઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું હતું કે આ ટેક્સ એક વર્ષ માટે લગાવવામાં આવી શકે છે અને તેનાથી થનારી તમામ કમાણી સીધી કેન્દ્ર સરકાર પાસે જશે. જોકે, આ વાઇરલ રિપોર્ટ અંગે તે સમયે નાણાં મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી.

લોકોમાં વધી ચિંતા અને અટકળો

વિદેશ યાત્રા મોંઘી થવાના આ અહેવાલો બહાર આવ્યા બાદ સામાન્ય લોકોમાં ભારે ચિંતા અને અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિદેશ પ્રવાસ, બિઝનેસ ટ્રિપ અને ઇન્ટરનેશનલ ટૂરિઝમને લઈને અલગ-અલગ પ્રકારની નકારાત્મક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, જેના લીધે પ્રવાસીઓમાં મૂંઝવણ વધી હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો

બજાર અને સામાન્ય લોકોમાં વધી રહેલી ચિંતા વચ્ચે પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. પીએમએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, 'આ સંપૂર્ણપણે ખોટું છે. આ વાતમાં જરાય સત્ય નથી. વિદેશ યાત્રા પર આ પ્રકારના કોઈપણ પ્રતિબંધો લગાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અમે અમારા દેશના લોકો માટે 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' અને 'ઇઝ ઓફ લિવિંગ'ને વધુ બહેતર બનાવવા માટે હંમેશા કટિબદ્ધ છીએ.'

પીએમના નિવેદનથી અટકળો પર લાગી બ્રેક

પીએમના આ કડક અને સ્પષ્ટ નિવેદન બાદ વિદેશ પ્રવાસ પર નવો ટેક્સ લગાવવાની તમામ અટકળોનો અંત આવી ગયો છે. પીએમ તરફથી એ સાફ કરી દેવામાં આવ્યું છે કે નાગરિકોના વિદેશ પ્રવાસને હતોત્સાહિત કરવાની કે તેમના પર કોઈ વધારાનો આર્થિક બોજ નાખવાની સરકારની કોઈ યોજના નથી. આર્થિક બાબતોના નિષ્ણાતોનું પણ માનવું છે કે વૈશ્વિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના ગાળામાં આવી અફવાઓ ખૂબ ઝડપથી ફેલાતી હોય છે, પરંતુ પીએમ મોદીની આ પોસ્ટથી વૈશ્વિક બજાર અને સામાન્ય જનતા બંનેને મોટી રાહત મળી છે. નોંધનીય છે કે વિદેશ યાત્રા માત્ર ટૂરિઝમ પૂરતી સીમિત નથી, પરંતુ તે દેશના બિઝનેસ, એજ્યુકેશન, ઇન્વેસ્ટમેન્ટ અને કલ્ચરલ એક્સચેન્જ સાથે પણ સીધી જોડાયેલી હોય છે.